વર્લ્ડઝ બેસ્ટ સાસુમાઁ – સાસુ અને વહુ વચ્ચે સારો મેળ હોય તો તેઓ શું ના કરી શકે, વાંચો લાગણીસભર વાર્તા…

અનુરાધાબહેન અને અનીશા બન્ને સાસુ-વહુ. બંનેના સંબંધ એવા કે જાણે સાકરમાં દૂધ ભળી જાય. બીજા બધા પરિવારોની જેમ અનુરાધાબહેનના પરિવારમાં વહુ પ્રત્યેનો અણગમો જરાય નહિ. અનીશાને અનુરાધાબહેને જ આદિત્ય માટે પસંદકરેલી. વૈષ્ણવધર્મ પાડતા અનુરાધાબહેન રોજ સવારે બાજુમાં આવેલી હવેલીમાં મંગળાના દર્શન કરવા જાય. રોજ જ તેઓ અનીશાને હવેલીમાં જોવે.

અનીશા ક્યાં તો ગુલાબની માળા ગુંથતી હોય ક્યાં તો યમુનાષ્ટકના પાઠ કરતી હોય. વળી હવેલીમાં દરેક ઉત્સવ હોય તેમાં અનીશા જ આગળ રહીને ભાગ લે. સુમધુર અવાજ ધરાવતી અનીશા હવેલીમાં દર્શન ખુલે એ પહેલા અચૂક ભજનો ગાય અને સાથેની મહિલાઓ પંક્તિઓને ઝીલે.અનુરાધાબહેનનો દીકરો આદિત્ય તેના પાપા સાથે ફેકટરીએ જતો. વિદેશથી એમબીએ કરીને આવેલો આદિત્ય ભારતીય સંસ્કારો વડે પુરેપુરો મઢાયેલો હતો.

વિદેશમાં ભણવા છતાં પણ તેનામાં કોઈ જ દુર્ગુણનો સમાવેશ નહોતો થયો. તે છેલ્લા એક વરસથી ભારત આવ્યો અને ત્યારથી જ તેના પાપાની બેરિંગની ફેકટરીમાં જોડાઈ ગયો હતો.એક દિવસ અનુરાધાબહેન યમુનાષ્ટક કરતી અનીશા પાસે ગયા.”જય શ્રી કૃષ્ણ દીકરી…..હું તને રોજ આ હવેલીમાં નિહાળું છું. તું શું કરે છે બેટા? ઘરમાં કોણ કોણ છે??””માસી, મેં હમણાં જ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું. ઘરમાં કોઈ છે નહિ. અનાથાશ્રમમાં જ મોટી થઈ છું. ત્યાંના દરેક મારા આપ્તજનો છે. બસ અહીંથી બ્રહ્મસંબંધ લીધો છે એટલે અહીં આવતી રહું છું.

“અનુરાધાબહેનને તો આમ પણ અનીશા નજરમાં વસી ગયેલી. તેની સાથે જ હવે તેઓએ ઘરે જઈને આદિત્ય અને તેના પાપાને વાત કરી. અનીશાનો ફોટો પણ બતાવ્યો. બસ પછી તો શું હતું..! ચટ મંગની અને પટ બ્યાહ…!લગ્ન બાદ બધા ખુબ જ ખુશ હતા. ચારેય જણા હંમેશા પ્રેમથી જ રહેતા. જાણે રાજશ્રી ફિલ્મ્સનો પરિવાર જોઈ લો. શનિ-રવિ પિકનિકમાં પણ જતા. રોજ તો સવારે બંને સાસુ-વહુ વહેલા જાગી જાય. સાથે જ ઘરનું કામ કરે. પછી બધા નાસ્તો પણ સાથે જ કરે. ગરમ-ગરમ થેપલા ને પરોઠા જ હોય નાસ્તામાં.

પછી આદિત્ય અને તેના પપ્પા ઓફિસે જાય ત્યારબાદ અનુરાધાબહેન અને અનીશા બન્ને ઘરે એકલા જ હોય. શરૂઆતમાં લગ્ન બાદ તો બન્ને આખો દિવસ કામ ને જાતજાતની વાતોમાંથી વાતોમાંથી નવરા જ ના થતા. હવેલીએ પણ જાય. કંઈક ને કંઈક કામ કરતા રહે. વળી ક્યારેક સંબંધીના ઘરે બેસવા જવાનું તો ખરું જ..!! પરંતુ જેમ જેમ મહિનાઓ પસાર થતા બન્ને આખો દિવસ કંટાળવા લાગ્યા.એક દિવસ અનુરાધાબહેને અનીશાને કહ્યું,”દીકરી આપણે સવારે બંને બાપ-દીકરાનું ટિફિન બનાવી લઈએ પછી સાવ નવરા જ હોઈએ છીએ ને.. આખો દિવસ કંટાળવા કરતા ચાલ ને કંઈક કામ શરૂ કરીએ..

કીટી પાર્ટી ને એવું બધું મને ના ગમે. એના કરતા કંઈક અનોખું જ કરીએ જેનાથી આપણે સમાજમાં પણ મદદરૂપ થઇ શકીએ..!!”હા મમી તો આપણે એવું કરીએ કે શહેરના દરેક વૃદ્ધાશ્રમ ને અનાથાશ્રમ છે ને તેમાં ટિફિન બનાવીને પહોંચાડીએ.. મને રસોઈનો બહુ શોખ છે. અને હું અનાથાશ્રમમાં જ મોટી થયેલી છું એટલે મને ખબર છે કે તેઓને કેવીક હાડમારી હોય છે. રસોઈ કોઈને કરવી ગમતી જ નથી… બિચારા કેમ કરે આટલા બધા લોકોની રસોઈ..! અને મારે તો નાનપણથી જ પેલા રસોઈ શોમાં જવું હતું.. આ રીતે મારું સપનું પણ પૂરું થશે સૌને નવું નવું જમાડવાનું..

આપણે મફતમાં તેમને ટિફિન પ્રોવાઈડ કરીએ તો તેઓ ના નહિ કે…!! અને આપણું ફન્ડ એકઠું કરવા માટે હું અલગથી કુકીંગ કલાસ ચલાવીશ ને એમાંથી મળતા પૈસાથી આપણે વૃદ્ધાશ્રમના ને અનાથાશ્રમના ટિફિન બનાવીશુ…!!”””વાહ મારી દીકરી. બહુ સારી વાત કરી છે. ચાલ કાલથી જ કામ શરૂ કરી દઈએ. શરૂઆત તું જે અનાથાશ્રમમાં મોટી થઇ છે ત્યાંથી જ કરીશુ દીકરી…! સવારે જ મળવા જઈશું..!”પછી તો સાંજે આદિત્ય અને તેના પાપાને પણ બન્ને સાસુ-વહુએ વાત કરી. તે બંને પણ ખુબ જ ખુશ થયા.

આદિત્યએ કહ્યું,”તમે એક વખત આ શરૂ કરો પછી આપણી ઓફિસના દરેક કર્મચારીઓ જે બહારથી ટિફિન મંગાવે છે તેઓને પણ તમારું જ ટિફિન લેવાનું કહી દઈશ. એ રીતે વિસ્તાર પણ થશે…!”અનીશા આ સાંભળતા જ શરમાઈ ગઈ. તેને લાગ્યું કે આદિત્ય તેની ખુશીઓનો કેટલો ખ્યાલ રાખે છે. તે રાત્રે તે બંનેના ઓરડાનું વાતાવરણ પણ રોમેન્ટિક હતું…”આદિ, તમે કેટલા સારા છો..! કોઈ બીજું આટલું પૈસાવાળું હોય તો પોતાની પત્નીને કામ જ ના કરવા દે..! ઘરમાં ગોંધી રાખે પૈસાનો પાવર બતાવીને, દર મહિને બ્લેન્ક ચેક આપીને…! પણ તમે તો મને સાથ આપ્યો..! આઈ લવ યુ આદિ..!”ને આદિત્યએ અનીશાને પોતાના બાહુપાશમાં સમાવી લીધી…!

બીજા દિવસે સવારે ઉઠતા જ અનીશા માર્કેટમાં ગઈ અને કરિયાણાનો બધો સામાન લઇ આવી. સરસ મજાનો પુલાવ અને કઢી બનાવ્યા.. સાથે સાથે પાપડ ને છાશ તો ખરા જ. પછી બન્ને સાસુ-વહુ અનીશાના અનાથાશ્રમમાં જ સૌ પહેલા ગયા. અનીશા તો ત્યાં જઈને સીધી તેના મેડમને વળગી પડી. સાસુમા પણ વહુને હરખાતી જોઈ ખુબ ખુશ થયા. પછી તેઓ ત્રણેય ઓફિસમાં ગયા. સાથે બેઠા અને બધી વાતચીત કરી.

અનીષાનો પ્રસ્તાવ તેના મેડમને ખુબ ગમ્યો પણ તેમણે એક શરત મૂકી,”દીકરી, એમ મફતમાં તો નહિ જ લવ. હા પૈસા આપી શકવા સક્ષમ નથી પરંતુ તને ખબર છે આપણી બધી છોકરીઓ હોશિયાર જ છે. રસોઈ ઘણીને આવડે છે. એટલે તારી મદદ કરવા ને તારે ત્યાં કામ કરવા હું ત્રણ છોકરીઓને મોકલીશ..! તારે કોઈને પગાર આપવાની જરૂર નથી.”અનીશા ને તેના સાસુ આ સાંભળીને ગદગદ થઇ ગયા.

બીજા જ દિવસથી શહેરના બે અનાથાશ્રમ અને ચાર વૃધ્દશ્રમમાં “સાસુ-વહુનું ટિફિન” પહોંચવા લાગ્યું.. ધીમે ધીમે તેઓ પોતાનો બિઝનેઝ વિસ્તરતા ગયા. ક્યારેય બન્ને વચ્ચે કોઈ ચકમક ના ઝરે. કામ પણ વહેંચાયેલ.. અનીશા રસોઈ બનાવે અને અનુરાધાબહેન હિસાબ રાખે.. પેલી ત્રણેય છોકરીઓમાંથી એક અનીશાને મદદ કરે અને બાકીની બે ટિફિન પહોંચાડવાની વ્યવસ્થા કરે…! આમ બધું એકદમ ગોઠવાઈને ચાલવા લાગ્યું..

મહિનાઓ પસાર થતા ગયા. આદિત્યએ પણ તેની ઓફિસના દરેક કર્મચારીનું ટિફિન બંધાવી દીધું હતું.. કામ વિસ્તારવા લાગ્યું.. અનિષાએ એક નવી જ ઓફિસ લઇ લીધી. ત્યાં તે રસોઈ પણ બનાવે અને કલાસ પણ ચલાવે. બમણા જોશથી બન્ને સાસુ-વહુ કામ કરવા લાગ્યા.એક-બે-ત્રણ ને એમ કરતા દસ વર્ષ પસાર થઇ ગયા. અનીશાનું હવે આખા ગુજરાતમાં નામ જાણીતું થઇ ગયું હતું. ઈનફેક્ટ રસોઈ શોમાં તો તે એઝ એન એક્સપર્ટ જતી. તેના સાસુ હવે ફક્ત હિસાબ સાંભળવાનું કામ કરતા. અને હા હવે એક રૂટિન બંધાયું હતું…

અનીષાનો સાત વર્ષનો દીકરો તે જ્યાં હોય ત્યાં આવે અને બધું બનાવેલું ઢોળી દે…!! ખીલખીલાટ કરતો એ મીઠડો દરેકને વહાલો હતો…! અનુરાધાબહેન મોટેભાગે હવે તેના પૌત્ર અથર્વને સાંભળતા.. અનીશા તો હવે વિદેશમાં પણ પોતાના કુકીંગ ક્લાસ કરવા જતી.અનુરાધાબહેનનો જન્મદિવસ નજીક આવી રહ્યો હતો. અનીશાએ તેમના માટે પાર્ટી રાખેલી…. “સરપ્રાઈઝ પાર્ટી…!!”સવારે જાગીને તે સૌ પહેલા તેમને પગે લાગી.. આખો દિવસ બધા સાથે જ રહ્યા.. સાંજે અનીશા તેમને કારમાં લઈને બહાર નીકળી. આંખો પર તો પાટો બાંધેલો હતો.

તે જગ્યા પર પહોંચતા જ તેણે અનુરાધાબહેનને ગાડીમાંથી હાથ પકડીને ઉતાર્યા..”આવો માઁ… ધીરે ધીરે…. બસ હવે અહીં ઉભા રહી જાવ. આંખો પરથી પાટો ખોલી દો..!”જેવો અનુરાધાબહેને પાટો કાઢ્યો ત્યાં સામે દીવાલ પાર તેમની અને અનીશાની એકદમ મોટી તસ્વીર લગાવેલી હતી અને જેમાં લખ્યું હતું, “વર્લ્ડઝ બેસ્ટ સાસુમા” !!અનુરાધાબહેન તો આ જોઈને રડી પડ્યા.. અનીશા તેમની પાસે ગઈ અને તેમનો હાથ પકડીને બોલી,

“માઁ તમારી હિમ્મતથી આજે હું આ મુકામ પર પહોંચી છું. આજે દરેક પરિવારમાં કજિયા-કંકાસ થઇ રહ્યા છે કારણકે સાસુ-વહુ વચ્ચે અંડરસ્ટેંડનીંગ નથી. તમે જૂની પેઢીના હોવા છતાંય મને આટલું સારી રીતે સમજી શક્યા અને ઉડવા માટે આકાશ આપ્યું, બિલકુલ દીકરીની જેમ જ… એ બદલ તમારો ખુબ ખુબ આભાર. પાપા અને આદિત્ય પણ મારા આ સફરમાં સાથે રહ્યા છે. તેમને પણ હૃદયપૂર્વક વંદન…!!

આજે તમારા જન્મદિવસે હું અહીં તમને લાવી છું અને સાથે સાથે તમને ખાતરી આપું છું કે તમારી આ શીખ હું સમજીશ અને મારી વહુને તમે જેમ તમારી વહુને રાખી તેમજ રાખીશ.. હું નવી પેઢીને આ સંસ્કાર આપવા માંગુ છું જે તમે મને આપ્યા. થેંક્યુ માઁ.. આઈ લવ યુ…!!”અને અનુરાધાબહેન અનીશાને ભેટી પડ્યા….!!

લેખક : આયુષી સેલાણી

કેવી લાગી સ્ટોરી ? કોમેન્ટ માં જણાવજો !!

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ