નિકંદન – સમય સમયનું કામ કરે જ છે એક સમયે એક બાળક રાખવા નહોતી તૈયાર અને આજે…

હજારો હાથ જાણે તેની ગરદનને વીંટળાઈને ભરડો લઇ રહ્યા હોય તેવો ગર્વિતાને ભાસ થઇ રહ્યો હતો.. કોઈ તો વળી તેના ભરાવદાર ઘટાદાર કેશ ખેંચીનેતેને ઢસડી રહ્યું હોય તેવું લાગી રહ્યું હતું. લોકો એલફેલ બોલી રહ્યા હતા અને અસંખ્યની મેદની વચ્ચે ઘેરાયેલી તેને લાગી રહ્યું હતું કે બધાની કાતિલનજર તેને ઘાયલ કરી રહી છે..

અચાનક ગર્વિતાને ખ્યાલ આવ્યો કે આ તો સપનું હતું. વેદનાની વણઝાર વચ્ચે દબાયેલી તેની વાચા આ સ્વ્પ્ન નિહાળ્યા બાદ સમૂળગી હણાઈ ગઈ..કારણકે તેને વિશ્વાસ હતો આ સ્વ્પ્નને હકીકતમાં તબદીલ થતા કંઈ વધારે સમય નથી લાગવાનો…

ગર્વિતા સૌરાષ્ટ્રના એક બહુ નાના ગામમાંથી આવીને મુંબઈમાં વસેલી. ગામ નાનું હતું પરંતુ ગર્વિતાની આંખોમાં સપના મોટા હતા.. ક્યાંક પહોંચવાની અનિશ્ચિત દોટમાં આજે ગર્વિતા જીવનના મધ્યાહ્ને એકલવાયી થઇ ગઈ હતી.. નાનપણથી જ જ્યારે ટીવી અને ફિલ્મમાં અભિનેત્રીને જોતી ત્યારે તેની જગ્યાએ પોતાને કલ્પીને એ રાહ પર ચાલવાનું નિર્ધારિત કરતી રહી.. બસ એ સ્વ્પ્નને પામવા તે પરિવાર અને તેના પડછાયા સમા તેના પર્વને પણ પાછળ મૂકીને ચાલી આવી હતી.. મુંબઈમાં અભિનેત્રી બનવા…! અને આજે આ દિશાએ તેને દિશાશૂન્ય બનાવી દીધી હતી..

શરૂઆતમાં બે-ચાર સ્ટુડિયોના ચક્કર કાપ્યા બાદ એક જગ્યાએ તેને નાનકડો રોલ મળ્યો. તે દિવસે ગર્વિતાએ સૌને પેંડા વહેંચેલા. થોડા સમય બાદ પર્વ પણ ગર્વિતાને મળવા મુંબઈ આવ્યો. પહેલા તો ગર્વિતાનું બદલાયેલું રૂપ અને રંગ જોઈ તે આભો જ થઇ ગયો.. તેને થયું ક્યાં ગામડાની સુશીલ, ઠરેલ અને ઠાવકી ગર્વિતા અને ક્યાં આ શહેરના રંગે રંગાઈ ગયેલી ભપકાદાર, ઉછાંછળી અને અભિમાની ગર્વિતા.


કદાચ તેના નામના અર્થને અત્યારે તે સંપૂર્ણપણે સાકાર કરી રહી હતી.. નકારત્મક વલણથી જ તો..!! સૌથી પહેલા મળેલા એ નાનકડા રોલ બાદ ગર્વિતા ધીમે ધીમે બધાની પ્રિય બનવા લાગી હતી.. નાનપણમાં કરેલી ભવાઈ અત્યારે તેને ઉપયોગી થઇ રહી હતી.. તેનો અભિનય પ્રત્યેનો અનન્ય અભિગમ આજે તેને ઉચ્ચ દરજ્જાની અભિનેત્રીઓમાં સર્વપ્રથમ સ્થાન અપાવી ગયો હતો.. આ બધા જ સમય દરમિયાન પર્વ સતત તેની સાથે હતો.. ગર્વિતા તરફથી હવે કંઈ ખાસ ભાવ ના મળતો પરંતુ ગર્વિતાની માઁને આપેલા વચનને અનુસરીને પર્વ તેની પડખે ઉભો રહ્યો હતો..

એક દિવસ ગર્વિતા રાતના શૂટિંગ પરથી લેઇટ આવી.. પર્વ તેની રાહ જોતો બેસી રહેલો. તે રાત્રે શરાબનો નશો હોય કે જુવાનીનો જોશ કે પછી પુરુષને પામવાની એષણા…!!! ગર્વિતા પોતાને મળેલા સંસ્કારને નેવે મૂકીને પર્વ સાથે લગ્ન વગર જ શરીર સંબંધ બાંધી બેઠી! પર્વ માટે એ ઘડી ટાળવી અત્યંત અઘરી હતી.. શરૂઆતમાં એક-બે વખત તેણે પ્રયત્ન કર્યો પરંતુ અંતે પુરુષની પિપાસા પ્રેમ પર જીતીને રહી..!!

સવારે જાગીને ગર્વિતાએ જોયું તો નિર્વસ્ત્ર તે પલંગ પર સૂતી હતી.. કદાચ તે રાતે તેના શરીર સાથે સપનાઓ પણ નગ્ન થઇ ગયા હતા.. નાનપણથી માતા-પિતાએ આપેલા સંસ્કારની આજે જ્યોત ઓલવાઈ ગઈ હતી.. પણ ગર્વિતાને એનું દુઃખ નહોતું. કદાચ મોટા શહેરે જ તેને આટલી ઉડાઉ બનાવી દીધી હતી..! હા એક વાતની ચિંતા ચોક્કસ હતી કે જો આ સમયે તેના શરીરમાં માતૃત્વનું બીજ રોપાઈ ગયું હશે તો તેના અભિનેત્રી બનીને વિશ્વ પર રાજ કરવાના સપનાઓ પડી ભાંગશે. આ બધું થયું તેના માટે તે પર્વને જવાબદાર સમજવા લાગી. પર્વ સૂતો હતો તે સમયે ગર્વિતા તેને કહ્યા વગર નીકળી ગઈ.. પોતાનું ઘર છોડીને તે ચાલી ગઈ.. પર્વએ જાગીને જોયું તો ગર્વિતા આખા ઘરમાં ક્યાંય નહોતી. મોબાઈલ પણ બંધ હતો.. હા એક મેસેજ જરૂર હતો..

“પર્વ આ બહુ જ ખરાબ થયું. જે થયું તેનો મને વાંધો નથી.. પરંતુ તેના લીધે જો મારા કરિયરમાં તકલીફ પડશે તો તેના માટે જવાબદાર તું હોઇશ…!!!!” પર્વ આ મેસેજ વાંચીને ભાંગી પડ્યો. એને નાનપણનો એ સમય યાદ આવી ગયો જ્યારે ગર્વિતા કહેતી કે તે માતૃત્વ ધારણ કરવા થનગની રહી છે.. એક સ્ત્રી તરીકે તે પૂણર્તાની કામના કરી રહી છે અને તે ત્યારે જ શક્ય થશે જ્યારે તેના ખોળામાં કિલકારી કરતુ શિશુ હશે..! અને આજે એ જ ગર્વિતા આવું કહી રહી હતી..!!

તે દિવસ પછી પર્વ મુંબઈ છોડીને ચાલ્યો ગયો.. તેણે જતા પહેલા ગર્વિતાને મળવાની ઘણી કોશિશ કરી પરંતુ તે બધા જ પ્રયાસ નિષ્ફ્ળ થયા.. હવે તે જાણે બધું જ હારી ગયો છે તેવું તેને લાગવા લાગ્યું. ક્યાં તે વહેતા ઝરણાં સમી ગર્વિતા, અને ક્યાં આ ગર્વીલી ઘમંડી સ્ત્રી..! બેકાબુ સફળતાએ ગર્વિતાની અંદર રહેલી નિર્દોષતા અને લાગણીઓને છિન્નભિન્ન કરી નાખી હતી..!

ગર્વિતા એ રાત બાદ ધડાધડ ફિલ્મ્સ સાઈન કરવા લાગી..!! તેને જે વાતનો ડર હતો કહોને કે અણગમો હતો તે હકીકત બની જાય તે પહેલા જ તે પોતાના કરિયરને મન ભરીને માણવા માગતી હતી.. દિવસો વીતતા ગયા તેમ તેમ તેની આશંકા દ્રઢતામાં બદલાવા લાગી! માસિકની તારીખ પસાર થઈ જવી, ઉલ્ટીઓ થવી, બેચેની અને મુંજારો થવો… આબધા જ લક્ષણો એક જ વાત તરફ આંગળી કરી રહ્યા હતા..!!

“માતૃત્વ” !!!!

“ડોક્ટર, મને આ બાળક નહિ જોઈએ..! મારી સફળતાનાં રસ્તા પર કાંટાની જાજમ પાથરનાર આ માતૃત્વ મને ના જોઈએ! એક યુવતીમાંથી મને પીઢતા બક્ષીને સ્ત્રી બનાવનાર આ માતૃત્વ માટે અત્યારે મારા જીવન અને જીગરમાં જરા પણ જગ્યા કે ઉત્સાહ નથી..!! ગર્ભપાત એ જ એક રાહ છે, આ મુસીબતમાંથી ઉગારવાની તે જ એક આશા છે..!”

હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ટોચની અભિનેત્રી જે રીતે પોતાની સમક્ષ કરગરી રહી હતી તે જોઈને ડોક્ટરને પણ નવાઈ લાગી રહી હતી.. પોતાની ફિલ્મ્સમાં માતૃત્વ અને સ્ત્રી સંવેદનાને પ્રમોટ કરતી આ છોકરી તેની એ આર્ટિફિશિયલ જિંદગીથી કેટલી અલગ છે…! ડોકટરે વિચાર્યું..!

ગર્ભપાત કરાવ્યા બાદ ગર્વિતા દિવસ-રાત દારૂ અને ફિલ્મ્સની મહેફિલોમાં વ્યસ્ત રહેવા લાગી..! આપમેળે બનાવેલી પોતાની સફળતાની સીડી આજે પોતાની જાતે જ તે નમાવી રહી હતી.. સીડીનું એક એક પગથિયું જાણે તેને પતનની ખીણ તરફ ધકેલતું હતું! તેની બેદરકારી હવે તેના અભિનયમાં પણ દેખાવા લાગી હતી.. કોઈ જ નવા નિર્માતા તેને સાઈન નહોતી કરી રહ્યા. કૅરિયર જાણે ખતમ હતી..

હવે રાતના તેને અજીબ અજીબ સપનાઓ આવતા. હજારો હાથ તેની ગરદનને વીંટળાઈ વળ્યાં હોય તેવું તેને લાગતુ. “હત્યારી” ના ઉદ્દગારો ઠેરઠેરથીતેને સંભળાતા… નાનકડા હોઠ તેને કહેતા હોય કે “માઁ તે એક વૈજ્ઞાનિકની હત્યા કરી છે.” “માઁ તે એક ગાયકની હત્યા કરી છે..” “માઁ તે ગોલ્ડ મેડલિસ્ટ મેળવી આપતી ઓલમ્પિક પ્લેયરની હત્યા કરી છે..” “માઁ તે એક લેખકની હત્યા કરી છે..”

ધીમે ધીમે આ અવાજો હવે તેને દિવસના સમયમાં પણ પ્રતાડિત કરતા. ગર્વિતાને હવે સમજ પડી રહી હતી કે તેણે ફક્ત એક ત્રણ મહિનાના ગર્ભનું જ નહિ.. આશાઓનું ગર્ભપાત કર્યું હતું. સપનાઓને મૃતપ્રાય કર્યા હતા. હંમેશ જે માતૃત્વના તે સ્વ્પ્ન સેવતી તેમાંથી અભિનેત્રી બનવાના રસ્તે ચાલીને તે હવેગર્ભપાતની ખીણમાં ઉતરી ચુકી તેનો તેને ખ્યાલ આવી રહ્યો હતો. પરંતુ હવે ઘણું મોડું થઇ ચૂક્યું હતું. સમયની કિમંત તેને સમજાઈ ત્યારે તે રેતીની જેમ સરી ગયો હતો. પર્વને મળવાના ગર્વિતાએ ઘણા પ્રયાસ કર્યા પરંતુ તે ક્યાંક કોઈ આશ્રમમાં જતો રહેલો..!!!

બે વરસ બાદ આજે ફરી એ જ તારીખ હતી. ગર્ભપાતનો એ જ દિવસ હતો.. એક બાળકની હત્યા કરનારી ગર્વિતાએ આજના દિવસે એક આખા અનાથાશ્રમને દત્તક લીધો. ફિલ્મ ઇન્ડસ્ટ્રીને હંમેશા માટે અલવિદા કહીને ગર્વિતા હવે નાના ભૂલકાઓની એક શાળાનું સંચાલન કરતી હતી… હવે તે અનેક વૈજ્ઞાનિક, અનેક ગાયક અને હજારો ખેલાડીઓને ઉછેરી રહી હતી..!

માતૃત્વના નિકંદનની એ એક ભૂલે તેને હજારો બાળકની આજ માઁ બનાવી દીધી..!!!

લેખક : આયુષી સેલાણી

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ