*”જેટલો હવામાં ભેજ છે,*
*અમારા જ આંસુનો દસ્તાવેજ છે.”*
‘નેકસ્ટ પેશન્ટ પ્લીઝ’ , ડોકટરની કેબિનમાંથી ઘંટડી રણકી અને જવાબમાં બીજી સેકેન્ડે કેબિનનું બારણું ખોલીને બીજી ઘંટડી રણકી, “મે આઇ કમઈન સર.?” ડોકટર પારેખે ઘંટડી જેવા અવાજની માલિક એવી યુવતી સામે જોયુ, તો તેમની આંખ ખુલ્લી જ રહી ગઇ. આવી અનુપણ સૌંદર્ય ધરાવતી યુવતી પહેલીવાર જોઇ હતી. તેની પાછળ એક યુવાન પણ આવ્યો. ડોકટરે ‘પ્લીઝ કમઈન’ કહેતા બન્ને અંદર આવ્યા.
તે યુવાને સ્ત્રી દાક્ષણ્યતા દાખવતા ખુરશી ખેંચીને પહેલા તે યુવતીને બેસાડી, તે બેઠી એટલે તેના ખભા પર હાથ રાખીને પ્રેમ દર્શાવ્યો અને પછી પોતે પણ ખુરશી ખેંચીને બેઠો. બેસીને પણ તેણે યુવતીનો હાથ પકડી રાખ્યો. બન્ને શું બોલવું તે વિચારતા એકબીજાની સામે જોતા હતા. ડોકટર પારેખ બે મિનિટ તેમની સામે જોઇ રહ્યાં. તેમના હાવભાવ અને તેમની આંખો કહેતી હતી કે બન્ને એકબીજાને ખૂબ પ્રેમ કરે છે. જે રીતે તે યુવકે યુવતીનો હાથ પકડી રાખ્યો હતો તે જોઇને લાગતું હતું કે તે ખૂબ ધ્યાન રાખે છે.

બે મિનિટ પછી ડોકટરે આવવાનું કારણ પુછયું તો તે યુવકે કહ્યું , ” સર મારૂં નામ નિશાંત છે, આ મારી ફિયાન્સી મૃગા છે. તેને થોડી તકલીફ છે.” ડોકટરે મૃગાની તરફ નજર કરી તો તે બોલી, “સર મને છાતીમાં ડાબી બાજુ ગાંઠ જેવું લાગે છે.” ડોકટરે પાકકુ કરવા પુછયું કે , “તમને કેવી રીતે ખબર પડી કે તમને ગાંઠ છે ..? કંઇ દુખાવો થાય છે …?”
ડોકટરના સવાલના જવાબમાં નિશાંત બોલી ઉઠયો, “સર… એને કયાં ખબર જ હતી, આ તો મને ખબર…” તેનું વાકય અધુરું રહી ગયું. બાજુમાં બેઠેલી મૃગાએ આંખો કાઢતા તેની સામે જોયું એટલે તે અટકી ગયો. બન્ને છોભીલા પડીને નીચું જોઇ ગયાં. ડોકટર બન્નેનો પ્રેમ જોઇને હસી પડયાં. પછી મૃગાને તપાસતા લાગ્યું કે ખરેખર ગાંઠ જેવું છે , એટલે તેમણે બીજા ટેસ્ટ કરાવી લેવા કહ્યું.

બીજા દિવસે આવવાનું કહીને બન્ને ગયા. પછી થોડા દિવસ બઘા ટેસ્ટ ચાલ્યા. બન્ને આવતા ત્યારે તેમની વચ્ચે છલકતો પ્રેમ જોઇને ડોકટર પારેખ રાજી થતાં. તેમણે એકવાર પુછયું પણ ખરા કે લગ્ન કયારે કરવાના છો ??
જવાબમાં નિશાંત ઉછળી પડયો અને બોલ્યો, “સર.. હું પણ એવું જ કહું છું, પણ મૃગા હજી ના પાડે છે, હવે તો મારાથી તેના વગર….” પાછું તેનું વાકય મૃગાનો મીઠો રોષથી ભરેલો ચહેરો અને આંખો જોઇને અધુરુ રહી ગયું. ડોકટર ખડખડાટ હસી પડયા. મૃગાને કહ્યું, “બેન આટલો પ્રેમ કરનાર ભાગ્યે જ કોઇને મળે છે , હવે જલ્દી લગ્ન કરી લ્યો.”

મૃગા શરમાઇ ગઇ, અને બોલી, “બસ સર.. આ તકલોફ મટી જાય એટલે કરી લઇશું.” પંદર દિવસ બઘા ટેસ્ટ ચાલ્યા. પછી રિપોર્ટ આવ્યો કે મૃગાને ડાબી બાજુ છાતીમાં કેન્સર છે, તે ભાગને ઓપરેશન કરો કાઢવો પડશે. રિપોર્ટ જોઇને ડોકટર પારેખને પણ આઘાત લાગ્યો. મૃગાની હાલત તો બહુ જ ખરાબ હતી. બસ નિશાંત હિંમતવાળો હતો. તેણે તરત જ કહી દીધુ કે, “સર.. મારી મૃગાને બચાવી લો… ઓપરેશન કરી આપો..”
ડોકટર પારેખે સમજાવીને કહ્યું કે, “બે દિવસ પછી આવજો, ઘરમાં બઘાને વાત કરી દો, પછી નકકી કરશું.” નિશાંતે એક જવાબદાર પ્રેમીની જેમ જ જવાબ આપ્યો, “ઘરમાં જણાવીશું પણ નિર્ણય પાકકો છે. મૃગાને બચાવવા તેની છાતી કાઢવી પડે તો વાંઘો નથી.”
તે દિવસે તો બન્ને ગયા. પણ બીજા દિવસે મૃગા એકલી ડોકટરને મળવા આવી. તેણે પુછયું કે, “સર.. ઓપરેશન સિવાય બીજો કોઇ રસ્તો નથી..? નિશાંત મને ખૂબ ચાહે છે. તેની સાથે સગાઇ થયા પછીના છ મહિનામાં જ તેણે મને દુનિયાભરની બઘી જ ખુશી આપી છે. પ્રેમની શરૂઆત જ તે છાતી પર હાથ અડાડીને કરે છે. જો હવે છાતી જ નહી રહે તો તેને પ્રેમમાં ખોટ નહી લાગે ?? પ્રેમની ક્ષણોમાં અભાવ મહેસુસ નહી થાય ..?”

ડોકટરે તેને સમજાવતા કહ્યું, “જો મૃગા ઓપરેશન નહીં થાય તો બઘા કીટાણું તારા આખા શરીરમાં ફેલાઇ જશે. મારા માટે તને બચાવવી મહત્વની છે. નિશાંતનો પ્રેમ સાચો હશે તો ઓપરેશન પછી પણ તને ચાહતો રહેશે. તું ઓપરેશન કરાવી લે.” મૃગા ગઇ, બે દિવસ પછી મૃગા અને નિશાંત પાછા આવ્યા આ વખતે મૃગાના મમ્મી – પપ્પા પણ આવ્યા હતાં. તેમણે પણ બીજા ઉપાય વિશે પુછયું, પણ બીજો કોઇ ઉપાય ન હોવાથી બે દિવસ પછી ઓપરેશનની તારીખ નકકી કરી લીઘી. ડોકટરે સવારે આવી જવાનું કહ્યું.

બે દિવસ પછી મૃગા આવી સાથે તેના મમ્મી – પપ્પા હતા. ડોકટરને આશ્ર્ચર્ય થયું કે દર વખતની જેમ નિશાંત સાથે ન હતો ડોકટરે પુછયું તો મૃગાએ રડતા રડતા જવાબ આપ્યો , “તે ગઇ કાલનો મારો ફોન રીસીવ નથી કરતો.” તેના મમ્મી ગુસ્સામાં બોલ્યાં, “સર… નિશાંતનો પ્રેમ છીછરો નીકળ્યો, મૃગાની તકલીફ અને હવે તેના શરીરનું નુકસાન જોઇને તે ભાગી ગયો. પ્રેમની વાતો કરવી સહેલી છે, પણ કેન્સર જેવા દર્દમાંથી અંગ કપાવેલી છોકરી સાથે જીવન ગુજારવું અઘરૂં છે, તેમ વિચારીને ભાગી ગયો.”
ડો. પારેખને નવાઇ લાગી તેણે નિશાંતને એવો માન્યો ન હતો મૃગાએ કહ્યું, “સર… નિશાંત એવો નથી.. મને વિશ્ર્વાસ છે કે તે મને આવી પરિસ્થિતિમાં મૂકીને ભાગી જાય એવો નથી… તે જરૂર આવશે.” તેની મમ્મીએ કહ્યું, “મૃગા હવે તે ન આવે, મેં તેને પુછયું હતું કે તું મૃગાને અપનાવીશ, પણ તારા મમ્મી પપ્પા તેને અપનાવશે ? મારા સવાલથી તે વિચારમાં પડી ગયો હતો અને કંઇ જ જવાબ આપ્યા વગર ચાલ્યો ગયો હતો, હવે તે ફોન પણ નથી ઉપાડતો.”

ડો. પારેખે રડતી મૃગા અને તેની મમ્મીને શાંત પાડયા. ઓપરેશનની તૈયારી કરી. મૃગાની નજર હજી બારણામાં જ હતી. તેને વિશ્ર્વાસ હતો કે નિશાંત આવશે જ….
સાંજના પાંચ વાગ્યે ઓપરેશન હતું. ચાર વાગ્યા સુઘી નિશાંત આવ્યો ન હતો. મૃગા તેની રાહ જોતી હતી. સાડા ચાર થયા, ત્યાં નિશાંત આવ્યો, સાથે તેના મમ્મી – પપ્પા પણ હતા. તેમના હાથમાં ફૂલોના બે હાર, મંગળસૂત્ર અને કુમકુમની ડબ્બી હતી. નિશાંત આવીને મૃગાની મમ્મીને મળ્યો અને કહ્યું, “તમને શંકા હતી ને કે ઓપરેશન પછી અમે મૃગાને અપનાવશું કે નહી…? તો હું તમને કહું છું કે હું મૃગાને ઓપરેશન પહેલા જ મારી બનાવી લઉં છું, હું હમણાં જ તેની સાથે લગ્ન કરી લઉં છું, હું બઘું જ લઇને આવ્યો છું, મારા મમ્મી પપ્પા પણ તૈયાર છે.”

મૃગાની મમ્મી પાસે કોઇ શબ્દ બાકી ન રહ્યાં. બસ રડતા રડતા તે નિશાંતનો આભાર માની રહ્યાં.
નિશાંતે ઓપરેશન પહેલા જ બઘાની હાજરીમાં મૃગાને મંગળસૂત્ર પહેરાવીને, સેંથીમાં કુમકુમ ભરીને લગ્ન કર્યા. ડો. પારેખ જોઇ રહ્યાં. મૃગામાં જાણે ગજબની શકિત આવી. અત્યાર સુઘી રડતી મૃગા હિંમતથી ડો. પારેખને કહેવા લાગી, “જોયું સર… હું કહેતી હતી ને કે નિશાંત આવશે, મને વિશ્ર્વાસ હતો જ… ચાલો હવે મને કોઇ ઓપરેશનની બીક નથી.”

ડો. પારેખે નિશાંતને અભિનંદન આપ્યા. નિશાંતે કહ્યું, “સર… મૃગાને મારા પર વિશ્ર્વાસ હતો, હું તે કેવી રીતે તોડી શકું…???” ડો. પારેખને લાગ્યું કે, ના હજુ પણ દુનિયામાં પ્યાર અને વિશ્ર્વાસ છે તેથી જ આ દુનિયા ટકી રહી છે…
લેખક : દિપા સોની “સોનું”
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ