નવી જીંદગી મુબારક બેટા – દીકરીના લગ્નની આગલી રાતે પિતાએ દીકરીને લખેલો પત્ર.

“નવી જીંદગી મુબારક બેટા”

મને સૌથી વ્હાલી વ્યક્તી,

મારી ડીયરેસ્ટ વિશ્વા,

સૌથી પહેલા તો તને ખુબ ખુબ અભિનંદન, આવતીકાલે તું તારી નવી જિંદગીમાં ડગ માંડવા જઈ રહી છે…આવતીકાલથી તારી જિંદગીના બીજા અધ્યાયની શરૂઆત થશે…. આવતીકાલે તું પ્રેયસી મટીને પત્ની બનીશ… આવતી કાલથી તારા નામની સાથે સંભળાતા દીદી, માસી, ફોઈ ની સાથે સાથે ભાભી, કાકી, મામી ના સંબંધોના ટહુકા ગુંજશે…આવતી કાલથી તું મિસ.વિશ્વા વીનય મહેતા નહી પણ મીસીસ વિશ્વા બિહાગ શાહ તરીકે ઓળખાઈશ…આવતીકાલે તું તારા ઘરે જતી રહીશ… આંખ ભીની થઈને? મારી પણ…

તને ખબર છે વિશ્વા તું જન્મી અને તેની પહેલીવાર મારા હાથોમાં લીધી ત્યારે થયેલી ખુશી મારી આંખોમાંથી નીતરેલી, દુનિયાની બધીજ ખુશીઓ એક તરફ અને પિતા બનવાની ખુશી એક તરફ, જયારે પહેલીવાર મે તને મારી બાથમાં ભરેલી ત્યારે જાણે આખે આખું વ્હાલનું વિશ્વ મે મારી બાહુપાશમાં લઇ લીધું હોય એવું મને લાગેલું, અને એટલે જ મે તારું નામ વિશ્વા રાખ્યું.. “વિશ્વા- મારુ આખું વિશ્વ જેનામાં સમાયું છે તે, મારા વ્હાલનું વિશ્વ, મારા સુખનું સરનામું, મારા સાકાર સપનાનો આકાર…”

તને પહેલી વાર જોતા મારી આંખે જન્મેલું કૌતુક આજેય અકબંધ છે….એ ક્ષણથી આજ સુધીના ૨૩ વર્ષ જાણે એક સપનાની જેમજ પસાર થઈ ગયા હોય એવું લાગે છે મને…. મારી આંગળી પકડીને પા-પા પગલી ભરતી મારી ઢીંગલીના હાથમાં ક્યારે એકટીવાનું સ્ટીયરીંગ આવી ગયું એની જાણે ખબર જ ના પડી… કાલીઘેલી ભાષા બોલતી મારી લાડકડી હવે જરૂર પડતા મને મીઠો ઠપકો આપતી થઈ ગઈ… ઢીંગલા ઢીંગલી સાથે રમ્યા કરતી મારી વહાલુડી ને ક્યારે અરીસા સાથે મિત્રતા થઈ ગઈ એની જાણ જ ના રહી.. પીના ફ્રોક પહેરતી મારી દીકરીને પાનેતર પહેરવાનો સમય થઈ ગયો… હજીયે એવું લાગે છે જાણે હમણાની જ તો વાત છે હજુ હમણાંજ તો તું આવી છે મારી જિંદગીમાં… તારી સાથે જીવતા જીવતા આ ૨૩ વર્ષ જાણે પલક ઝબકતા નીકળી ગયા હોય એવું લાગે છે. તારી સાથે વિતાવેલો સમય મને હમેશા ઓછો જ પડ્યો છે… હજીતો તો લાગે છે કે તારી સાથે બરાબર રહ્યો પણ નથી… અને જો તારો વિદાય થવાનો સમય થઈ ગયો

દીકરી જન્મે ત્યારથી કન્યાદાનનું સપનું જાણે-અજાણે ઈચ્છા-અનિચ્છાએ માતા-પિતાની આંખ સામે રમતું રહેતું હોય છે. દીકરી ખુશી-ખુશી પોતાને ઘેર જાય તેનો સંસાર વસાવે, દીકરીના લગ્નનો અવસર આંગણે ઉજવાય એની ખુશી ક્યાં માં-બાપને ના થાય બેટા… તારા લગ્નનો મારા હ્રદયમાં ખુબ આનંદ છે.. પણ તારા દુર જવાની વાતે મનને એટલું દુઃખ પણ અનુભવાઈ રહ્યું છે… તું જન્મી ત્યારથીજ ખબર હતી કે એક દિવસ તારે વિદાઈ લેવાનીજ છે પણ હવે જયારે આ ઘડી આવી પહોંચી છે તો થાય છે કે થોડીવાર સમય રોકાઈ જાય..


જેમ જેમ કન્યાદાનની ક્ષણો નજીક આવી રહી છે તેમ તેમ આપણા સંબંધની ગાંઠ જાણે ધીરે ધીરે છૂટી રહી હોય એમ લાગે છે. તારા વિદાયની ઘડી સુધીની એક એક ક્ષણ જાણે વધુ ને વધુ વજનદાર બની રહી છે મારી માટે … કાલે તું અહીંથી જતી રહીશ એ વાત માત્રથી હદયમાં સહેજ કંપારી છૂટી જાય છે… મારા આંગણે ટહુકતી રહેલી કોયલ વિના ઘર સાવ સુનું પડી જશે… જીવનમા એકજ સમયે થતો સુખ અને દુખની મિશ્ર લાગણીનો અનુભવ એટલે દીકરીના લગ્ન. એક ઘર મેળવવાનું સુખ અને બીજું ઘર છોડવાનું દુઃખ, મારી માટે પણ અને તારી માટે પણ…

બેટા આજે મારે તારી સાથે થોડી વાત કરવી છે… તને કદાચ નવાઈ લાગશે કે “આમ લગ્નની આગલી રાત્રે આ પત્ર અને એમા પપ્પાને કંઈ કહેવું છે!” પણ હા બેટા આજે મારે તારી સાથે એ વાત કરવી છે જે ક્યારેય આપણી વચ્ચે થઈ નથી અને કદાચ આજ એની માટેનો યોગ્ય સમય છે.. હું જાણું છું કે તું ખુબ સમજદાર છે છતાંય મારે તને કંઈક કહેવું છે.

બેટા તું તારા ઘરે જઈ રહી છે એવું મે વારંવાર આ પત્રમાં તને કહ્યું છે.. કહેવાય છે કે લગ્ન કરી દીકરી સાસરે જાય… પણ હું એવું માનું છું કે દીકરી લગ્ન કરી પોતાની ઘેર જાય… અને પોતાના ઘરે વળી તકલીફ શેની? .. હા આવું કહેવા પાછળનો એવો કોઈ અર્થ નથી કે હવેથી આં ઘર પર તારો કોઈ અધિકાર નથી કે આ ઘર હવે તારું નથી… તું અહિયા જન્મી મોટી થઈ, તારી જિંદગીના ત્રેવીસ વર્ષ તે જીવ્યા છે અહિયા આં ઘર તો હમેશા તારું રહેશેજ પણ જિંદગીના બાકીના બધાજ વર્ષ તું જ્યાં જઈ રહી છે ત્યાં જીવવાના છે તારે, તું જો એને સાસરું સમજીને જઇશ તો એ હંમેશા સાસરું જ રહેશે એટલે હું ઈચ્છું કે મારી દીકરી આવતી કાલે સાસરે નહી પણ એના પોતાના ઘરે જાય.

ફરી એકવાર અભિનંદન, આવતીકાલથી તારે બે મમ્મી-બે પપ્પા અને બે ઘર હશે, હા બેટા બિહાગના મમ્મી-પપ્પાને જો તું તારા મમ્મી-પપ્પા માનીશ તો એ ક્યારેય તને સાસુ-સસરા નહી લાગે… જેમ તારી ખુશીમાં અમારી ખુશી છે એમ બીહાગની ખુશીમાં જ એમની ખુશી સમાયેલી હોય, બીહાગની પસંદને એમને હોંશે હોંશે વધાવી લીધી છે, તને ખબર છે બેટા, પુત્રવધુ જયારે પરણીને ઘરમાં આવે ત્યારે દીકરીનો જન્મ થયો હોય એટલીજ ખુશી પુત્રના માતા-પિતાને થતી હોય છે.. અને એ ખુશી તારી માટે બિહાગ ના મમ્મી-પપ્પાની આંખોમાં મે જોઈ છે.

તારા ઘરમાં ઘણું-બધું અહીં કરતા અલગ હશે , ત્યાંની રહેણી-કહેણી, ત્યાંના રીત-ભાત, ત્યાં સેટ થતા કદાચ સમય લાગશે તને પણ જો એ કશાયમાં તને ક્યાંય કોઈ તકલીફ જણાય તો તું ત્યાંના લોકોનીજ મદદ લેજે … તને થાય કે લાવ મમ્મીને પૂછી લઉ… પણ બેટા એ લોકોની સામે કે એ લોકોના ત્યાં હોવા છતાંય તું કંઈ પૂછવા તારી મમ્મીને અહિયા ફોન કરે તો ત્યાં રહેલા કોઈ ભલે કંઈ કહે નહી તને પણ એમને થોડું દુખતો થાય જ. કોઇપણ માનસ ક્યારેય સંપૂર્ણ નથી હોતો.. શક્ય છે તારાથી પણ ક્યારેક ભૂલ થાય અને તને કોઈ બોલે પણ ખરા તો તું ખરાબ લગાડવાને બદલે તારી ભૂલ સ્વીકાર કરતા શીખજે…


અહિયા પણ ઘણીવાર તારી મમ્મી તને વઢતી જ હોય છે ને તો તું કંઈ એની સામે મોઢું ચડાવે છે? નહી ને ઉલટાનું બીજીજ ક્ષણે એને વળગીને એને મનાવી લે છે.. બને કે ત્યાં પણ કોઈ બાબતમાં કોઈ કડક વલણ રાખે કે તને વઢે તો ત્યાં પણ તું આ જ કરજે… કેમકે, મમ્મી-પપ્પા ના કડક વલણ પાછળના ઈરાદાતો હમેશા નરમ જ હોય. એક વાત યાદ રાખજે બેટા, કે કંઈ પણ થાય માતા-પિતા કોઈ પણ સંજોગોમાં બાળકો માટે ક્યારેય ખોટું ના ઈચ્છે…

હવે બીહાગની વાત, બિહાગ ખુબ સારો છોકરો છે, તારા પ્રત્યેનો પ્રેમ એના ચહેરા પરથી છલકાઈ આવે છે… તારી માટેની લાગણી, તારી ફિકર, એના વર્તનમાં તરી આવે છે. તારી ઈચ્છા, તારી જીદ ને પૂરી કરતા,.. તારા મૂડ સ્વિંગ હેન્ડલ કરતા… તારા એક ફોનથી હાજર થતા મે જોયો છે એને… સગાઈથી લગ્ન સુધીના દિવસો “ગોલ્ડન પીરીયડ” કહેવાય છે.. અને તમે પ્રેમી તરીકે આ સમયને ખુબ માણ્યો છે મારી આંખો એની સાક્ષી છે.. આવતીકાલથી તમે પતી-પત્ની બનશો, એટલે પ્રેમની સાથે જવાબદારીઓ પણ ભળશે.. બને કે હવે કદાચ બિહાગ ક્યારેક આમાનુ કંઈ ના પણ કરી શકે તો તું એને સમજવાનો પ્રયત્ન કરજે… એવું ના વિચારતી કે લગ્ન બાદ બિહાગ સાવ બદલાઈ ગયા છે, કે હવે મને પહેલા જેટલો પ્રેમ નથી કરતા, લગ્નબાદ પ્રેમ ક્યારેય ઘટતો નથી ઉલટાનું સાથે રહેવાથી એમાં વધારો થતો જાય છે…

કહેવાય છે કે છોકરીનો પહેલો પ્રેમ હંમેશા એના પિતા હોય છે . એ પોતાના જીવનસાથીમાં કયાંક ને ક્યાંક પોતાના પિતાની છબી શોધતી હોય છે… શક્ય છે કે તું પણ કોઈ વાતમાં બીહાગની સરખામણી મારી સાથે કરી બેસે અને તને બિહાગ ખોટો લાગે, ત્યારે એટલું યાદ કરી લેજે કે હું તારી માટે પરફેક્ટ હોઈ શકું કારણકે હું તારો પિતા છું પણ બરાબર એજ બાબતમાં કદાચ તારી મમ્મી માટે હું ખોટો હોઉં.. તારી મમ્મી સાથેનું મારું વર્તન જુદું હોય… આટલું આટલું વિચારીશ તો કદાચ તને બિહાગ માટે કોઈ અણગમો ઉભો નહી થાય.

જીવનમાં ઘણીવાર એવું બનતું હોય છે કે નાની નાની વાતો, નાની નાની મિસઅન્ડર સ્ટેન્ડીંગ ક્યારેક ઝઘડાનું તો ક્યારેક સંબંધોમાં ડિસ્ટન્સ વધારવાનું મોટું સ્વરૂપ ધારણ કરી લેતી હોય છે.. નાની નાની વાતોમાં થતી કચકચથી માણસ થાકી જાય ત્યારે એ એકબીજાની સાથે કંઈ શેર કરવાનું ટાળતો થઈ જાય છે, અને ના ઈચ્છવા છતાંય એ જુઠ્ઠુ બોલવા લાગતો હોય છે.. તમે બંને એકબીજાને સમજ્જો અને આવી નાની નાની વાતોને જડમૂળથી ઉખેડી નાંખજો જેથી ફરી એ બીજ ક્યારેય ઉગે જ નહી…


બેટા એક મિત્ર એવી વ્યક્તી છે જીવનમાં કે એને તમે બેજીજક કંઈ પણ વિચાર્ય વિના બધુંજ કહી શકો, તમે જેવા છો એવા એની સામે રહી શકો, તું પત્નીની સાથે સાથે બીહાગની મિત્ર પણ બનીને રહેજે. તું જોજે જીંદગી જીવવાનો આનંદ બમણો થઈ રહેશે.. પ્રેમમાં માત્ર પામતાજ રહેવું એ યોગ્ય ના કહેવાય આપણી પણ સામેના પાત્ર તરફ થોડી ફરજ હોય ને… બિહાગે આજ સુધી તને ઘણું આપ્યું છે હવે તારો વારો છે બેટા, તું પણ પાછી ના પડતી એ પછી , પ્રેમ હોય, લાગણી હોય, સંભાળ હોય, સમજણ હોય કે સન્માન હોય… મને વિશ્વાસ છે કે મારી વિશ્વા આ બધીજ બાબતોમાં નિપૂર્ણ બની રહેશે…

બેટા જ્યારથી તારા લગ્ન નક્કી થયા ત્યારથી તારી મમ્મીએ યાદ કરી કરીને તારી માટે વસ્તુઓ ખરીદી છે કે તને કોઈ તકલીફના પડે કે તને કંઈ ઓછું ના પડે એ વિચારીને એને જાતે તારું આખું આંણુ ભર્યું છે પણ હું ઈચ્છું છું કે આ પત્ર દ્વારા કહેલી મારી આ વાતોને મારા તરફથી ભેટ સમજી તું તારી સાથે આણામાં લઈ જાય જે તને કદાચ ક્યારેય કોઈ તકલીફ ઉભી થવા નહી દે અને કદાચ ક્યાંક તને કોઈ સમસ્યા ઉભી થાય પણ તો તને એનો ઉકેલ લાવતા વાર નહી લાગવા દે. બાકી તો મારી દીકરીને કંઈ કહેવાની જરૂર નથી…


અમારો પ્રેમ અને આશીર્વાદ હમેશા તારી સાથેજ રહેવાના… આવતી કાલની સવાર તારી માટે એક નવી શરૂઆત લઈને ઉગશે.. જેમાં તારી પોતાની એક નાનકડી દુનિયા હાથ ફેલાવીને તારું સ્વાગત કરી રહી છે.. તારું ઘર તને પોંખવા દરવાજે આંખો માંડી તારી રાહ જોઈ રહ્યું છે… જા બેટા, તમારી જિંદગીમાં નિત નવા પ્રેમ ના પુષ્પો ખીલતા રહે , બિહાગ અને તારું જીવન બાગ બની સદાય મહેકતું રહે એવી શુભકામનાઓ સાથે તને તારી નવી જીંદગી મુબારક…

લી.- તારા એક પપ્પા..

લેખક : સ્વાતિ સીલ્હર

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ