મારી વહુ મારી દીકરી – ને તે દિવસે એક સાસુ-વહુ એ એકબીજાને માઁ-દીકરી બનવાના કોલ આપ્યા.

“કનિષા ને નિહારીના જાગો ચલો.. સાત વાગ્યા છે, પછી તમારે બન્નેને ઓફિસે મોડું થઇ જશે.” રેખાબા હોલમાંથી બોલી રહ્યા હતા. કનિષા અને નિહારીના બન્ને અલગ અલગ ઓરડામાં હતી.

રેખાબાની બુમ સાંભળી નિહારીના પહેલા નીચે ઉતરી અને પાછળ પાછળ કનિષા ઉતરી.. રેખાબાએ બન્નેને ડાઇનિંગ ટેબલ પર બેસાડીને ગરમાગરમ થેપલા ઉતાર્યા. બંને સ્વાદમાં અનુપમ એવા આ થેપલા ખાઈને આંગળાચાટી રહી હતી. રોજ રેખાબા બંને માટે ગરમ ગરમ નાસ્તો બનાવતા..! “નિહારીના તમારું ભાવતું રીંગણાં બટેકા નું ભરેલું શાક બનાવ્યું છે. ટિફિન તૈયાર જ છે હો. પાછા ભૂલી નહિ જતા..! અને કનિષા તારા માટે ભરેલો ભીંડો છે. જો જો બેયનું ટિફિન ના બદલાઈ જાય…! ચાલો હવે ઠાકોરજીની સેવા કરવા બેસું છું હો દીકરીઓ, સાચવીને જજો. જાય શ્રી કૃષ્ણ..!!”

વસંત વિહાર બંગલામાં રેખાબા, કનિષા અને નિહારીના ત્રણ સ્ત્રીઓ રહે. કનિષા રેખાબાની દીકરી અને નિહારીના તેમની વહુ. વહુ પર તેમને દીકરી જેટલું જ હેત…!! તેમનો દીકરો નિકેતન છ મહિના પહેલા કંપનીના કામે બહારગામ ગયો હતો ત્યારે એક્સિડેન્ટમાં મૃત્યુ પામ્યો હતો. તે પછી તેની પત્ની નિહારીનાને તેની જગ્યાએ નોકરી મળી હતી.

રેખાબા, નિકેતન પાંચનો અને કનિષા ત્રણ વરસની હતી ત્યારે જ તેમના પતિને ખોઈ ચુક્યા હતા. એ પછી એકલેહાથે તેઓએ બન્ને છોકરાઓને મોટા કર્યા. એક શાળામાં પ્રાધ્યાપિકા તરીકેની પોતાની નોકરી તેઓએ નિકેતનને જ્યારે એમએનસીમાં જોબ મળી ત્યારે છોડી હતી. રેખાબા રોજ સવારે હવેલીએ જતા અને નિહારીનાને ત્યાં નિહાળતા. નમણી એવી નિહારીના તેઓને પોતાના નિકેતન માટે નજરમાં વસી ગઈ હતી.

એક દિવસ બધી તપાસ કર્યા બાદ નિહારીનાનું એડ્રેસ લઈને તેઓ તેના ઘરે પહોંચ્યા..! “મહેશરાય મને તમારી નિહારીના અત્યંત પસંદ છે. તમે ને હું એક જ નાતના છીએ. જો તમારી હા હોય તો મારા દીકરા નિકેતન માટે હું તમારી નિહારીનાનો હાથ માંગુ છું.”

મહેશરાય તો આ સાંભળી ગદગદ થઇ ગયા. રેખાબાનું તેમના સમાજમાં ઘણું પ્રતિષ્ઠિત ખોરડું હતું..! તેમના સઁઘર્ષની વાત સમાજના એક પણ સદસ્યથી અજાણી નહોતી..!! મહેશરાયે તો પ્રભુ પ્રાંગણમાં સ્વ્ય્મ હાજર થયા તેમ માનીને લગ્ન માટે હા કહી દીધી..! પછી તો શું હતું.!! ચટ મંગની ને પટ બ્યાહ..!!!!!! નિહારીના શેઠ, એક જ મહિનામાં નિહારીના નિકેતન જૈન બની ગઈ..!

ઘરના ચારેય સદસ્યોનો સ્વાભાવ એટલે કે જાણે દૂધની ધારા..! હમેશાં ઘાટો ને હેતાળ..! બધા એકબીજા સાથે હળીમળીને રહે. નણંદ-ભાભી કે સાસુ-વહુની ચકમક ક્યારેય ના ઝરે. ક્યારેક તો વળી ત્રણેય સ્ત્રીઓ એક થઈને નિકેતનને એકલો પાડી દેતી. એક વખત એવું જ થયું ને..!

સવારથી નિકેતનને નિહારીના સાથે મુવી જોવા જવું હતું તેથી તેને ઓફિસમાં રજા લીધી. નિહારીના તો આખો દિવસ માઁ ને બહેન સાથે બીઝી જ રહી. સાંજે મુવી જોવાનો ટાઈમ થયો ને નિકેતને નિહારીનાને બોલાવી તો એ કે, “આજે તો અમારી ત્રણેયની પુલ પાર્ટી છે. હું ભૂલી જ ગઈ. સોરી હો.” નિકેતન બાઘાની જેમ બહાર જતી નિહારીનાને તાકી રહ્યો. બહાર નીકળીને ગલીના નાકે ત્રણેય સ્ત્રીઓ પછી તો ભેગી મળીને કેવી હસી હતી…! આહાહાહા।.!!

પછી રક્ષાબંધને તો કનિષાએ કેવી મસ્તી કરી હતી. રાખડી બંધાવા બેઠી લાજ કાઢીને, નિકેતનને નવાઈ લાગી પણ રેખાબાએ કહ્યું રિવાજ છે, અને લાજ ખોલવાની ના કહી.. પણ નિકેતને બળજબરી લાજ ખોલીને જોયેલું તો એની સેક્રેટરી હતી ઓફિસની…!!” પછી ત્યારે આખી રાત ત્રણેય સ્ત્રીઓએ નિકેતન પર કેટલા જોક્સ ક્રેક કર્યા હતા..!! બસ આમ હસતા ને રમતા નિહારીના ને નિકેતનના લગ્નને બે વરસ પસાર થઇ ગયા..! પણ ભાગ્યને ક્યાં ખુશીઓ મંજુર હોય જ છે. !!!

છ મહિના પહેલા નિકેતન નિહારીનાને છોડીને ચાલ્યો ગયો એ પછી જિંદગી જ જાણે બદલાઈ ગઈ. નિહારીનાને નિકેતનની જગ્યાએ નોકરી મળી ને પછી કનિષા પણ કોલેજ પુરી થતા નોકરીએ લાગી ગઈ એટલે આખો દિવસ રેખાબા એકલા જ રહેતા. ટિફિન બનાવે. ક્યારેક તો વળી તેમને સવારસવારમાં છપ્પન વાનગીઓ બનાવવી પડેતો પણ દીકરી ને વહુ વચ્ચે ભેદભાવ ના કરે.

મહિના પહેલા જ નિહારીનાને જયારે તેના પિયરમાંથી બધાએ બીજા લગ્નની બળજબરી કરી હતી ત્યારે તેણે સાસુની સેવાને ખાતર ચોખ્ખી ના કહી દીધી. નિહારીના તેનો જે પગાર આવે તે લેવાની પણ રેખાબા ચોખ્ખી ના કહેતા. તેમને જે પેનશન આવતું તેમાંથી તેઓ પોતાની ને ઘરની જરૂરિયાત સાચવતા. બઁગલો તો નિકેતને લગ્નસમયે જ લીધેલો એટલે રહેઠાણની ચિંતા તો હતી જ નહિ..!!!

પછી તો આમને આમ બે વરસની વીતી ગયા. 23 વરસની કનિષા 25ની થઇ ગઈ. હવે તેના લગ્નની વાતો સમાજમાં ચર્ચાવા લાગી હતી. દર રવિવારે કોઈને કોઈ છોકરાને જોવાનું નક્કી થતું.. નિહારીના અને રેખાબા બન્ને ખુબવિચારીને નિર્ણય લેવા માંગતા હતા. એક છોકરો જોવા આવ્યો તેણે વળી દહેજની માંગણી કરી હતી. પોતાની લાડકી નણંદ માટે નિહારીના તો એ દહેજ પણ આપવા તૈયાર હતી જો કનિષાને છોકરો ગમતો હોય તો…. પણ કનિષા પોતાની ભાભીને કષ્ટ આપવા નહોતી ઈચ્છતી.

એવામાં એક દિવસ રેખાબા રવિવારે રસોડામાં કામ કરતા હતા. જમીન પર પાણી ઢોળાયું હતું તે તેમને ખ્યાલ નહોતો ને તેઓનો પગ લપસ્યો ને પડી ગયા. તેમના મોઢામાંથી રાડ નીકળી ગઈ ને કમરમાં કડાકો બોલી ગયો. કનિષા તો સૂતી હતી પણ કપડાં ધોતી નિહારીના રાડ સાંભળતા જ દોડતી રસોડામાં આવી. તરત જ તેણે રેખાબાને બેઠા કર્યા ને પાણી પીવડાવ્યું. પછી ડોક્ટરને ફોન કર્યો ને બોલાવ્યા.


“બહેન, તમારે એમને હોસ્પિટલ લઇ આવવા પડશે. લાગે છે કે કમરની ગાદી ખસી ગઈ છે.” કનિષા ને નિહારીના એ સાંભળતા જ જાણે ઢીલી પડી ગઈ. રેખાબાએ આંખોથી જ બન્નેને આશ્વાસન આપ્યું. પછી તો શું હતું.. હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ રેખાબા સાથે નિહારીના સતત રહેતી. કમરની ગાદી ખસી ગઈ હતી તેથી ચાર મહિનાનો બેડ રેસ્ટ જ હતો.

નિહારીના રેખાબાને ઘરે લઇ આવી. એ દરમિયાન કનિષા માટે છોકરા જોવાનું તો ચાલુ જ હતું. એમાં એક દીકરો કનિષાને પસંદ આવ્યો ને તેની જોડે સગપણ નક્કી કરી નાખ્યું. રેખાબા તો પથારીવશ હતા. નિહારીનાએ પણ ઓફિસમાંથી ત્રણ મહિનાની રજા લઇ લીધી હતી. તે હવે બધી દોડભાગ કરતી. ખરીદી ને બધી તૈયારીઓ સાથેસાથે રેખાબાનું ધ્યાન પણ રાખતી.

અંતે લગ્નનો દિવસ આવી ગયો. વ્હીલચેરમાં આવેલા રેખાબા અને નિહારીના. બન્નેએ સાથે મળીને ઘરની દીકરીના લગ્નપ્રસંગને દીપાવ્યો હતો. કનિષા તો સાસરે ચાલી ગઈ. બીજા દિવસે જાગીને નિહારીના સાસુમાના ઓરડામાં ગઈ અને કહ્યું,


“માઁ, આજથી તમે મારી સાસુ નહિ પરંતુ માઁ જ છો. હવે આપણે બેય જ એકબીજાનો સહારો છીએ. હું કાલથી નોકરીમાં નથી જવાની. બે-ત્રણ છોકરાઓ છે જેને ટ્યુશન જોઈએ છે, એટલે એ ઘરે જ આવશે. ધીમે ધીમે વધતા જશે. ને એમાં આપણે બેય આરામથી આખી જિંદગી કાઢી લઈશુ. બીજું તો શંુ જોઈએ, તમે મારી સંગાથે ને હું તમારી સંગાથે..!! બસ આખી જિંદગી આમનેઆમ વ્હાલપથી નીકળેને આવતે જન્મ તમે જ મારા માઁ જેવા સાસુ હોય એવી મારી ઈચ્છા છે.” ને તે દિવસે એક સાસુ-વહુ એ એકબીજાને માઁ-દીકરી બનવાના કોલ આપ્યા..!

લેખક : આયુષી સેલાણી

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ