લિવ ઈન લિવ આઉટ – કોના પર ભરોસો કરવો? પોતાની પસંદ કે પછી માતા પિતાની વાંચો અને તમે પણ સમજી જશો…

લિવ ઈન લિવ આઉટ

આઠમા ધોરણ માં ભણતી સંધ્યા શાળાએ થી ઘરે પરત થઇ રહી હતી. શેરી માં દરરોજ પ્રસરતી શાંતિ ની જગ્યા એ કંઈક ખળભળાટ મચી રહ્યો હતો. પોતાના ઘર ની સામેના મકાન માંથી આવી રહેલા ઊંચા અવાજો એના તરુણ કાનો માં સ્પષ્ટ ઝીલાઈ રહ્યા હતા. એ અવાજો વચ્ચે અનન્યા દીદી ના ડૂસકાંઓ ને રડવાનો અવાજ સાફ સંભળાઈ રહ્યો હતો . એમના માતાપિતા ના અગનજ્વાળા જેવા શબ્દો પરિસ્થિતિ ની હકીકત થી અવગત કરાવી રહ્યા હતા:


” છોડી ગયો ને તને તરછોડી ને ….” ” લગ્ન વિના ના આવા સંબંધો પાસે બીજી કઈ અપેક્ષા રખાય ? ” ” આખા સમાજ ની વચ્ચે મારુ માથું શરમ થી ઝૂકી ગયું આજે …”

” આ દિવસ જોવા માટેજ તને જન્મ આપ્યો હતો ???” ” જા કશે થી ઝહેર લાવી આપ ……આ બધું જોવા પહેલા અમે મરી શા માટે ન ગયા ???” ” સાત ફેરાઓ અને મઁગળસૂત્ર જ સ્ત્રી નું સાચું સુખ અને સન્માન હોય છે ….” ” લગ્ન ના સંબંધ માંજ એક સ્ત્રી ને સાચી ખુશી અને આદર મળે ….”


સંધ્યા નું તરુણ હૃદય અંદરોઅંદર પરિસ્થતિ નું પૃથક્કરણ કરી રહ્યું . થોડા મહિનાઓ પહેલાજ અનન્યા દીદી કોઈ યુવક જોડે ભાગી ગયા હતા. પણ લગ્ન કરવા માટે નહીં …પેલું શું કહેવાય ??? હા ..લિવ ઈન રિલેશનશિપ! એકબીજા ની જોડે લગ્ન કર્યા વિનાજ રહેવાનો સંબંધ! પોતાના માતાપિતા ની વાતો ચોરીછૂપે સાંભળી હતી . સમાજ માં એવા સંબંધો ખુબજ ગંદા કહેવાય . એમાં સમાજ ની માન્યતા કે વડીલો ના આશીર્વાદ ન હોય. સુરક્ષા પણ ક્યાંથી હોય ? એક સ્ત્રી તો લગ્ન ના પવિત્ર બંધન માંજ સંપૂર્ણ સુરક્ષિત અને આદરપાત્ર !

પોતે તો પોતાની મોટી બહેન ની જેમજ માતા પિતા ની પસંદગી ના યુવક જોડેજ લગ્ન કરશે . એ પવિત્ર બંધન થીજ એને સુરક્ષિત અને આદર સન્માન ભર્યું જીવન મળશે . પોતાની જાત ને વચન આપતી સંધ્યા ઘર ભણી ઉપડી.


ઘર નું બારણું આમ ખુલ્લું જ કેમ છોડાયું હતું ? બાપુજી આજે કેમ જલ્દી ઘરે આવી ગયા ? બા મઁદિરે ન ગઈ ? અંદર તરફ થી કેટલાક ડૂસકાંઓ નો અવાજ સાંભળતાજ એ ચોંકી ….આ તો એની મોટી બહેન…..આ સમયે …આ રીતે…..???

અંદર ના ઓરડા નું દ્રશ્ય નિહાળતાંજ એનું તરુણ હૃદય હચમચી ગયું . બા બાપુજી આગળ ધ્રુસકે ધ્રુસકે રડી રહેલી બહેન ના ચ્હેરા ઉપર ના માર ના નિશાનો અને સૂજેલી આંખો બધીજ હકીકત બયાન કરી રહી હતી . “તું ચિંતા ન કર એ લોકો ની જે કઈ પણ માંગણી હોય આપણે પુરી કરી દઈશું….” બા દયનીય સ્વર માં બોલી રહી.


” નહીં…જરાયે નહીં…મારી દીકરી અહીંજ રહેશે …એના પોતાના ઘર માં …પુલીસ ને જાણ કરી બન્ને માં -દીકરા ને અંદર કરાવીશ …” ગુસ્સા માં લાલ પીળા બાપુજી ઘર ની બહાર નીકળી ગયા ….

સંધ્યા ફાટી આંખે બા ને વળગી ને રડી રહેલી પોતાની બહેન ને જોઈ રહી. એની નજર બહેન ની માંગ માં પુરાયેલા સિંદૂર અને ગળા માં લટકી રહેલા મઁગળસૂત્ર પર હેરત થી જડાઈ રહી …. એ તરુણ હૃદય હેબતભર્યું ગૂંચવાઈ રહ્યું : ‘સાત ફેરા ફરવા છતાં એની બહેન ની સુરક્ષા ને આદર શા માટે ન જળવાયા ????’

લેખક : મરિયમ ધુપલી

દરરોજ આવી અનેક વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ