ગૃહપ્રવેશ – દિકરા અને વહુનું આવું વર્તન સહન ના થતા લીધો વૃદ્ધ દંપતીએ આકરો નિર્ણય…

ગૃહપ્રવેશ

રવજીભાઈ પોતાની દિનચર્યા મુજબ સવારે ચાલવા ગયા હતા…ચાલી ને પરત ફરેલા રવજીભાઈએ હોલ માં બેઠેલા નાનકડા નિલ અને અમી વહુ ને જોયા…પણ કોકિલાબેન ક્યાંય નજરે ન પડ્યા..એમને અમી વહુ ને પૂછ્યું “અમી બેટા,તમારા મમ્મી ક્યાં છે..દેખાતા નથી?” અમી એ રવજીભાઈ તરફ જોવાની પણ દરકાર ન કરી અને પોતે વાંચી રહેલી મેગેજીન માં જ જોતા રહી અલ્લડતા થી જવાબ આપ્યો “મને ખબર નથી…હશે એમના રૂમ માં…હું આખો દિવસ ઘર અને બાળકનું ધ્યાન રાખું કે એમની આગળ પાછળ ફર્યા કરું”


રવજીભાઈ માટે અમીનું આ વર્તન નવું ન હતું…એટલે એ અમી ની વાતો પર ધ્યાન આપ્યા વગર સીધા એમના રૂમ માં ચાલ્યા ગયા…કોકિલાબેન રૂમ માં જ બારી તરફ મુખ કરી બહાર કાંઈ નિહાળી રહ્યા હોય એવો ડોળ કરતા ઉભા હતા..કદાચ રવજીભાઈ ના આગમન નો એમને અંદાજો આવી ગયો હતો..અને પોતાની રડમસ દશા રવજીભાઈ માપી ન લે એટલે જ એમને બારી બહાર જોવાનો ડોળ કર્યો હતો..રવજીભાઈ રૂમમાં પ્રવેશતા જ ફરિયાદ ના શૂર માં બોલ્યા…


“હું 4 5 દિવસથી જોઈ રહ્યો છું..તું આમ રૂમ માં ભરાઈ રહે છે…બહાર અમી અને નિલ સાથે બેસતી હોય તો દિમાગ પણ હળવું થાય” “ના મારે નથી બેસવું બહાર….હું અહીંયા જ આ રૂમ ની ચાર દીવાલો માં જ બરાબર છું” કોકિલા બેને વળતો જવાબ આપ્યો

“કેમ આમ વર્તન કરે છે…એ આપણા બાળકો છે એમની સાથે આમ રીસામણા ક્યાં સુધી રાખીશ?”રવજીભાઈએ કોકિલાબેનને સમજાવવા માટે પ્રયત્ન કર્યો “ના પ્રીતના પપ્પા…મારે બાળકો સાથે કોઈ રીસામણાં નથી…પણ તમે અમી વહુ અને પ્રીતના બદલાયેલા અભિગમથી ખૂબ જ સારી રીતે વાકેફ છો…કદાચ એમને મારી હાજરી પણ મર્સ સંગીતના સાધનોની જેમ ખટકી જાય તો…..” કોકિલા બેન એટલું બોલતા રડી પડ્યા..


થોડા દિવસ પહેલા બનેલા બનાવ ની કોકિલાબેન ના મન પર ખૂબ જ ગાઢ અસર થઈ હતી.ઘરની સાફસફાઈ કરી રહેલી અમી એ હોલમાં ગોઠવાયેલા કોકિલાબેન ના સંગીતના સાધનો પ્રત્યે તિરસ્કૃત નજર કરી કહ્યું. “આ કબાળખાના ને ક્યાં સુધી અહીં સાચવી રાખવાનો છે?.એને ભંગારમાં કેમ નથી આપી દેતા”. “અમી વહુ,..આમ બોલી ને સંગીતનું અપમાન ના કરશો” કોકિલા બેન ગુસ્સા માં બોલી ઉઠ્યા “હવે આ ઉંમરે તમારે આ સાધનોનું શુ કરવું છે..ખાલી અહીં પડ્યો પડ્યો ઘરમાં જગ્યા રોકે છે..એના કરતાં ભંગાર માં આપી દઈએ તો 2 પૈસા ઉપજે” એમી વળતો જવાબ આપ્યો.


કોકિલાબેન કાંઈ જ ન બોલી શક્યા…બસ આંખમાં આવી ગયેલા આંસુને છુપાવતા પોતાના રૂમમાં ચાલ્યા ગયા..અને બસ એ દિવસથી એ પોતાના રૂમમાં જ ભરાઈ રહેતા.રવજીભાઈ પણ આ ઘટનાથી ખૂબ જ દુઃખી હતા પણ ઘરનું વાતાવરણ વધારે બગડે નહિ એ વિચારે એમને ચૂપ રહેવાનું જ વધારે યોગ્ય સમજ્યું.

લગ્ન પહેલાથી જ કોકિલાબેન ને સંગીત પ્રત્યે ગજબ નો લગાવ….એટલે લગ્ન બાદ એ બીજા સરસમાન સાથે પોતાના સંગીતના સાધનો પણ જોડે જ લઇ આવ્યા હતા…એમનો સંગીતપ્રેમ ક્યારેય એમના પરિવાર ને ખટક્યો ન હતો…રવજીભાઈ તો હંમેશા એમના સંગીતપ્રેમ ને વધારે વિકસાવવા ના પ્રયત્ન કરતા રહેતા…કોકિલાબેન ને ગાવા નો પણ ખૂબ જ શોખ…અને હોય પણ કેમ નહિ… એમના ગળા માં જાણે સાક્ષાત સરસ્વતી બિરાજતા હતા..જ્યારે એ ગાતા ..તો આજુબાજુ ના બધા લોકો લીન થઈ જતા..લોકો કોકિલાબેન ના સુર ના વખાણ કરતા થાકતા નહિ..કોઈ ફંકશન હોય કે કોઈ તહેવાર કોકિલાબેન ના એકાદ ગીત ની ફરમાઈશ તો હોય જ.


રવજીભાઈએ ખૂબ જહેમત બાદ કોકિલાબેન ને એ ઘટના ભૂલી જિંદગી જીવવા સમજાવ્યા…49 વર્ષથી રવજીભાઈને દરેક પરિસ્થિતિમાં સાથ આપતા કોકિલાબેને એમની વાત માની લીધી અને ફરી ઘરમાં પહેલાની જેમ જ રહેવા લાગ્યા…એ અલગ વાત હતી કે અમી કે પ્રીતના વર્તન માં જરા સરખો પણ બદલાવ ન આવ્યો..સંયુક્ત કુટુંબમાં રહેતા અમી અને પ્રીત હંમેશા રવજીભાઈ અને કોકિલાબેન ની હાજરી ની પરવાહ ન કરતા..

એક દિવસની વાત છે..કોકિલાબેન રોજની જેમ બહાર હોલમાં બેસીને પોતાની ભજનાવલી ની ચોપડીમાંથી ભજન ગનગણાવી રહ્યા હતા..અમી નિલને શાળાએ થી લઈ પરત ફરી તો એને કોકિલાબેન નો અવાજ સાંભળ્યો..ખૂબ જ ઉગ્રતાના અવાજમાં અમી તાળુકી ઉઠી “બંધ કરો તમારું આ ગાવાનું…આખો દિવસ તમારું ગણ ગણ ચાલુ જ હોય…ઘરમાં નિલ છે એની પરીક્ષા આવે છે તમારા આ ગણ ગણ થી એને ડિસ્ટર્બ થાય એનું જરા સરખું પણ ભાન છે તમને?”


કોકિલાબેન ને ખૂબ માઠું લાગ્યું..એ સીધા જ રૂમ માં દોડી ગયા..અને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા…આ સમગ્ર ઘટના ઘરના દરવાજે ઉભેલા રવજીભાઈ અને પ્રીત બન્ને એ જોઈ..બન્ને માંથી કોઈ કાઈ જ ન બોલી શક્યું..પણ રવજીભાઈ કોકિલાબેન નું આ અપમાન પચાવી ન શક્યા..પણ દીકરાના ઘરમાં શાંતિ જાળવી રાખવા પોતે પણ શાંત રહ્યા.

અઠવાડિયા બાદ રવજીભાઈ અને કોકિલાબેન ના લગ્નની 50મી વર્ષગાંઠ હતી..પ્રીત અને અમી ને તો જરાય યાદ નહોતું…રવજીભાઈ કોકિલાબેન ને સરપ્રાઈઝ આપવા માંગતા હતા એટલે એમને એની તૈયારીઓ શરૂ કરી દીધી… એમને આ અંગે પોતાના દીકરા પ્રીત સાથે પણ કોઈ જ વાત ન કરી….અંતે એમની લગ્ન ની વર્ષગાંઠ આવી ગઈ. સવારે ઉઠીને તરત કોકિલાબેન અને રવજીભાઈએ એકબીજાને શુભેચ્છા પાઠવી..અને રવજીભાઈએ કોકિલાબેન ને જલ્દી તૈયાર થઈ જવા કહ્યું.


કોકિલાબેન એ પૂછ્યું”ક્યાં જ્વાનું છે?” જવાબ માં રવજીભાઈએ બસ એટલું જ કહ્યું “તારા માટે એક સરપ્રાઈઝ છે” “આ ઉંમરે હવે આવા સરપ્રાઈઝ કંઈ શોભે?” કોકિલાબેન વળતો પ્રશ્ન કર્યો જવાબમાં રવજીભાઈ બસ એટલું જ બોલ્યા “જા જલ્દી તૈયાર થઈ જા”

બન્ને તૈયાર થઈને સવારમાં જ ઘરે થી નીકળી પડ્યા…અમી પ્રીત અને નિલ હજી સુતા હતા..સૌપ્રથમ નજીકના મંદિરમાં જઇ કોકિલાબેન અને રવજીભાઈ એ ભગવાન ના દર્શન કર્યા..અને ત્યારબાદ રવજીભાઈએ એક રીક્ષા રોકી અને રિક્ષાવાળા ને કોઈ સરનામું આપી ત્યાં લઈ જવા કહ્યું..રિક્ષાવાળો તૈયાર થઈ ગયો..બન્ને રિક્ષામાં બેઠા..20મિનિટ બાદ રીક્ષા એક મોટા ગેટ પાસે ઉભી રહી..કોકિલાબેન અને રવજીભાઈ રિક્ષામાંથી ઉતર્યા.કોકિલાબેન ગેટ પર લગાવેલું મોટું બોર્ડ વાંચી રહ્યા હતા….


“દીકરા નું ઘર” બોર્ડ પર મોટા અક્ષરે લખ્યું હતું..બન્ને જણા ગેટ માં પ્રવેશ્યા..ત્યાં સામે જ એમની ઉંમરના ઘણા બધા સ્ત્રી પુરુષ ને જોઈ કોકિલાબેન કાઈ સમજી ન શક્યા..બધા એ ખુશહાલ હૃદયએ કોકિલાબેન અને રવજીભાઈ નું સ્વાગત કર્યું..રવજીભાઈ કોકિલાબેનને એક ઓરડા તરફ દોરી ગયા..ઓરડા માં નજર કરતા જ કોકિલાબેન ની આંખો ભરાઈ આવી..ઓરડા માં કોકિલાબેન ને ગમતા તમામ સંગીતના સાધનો હતા…રવજીભાઈ કોકિલાબેન નો હાથ પકડી એમને રૂમ માં લઇ ગયા ને કહ્યું

“કોકી…આજ થી 50 વર્ષ પહેલાં તારો મારા ઘરમાં તારા સપના અને તારા આ સંગીત પ્રેમ સાથે ગૃહપ્રવેશ થયો હતો….સમય વીતતો ગયો અને મારું એ ઘર ક્યારે દીકરા અને વહું નું ઘર બની ગયું મને જરાય ખબર ન પડી…માં બાપ તરીકે હું એ ઘરમાં ચલાવી લઈ શકું એમ હતો..પણ એક પતિ તરીકે હું મારી પત્ની નું અપમાન…એના સંગીત…એના અવાજનું અપમાન પચાવી ન શક્યો…અને એટલે જ આજે તને આ ઘરડાઘરમાં લઈ આવ્યો….


આજે તારો ફરીથી એ જ માન અને પ્રેમથી આ ઘરડાઘરના નાનકડા ઓરડામાં ગૃહપ્રવેશ કરાવવો છે…અહીંયા કદાચ સુખ સગવડ ના સાધનો નથી..પણ તારી ગાવાની ઇચ્છા તારે મારવી નહિ પડે…તારો સંગીતપ્રેમ અહીંયા કોઈના માટે બોજ નહિ બને” કોકિલાબેન સમગ્ર વાત સાંભળી રડી પડ્યા…રવજીભાઈ નો હાથ પકડી ક્યાંય સુધી એમની સામે જોતા રહ્યા..અંતે એટલું જ બોલી શક્યા “પ્રીતના પપ્પા..હું તમને ખૂબ જ પ્રેમ કરું છું”

લેખક : કોમલ રાઠોડ

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ