પોઝીટીવ અને નેગેટીવ વિચારોની જુદી જુદી અસર જુઓ આ સુંદર નાનકડી વાર્તામાં…

નાસ્તો બનાવતા ચા જરા વધારેજ ઉકળી ગઈ . સવારે રસોડામાં એકલા બેજ હાથે અઢળક કામ પાછળ મંડી પડેલી માયાએ હજી પોતે મોઢામાં કઈ મૂક્યું પણ ન હતું . બધા સમયસર ઘરમાં થી નીકળી રહે એનું ધ્યાન ધરવાની દરરોજ જેવીજ દોડાદોડી . અંકિત ના હોઠને કડવી ચાનો સ્પર્શ થતાંજ એનો પારો છટક્યો . ઓફિસના કામોની આજે ડેડલાઈન હતી . હજી ઘણા બધા કાગળિયાઓ સ્કેન અને પ્રિન્ટઆઉટ કરવાના હતા . ” આના કરતા સીધું ઝહેરજ આપી દે તો સારું .”

ચાના કપને ગુસ્સામાં હડસેલતો અંકિત રસોડામાંથી જતો રહ્યો . કુટુંબના પાછળ સૂર્યોદયથી આરામ વિનાજ ભાગી રહેલી માયાનું હૃદય ચા કરતા પણ વધુ કડવું બની ગયું . દૂરથી આવી રહેલી કમલા બાઈ પર એની એક નજર પડી અને તરતજ રસોડામાં ખોસાયેલી ઘડિયાળ પર આવી મંડાઈ . અર્ધો કલાક મોડું ? હાંફળી ફાફળી કમલા બાઈ એક શબ્દ પણ ઉચ્ચારી શકે એ પહેલાજ માયા રીતસર ગરજી ઉઠી . આખો મહોલ્લો સાંભળી શકે એવા ઊંચા સ્વરમાં માયાએ કમલા બાઈના આળસુ અને ગેરજવાબદાર વર્તન ને જગ જાહેર કરતા વગોળી નાખ્યો .

આખા ઘરનું બધુજ કામ પતાવી કમલા બાઈ આખરે ભારે હૃદય જોડે ફ્લેટની બહાર નીકળી . ગરીબીની લાચારી અને માલકીનના અપમાન થી ઘવાયેલા હય્યા જોડે એ એપાર્ટમેન્ટની હાઈ ટાવર બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર પહોંચી . બિલ્ડીંગ ની સુરક્ષા જાળવણી કરનારા વૃદ્ધ સુરક્ષાકર્મી ને થાકથી ગાઢ ઊંઘમાં સરી પડેલો નિહાળી એણે ધાક ભર્યો અવાજ નીકાળ્યો .

” તને ઊંઘવાના પૈસા મળે છે ? ” આસપાસથી પસાર થતા બિલ્ડિંગમાં રહેતા કેટલાક સદસ્યોએ કમલા બાઈ નો ઊંચો અવાજ સાંભળ્યો . સુરક્ષા જાળવણીનો પગાર લેવા છતાં આમ દિન દહાડે ઊંઘી રહેતા ચોકીદારને બધાએ એકીસાથે ખડખડાવી નાખ્યો . ” આવતા મહિનાની મેનેજીંગ મિટિંગમાં ફરિયાદ નોંધાવી નવા ચોકીદાર ની અરજી મુકીશું ”

કમલા બાઈ અને એપાર્ટમેન્ટના સદસ્યો પોતપોતાના કામ તરફ વિખરાયા . વૃદ્ધ ચોકીદાર હજી પણ ડર થી ધ્રુજી રહ્યો હતો . રોજીરોટી પર લાત પડી હતી . વૃદ્ધ ધ્રૂજતી આંખોને કરચલીવાળા હાથો જોડે સાફ કરીજ કે એક અર્ધ મૃત બીમાર કૂતરું બિલ્ડિંગની અંદર તરફ પ્રવેશતા દેખાયું . પડખે ગોઠવાયેલી લાકડીઓના પ્રહાર દ્વારા બધીજ વેદના એ કૂતરાં ઊપર ઠલવાઇ ગઈ . આક્રમણ સ્થળાન્તરનો ભોગ બનેલા કૂતરાએ બિલ્ડિંગની બહારના રસ્તા ઊપર દમ તોડી નાખ્યો .

ઘટનાઓની સાંકળ અહીં જ સમાપ્ત . શું થયું ?અંત બહુ ગમ્યો નહીં ? મને પણ . અંત સુધારવો હોય તો આરંભ સુધારવો પડે . ચાલો એક કામ કરીએ . ઘટનાઓ ની સાંકળ ફરીથી આરંભીએ . પણ આ વખતે થોડી જુદી રીતે ! કામ થી નિધાળ માયાએ કડવી ચાનો કપ અંકિતના ટેબલ પર ગોઠવ્યો . કામના બોજ વચ્ચે માયાના હાથની ચા પર નજર પડતાજ અંકિત એક ક્ષણ માટે બધીજ ચિંતાઓ વિસરી ગયો . માયાને પોતાના તરફ ખેંચી હાથમાંના પ્યાલા ની ચા માયા તરફ પ્રેમ થી ધરી . ” બધાને માટે બધુજ કરવા ભૂખી પ્યાસી દોડતી રહે છે ….”

અંકિતના મોઢેથી સાંભળેલા પ્રેમભર્યા શબ્દોથી માયાનો માનસિક તણાવ હવામાં કશે ઓગળી ગયો અને શરીરમાં એક અવનવી તાજી સ્ફૂર્તિ અનુભવાય રહી . ” અરે આ ચા તો કેટલી કડવી છે ….” પોતાનાજ હાથથી બનાવેલી ચા પર માયાને અણગમો છૂટી રહ્યો . ” એ તો ઉતાવળ થી થઇ જાય ….કેટલા દિવસથી તારા જોડે બેસીને શાંતિથી ચાની ચુસ્કી માણી નથી . ઓફિસ જવા પહેલા નીચે ચા ની લારી પર ગરમાગરમ ચા સાથે પીવા જઈએ તો ? મારા થોડા કાગળિયાઓ પણ સ્કેન અને પ્રિન્ટ આઉટ કરવાના છે …..”

અંકિતનો પ્રસ્તાવ માયાએ ઝટ સ્વીકારી લીધો . રસોડામાંથી એક નાનકડો વિશ્રામ લઇ માયા ખુશી ખુશી અંકિતનો હાથ થામી ચા પીવા નીકળી પડી . દરવાજો બંધ કરતી જ હતી કે કમલાબાઇ હાંફળી ફાંફળી ધસી આવી . દરરોજ કરતા અર્ધો કલાક મોડે પડી હતી . અંકિત જોડે બહાર જવાના ઉત્સાહમાં હોવા છતાં કમલા બાઈ ના ચ્હેરા પરની ઉદાસી માયા તરતજ કળી ગઈ .ધીરજથી મોડા આવવાનું કારણ પૂછ્યું .

” મેડમ નાનકાને ધગધગ તાવ છે ….” ગરીબીની લાચારી આંખોમાં ઊતરી આવી . ” અહીંજ ઊભી રહેજે …..” ઝડપથી ફ્લેટમાં જઈ માયા શીઘ્ર બહાર પહોંચી . કમલા બાઈ ના હાથમાં થોડા પૈસા થમાવ્યા અને રાત્રે બનાવેલા ગુલાબજાંબુ માંથી થોડા ગુલાબજાંબુ એક ડબ્બામાં ભરી આપ્યા . ” આજે રહેવા દે . હું કરી નાખીશ ……” ફ્લેટને તાળું વાંસી અંકિત અને માયા નીકળી પડ્યા . ઓફિસે જવાનું મોડું ન થાય એ માટે બન્નેની ઝડપ કમલાબાઇ કરતા બમણી હતી .

માલકીન ની માનવતાથી ખુશ અને પ્રભાવિત કમલા બાઈ પણ મળેલી રજા નો પોતાના બાળકની સારવારમાં સદુપયોગ કરવા નીકળી પડી . ગ્રાઉન્ડ ફ્લોર ઊપર પહોંચતાજ વૃદ્ધ ચોકીદાર પર નજર પડી . કામ ના સમયે આંખો મીંચેલા વૃદ્ધ શરીરને કમલાબાઈએ ધીરે રહી જગાડ્યું . ” કાકા કોઈ જોઈ જશે તો નોકરી જશે …..” કાનમાં ધીરેથી મંદ સ્વર માં ફૂંકાયેલા શબ્દોથી ઘરડું શરીર સચેત થઇ ગયું . પોતાના ગુલાબજાંબુ વાળા ડબ્બામાંથી બે ગુલાબજાંબુ ચોકીદારને ચૂપચાપથી થમાવી કમલા બાઈ પોતાના માંદા બાળક પાસે ઝડપ થી પહોંચી રહેવા દોડી રહી .

પાછળથી બે વૃદ્ધ આંખો એને અશાબ્દિક આશીર્વાદ આપી રહી . અચાનક બિલ્ડિંગની બહારથી અંદર તરફ આવવાનો પ્રયાસ કરી રહેલા એક બીમાર અર્ધમૃત કૂતરાં પર ચોકીદારની નજર પડી . પ્રાણીની કફોડી હાલત નિહાળી મનમાં દયા ના ભાવો ઉપસી આવ્યા . કોઈ જુએ એ પહેલાજ કૂતરાંને હેતથી દોરી રસ્તાની સામે તરફના એક સુરક્ષિત ખૂણામાં બેસાડી દીધું . પોતાની વધેલી રોટલીના થોડા ટુકડા એ મૂંગા જીવ આગળ ધરી વૃદ્ધ શરીર શીઘ્ર પોતાની ફરજ પર આવી ઉભું રહી ગયું . ઘટનાઓની સાંકળ અહીંજ સમાપ્ત . આ અંત ગમ્યો ને ? મને પણ …….. કોઈએ સાચુંજ કહ્યું છેઃ ‘જે ક્રોધને નિયંત્રણમાં ન રાખે , ક્રોધ એને નિયંત્રણમાં રાખે ‘

લેખક : મરિયમ ધુપલી

વાત તો સાચી કહી છે લેખકે જયારે માણસ ગુસ્સામાં હોય ત્યારે જ બધું ના ગમતું કાર્ય થઇ જાય છે… માટે હંમેશા પોઝીટીવ વિચારો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ