સામેનું ઘાસ લીલું – પછી મળી હતી બંને સહેલીઓ પણ તેનું ધ્યાન તો સતત તેના મોંઘા ફોન અને મંગળસૂત્ર તરફ જ જતું હતું..

સામેનું ઘાસ લીલું

“ઓફ્વો.. હજી કેટલી વાર ઉભા રહેવું પડશે પપ્પા?” …ગાડીમાં આગળની બંને સીટ વચ્ચેની જગ્યા પર પાછળ ઉભા રહેલા રાહુલે મોં બગડતા ગાડી ચલાવી રહેલા આદિત્યને પૂછ્યું… આદિત્યએ ડ્રાઈવીંગ સીટ પર બેઠા બેઠા હાથ લાંબો કરી રાહુલના ગાલે વહાલભરી હળવી ટાપલી મારી “ પેશન્સ .. માય લીટલ ચેમ્પ, બસ થોડીજ વાર” રહુલે થોડું મોં બગડ્યું ને પાછળની સીટ પર “હમમ” બોલતા પછડાઈને બેઠો. વેકેશનના દિવસો હતા અને એમાય પાછો રવિવાર એટલે સાંજે આખુય શહેર જાણે રસ્તા પર નીકળી પડેલું ..ખુબ ટ્રાફિક હતો. ચાર રસ્તે ટ્રાફિક સિગ્નલ ત્રીજી વાર ખુલતા નીકળી શકાય એવો ગજબ ટ્રાફિક.. રાહુલ મંગળવાર નો વેકેશન મેળામાં જવા અધીરીયો થઈ ગયેલો. ટ્રાફિક સિગ્નલ ખુલ્યું અને ગાડી આગળ ચાલી …

વેકેશન મેળાનો ગેટ નજીક જોતાજ રાહુલ ઉછળી પડ્યો..”યેસ યેસ, આવી ગયું.” ત્યાં પાર્કિંગ સ્પેસમાં એન્ટર થતા જ કાર પાર્કિંગ માટેની લાઈન જોઈને અધીરીઓ થતા બોલ્યો “પપ્પા હું ઉતરી જાઉં હજી તો અહી પણ વાર લાગશે” .. પોતાના ૮ વર્ષના દીકરાને આમ જોઈ કારમાં આગળની સીટ પર બેઠેલી અંજલિથી રહેવાયું નહી “ સ્ટોપ ઇટ રાહુલ, પહોચી તો ગયા છીએ ને આટલી અધીરાઈ સારી નહી બેટા” અને આદિત્ય સામે જોઇને કહ્યું “આ છોકરામાં સહેજ પણ પેશન્સ નથી” .. આદિત્યએ પણ એની સામે જોઇને સહેજ ત્રાંસી નજર કરી હસતા ચહેરે કહ્યું “ મેડમ એ બિલકુલ એની મમ્મી જેવોજ છે.” અંજલિએ મીઠું સ્મિત કરી ઠાવકાઈ થી “હમમન” કહી બારી બહાર નજર ટેકવી દીધી …

સાઈડ મિરરમાં નજર જતા જોયું તો બ્લેક કલરની મર્સીડીઝ બેનઝ એસ યુ વી પોતાની કાર ની પાછળ લાઈનમાં ઉભેલી.. અંજલિની નજર એ સાઇડ મિરર પર એક ક્ષણભર જાણે ચોંટી ગઈ. અંજલિ અને રાહુલ ને સાઇડમાં ઉતારી આદિત્ય પોતાની કાર પાર્ક કરવા આગળ વધ્યો પણ સાઇડમાં ઉભેલી અંજલિની આંખો હજી પણ આગળ પાર્ક થઈ રહેલી બ્લેક કલરની મર્સીડીઝ બેનઝ એસ યુ વી પર જ ટકેલી હતી. એમાંથી એક સ્ત્રી અને એક લગભગ ૮ ૯ વર્ષનો છોકરો ઉતર્યા .. અંજલિ એમને તાકી રહેલી એ સ્ત્રીએ બ્લેક કલરની બ્રાન્ડેડ ટી-શર્ટ અને લાઈટ બ્લુ ડેનીમ જીન્સ પહેરેલા સાઇડમાં પર્સ લટકાવેલું પગમાં બ્લેક કલરની બેલી અંજલિ એને જોતીજ રહી પણ આ શું? એ સ્ત્રી બાળકને લઈને પોતાની તરફ જ આગળ વધી રહેલી, એ પોતાની તરફ આવી રહી છે એ વાતે સભાન થતા અંજલિએ મોઢાની દિશા બદલી નાંખી.. એ સ્ત્રી હજી પણ એની તરફ આવી રહેલી અંજલિ ઉંધી ફરી ગઈ..

“હાય અંજલી….” અંજલીના ખભે કોઈએ હાથ મુક્યો અને એના કાને શબ્દો અથડાયા અંજલીના જાણે ધબકારા વધી ગયા આ કદાચ એજ સ્ત્રી હતી પણ અવાજ જાણીતો લાગ્યો.. એ ધીરે રહીને પાછળ ફરી .. અને એ ચહેરો જોઈ એક ક્ષણ માટે એના કપાળ પર પ્રશ્નાર્થ સૂચક કરચલીઓ ઉપસી આવી… પણ એ સ્મિતભર્યો ચહેરો જોઈ એ તરત ખુશીથી બોલી ઉઠી.. “રિયા તું …” બન્ને જણા ભેટી પડ્યા… બેયના ચહેરા ખુશીઓ થઈ છલકાઈ ઉઠેલા… “ઓ રિયા … મેં તો તને ઓળખીજ નહી…”

“હા પણ મેં તને દુરથી જોઈનેજ ઓળખી લીધી.. અંજલિ … તું હજી પણ એવીજ રહી છે એટલી જ નમણી અને એટલીજ સુંદર” “તું પણ તો ક્યાં ઓછી સુંદર છે હજી”… “હા બસ થોડી જાડી થઈ ગઈ છું એટલેજ તો તું ઓળખી ના શકીને…” રિયા એ કહ્યું અને ફરી બન્ને હસી પડ્યા.. આદિત્ય અને રાહુલ આવ્યા અંજલિએ ઓળખાળ કરવી:” આદિત્ય આ છે મારી કોલેજની ફ્રેન્ડ રિયા અને રિયા આ આદિત્ય મારા હસબંડ અને આ રાહુલ મારો દીકરો” બધાએ ઔપચારિક સ્મિત કર્યું એકબીજા સામે ..”અને આ મારો દીકરો છે રોહન” રોહન અને રાહુલ એ એકબીજાને હાય કર્યું … પણ રાહુલ ખુબ અધીરીઓ થયેલો અંદર જવા….એ આદિત્યથી છાનું નહોતું રહ્યું..

“અંજુ તમે બન્ને લાંબા સમય બાદ મળ્યા છો .. એક કામ કરો તમે બન્ને સહેલીઓ કેફેટેરીઆમાં નિરાંતે વાતો કરો હું આ બન્નેને મેળામાં ફેરવતો આવું છું..” “હા આદી આઈડિયા સારો છે” અંજલિ તરતજ બોલી પડી “અરે આદિત્ય તમે એકલા ક્યાં લઈને જશો.. બન્ને સરખા અને રોહન જરા તોફાની છે ..” રીયાએ સહજતાથી કહ્યું

“તમે ચિંતા નહી કરો …આઈ વિલ મેનેજ” કહેતો આદિત્ય એક સ્મિત કરી રાહુલ અને રોહન ને લઈને ચાલ્યો અને બંને સહેલીઓ કેફેટેરીઆમાં ટેબલ પર ગોઠવાઈ… કોફી ઓર્ડર કરી “ કેમ છે તું? કેવી ચાલે છે લાઈફ? કેટલા સમય બાદ મળ્યા નહી! કોલેજમાં કેવી મજા કરતા … અને એ બેઉની વાતો અને જૂની પુરાની પણ જાણે તાજી તાજી યાદોનો સિલસિલો ચાલ્યો”

વચ્ચે વચ્ચે બંનેની નજર અનાયાસે મેળા તરફ ફરી આવતી… આદિત્ય બાળકોને ખુબ મજા કરવી રહેલો અને બાળકો પણ ખુબ એન્જોય કરી રહેલા દેખાતા… મોટા ચકડોળમાં આદિત્ય બન્ને બાળકોને લઈને બેઠેલો … “આદિત્ય સ્વભાવે ખુબ સારા માણસ લાગે છે હો !” રિયાના મોંમાં થી એમજ સરી પડ્યું .. “અંજલીની નજર એ ચકડોળ પર જ હતી ..” હા રિયા આદિત્ય ખુબ સારા છે એક સારા પતી અને એક પ્રેમાળ પિતા” …”હા એતો જોઇને લાગેજ છે’ રિયાની આંખો પણ જાણે એ ચકડોળ પરજ અટકી ગયેલી…

“અરે તું તારા હસબંડ વિષે તો કઈ કહે … એ નથી આવ્યા સાથે?” “સુહાસ, એક્ચ્યુલી એ અત્યારે શહેરમાં છે જ નહી, એમને બિઝનેસના કામથી વારંવાર બહાર ફરવાનું થતું રહે છે. અત્યારે જર્મની ગયા છે “ “ઓહ”

“ખબર નહી આપણે સાથે તો ક્યારે મળી શકીએ લે આ એમનો ફોટો જો..” રિયા એ પોતાનો લેટેસ્ટ આઈ-ફોન અનલોક કરી તેમાંથી સુહાસનો પિક ખોલી ફોન અંજલીના હાથમાં થમાવી દીધો.. ખુબ હેન્ડસમ યુવાન ગ્રે કલરના સૂટમાં સોફાચેર પર એક હાથ ટેકવીને પગની આંટીવાળીને બેઠેલો… ફોટો જોતાજ અંજલિથી પુછાઈ ગયું ? આ તારું ઘર છે? “હા… અમરા ઘરનો ડ્રોઈંગ રૂમ” .. ફોટામાં સુહાસ ની ચેર પાછળ વિશાળ મોટો અતિઆધુનિક ખંડ એક પુરા લક્ઝુરીયસ ઘરની ઝાંખી કરાવા પુરતો હતો…

અંજીલીની આંગળીના ટેરવા રિયાના ફોન પર ફરવા લાગ્યા અને એક પછી એક ફોટો એની નજર સમક્ષ આવતા રહ્યા … રિયા એને એની માહિતી આપતી ગઈ ઘરમાં અલગ અલગ જગ્યાએ પડેલા ફોટા .. રીઝોર્ટ હોલીડેઝના , સ્વીત્ઝર્લેન્ડ, લંડન , થાઇલેન્ડ અને બીજી ઘણા ઇન્ડિયન પ્રવાસ સ્થળોના પણ… “વાહ! શું જલસાની જીંદગીછે રિયાની!”અંજલિ મનોમન જ બોલી … “અરે રિયા લાગે છે સુહાસને ફોટોસનો બિલકુલ શોખ નથી..

જોને આમાં તમારા માં-દીકરાના જ ફોટોસ છે આમાં સુહાસતો ક્યાંય દેખાતોજ નથી” .. અંજલી હસતા હસતા બોલી… “અરે એ હોય તો ફોટામાં દેખાય ને..” અંજલિએ હવે ફોન પરથી નજર ખસેડી રિયા તરફ જોયું …”એટલે” “એટલે એમ કે આ બધી જગ્યાએ હું અને રોહન બેજ ગયા છીએ .. સુહાસ પોતાના કામમાંથી સમયજ નથી કાઢી શકતા.. પહેલા એવું થતું કે એમની રાહ જોવામાં અમે ઘણી વાર પ્રોગ્રામ કેન્સલ કરેલા પછી રોહન મોટો થતો ગયો એમ એનું બાળમન નિરાશ થઈ જતું.. એટલે સુહાસે નક્કી કર્યું કે એ હોય કે ના હોય વેકેશનમાં હું અને રોહન તો ફરિજ આવીએ..બહુજ ઓછો સમય એવો હોય છે અંજલી કે જેમાં અમે ત્રણેય જણા સાથે મળતા હોઈએ..”

આટલું કહેતા કહેતા રિયાના ચહેરા પર જાણે ઉદાસીનું વાદળ બંધાવા લાગ્યું .. આંખોમાં થોડોજ કળીના શકાય એવો ભેજ ઉતરી આવ્યો. પણ અંજલિનું એ તરફ ધ્યાન જ ના ગયું એ સમયે એની આંખો એના ગળામાં ને કાનમાં પહેરેલા ડાયમંડ મંગળસૂત્ર અને બુટ્ટી પર ફરી રહેલી. વાત કરતી વખતે હલતા રિયાના હાથમાં પહેરેલી ઝગારા મારતી રીયલ ડાયમંડની વીંટીઓ અને બ્રેસલેટ કેટલા મોંઘા હશે એ વાતે અંજલિનું મન વિચારે ચડેલું….

“મમ્મી મમ્મી” રોહન રાહુલ અને આદિત્ય આવી પહોંચ્યા… “મમ્મી હું અને રાહુલ ફ્રેન્ડસ બની ગયા છીએ … આદિત્ય અંકલે અમને ખુબ મજા કરવી હવે દરેક વખતે આપણે એમની સાથેજ આવીશું હોને“ એકી શ્વાસે બોલતા રોહનને અટકાવતા રિયા બોલી ..”હા હા પણ શ્વાસતો લે..” અને બધા હસી પડ્યા “રિયા રોહનને આટલી મજા પડી છે તો એને લઈને આવ ને ઘરે આપણે પણ મળી લેશું અને છોકરાવને પણ મજા આવશે..”

“હું અને રોહન પરમ દિવસે સિંગાપુર જઈએ છીએ પણ પ્રોમિસ પાછા ફરીને ચોક્કસ આવીશું” તો ચાલો નીકળીએ હવે આદિત્યે કારની ચાવી ખીસામાંથી કાઢતા કહ્યું “હા , આદિત્ય થેંક્યું સો મચ… રોહનને મેં ઘણા સમય પછી આવો ખુશ જોયો છે..” રીયાએ એક ઔપચારિક આભારવિધિ કરી.. “અરે એમાં શું… રાહુલ એવો રોહન” આદિત્યએ પણ ખુબ નરમાશથી જવાબ આપ્યો..

રીયાએ ફોનમાં નંબર ડાયલ કરી ડ્રાઈવરને ફોન લગાડ્યો “ અમે ફ્રી થઇ ગયા છીએ તમે કાર લઈને આવી જાવ” ફોન કટ કરી પોતાના વેલેન્ટીનોના અતીમોંઘા પર્સમાં મુક્યો પોતાના સ્મુથનીંગ કરેલા સ્ટ્રેટ હેયર ખભા પાછળ ખસેડી એને પર્સને ખભા પર ટીંગાડિયું… આ જોઈ અંજલિની આંખો અને ચહેરાને જાણે એક અદેખાઈનો ભાવ સ્પર્શી ગયો.. એણે પોતાનો દુપટ્ટો ખભા પર સરખો કરતા મનમાં થઈ આવ્યું..”

શું લાઈફ છે રિયાની જાણે દુનિયાની દરેક સાહ્યબી, વૈભવ , જલસો બધું એના કદમોમાં જ છે..” મનમાં ઉઠતા ભાવોને ખંખેરી અંજલિએ હસતા ચહેરે બાય કહ્યું અને ત્રણેય પાર્કિંગ તરફ ચાલવા લાગ્યા.. ગાડીની રાહ જોતા રોહન રિયાને મેળામાં કરેલી મજા વિષે કહી રહેલો પણ રિયાની નજર તો પાર્કિંગ તરફ જતા એ ફેમીલી સામે જાણે જડાઈ ગયેલી.. આદિત્યનો એક હાથ રાહુલના ખભે અને બીજો અંજલિની કમરમાં હતો..

કાર આવી ગઈ રીયાએ દરવાજો ખોલી રાહુલ ને બેસાડ્યો અને પછી પોતે બેઠી…. પાર્કિંગમાં આદિત્યએ દરવાજો ખોલી અંજલીને બેસાડી અને પછી પોતે બેઠો અને ગાડી સ્ટાર્ટ કરી … ડ્રાઈવરે ગાડી શરુ કરી.. રિયાની આંખો જે હજીયે અંજલિની આઈ ટેન પર જડાયેલી હતી એ ભીની થઈ ગઈ.. ગળામાંથી એક ડૂસકું નીકળ્યું અને મનમાંથી ની:શાષો.. “ભલે દુનિયાની દરેક સાહ્યબી કદાચ મારા નસીબમાં છે.. પણ દુનિયાનું દરેક સુખ તો અંજલીના ખોળામાં છે.”

લેખક : સ્વાતિ સીલ્હર

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ