એ સુખી દંપતીના જીવનમાં આવે છે એક તોફાન જે બંને સાથે હોવા છતાં થઇ જાય છે જુદા..

તને છેલ્લી વારનું આવજો…

આદરણીય બિહાગ,

મુખવાસના ડબ્બામાં કાગળ જોઈ તમને આશ્ચર્ય થયું હશે હેને ?.. પણ હું જાણું છું કે તમને કામ શિવાય બેગના એકેય ખાના ખોલવાની આદત નથી… અને આ કાગળ કેટલાય દિવસ સુધી વાંચ્યા વિનાનોજ રહી જાત અને તમને આ જણાવવું જરૂરી હતું એટલે છેવટે મેં ટીફીનમાં મુકવાનું નક્કી કર્યું પહેલા રોટલીના ડબ્બામાં મુક્યો પણ તમારા અધીરીયા સ્વભાવને કારણે તમે જમ્યા પહેલાજ વાંચવાનું શરુ કરી દેત અને પછી કદાચ ટીફીન એમનું એમજ રહી જાત એટલે મેં છેલ્લે ખુલતા મુખવાસના ડબ્બામાં મુક્યો.. અરે હું પણ શું તમને ક્લેરીફીકેશન આપવા લાગી… તો આદરણીય બિહાગ.. વળી પાછું અજુગતું લાગ્યું .. આદરણીય વાંચીને, પણ પ્રિય, મારા વ્હાલા, મારી જાન, અને મારી જિંદગી જેવા શબ્દો વાપરવાનો હક તો ગઈકાલે સાંજે ડિવોર્સ પેપર પર શાહી કરી એ સાથેજ મારાથી છીનવાઈ ગયો. એકલું બિહાગ મારાથી લખી ના શકાયું અને તમારી માટે મને હમેશા આદર તો રહેશેજ એટલે મને આ જ લખવું યોગ્ય લાગ્યું… અરે વળી પાછું ક્લેરીફીકેશન આપવા લાગી…
તમે આજે સાંજે જયારે ઘરે આવશો ત્યારે હું નહી હોય એટલે નીચે વાળા શાંતા બા ને ત્યાંથી ચાવી લઈનેજ ઉપર ચઢજો.. સાંજના જમવા માટે મેં થેપલા બનાવીને ગરમામાં મુકેલા છે… અને નાઇટ ડ્રેસ ઈસ્ત્રી કરી બાથરૂમના કબાટમાં મુકેલો છે… આજે આ મારા હાથનું છેલ્લું ટીફીન તમે ખાધું હવે કાલથી સુષ્મા બેન આવી જશે રશોઈ કરવા… ઘર ઝાપટીને ગોઠવી કચરા-પોતા માટે મનીષા આવશે અને વાસણ કપડા માટે રેશમા આવશે… રોજ રાત્રે ઇસ્ત્રીવાળા ભાઈ આવી જશે પણ તાર પરથી સુકાયેલા કપડા સંકેલી ઈસ્ત્રી માટેના અલગ કાઢી તમારે એને આપવા પડશે.. બાકી બહારથી દૂધ, ફ્રુટ, શાકભાજી અને અન્ય વસ્તુઓ ખરીદી તેમજ ટી.વી. કેબલ, ઈલેક્ટ્રીસીટી અને ગેસનું બિલ ભરવા મેં તમારી ગાડી સાફ કરવા આવતા શ્યામજીને જણાવી દીધું છે.. અરે આ વાંચીને અકળાઈ જવાની બિલકુલ જરૂર નથી મને ખ્યાલ છે કે બહારના માણસો ઘરમાં હોય તો તમે કમ્ફર્ટેબલ ફીલ નથી કરતા અને એ વાતને મેં ધ્યાન રાખી આ બધાને તમારા ઓફીસ ગયા બાદ કામ માટે આવવાનું સૂચન આપી દીધું છે તમે માત્ર ઓફીસ જતા ચાવી નીચે આપતા જજો.. હા સુષ્મા બેન સવારે ૭:૦૦ વાગે આવી જશે તમારું ટીફીન તૈયાર કરવા એટલે ડોરબેલ ચાલુ રાખજો… અને હા તમારી પસંદનું જે જમવું હોય એ તમારે આગલી રાતે એમને કહી દેવાનું રહેશે અને એની માટે જોઈતી વસ્તુ પણ લાવી રાખવી પડશે .. જે તમે શ્યામજી પાસે મંગાવી લેજો… અરે હા! આ બધું વાંચીને એવું જરાયે વિચારતા નહી કે હું આ પત્ર દ્વારા તમને મારા કામ ગણાવી રહી છું … કોઈ અહેસાન જતાવી રહી છું… આ પત્ર લખવાનો એવો કોઈ ઈરાદો નથી..
અને આ બધી વાતોમાં એ તો કહેવાનું રહીજ ગયું… તમારે જયારે પણ કંઈ વસ્તુ ની જરૂર પડતી ત્યારે તમે મારા નામની બુમ પાડતા.. અને વસ્તુ તરત જ તમારા હાથ સુધી પહોંચી જતી.. પણ હવે હું નહી હોઉં એટલે રસોડાની દરેક વસ્તુ કઈ જગ્યાએ મૂકી છે એનું લીસ્ટ મેં ફ્રીઝ ની બાજુની દીવાલ પર લગાડી દીધું છે… તેમજ તમને વારંવાર જોઈતી અને તમારી ઓફિસની વસ્તુઓનું લીસ્ટ પણ તમારા વોર્ડરોબ પર લગાડી દીધું છે. તમારા સુટ અને બ્લેઝર વાળેલા મુકતા જોઈ તમે હમેશા મને ટોક્યા કરતા કે “તને તો કઈ સાચવતા આવડ્તુજ નથી સેન્સ્જ નથી તારામાં સાવ ગમાર જેવી છે” પણ એ વખતે વોર્ડરોબમાં જગ્યા ઓછી પડતી.. હવે એની બાજુનો આખો વોર્ડરોબ મેં ખાલી કરી દીધો છે જ્યાં મારો સમાન મુકેલો.. ત્યાં તમારા સુટ અને બ્લેઝર લટકાવી દીધા છે. તમારા બધા શુઝ, ટાઈ, બેલ્ટ, ગોગલ્સ અને ઘડીયાળો પણ એના ડ્રોઅરમાં ગોઠવી દીધા છે. પહેલાતો વિચારેલું કે મારો સમાન ઝટપટ પેક કરી નીકળી જઇશ અહીંથી તમે તો એ દિવસે કહી દીધેલું “નીકળીજા મારા ઘરમાંથી” ત્યારેજ મને સમજાઈ ગયું હતું કે હું ભ્રમમાં છું જેને મારું ઘર મારું ઘર કરીને સજાવ્યા રાખું છું એ તો મારું છે જ નહી.. ખુબ દુ:ખ થયેલું મને… પણ એની સાથે જોડાયેલી સંવેદનાઓ તો મારી હતીને… પાંચ વર્ષથી આ ઘરને સજાવવાની અને સાચવવાની આદત પડી ગઈ છે અને આદતો એમ કંઈ થોડી છૂટે? મારાથી શક્ય મેં બધીજ ગોઠવણ કરી દીધી છે. તમને લગભગ કોઈ અગવડ નહી પડે… કોઈ પણ વાત માટે પોતાના મન મુજબ ધારણા બાંધી લેવાના તમારા સ્વભાવ ને ઓળખું છું એટલે ફરીથી કહું છું કે આ બધા પાછળનો આશય તમને મારી ગેરહાજરી મેહસૂસ કરવવાનો કે તમને કંઈ સંભળાવવા નો નથી..
તમે કહેલું “ અહીંયાથી જાય ત્યારે તારો દરેક સમાન લેતી જજે મારે તારું એક અંશ પણ આ ઘરમાં ના જોઈએ..” તમારું કહેલું કરવાની ટેવ પડી ગઈ છે મેં મારો બધો સામાન આખા ઘરમાંથી ગોતી ગોતી ને ભરી લીધો છે… મારા પાનેતર થી લઈ ખૂણા-ખાંચરે પડેલ મારી સેફ્ટી પીન, સગાઈ થી માંડી લગ્નના આ ૫ વર્ષ સુધી મેં તમને આપલી એ તમામ ભેંટ પણ મેં લઇ લીધી છે… ઘરમાં લગાવેલા મારા દરેક ફોટો પણ મેં પેક કરી દીધા છે પણ લગ્નના આલ્બમનું શું કરવું એ મને સમજાયું નહી એની પર અડધો હક તમારો પણ છે… એટલે એ આલ્બમ મેં તમારા કબાટમાં મુક્યું છે એનું શું કરવું એ તમેજ નક્કી કરજો… સફેદ કાગળમાં ગુહ પ્રવેશ વખતે પડેલા મારા કંકુ પગલા મારી સુટકેશમાં પાછા લઈ જઈ રહી છું… આ બધોજ અસબાબ સંકેલતા મને વિચાર આવ્યો કે કાશ! લાગણીઓ, યાદો, સુખદ ક્ષણો પણ ભરી શકાતી હોત તો… તો હું મારા હાથમાં તે એકવાર લગાવેલી એ મહેંદીની સુવાસ, નજીક આવતા અથડાતા તારા ગરમ શ્વાસનો સ્પર્શ, પથારીમાં સેવેલા તારા પડખાની હુંફ, તારી સાથે ગાળેલા ચોમાસાની ભીનાશ… એકબીજાનો હાથ પકડીને ચાલેલા શાંત રસ્તે એ પગરવ અને પડછાયા… રાતો જાગીને કરેલા ઉજાગરા અને એની વાતોના સંવાદો, શરૂઆતમાં કરેલા તારા મીઠા ગુસ્સા, થોડા રીશામણા થોડા મનામણાં, થોડા પુરા ને થોડા અધૂરા વાયદા, પાંચ વર્ષના સહજીવનની તારી સાથે ગાળેલી એવી કેટલીયે ક્ષણો સાથે લઇ જાત… હશે… સુટકેશ ભરતા ભરતા હું પણ આખે આખી ભરાઈ ગઈ છું, સિંદુરની ડબ્બી બંધ કરી એની સાથે મારા તૂટેલા સપના પણ એમાં બંધ કરી દીધા અને શક્ય એટલા જોરથી ડબ્બી વાસી દીધી કે બેમાંથી એકેય મારી નજર સામે ફરી ના ડોકાય….. મંગલસુત્રને ગળામાંથી ઉતારી બોક્ષમાં મુક્યું ત્યારે આખે આખો નિષ્ફળ સબંધ નો ઓથાર તમારા પરથી મેં ઉતારી નાંખ્યો હોય એવું મને લાગ્યું.. અરે હું પણ શું શરુ થઈ ગઈ ફરી… તમને થતું હશે કે આ શું આટલું લાંબુ લચક લખ્યું છે નહી, હા તો મૂળ વાત પર આવું…
તમે મને છુટાછેડા ના કાગળ હાથમાં પકડાવ્યા એ વખતે મેં તમારી પાસે બે મહિનાનો સમય માંગેલો .. ત્યારે તમે મને કહેલું કે “તું કોઈ પણ પ્રયત્ન કરે મને મનાવવાનો પણ મારો નિર્ણય બદલાવાનો નથી.. બે મહિનામાં તું શું કરી લેવાની?” ત્યારે મેં કોઈ જવાબ નહોતો આપ્યો એ છુટ્ટી રહેલા સંબંધોના દસ્તાવેજો લઇ રૂમમાં ચાલી ગયેલી.. તમને હું કોઈ પણ રીતે નહી મનાવી શકું એ વાતતો હું ઘણા સમય પહેલાજ જાણી ગયેલી..છતાંય બીજા કોઈ વચનો ના નિભાવી શકી પણ સપ્તપદીનું સાતમું વચન “સપ્તમે સખા ભવ:” એને પાળવાની કોશિશ કરી રહી હતી… તમે મને ફરી પૂછેલું “જુદા રહેવાનું જ છે તો બે મહિના અહિયાં રહેવાના નાટક કરવાની શું જરૂર છે ?” અને ત્યારે પણ મેં તમને જવાબ નહોતો આપ્યો.. બિહાગ મને જોબ છોડ્યાને પાંચ વર્ષ થઈ ગયા.. આટલા લાંબા ગેપ બાદ નવી જોબ મેળવવી કેટલી અઘરી વાત છે એતો તમે પણ સારી રીતે જાણતાજ હશો ને… અને મારે રહેવા માટે પણ એકદમ ઘર ના મળી જાય વળી એકલું રહેવાનું એટલે જગ્યા અને એરિઆ પણ બરાબર જોવો પડેને .. એટલે બે મહિના જેટલો સમય તો લાગીજ જાય અરે તમે શું વિચારવા લાગ્યા… તમને એમ કે હું મારા પિયર રહેવા ચાલી જઇશ?… બિહાગ લગ્નના દિવએ સપ્તપદીના સાત વચનની સાથે સાથે આઠમું વચન મેં મારી જાતને આપેલું કે કંઈ પણ થાય જીવનમાં પણ આજ પછી ક્યારેય આ ઘરે હું હંમેશા માટે પછી નહી આવું… વિદાય વેળાએ ચોખા ઉડાળી તર્પણ કરેલું એજ ક્ષણે એ ઘર સાથેના મારા લેણ-દેણ પુરા થઈ ગયેલા… મને નવી નોકરી મળી ગઈ છે અને હાલ પુરતી મારી રહેવાની સગવડ મેં પીજીમાં કરી દીધી છે… અહીંથી વિદાઈ લેતી વેળા તમારા ઘરની દીવાલે કરેલા મારા કંકુ થાપા પર દિવાળીનો વધેલો રંગ લગાડી ફરી તર્પણ કરું છું આ ઘર સાથે ના મારા લેણદેણ અહીંજ પુરા…
જીવનમાં ક્યારેય પાછું ના ફરવાના વાયદા સાથે… તમને મારું છેલ્લીવારનું આવજો…

લી. સબંધની ગાંઠનો છૂટી ગયેલો એક છેડો.

લેખક : સ્વાતિ સીલ્હર
પત્ર વિષે તમારા કોમેન્ટમાં જરૂર જણાવજો, તમારા શબ્દો અમને પ્રેરણા આપે છે.