નણંદ મારી બેસ્ટ ફ્રેન્ડ – ઈશ્વર દરેક દિકરીને આવી ભાભી આપે ત્યારે કોઈપણ દિકરી દુઃખી નહિ થાય…

નણંદ મારી બેસ્ટ ફ્રેન્ડ

અ વેરી હેપ્પી બર્થ ડે ટુ યુ ડીઅર …

આપની દરેક ઈચ્છાઓ અને સપના પુરા થાય … જીવનમાં દરેક પગથીયે આપને સફળતા મળે.. દરેક નવી સવાર આપની માટે પ્રગતિના સમાચાર લાવે.. જીવનનું ચિત્ર નવા નવા ખુશીઓના રંગોથી છલકતું રહે… ઈશ્વરના આશીર્વાદ આપ પર વરસતા રહે ..આપ તેમજ પૂરું ફેમેલી સ્વસ્થ રહે મસ્ત રહે… અને આજનો આ દિવસ આપણે વર્ષો વર્ષ ઉજવતા રહીએ એવી શુભકામનાઓ સાથે આપને જન્મ દિવસની ખુબ ખુબ શુભેચ્છા..


આમ તો આપણા બધાની ફોન પર વાત થતીજ હોય છે પણ આ નાનકડી ભેટ દ્વારા તમારા ખાસ દિવસને યાદગાર બનાવવાનો મારા તરફથી એક નાનકડો પ્રયાસ… આશા છે આપને ગમશે.. આમ વિચારું છુ તો કંઈ નથી લખવા માટે અને આમ જાણે ઘણુંયે કહેવાનું છે.. મનની વાત થોડી પત્ર દ્વારા જે સવારો સવાર સુધી વાતો કર્યા કરીએ તોય ક્યારેય થતી નથી દીદી તમે આ વખતે વેકેશનમાં ૧૫ દિવસ રહ્યા પણ દિવસો ખુબ ઓછા પડ્યા હોય એવું મને લાગ્યું ..ઘણું બધું રહી ગયું જે કરવાનું હતું…

મારી ઓફીસના કારણે હું તમને પુરતો સમય પણ નથી આપી શકતી… અને મારી ગેરહાજરીમાં તમારે બાળકો ને સાચવણી સાથે સાથે થોડું ઘણું ઘરનું પણ કામ જોવું પડે છે.. જે તમે ખુબજ સારી રીતે કરો પણ છો … તમે અહિયા રહેવા આવો તો પણ તમને પુરતો આરામ નથી મળી શકતો એવું મને લાગ્યા કરે છે… અને જેમ તમે મને કહ્યા કરો છો ને કે તું વધુ વિચાર નહી .. તો આ વાત ને થોડી સાઈડ પર રાખીએ તો જેટલો પણ સમય સાથે રહ્યા મને ખુબ મજા આવી… દરવખતની જેમ.. અને જીજાજી પણ થોડો સમય કાઢીને અહિયા આવ્યા એ પણ અમને બધાને બહુ ગમ્યું…


દીદી તમને ખાસ થેન્ક્યુ… મેં ક્યારેય નણંદના રૂપમાં તમને જોયાજ નથી.. કે ના બિહાગના બહેન સમજ્યા હતા .. હું હમેશા તમે મારી બહેન છો એમ સમજીને તમારી સાથે રહી અને આપણા સંબંધો લાગણીઓ અને એકબીજાના પ્રેમના સિંચનથી એટલા વિકસી ગયા કે આજે આપણે ફ્રેન્ડ્સ બની ગયા છીએ…… તમે મને જાણો જ છો કે હું બધા સાથે ખુલીને વાત નથી કરી શકતી… મારી લાઈફની તમે એક જ એવી વ્યક્તિ છો જેની સાથે હું મારા મનની બધીજ વાતો શેર કરું છું.. બીહાગની સગી બહેન હોવા છતાંય બિહાગની વાત પણ… બીજા બધા નણંદ ભાભીને જોવું છું ત્યારે મને એમ થાય છે કે આપણો સંબંધ સાવ જુદો જ છે..

આપણા સંબંધે મને એક ખુબ સુંદર મિત્રની ભેટ આપી છે જેની સાથે હું બિન્દાસ્ત રહી શકું છું .. મારા મન મરજીની દરેક વાત કહી શકું છું …જેની સાથે હું ખુશીની વાત પણ કરૂ છું અને દુખની પણ… આ આપણી એક્બીજા માટેની સમજણ સમજીએ કે એકબીજા પ્રત્યેની લાગણી કે પ્રેમ.. આપણા સબંધમાં હવે ગેર સમજણ કે ખોટું લગાડવા જેવી વાતો માટે ક્યાંય અવકાશ નથી. ટચ વુડ… નણંદ રૂપે મિત્ર બનવા માટે તમને થેન્ક્યુ.. આપણા સંબંધો આમને આમને ખીલતા રહે એવી ઈશ્વરને પ્રાથના… આપણે બધા જે પ્રેમ ભાવથી રહીએ છીએ એમ આપણા બાળકો પણ એકબીજા સાથે આવોજ પ્રેમ અને સ્નેહ વહેંચે… રહીએ ભલે દુર જુદા જુદા શહેરમાં પણ મનથી સાવ નજીક..


અરે હા તમારી એકવાત મને બિલકુલ નથી ગમતી… તમારી તબિયત ખરાબ હોય કે ક્યારેય કોઈ બીજા વ્યક્તિની જરૂર જણાય તો તમે ક્યારેય કહેતા નથી,.. બીજાને બને ત્યાં સુધી હેરાન ના કરવાની તમારી ભાવના હું સમજુ છું પણ જો આવા સમયે અમે કામ ના આવી શકીએ તો પછી એમનેમ રહેવા આવાનો શો અર્થ…

જીજાજી બહુજ સારા છે બધું ખુબ સારી રીતે મેનેજ પણ કરી લે છે એ હું જાણું છું છતાંય ઘરની લેડીઝ બીમાર પડે તો ઘરના અને ઘરના લોકોના શું હાલ થાય એ પણ હું સારી રીતે જાણું છું એટલેજ કહું છું બે નાના બાળકો સાથે તકલીફ સહન કરવાની કોઈ જરૂર નથી.. બંને બાળકો હજી નાના છે .. એમની સાથે પણ કોઈનું કોઈ તો જોઈએ ને… આપણે બધા એકજ છીએ ભગવાન કરે ને તમને ક્યારેય અમારી જરૂર પડે એવું થાય જ નહી.. છતાંય જયારે પણ જરૂરિયાત લાગે તમે બેધડક ગમે તે સમયે અમને કહી શકો છો … કોઈનું કોઈ ચોક્કસ આવી જશે.. અને મને ગમશે પણ ખરું…


અને હા હવે એક ખાસ વાત… મે ઘણા સમયથી નોટીસ કર્યું છે કે તમે જયારે પણ આ ઘરે હોય ત્યારે કોઈ વસ્તુ વાપરતા પહેલા કોઈના કોઈને પુછો છો, અરે કબાટ ખોલવા માટે પણ તમે મને પૂછેલુ, અને બાળકોને ડ્રાયફ્રુટ ખવડાવતા પહેલા મમ્મીને પૂછેલું… એક્ટીવા લઈ જવા માટે પપ્પાને પૂછેલું… સાચું કહું તમારું આ વર્તન મને બિલકુલ નહોતું ગમ્યું.. ખુબ દુઃખ થયું હતું મને… આ પાંચ વર્ષના સમય ગાળામાં તમારા વર્તન અને સ્વભાવને થોડુંઘણું ઓળખું છું એટલે ફરી કહું છું કે આ ઘર એટલુજ તમારું છે જેટલું અમારા બધાનું….

તમે ગમે ત્યારે અહિયા આવી શકો છો તમારી ઈચ્છા હોય એટલો સમય અહિયા રોકાઈ શકો છો અને તમને ગમે તે રીતે રહી શકો છો…અહિયાની દરેક વસ્તુ તમે તમારી ઈચ્છા મુજબ વાપરી શકો છો એની માટે તમારે કોઈને કંઈ પૂછવાની કે કહેવાની જરૂર નથી…..ના તમને કોઈ દિવસ બીજું કોઈ કંઈ કહેશે… તમે અહીંયાથી વિદાય થયા અને હું આ ઘરમાં પ્રવેશી પણ એનો અર્થ એ બીલકુલ નથી કે હવે તમે આ ઘરના સભ્ય નથી… તમે તમારે ઘરે રહો છો પણ આ તમારું પહેલું ઘર છે.. અને આ ઘર પર પહેલો હક તમારો જ છે જે હંમેશા રહેશે…


હું જાણું છું કે તમે ખુબજ કાઈન્ડ and હમ્બલ છો, એનો અનુભવ મેં જાતે પણ ઘણીવાર કરેલો છે.. પણ વધારે પડતી હમ્બલનેસ સબંધોને ક્યારેક ફોર્મલ બનાવી દેતી હોય છે પછી ફેમીલી રીલેશન અને બીજા રીલેશનમાં શું ફર્ક?(આ મારું અંગત મંતવ્ય છે બને કે તમે સહમત ના પણ થાવ)….ઇન શોર્ટ મારે તમને એટલુંજ કહેવું છે કે તમે જયારે પણ અહિયા આવો કે અમને મળો…એકદમ ફ્રી રહો…. મસ્ત એન્જોય કરો… આ સોફિસ્ટિકેટેડ વર્ડ સોરી અને થેન્ક્યુ તમારા ઘરેજ મુકીને આવો… બીજાની ખબર નહી પણ મને બહુ ગમશે… એમ પણ મને લાઈફમાં લાઈવ રીલેશન જ વધારે ગમે છે… અને એનું આયુષ્ય પણ લાંબુ હોય છે…


મને લાગે છે કે બહુ લખાઈ ગયું છે… આ લેટર ટાઇપ કરીને મોકલવાનો આઈડિયા એટલા માટે કે મારા હેન્ડ રાઈટીંગ ઉકેલતા તમારો નેક્સ્ટ બર્થ ડે આવી જાત…હા હા હા .. આશા રાખું છું કે મેં આ પત્ર દ્વારા તમને બોર નથી કર્યા.. તમારા લોકોની કંપની મને હમેશા ગમી છે મેં એને એન્જોય કરી છે… આઈ રીયલી મીન ઇટ… બહુ જલ્દીથી ફરી પાછા મળીએ એવી ઈચ્છા સાથે આ લેટર અહીયાજ પુરો કરું છું.. મારા બંને બાળકોને મારા તરફથી ખુબજ વ્હાલ…. ફરી એક વાર તમને જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ… એન્જોય યોર ડે… મિસ યુ…

લી. ભાભીમાંથી મિત્ર બનેલી તમારી નવી નવી બહેનપણી

લેખક : સ્વાતિ સીલ્હર

વાહ સુંદર સંબંધને સુંદર શબ્દોમાં રજુ કરેલ છે, દરરોજ આવી અનેક વાતો અને વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ