આજકાલના ખુબ શર્મનાક કિસ્સાને રૂબરૂ કરાવતી નાની નાની વાર્તાઓ, તમારા હૃદય સુધી પહોચી જશે…

૫ ટૂંકી વાર્તા- માઈક્રો ફિક્શન

બેટી બચાવો બેટી પઢાવો

એક સામાજિક કાર્યક્રમમાં “બેટી બચાઓ બેટી પઢાઓ” વિષય પર ભાષણ આપી ૬૫ વર્ષના નેતા ગાડીમાં બેસતા કાર્યક્રમના ઓર્ગેનાઈઝર સામે જોઈને બોલ્યા “બહુ થાક લાગ્યો છે હો”

ઓર્ગેનાઈઝરે કહ્યું સાહેબ તમારી થાક ઉતારવાની દવા તમારા રૂમમાં પહોંચી ગઈ છે … “જો જો હો મને ૨૫ વર્ષથી વધારે મોટી નહી ચાલે” .. “અરે સાહેબ તમને દોડે એવી છે” ઓર્ગેનાઈઝરે કહ્યું અને બંને લુચ્ચું હસી પડ્યા .. ડ્રાઈવરે ગાડી હોટેલ તરફ દોડાવી મૂકી..

-સ્વાતિ સીલ્હર

બળાત્કાર

“પાંડે ચા લાવો” – ઇન્સ્પેકટરે પોલીસ સ્ટેશનમાં પ્રવેશતાજ ખુરશી પર બેસી ટેબલ પર પડેલી ફાઈલ ખોલતા ઓર્ડર આપ્યો…

“સાહેબ F.I.R . નોંધાવવી છે” ઇન્સ્પેકટરે ફાઈલમાંથી નજર ઉંચી કરી જોયું સામે એક યુવતી ઉભેલી.. બરછટ વાળ, સુઝી ગયેલા હોઠ ના ખૂણે જામી ગયેલા લોહીના લાલ જામા.. એને પહેરેલી સાડી માંથી કમર પર લાલ ચકામા અને મંગળસુત્રની સેર પાછળ ડોકમાં લાલ ઉજરડા ડોકાઈ રહેલા.

એનો અવાજ અને શરીર બેય અશક્ત હતા.. ઇન્સ્પેકટરે એને ખુરશીમાં બેસવા કહ્યું… “શ..શ…” બેસતી વખતે પીડાનો શીશકારો એના મોંમાં માંથી નીકળ્યો.. “હવે કહો શું થયું છે?” ઇન્સ્પેકટરે પૂછ્યું

“બળાત્કાર” ત્યાં હાજર બધીજ નજરોએ એકવાર એને જોઈ લીધી.. એની કથળેલી હાલત જોઈ ઇન્સ્પેકટરે તેના આસીસ્ટન્ટને ઈશારાથી માહિતી લેવા કહ્યું.. આપનું પૂરું નામ : “સ્વરા વીનય મહેતા” પતિનું નામ : “વીનય ગૌરવભાઈ મહેતા”

ઘટના સ્થળ : “ઘર” આરોપીને જાણો છો : “હા” આરોપીનું નામ : “વીનય ગૌરવભાઈ મહેતા” પોલીસ સ્ટેશનમાં સન્નાટો છવાઈ ગયો..

પેપર પર ચાલતી પેન અટકી ગઈ.. ઇન્સ્પેકટરે ભરેલ ચા નો ઘૂંટડો ગળામાંજ રહી ગયો.. બધાની પહોળી થઈ ગયેલી નજરો ફરી સ્વરા સામે તાકી રહી

-સ્વાતિ સીલ્હર

કેસ તારીખ

“રિહાના બળાત્કાર કેસમાં વધુ એક તારીખ, નક્કર પુરાવા ના મળતા આગામી સુનાવણી આવતા મહિને ૨૫મિ મે, ના રોજ થશે..” રહીમચાચાએ છાપામાં સમાચાર વાંચ્યા અને નિરાશ ચહેરે છાપામાંથી માથું ઊંચું કરી આકાશ તરફ જોયું..

એમની કમજોર આંખોમાં દસ વર્ષ પહેલા ગળે ફાંસો ખાઈ લટકતી પોતાની વીસ વર્ષની દીકરી રિહાનાનો ચહેરો ઉપસી આવ્યો અને આંખોમાંથી ફરી ખારું પાણી સરી પડ્યું

-સ્વાતિ સીલ્હર

નિર્ણય

“પાંચ વર્ષની માસુમ બાળકી પર ચાર જણાનો સામુહિક બળાત્કાર, બાળકીની હાલત ગંભીર, બાળકીના બચવાની આશા નહિવત…” મહિમાએ ચેનલ ફેરવતા ફેરવતા ટીવી ન્યુઝ ચેનલ પર ફ્લેશ થતા સમાચાર જોયા… ઘાયલ બાળકીનો ફોટો જોતાજ એના હાથ થંભી ગયા… હ્રદયે જાણે મૌન ચીસ પાડી હોય એમ એના મોઢાના ભાવ વર્તાઈ રહેલા… એણે ટીવી બંધ કર્યું ,.. અને શૂન્ય મનસ્ક બની ઘડીક સોફા પર બેસી રહી.. પેટ પર હાથ મુક્યો અને કંઈક સળવળાટ થયો… એણે ક્યાંય ચેન નહોતું પડતું એ બાળકીને કેટલી તકલીફ થઈ હશે એ વિચારી એનું મન વ્યાકુળ થઈ ઊઠતું વારંવાર એ બાળકીનો ચહેરો યાદ આવતા એનો હાથ એના પેટ પર ફરવા લાગતો… એણે હાથમાં ફોન લઇ ગુગલ પર સર્ચ કર્યું “રેશિયો ઓફ રેપ ઓન ગર્લ ચાઇલ્ડ ઇન ઇન્ડિયા”

અને સર્ચ રીસલ્ટ જોતાજ એના પગ તળેથી જમીન સરકી ગઈ… એની આંખો ફાટી પડી.. પેટમાં અને હ્રદયમાં રીતસરની ફાળ પડી .. એના ધ્રુજી રહેલા હાથમાંથી ફોન પડી ગયો ..જેની સ્ક્રીન પર વંચાતું હતું.. “૫૫ રેપ કેસ પર ડે”

એની આંખમાંથી આંસુ સરી પડ્યા… ખાસી વાર સુધી એમજ બેઠી પછી આંખો લુછી સ્વસ્થ થઈ જાણે કંઈ મક્કમ નિર્ણય કર્યો હોય એમ પેટ પર હાથ ફેરવ્યો અને ફરી એક સળવળાટ થયો ત્યાં. એ પર્સ લઇ ઘરની બહાર નીકળી.. “ડોક્ટર મારે એબોર્શન કરવું છે” મહિમાની વાત સાંભળી ડોક્ટર સીમા શાહ ચમકી ઉઠ્યા…

“બેસ પહેલા શાંતિથી, પછી વાત કરીએ” સીમા શાહને ખુબજ નવાઈ લાગી કે ગઈકાલ સુધીતો એ બાળકને લઈને ખુબજ ખુશ અને ઉત્સુક હતી આમ અચાનક એક જ રાતમાં શું થઈ ગયું હશે … એણે વાતને સંભાળવાની કોશિષ ક્રરતા મહિમાને પૂછ્યું “શું વાત છે મહિમા…કાલ સુધીતો…” પણ એમને વચ્ચે જ અટકાવતા એ બોલી “મેડમ પ્લીઝ મારે ગર્ભપાત કરાવવો છે અને આ મારો આખરી નિર્ણય છે ”

હજી ડોક્ટરને સમજાતું નહોતું કે શું થયું હશે મહિમાનો અવાજ અને નિર્ણય બંને મક્કમ જણાતા હતા… પણ એની પાછળનું કારણ નહોતું કળી શકાતું…. ડોક્ટરે ફરી એકવાર એણે સમજાવવાની કોશિષ કરી…

એણે કહ્યું .. તને એવું છે કે તારા ગર્ભમાં બાળકી છે એટલે તો તારે ગર્ભપાત નથી કરવું ને … મહિમાએ કંઈ જવાબ ના આપ્યો… ડોક્ટરે આગળ કહ્યું .” મહિમા હવે એવું નથી રહ્યું .. અરે બાળકીઓની સંખ્યા વધારવા સરકારે કેટલા અભિયાનો હાથ ધરેલા છે… બાળકીના જન્મ પર સરકાર નબળા વર્ગના લોકોને અલગ અલગ રીતે એના ઉછેર માટે મદદ કરી રહી છે.. અત્યારે બેટી બચાઓ બેટી પઢાઓ ની જાહેરાતો તે નથી જોઈ ટીવી પર… બાળકી છે એ જાણી એને ગર્ભમાં જ મારી નાંખવી એ ગુનો છે એના વિરુદ્ધ સરકારે કાયદા પણ ઘડ્યા છે… તું શું કામ બાળકને મારવા ઈચ્છે છે…

ભીની અને લાલ આંખે એણે ડોક્ટર સામે જોયું અને કહ્યું “સરકાર જયારે બળાત્કારીઓ વિરુદ્ધ કડક કાયદાઓ ઘડશે અને અમલમાં મુકશે… જયારે બળાત્કાર દેશમાંથી નાબુદ થશે ત્યારે હું બાળકીને જન્મ આપીશ…” ડોક્ટર એની સામે સ્તબ્ધ ચહેરે જોઈ રહ્યા … મનમાં નિરાશા ભરી બનેની આંખો છલકાઈ…

-સ્વાતિ સીલ્હર

સામાન્ય વાત

“શાલિની છાપું ક્યાં છે?” સવારથી શરુ થયેલી સમાજના હક માટેની રેલીમાં જોડાઈને થાકેલા વિશ્વજીતે સાંજે ઘરે આવી ચા પીવા બેસતા શાલિની ને કહ્યું.. “અરે આ ટીપોઈ નીચે પડ્યું …” શાલિનીએ કહ્યું અને લઈને વિશ્વજીતને આપતા એની પાસે બેઠી..

“કેવી રહી રેલી શું લાગે છે?, આપણા સમાજની માંગ પૂરી થશે? ન્યાય મળશે આપણને?” શાલિની એ વાત કરતા પૂછ્યું..

“ના કેમ મળે.. આપણે છેક સુધી લડીશું” વિશ્વજીતે ચાની ચુસકી લેતા કહ્યું

“અરે આજના સમાચાર વાંચ્યા? બે બળાત્કારના કિસ્સા આવ્યા છે એમાં એકતો બિચારી સાવ ૬ મહિનાની બાળકી હતી” શાલિની એ દુઃખી અવાજે કહ્યું
“હા, વાંચ્યા જુઓને શું જમાનો આવ્યો છે છોકરીઓ બિચારી જરાયે સલામત નથી… આપણે બેય છોકરા જ છે એટલે ચિંતા નથી અને એમેય આતો હવે સામાન્ય વાત થઈ ગઈ છે.. રોજે આવું કંઈ ના કંઈ બનતું રહેતું હોય છે દુનિયા છે ચાલ્યા કરવાનું આવું તો..” વિશ્વજીતે સામન્ય રીતે વાત કરી..
“હં…” શાલિની એક ઊંડો ની:સાસો નાંખી ઉભી થઈ રસોડામાં ચાલી..વિશ્વજીતે છાપાનું પાનું પલટાવી ચા ની ચુસકી લીધી…

લેખક : સ્વાતિ સીલ્હર

કઈ વાર્તા તમારા હ્રદય સુધી પહોચી તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો…

દરરોજ આવી અનેક રસપ્રદ અને અલગ અલગ વિષયની વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ