નસીબ – આટલી મહેનત કરવા છતાં મને સફળતા નહિ જયારે મારા બાળકોના નસીબમાં આવું…

સવારનો દસનો સમય, તાલુકા કક્ષાનું ગામ, હજી ગામ સોસાયટી – ફલેટથી વિમુખ હતું. શેરીઓમાં સંબંધ જીવતા હતા. આવી જ એક શેરીમાં સવારમાં બૂમ પડી, “ભરતભાઇ મરણ પથારીએ છે, ડોકટરે કહી દીધુ છે કે ભગવાનનું નામ લો.” આટલી બૂમ સાંભળતા શેરીમાં રહેતા વીસ-બાવીશ ઘરના લોકો હાથમાં હતું તે કામ પડતું મૂકીને ભરતભાઇના ઘર તરફ દોડયા.

શેરીમાં સોપો પડી ગયો બધાના ઘરમાં વાગતા ટીવી-રેડિયો બંધ થઇ ગયા શેરીના કુતરા પણ ચૂપચાપ બેસી ગયા શેરીના પૂરુષોના ચહેરા પર ગંભીરતા અને સ્ત્રીઓના ચહેરા પર આંસુ હતા. બાળકો પણ ચૂપચાપ મમ્મીનો પાલવ પકડીને ઊભા હતા. બધા જાણે ભરતભાઇની અંતિમ ક્ષણના સાક્ષીના ભાવે ઉભા હતા.

…. અને ભરતભાઇના ઘરમાં બધાની આંખમાં આંસુ હતા. ભરતભાઈ સુતા હતા, બાજુમાં પત્ની ભારતીબેન, પુત્ર અલ્કેશ, પુત્રી મીતા બેઠા હતા બધાના ચહેરા પર ગમગીની હતી. ભરતભાઇ તૂટક અવાજમાં પત્નીને કહેતા હતા, ” ભારતી.. મેં તને આખી જિંદગી સુખ નથી આપ્યું.. મને માફ કરજે..” “માફી શું કામ માંગો છો? તમે જ તો અમને સાચવ્યા છે… શાંતિથી ભગવાનનું નામ લો.” ભારતીબેને રડતા રડતા પતિની અંતિમક્ષણ સુધારવા ભગવાનને યાદ કરવાનું કહ્યું.

“ભગવાન?? કયાં છે ભગવાન?? હોત તો આપણી આ દશા હોત ?? તે કેટલી પૂજા કરી છે ભગવાનની, મને આ બન્ને બાળકોની ચિંતા છે.. તેમનું શું થશે ??” ભરતભાઇ તૂટક શબ્દોમાં બોલતા હતા. તેમના શ્ર્વાસ ઉછળતા હતા.

“હશે.. જેવા આપણા નસીબ.. સૌ સારાવાના થઇ જશે” ભારતીબેનનું વાકય પૂરૂ થાય એ પહેલા ભરતભાઇનો જીવ નીકળી ગયો ખાલી દેહ રહી ગયો. બે ક્ષણ પહેલાના સૌભાગ્યવતી ભારતીબેન આ ક્ષણે ગં.સ્વ થઇ ગયા બન્ને બાળકો અનાથ થઇ ગયા બહાર ઉભેલા બધા રડી પડયા બધાના મોઢે એક જ વાત હતી, “ભરતભાઈ હજી બે-ચાર વર્ષ રહી ગયા હોત તો દીકરા-દીકરી ઠેકાણે પડી જાત.. પણ ભરતભાઈ બહુ કમનસીબ..

બધાની વાત ખોટી ન હતી . ભરતભાઇ પહેલેથી જ કમનસીબ.. તેમનું જીવન આશ્ર્ચર્યની હારમળા હતી ભરતભાઈ એટલે વારંવાર પડીને ફરીથી તૈમાંથી બેઠા થવા હવાતીયા મારતા વ્યકિત. એક કીડો કે કરોળીયો પણ પાંચ સાત વખતની મહેનત પછી ઊંચાઇએ પહોંચે છે. પણ ભરતભાઇની બધી કોશિશ નકામી ગઇ, તૈ જીવનમાં બે પાંદડે ન થયા તે ન જ થયા ગમે તેટલા ધંધા કર્યા પણ બધા જ નિષ્ફળ…. સાથે દીકરા દીકરી ઉપર પણ તેમના નસીબની અસર હોય તેમ ઉચ્ચ અભ્યાસ પછી પણ તેમની નોકરીનો મેળ પડતો ન હતો. લગ્નનો મેળ પડતો ન હતો.

આમ તો ભરતભાઇ એટલે મોઢામાં સોનાની ચમચી લઇને જનમ્યા હોય તેટલા શ્રીમંત પિતાના સંતાન . ધીકતો ધંધો… મોટું ઘર.. પણ ભરતભાઇના નસીબમાં આ બધું નહી હોય કે તેમના જન્મ પછી થોડા વર્ષોમાં પિતાનું મૃત્યુ અને પછી માતાનું મૃત્યુ.. કાળની એવી થપાટ લાગી કે ધંધો-મકાન કેવી રીતે હાથમાંથી ગયા એ ખબર જ ન પડી. મોટા ઘરમાંથી ભાડાના ઘરમાં આવી ગયા. લગ્ન થયા, બે સંતાન થયા પણ ગરીબીએ પીછો ન છોડયો

ધંધો-ઘર ગયા પછી ભરતભાઈએ ઘર ચલાવવા નાનો મોટો ધંધો શરૂ કર્યો, પણ એકપણ ધંધામાં બરકત ન આવી. બાજુમાં તેના જેવો જ ધંધો ધમધોકાર ચાલતો હોય અને ભરતભાઇ માખીઓ મારતા હોય. આને શું કહેવાય ?? નસીબ જ ને…! !

કપડાંનો, નાસ્તાનો, ગાંઠીયાનો, કટલરીનો, પ્લાસ્ટિકની વસ્તુનો… કેટકેટલા ધંધા અજમાવ્યા. છેલ્લે તો ચા-પાનની કેબિન પણ કરી. પણ બધામાં નિષ્ફળતા.. આર્થિક સ્થિતિ ખૂબ નબળી.. પણ બન્ને બાળકોને જેમ તેમ કરીને ભણાવ્યા પુત્ર અલ્કેશ બી.કોમ થયો અને પુત્રી મીતાએ બી.એડ કર્યુ. અલ્કેશે કેટકેટલી પરીક્ષા આપી. બેંકની, રેલ્વેની, તલાટીની.. પણ કયાંય નોકરીનો મેળ ન પડયો. મીતાએ પણ કેટલા ઇન્ટરવ્યુ આપ્યા, પણ કયાંય સિલેકટ ન થઇ.. ભરતભાઇએ બહુ મહેનત કરી, કેટલાય સાહેબોને મળ્યા, પણ અલ્કેશ-મીતાને નોકરી ન મળી તેમની ચિંતામાં બીમાર પડેલા ભરતભાઇ આજે દેવલોકના રસ્તે ચાલ્યા.

બરાબર બાર વાગ્યે ભરતભાઇએ જીવ છોડયો. કલાક પછી તેમને વિદાઇ આપી અને હજી તો પુરુષો અંતિમયાત્રાએથી પાછા આવે તે પહેલા અલ્કેશના નામનું રજીસ્ટર્ડ આવ્યુ. મીતાએ ભાઇના બદલે સહી કરીને લીધું અને જોવે છે તો બેંકનો લેટર. અલ્કેશે પરીક્ષામાં પાસ થયા પછી ઇન્ટરવ્યુ આપેલો, તેમાં સિલેકટ થઇ ગયો હતો તેનો એપોઇન્ટમેન્ટ લેટર હતો.

ભરતભાઇનું તેરમું પત્યું ત્યાં મીતાને સરકારી સ્કૂલનો ઓર્ડર તેને પણ નોકરી મળી ગઇ. અને ભરતભાઇની વરસી વાળી લીઘા પછી બન્નેના લગ્ન પણ થઇ ગયા વર્ષોથી નસીબઆડે ચોંટેલું પાંદડું ખસી ગયું વિધાતાનું ચક્ર જામ થઇને અટકી ગયું હતું તે ફરવા લાગ્યું હવે ઘરની સ્થિતિ સુધરતી જાય છે.

નાનકડા ઘરમાંથી મોટું ઘર આવી ગયું, ગાડી આવી ગઇ, મીતા સાસરે સુખી છે, અલ્કેશની પત્ની પણ નોકરી કરે છે. ઘરમાં હવે સુખની છોળો ઉડે છે ભારતીબેન ઘરના હિંચકે ઝુલ્યા કરે છે, માળા ફેરવતા રહે છે, અને સુખનો આનંદ માણ્યા કરે છે.

બસ તેમને એક વાત નથી સમજાતી. ઘરમાં તેમના રૂમમાં લગાડેલો ભરતભાઇનો ફોટો જોવે ત્યારે જાણે તેમની આંખમાં સવાલ હોય તેવું કેમ લાગે છે ? જાણે પતિનો ફોટો કહેતો હોય કે, ભારતી મારો શું વાંક હતો? મારો બાપ પૈસાદાર હતો, મારા બાળકો પૈસાદાર છે, હું જ કેમ ગરીબ રહી ગયો? મહેનત કરવામાં તો મેં પણ પાછું વાળીને જોયું નથી, છતાં મારી મહેનત કેમ સફળ ન થઇ ? મારી આખી જિંદગીમાં સુખ કેમ ન મળ્યું? શું સુખ મારા મરવાની જ રાહ જોતું હતું?.

ભારતીબેન સ્વગત બોલે છે., ‘હવે છોડોને આ બઘી વાતો . આને જ નસીબ કહેવાય.. આવા જ હશે વિધિના લેખ.. ! !

લેખક : દિપા સોની “સોનુ”

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ