લક્ષ્મીજીએ પાડ્યા પગલા – એક પત્ની જાણવા માંગે છે પતિની પરેશાનીનું કારણ, એક લાગણીસભર વાર્તા…

“મમી બહુ કામ છે હજુ તો.. બધી તૈયારીઓ કરવાની બાકી છે અને દિવાળીને હવે ગણીને પંદર દિવસની વાર છે.. આવા જ ખરા ટાણે તમારા દીકરાની તબિયત બગડે તો શું કરવું આપણે. તહેવાર ઉજવવાની તો કઈ મહેચ્છા નથી પણ આ મૃણાલ જો ને બોલતા પણ નથી.. છેલ્લા કેટલા સમયથી હું ઓરડામાં જાણે એક લાશ સાથે રહેતી હોય તેવું લાગે છે.. માઁ કંઈક કરોને પ્લીઝ. મને બહુ ગભરામણ થાય છે..!”

મિરિતા પોતાના સાસુ સુલેખાબહેનને સવાર સવારમાં કહી રહી હતી.. મિરિતા અને મૃણાલનાં લગ્નને બે વર્ષ થવા આવ્યા હતા.. બંનેનો ઘણો જ સુખી લગ્નસંસાર હતો.. મિરિતા હંમેશા તેના પિયરિયાઓને મળતી ત્યારે કહેતી, મને મૃણાલ જેવા સમજુ પતિ અને તેમના માતા-પિતા જેવા ઠરેલ સાસુ-સસરા મળ્યા છે એ મારું સૌભાગ્ય છે.. કદાચ માઁ પાર્વતીને દસેય આંગળીએ મેં પૂજ્યા છે તેનું આ ફળ છે..”

મિરિતાના પિતાજી એક રિટાયર્ડ પ્રોફેસર હતા તેમજ તેની માતા એક ગૃહિણી હતી. નાનપણથી તેઓએ દીકરીને બધી જ છૂટ આપીને મોટી કરી હતી. શહેરની પ્રતિષ્ઠિત કોલેજમાં ભણ્યા પછી, સતત છોકરાઓની સાથે ફર્યા પછી પણ તેણે પોતાની મર્યાદા અને સંસ્કાર અક્બંધ રાખ્યા હતા.. પહેલી વખત તેના પિતાજીએ તેને મૃણાલ વિષે વાત કરી ત્યારે તરત જ મિરિતા તેને મળવા તૈયાર થઇ ગયેલી. જયારે તે મિરિતાને જોવા આવ્યા તો મિરિતાને લાગ્યું હતું કે આખું ગામ જ જોડે લઈને આવ્યા છે કે શું..! કારણકે તેઓ લગભગ પંદર જણ મિરિતાને જોવા આવેલા.

“જય શ્રી કૃષ્ણ સુજયભાઈ..! માફ કરજો તમને બહુ તકલીફ આપી.. પણ શું કરીએ અમારા મૃણાલને પહેલી વખત છોકરી જોવાની થઇ છે આજે અને પરિવારના દરેક સદસ્યને જોડે જ આવવું હતું. હવે ઘરમાં આ છેલ્લા લગ્ન છે ને પછી તો પૌત્ર ને પૌત્રી મોટા થાય વીસેક વર્ષ પછી પ્રસંગ આવશે બીજો..!” મૃણાલનાં પિતાજી રસિકભાઇએ મિરિતાના પિતા સુજયભાઈને સંબોધીને કહ્યું.

“અરે ભાઈ.. કઈ જ વાંધો નહિ.. એક રીતે સારું થયું ને. જો દીકરા-દીકરીને યોગ્ય લાગે તો આપણે હાલ જ મીઠી જીભ લઇ લઈશુ. બધા સભ્યો હાજર હોય તો સારું ને.. અમારે તો જો અમે ઈન-મીન ને તીન છીએ.. અમારી મિરિતાને માટે પણ તમારા મૃણાલ જ પહેલા છે.. ઠાકોરજી કરે ને સહુ સારું થાય તો ગોળ-ધાણા ખાઈ લઈશુ.”

સુજયભાઈએ પોતાની વાત કર્યા બાદ મિરિતા અને તેના મમી શારદાબહેનને નાસ્તો લઇ આવવા કહ્યું. એ દિવસે મિરિતાએ પહેલી વખત સાડી પહેરી હતી. એવું નહોતું કે એને ચીડ હતી કે ચાન્સ નહોતો મળ્યો પરંતુ બધી જગ્યાએ સલવાર-સુટથી ચાલી જતું પ્રસંગમાં અને નજીકના કોઈનો પ્રસંગ હોય તો ચણિયાચોળી પણ પહેરી લેતી. સાડીમાં મિરિતા અદ્વિતીય લાગતી હતી..


છેક કમર સુધી લંબાતા કાળા વાળને તેણે ઢીલા અંબોડામાં ગુંથ્યા હતા..ગુલાબની પાંદડી જેવા તેના હોઠ લિપસ્ટિક વગર જ એવા ગુલાબી લાગતા હતા કે તેને ચહેરા પર અન્ય કોઈ મેક-અપની જરૂર જ નહોતી. કપાળ પર એક નાનકડી અને સાડીને મેચિંગ ઘેરા ગુલાબી રંગની બિંદી અને કાનમાં ગુલાબી રંગના લટકણ…!!! તૈયાર થવામાં કઈ ખાસ નહોતું પરંતુ તેની આ સાદગી અપ્સરાને પણ પછાડે તેવી હતી.. ગુલાબી સાડી અને ગોલ્ડન બ્લાઉઝમાં તે જ્યારે મૃણાલની સામે આવી ત્યારે મૃણાલ પણ બે ઘડી આભો બનીને તેને જોઈ રહ્યો. મોટાભાઇએ જયારે કોણી મારીને તેને જાગૃત કર્યો ત્યારે તે વ્યવસ્થિત બેઠો.

“આવ દીકરી.. તને મૃણાલની અને મારા પરિવારની ઓળખાણ કરાવું. આટલા બધા લોકોને જોઈને જરાવાર તો તું મુંજાઈ ગઈ હશે ને.. જરાય ચિંતા નાકર.. બધા હળીમળી જાય તેવા જ છે.. આ જો અમારો મૃણાલ. સફેદ શર્ટ અને બ્લુ જીન્સમાં જે તને ત્રાંસી નજરે જોઈ રહ્યો છે ને વાંકડિયા વાળ વાળો એ જ અમારો મૃણાલ.


એની એક બાજુ મારો મોટો દીકરો છે સનય અને બાજુમાં તેની વહુ સ્વાગતા. તેની માઁની સાડી પકડીને બેઠા છે ને એ બંને જોડિયા બાળકો એટલે સનય અને સ્વાગતાના દીકરા કર્મ અને કથન…બીજી બાજુ બેઠો છે તે મારો વચલો દીકરો વ્રજ અને તેની બાજુમાં તેની પત્ની વાનિષ્યા. અને તેમના ખોળામાં છે તે તેમની દીકરી કાયીશા..

આ મૃણાલનાં મમી સુલેખાબહેન. એટલે મારા બહેન નહિ હો..!! હા..હા..હા..! હવે આને મળી લે.. મારી દીકરી નિર્ણયા અને જમાઈ નિહાર. આ તેમનો દીકરો આદિશ્ય અને દીકરી આનિષ્યા. અને આ મારા બીજા દીકરી-જમાઈ…. કંઠિકા અને કલશ.. હમણાં હજુ છ મહિના પહેલા જ બંનેના લગન થયા છે..! બસ જો આ અમારો હર્યો-ભર્યો પરિવાર. વારે-તહેવારે સૌ સાથે જ હોય.. આમ તો બન્ને દીકરાનો અલગ બઁગલો છે અને દીકરીઓ સાસરે છે પરંતુ તહેવાર આવે એટલે સૌ સાથે. રસોઈ એક રસોડે બને.. કેમ બરાબરને સુલેખા.?”

લાંબોલચક પરિવાર પરિચય સમાપ્ત કર્યા બાદ રસિકભાઇએ સુલેખાબહેનને આગળનો દોર સોંપ્યો. “બિલકુલ બરાબર હો કે.. જો દીકરી અમને પહેલાથી જ હતું કે જોડે રહેવું પરંતુ કોઈ કંકાસ વગર જ.. એટલે અમારા દીકરાની ના હોવા છતાંય અમે બંનેને અલગ બઁગલો કરી આપ્યો. બાજુ બાજુમાં અમારા એકસરખા ચાર બઁગલા છે.. અત્યારે તો મૃણાલ અમારી સાથે જ રહે છે પરંતુ લગ્ન બાદ તે પણ પત્ની સાથે અલગ રહી શકે તે માટે તેનો અલગ બઁગલો બનાવ્યો જ છે..

આજના જમાનામાં પેઢી બદલાય તેમ વિચારો પણ બદલાય. અને અમારા ને તમારા વિચારો ક્યારેક એકસરખા ના પણ હોય એવું બને કે જેથી ઘરમાં કજિયા-કંકાસ થાય.. અમારે એ કંકાસને ઘરમાં સ્થાન જ નહોતું આપવું એટલે પહેલાથી જઅલગ રહેવાનો નિયમ બનાવ્યો. પછી ઝગડીને તમે અમારાથી છુટ્ટા થાવ અને પ્રેમ ઓછો થાય ને સન્માન ઘટે એના કરતા પહેલેથી જ બધું અકબન્ધ રહે એકસરખું જ.. તે વધારે અગત્યનું છે..! અને બાપ રે અમે બંને ક્યારના બોલ-બોલ જ કરીયે છીએ નહિ.. જાવ જાવ હવે તું ને મૃણાલ જરા એકલા બેસીને વાતો કરો અમે કબાબમાં હડ્ડી નથી બનવા માગતા..”

સુલેખાબહેને બન્નેને અંદર જવા કહ્યું. મિરિતા તો મૃણાલનાં પરિવારને જોઈને જ મોહી પડી હતી.. હંમેશાથી જોઈન્ટ ફેમિલીમાં રહેવાની મંછા સેવતી મિરિતા પોતાની એ ઈચ્છાને આજે અમુક અંશે પૂર્ણ થતા જોઈ રહી હતી.. મૃણાલ સાથે વાતો કર્યા બાદ તેને લાગ્યું કે આવો પ્રેમાળ પતિ અને સંસ્કારી સાસરું કોઈ મૂર્ખ જ નકારે.. મૃણાલ સાથે વાત કરીને તે નીચે ઉતરી અને તેના પિતાજીને ખૂણામાં બોલાવીને કંઈક વાત કરી.. “રસિકભાઈ તમને વાંધો ના હોય તો મારી દીકરીની એક શરત છે.. તમારો મૃણાલ અને પરિવાર તેને ખુબ જ પસંદ છે પરંતુ તે એક શરતે જ લગ્ન કરશે.”

સુજયભાઈની વાત સાંભળી રસિકભાઈએ સુલેખાબહેન સામે જોયું. મિરિતાના સંસ્કાર, સમજણ અને સેવાની વાતો તેમણે જ્ઞાતિમાં દરેકના મુખેથી સાંભળી હતી.. આજે તેવી ઠરેલ દીકરી કોઈ શરત મુક્તી હશે તો અવશ્ય તેમાં કંઈક વજૂદ હશે તેવું રસિક્ભાઈને લાગ્યું. પત્નીએ પણ મૂક સમંતિ દર્શાવતા તેઓએ શરત કહેવા માટે મિરિતાને કહ્યું.

“જી મારી ફક્ત એ જ શરત છે કે હું અને મૃણાલ અલગ રહેવા નહિ જઈએ. આપણે ચારેય સાથે જ રહેશું. તમારી સેવા કરવાની તક મને મેળવી જોઈએ. મૃણાલે મને વાત કરી કે તમે ભાભી અને ભાઈઓ જોડે એક ઘરમા લગભગ ચાર વરસ રહ્યા બાદ તેમને અલગ કર્યા છે.. તેમને તમારો પ્રેમ અને હૂંફ મળ્યા તો મને પણ મળવા જોઈએ.”

રસિકભાઈ અને સુલેખાબહેન તો મિરિતાની આવી વાત સાંભળી ગદગદિત થઇ ગયા.. છોકરી ધાર્યા અને સાંભળ્યા કરતા અનેકગણી વધારે ઠાવકી છે.. સંસ્કાર તો તેનામાં સમુદ્રના નીરની જેમ ભર્યા છે.. મૃણાલે પણ મિરિતાની આ વાત ખુશીથી વધાવી લીધી. જયારે બન્ને એકલા હતા ત્યારે મૃણાલે વાતવાતમાં મિરિતાને અંદાજ આપી દીધો હતો કે તે તેના માઁ-બાપ જોડે છેલ્લા ચાર વર્ષથી એકલો રહે છે..

તેમની સાથે આ ચાર વર્ષમાં કંઈક અલગ જ માયા બંધાઈ છે જે નહીં છુટ્ટે. સમજદાર મિરિતા માટે ઈશારો જ પૂરતો હતો.. મૃણાલને મિરિતાની સમજણ પર માન થયું. આવી પત્ની ખરેખર સમજદારને જ મળે તેવું વિચારીને મૃણાલ શિવજીને ધન્યવાદ દઈ રહ્યો હતો.. બસ પછી તો શું હોય..

બે મહિનામાં જ સગાઇ અને લગ્ન લેવાઈ ગયા.. ધામધૂમથી લગ્ન કર્યા બાદ જ્યારે મિરિતા એ મિરિતા મૃણાલ રાજાણી બનીને પોતાના સાસરે આવી ત્યારે ધનતેરસનો દિવસ હતો.. બે જ દિવસ પછી દિવાળી હતી.. મિરિતાના સઁસ્કાર કહો કે ફરજ નિભાવવાની તેની ચેષ્ઠા! તે દીકરી સાસરે આવ્યાના બીજા જ દિવસથી કામમાં લાગી ગઈ.. લગ્નની ધમાલમાં ઘરની જે હાલત થઇ હતી તે મિરિતાએ માથે ઉભા રહીને સુધારાવી. હનીમૂનનો વિચાર માંડી વાળીને તે દિવાળીના કામમાં જોતરાઈ ગઈ.. કાળી ચૌદસના દિવસે તો વળી વડા પણ બનાવ્યા પોતાના હાથે. દિવાળીના દિવસે રાતના ત્રણ વાગ્યા સુધી જાગીને રંગોળી પુરી હતી.. દરેક વાતે સર્વગુણસંપન્ન એવી મિરિતાને રંગોળી પૂરતા પણ ખુબ સુંદર આવડતી.

આજે બે વર્ષ બાદ ફરીથી એ જ દિવાળીનો તહેવાર હતો.. પરંતુ આ વખતે કોઈ ઉત્સાહ નહોતો ઘરના સભ્યોમાં. મૃણાલ છેલ્લા બે મહિનાથી બીમાર હતો.. જાતજાતની દવાઓ કર્યા બાદ પણ મૃણાલની બીમારી કડાઈ નહોતી શકાતી. મિરિતાએ અનેકો વખત મૃણાલને પૂછવાના પ્રયાસ કર્યા હતા પરંતુ જ્યારથી તે ખાટલે પડ્યો હતો ત્યારથી તેણે બોલવાનું તદ્દન ઓછું કરી નાખ્યું હતું. નવરાત્રી પૂર્ણ થયા બાદ તરત જ મિરિતા ઘરમાં સફાઈ કામ શરૂ કરી દેતી.

મિરિતા બીજું બધું સહન કરતી પરંતુ તેનાથી ગંદકી જરા પણ સહન ના થતી તેથી ઘરને ચોખ્ખું કરાવાનુ કામ તે બધા નોકરોની માથે રહીને કરાવતી જ..આ વખતે તો સફાઈકામ કે દિવાળીકામ કરવાનો કોઈ સવાલ જ નહોતો. મૃણાલની તબિયત જ્યારથી બગડી હતી ત્યારથી મિરિતા સતત તેની સેવામાં જરહેતી.

આજે ઘણા દિવસે મૃણાલ મિરિતા પાસે શાંતિથી બેઠો હતો તેથી મિરિતાએ તેને પૂછ્યું,

“મૃણાલ, તમે મને કહેશો પ્લીઝ કે તમને શું થયું છે.. તમારી આવી હાલત મારાથી નથી જોવાતી. મેં તમને હંમેશા હસતા અને એક મજબૂત પુરુષ તરીકે જોયા છે.. આવો દયામણો ચહેરો તમારો મને વિચલિત કરી મૂકે છે.. તમે સાવ ચૂપ થઇ ગયા છો.. તમને મારાથી કોઈ તકલીફ પડી હોય તો કહો મને.. તમે કહેશો તેમ કરીશ જ.. તમને ગમશે એમ જ રહીશ.. પણ પ્લીઝ્ઝ્ઝ્ઝ કંઈક બોલો…!!!”

મિરિતાનો જીવ કોચવાતો હતો.. મૃણાલ કઈ બોલી નહોતો શકતો. દિવસો આમ જ પસાર થઇ રહ્યા હતા.. થોડા દિવસ થતા મિરિતાએ થોડી ઘણી સફાઈ કરવાનું વિચાર્યું. નાનું-મોટું સફાઈકામ કરીને દિવાળીનો તહેવાર છે તેથી ઘરને સુઘડ તો રાખવું જ પડશે મિરિતાએ વિચાર્યું..

શરૂઆત પોતાના ઓરડાથી જ કરી.. રૂમની સફાઈ કરતા કરતા મિરિતાને એક બોક્સ મળ્યું. તેને નવાઈ લાગી કે છેલ્લા બે વર્ષમાં તો ક્યારેય નથી જોયું… અચાનક આ બોક્સ અહીં ક્યાંથી આવ્યું! ઉત્સુકતાવશ તેણે તે ખોલ્યું અને જોયું તો અંદર ઘણા બધા ફોટોઝ હતા.. બધા જ ફોટોગ્રાફ્સમાં મૃણાલ તો હતો જ સાથે સાથે એક માઁ અને દીકરી પણ હતા..

દીકરી કદાચ મૃણાલની ઉંમરની હશે અને તેની માઁ પણ હતી.. મિરિતાને મૃણાલ પર વિશ્વાસ હતો તેથી તેને કોઈખોટા વિચારો તો ના જ આવ્યા પરંતુ તે આતુર જરૂર હતી જાણવા માટે કે તે કોણ છે..! ઓરડામાં પહોંચીને મિરિતાએ મૃણાલને એ તસ્વીર બતાવી અને તેના વિશેપૂછપરછ કરી.. પહેલા તો આ બધું જોઈને મૃણાલ સહેમી ગયો.. તેનામાં અચાનક ચેતના આવી તેવું મિરિતાને લાગ્યું. તેણે મૃણાલને સહેજ બેઠો કર્યો અને પૂછ્યું. ઘણા દિવસે આજે મૃણાલ પહેલો શબ્દ બોલ્યો,

“મિરિતા તને જાણવું છે ને મારી તબિયત બગડવાનું કારણ..??? તો આ જ છે તેનું કારણ! આ જે ફોટોમાં છે ને મહિલા તે મારા સગા ફઈ છે.. અને આ વીસ વર્ષની છોકરી તેમની દીકરી. રાધાફઇબાએ મને બહુ લાડકોડથી ઉછેર્યો હતો.. હું નાનો હતો ને ત્યારે મારી દરેક માગણી તેઓ સંતોષતા.. હંમેશ હું કહું તેલાવી આપતા. મોટા બન્ને ભાઈ પહેલેથી જ હોસ્ટેલમાં ભણેલા અને બન્ને બહેનો માઁથી છુટ્ટી જ ના પડતી એટલે હું રાધાફઇનો લાડકો!
એમને મારા પર ને મને એમના પર અપાર હેત.. હું જયારે દસ વર્ષનો હતો ને ત્યારે એક દિવસ ઘરમાં દાદાજી રાધાફઇને વાળ પકડીને ખેંચી લાવ્યા હતા.. તેમની આ હાલતજોઈ હું દ્રવી ઉઠ્યો. નાનકડા મગજમાં તો શું સમજાય પણ ત્રુટક ત્રુટક વાક્યોમાંથી એટલું તારણ કાઢ્યું કે રાધાફઇને રહીમ નામના કોઈ મુસ્લિમ છોકરા સાથે પ્રેમ થઇ ગયો છે અને દાદાજીને એ મંજુર નથી..

નાતમાં અમારું ઘર બહુ સન્માનજનક ગણાતું. દાદાજી તો વળી પ્રમુખ હતા.. પાપાએ દાદાજીનેસમજાવવાના પ્રયાસ કર્યા પણ તેઓ ના માન્યા. સામે પક્ષે રાધાફઇ પણ જીદે ચડેલા. રહીમ સિવાય કોઈ સાથે લગ્ન નહિ કરે તેવો તેમણે દ્રઢ નીર્ધાર કરેલો. દાદાજીએ નાતના આગેવાનોને આ વાત કરી.. અને નક્કી થયું કે રાધાફઇને મારી નાખવામાં આવશે..!! ઠંડા કલેજે દાદાજીએ આ નિર્ણય સ્વીકાર્યો હતો..


કેવું થાય છે નહિ અમુક વાર.. આ સમાજમાં પ્રેમને જયારે જ્ઞાતિ અને ધર્મના નામે વેચવામાં આવે ને ત્યારે એ નિર્દોષ પ્રેમનું સ્થાન યુદ્ધ લઇ લે છે.. એક સગો બાપ પોતાની દીકરીને મરતી જોવા તૈયાર હતો પરંતુ તેની ખુશીમાં ભાગીદાર થવા નહિ.. પાપા આ સાંભળી બહુ પરેશાન થયેલા તે સમયે તેઓએ રાધાફઇને રાતના ઘરમાંથી રૂપિયા આપીને ભગાડી મુકયા હતા… બીજા દિવસે તેમની ઘણી શોધખોળ થઇ પરંતુ તે ના મળ્યા. દાદાજીને આ ઘટનાથી એટેક આવી ગયો.. દાદીમા તો હતા નહિ.. દાદાજી પણ સાત-આઠ દિવસ કોમામાં રહ્યા અને છેલ્લે મૃત્યુ પામ્યા. ત્યારબાદ અમે તે શહેર છોડીને અહીં અમદાવાદ રહેવા આવી ગયા.. પાપાએ રાધાફઇને શોધવાના પ્રયાસો કર્યા! પરંતુ તેઓ ન મળ્યા.. પાપા હંમેશા પોતાને જવાબદાર માનતા રહ્યા..

ચાર વર્ષ પહેલા હું કોલેજથી ટ્રીપ પર મનાલી ગયો હતો.. ત્યાં મને રાધાફઇ મળ્યા. જે દિવસે મેં એમને જોયા ને હું ગાંડો થઇ ગયેલો. તેમાંય તેમની સાથે તેમની ઢીંગલી હતી.. તેમની ઢીંગલી. મારી બહેનુડીઈઈઈ.. રહીમફૂઆ ભારત માટે લડનારા એક સૈનિક હતા.. જવાન હતા.. દાદાજીએ ફક્ત ધર્મ જોઈને તેમને જે રીતે નકાર્યા હતા તે જોઈને તે દિવસે હકીકત જાણ્યા બાદ મને ખુબ દુઃખ થયેલું. મારા ફુઆ દેશ માટે લડતા જવાન હતા જે શહીદગીને પામ્યા હતા.. તે સમયે મેં રાધાફઇને મારી સાથે આવવા કહ્યું.. તેમણે મને ચોખ્ખી ના કહી દીધી.

તેમને જોયું કે હું પાપાને ફોન કરવાના પ્રયત્ન કરું છું તો મને ઢીંગલીના સમ આપી દીધા. તેમનું માન રાખવા માટે મેં ત્યારે ફોન ના કર્યા પણ અમદાવાદ આવીને મેં પાપાને વાત કરી તો તેઓ મને ખિજાયા કે આ રીતે મારે તેમને એકલા મૂકીને નહોતું આવવું જોઈતું. આ ફોટોઝ તે જોયા આ ત્યારના જ છે.. મેં લીધેલા હતા.. ત્યારબાદ અમે મનાલી ગયા તો રાધાફઇ ત્યાં ક્યાંય નહોતા. ત્યારે મને અતિશય અફસોસ થયો.. પહેલી વાર દાદાજી અને બીજી વાર તેઓ મારા લીધે અમારાથી દૂર થઇ ગયા તેવું મને લાગ્યું… તે સમયે પણ દિવાળી જ હતી.. દિવાળી પર મેં તેમને ખોયા બીજી વાર.. અને તું માનીશ મિરિતા આ દિવાળી પર ત્રીજી વખત આ થયું..

હું બે મહિના પહેલા મફતિયાપરા પાસેથી પસાર થતો હતો ત્યાં મેં રાધાફઇની ઢીંગલીને જોઈ.. હું દોડીને તેની પાસે ગયો.. તેની હાલત બહુ ખરાબ હતી.. ગરીબડી લાગતી હતી મારી બહેન. મેં તેને ઘરનું અને ફઇનું પૂછ્યું તો તે અચાનક મોં ફેરવીને ચાલી ગઈ.. હજુ હું સમજુ કે આ શું થયું ત્યાં તો તે ટ્રાફિકમાં ક્યાંય ગાયબ થઇ ગઈ હતી.. તે દિવસ ને આજનો દિવસ મિરિતા. હું હૃદયથી ભાંગી પડ્યો..મેં તે દિવસ બાદ આ ફોટોઝ જોવા કાઢ્યા હતા એટલે તને મળ્યા હશે.. હું તે પછી કોઈને કઈ કહી શકું એમ જ નહોતો…તને તો શું કહું….!!! કઈ ખબર જ નહોતી તને..! હું આ બધા માટે મારી જાતને જવાબદાર માનવા લાગ્યો..અને તેથી જ હું બીમાર થયો.. મારી પાસે કઈ બોલવા જેવું જ નહોતું.. હવે તું જ કે હું શું કરું??”

“મૃણાલ.. મારા મૃણાલ. મારા જીવ.. આટલી મોટી વાત તમે મારાથી બધાથી છુપાવીને એકલા સહન કરતા રહ્યા. એક વખત મને કહેવું તો હતું. હું ગમે તે કરી છૂટત તમારા માટે. હવે પ્લીઝ આમ ના રહો.. ઉભા થાવ.. આપણે સાંજે જ એ મફતિયાપરા જઈએ છીએ.. મનાલીમાં તો સમજ્યા કે તમને ના મળી શકે.. અમદાવાદમા તો આપણી ઘણી ઓળખાણ છે. આપણે શોધીને જ રહીશુ રાધાફઇને અને નણંદબાને.!”

મિરિતાએ એ રાતના ઘરના દરેક સદસ્યને બોલાવીને સઘળી વાત કરી.. બધા જ અચંબિત હતા.. પરંતુ બધાને મૃણાલ-મિરિતા પર વિશ્વાસ હતો.. બીજા જ દિવસથી મિરિતા રાધાફઇને શોધવામાં લાગી ગઈ.. મફતિયાપરાથી જ તપાસ શરૂ કરી.. લોકોએ જણાવ્યું કે ઢીંગલી જેવી દેખાતી છોકરી અને તેની માઁ તે મફતિયાપરામાં કોઈ કોઈ વાર આવી ચડે છે.. જયારે તે બંનેને બીજે ક્યાંય સુવાની જગ્યા ના મળે ત્યારે બન્ને અહીં જ આવી જાય.. મિરિતા લગાતાર ચાર દિવસ ત્યાં જ રહી.. ગાડીમાં જ બેસી રહે અને રાહ જોવે. મૃણાલ પણ સાથે હોય.. પણ તેને હવે કઈ ખાસ આશા નહોતી. બે વખત હાર મળ્યા બાદ તે નાસીપાસ થઇ ગયો હતો..

અચાનક પાંચમા દિવસે મિરિતાએ રાધાફઇ જેવી સ્ત્રીને જોઈ.. વેરવિખેર વાળ, ઠેરઠેર થીગડાં મારેલો સાડલો અને કરચલીઓ વાળી ત્વચા. મિરિતાએ મૃણાલને ઢંઢોળ્યો અને બન્ને દોડીને રાધાફઇ પાસે ગયા. મૃણાલ તો રીતસર રડવા જેવો થઇ ગયેલો. મિરિતાએ રાધાફઇને પકડ્યા અને તરત વળગી પડી.. પછી તો તેણે ઢીંગલી એટલે કે તેમની દીકરી રાબિયા વિષે પણ પૂછ્યું.. રાધાફઇએ કહ્યું કે છેલ્લા બે વર્ષથી તે સાવ પાગલ જેવી થઇ ગઈ છે જ્યારથી મનાલી છોડ્યું ત્યારથી. મનાલીમાં અમુક ખરાબ બનાવોના કારણે છોડવું પડેલું… તે પછી તેઓ પોતાના વતન ગુજરાતમાં આવી ગયેલા અને છેલ્લા છ મહિનાથી અહીં અમદાવાદમાં હતા..

મિરિતાએ કહ્યું, “ફઈ બસ હવે બહુ થયું… ઘરે આવી જાવ.. બધા તમારી રાહ જોવે છે ઘરે.. મૃણાલ તમારા હેતને તરસે છે..”

“ના દીકરા. મારા બાપુજીની ઈચ્છા નહોતી તેથી હું ત્યાં ના આવી શકું. મારા મૃણાલની ઘરવાળી આટલી સમજુ છે તે જાણીને હું ખુબ ખુશ થઇ પરંતુ ત્યાં આવવું આ જન્મારે અશક્ય છે..!” મિરિતાએ કહ્યું, “જો ફઈ.. તમે નહિ આવો તો હું ને મૃણાલ તમે જ્યાં હશો ત્યાં તમારી સાથે આવીને રહીશું. ભલે પછી તે ફૂટપાથ જ કેમ ના હોય..!? આ હું તમને કસમથી કહું છું.. તમે નહિ આવો તો હું તમારી સાથે આવી જઈશ..”


રાધાફઇ તેની આ જીદ જોઈ આભા બની ગયા.. મૃણાલની વહુ આવી સમજદાર છે તે જાણી તેઓ ખુબ ખુશ થયા.. અંતે વહુ સામે ફઈસાસુ હારી ગયા.. મિરિતા નવા વર્ષના દિવસે જ રાધાફઇને લઈને ઘરે આવી.. સાસુ-સસરા સહીત સૌ ગર્વ અનુભવતા હતા.. બધાને સઘળી વાત કર્યા બાદ મિરિતાએ દિવાળી પર એક દીકરીના પોતાના ઘરમાં નવેસરથી પગલાં કરાવ્યા. ઘરની સફાઈકરવા સાથે તેણે સંબંધો પર ચડેલી ધૂળને પણ સાફ કરી….!!!

લેખક : આયુષી સેલાણી

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ