સંબંધોની વ્યાખ્યા – બે વ્યક્તિ ને સાથે રહેવાં માટે સમાન રીતિરિવાજો જરૂરી કે સમાન સંવેદનાઓ ?

સંબંધો ની વ્યાખ્યા

” તને ખબર છે ને તું શું કહી રહ્યો છે? ” ” હા દીદી , હું જાણું છું , હું શું કહી રહ્યો છું .” ” આ કઈ રમત નથી. લગ્ન એ જીવન નો સૌથી મહત્વ નો નિર્ણય છે …આમ ઉતાવળ માંજ….”

” ઉતાવળ માં નહીં , દીદી , હું તબસ્સુમ ને છેલ્લા પાંચ વર્ષ થી જાણું છું . જેટલો વધુ એને સમજતો જઈ રહ્યો છું એટલોજ એના પ્રેમ માં વધુ ને વધુ ઊંડો ઉતરી રહ્યો છું . એકવાર તમે પણ એને મળી તો જુઓ ! પ્રેમ ન થઇ જાય તો કહેજો…” ” લગ્ન બે પરિવારો વચ્ચે નો સેતુ છે …અને આપણા પરિવારો વચ્ચે આવા સેતુ નો કોઈ અવકાશજ નથી. ” ” કેમ નહીં દીદી ?તમે બા જોડે વાત કરશો , એમને સમજાવશો તો એ જરૂર માની જશે …”

” દિપક તું જાણે છે કે બા કેટલી રૂઢિવાદી અને ધર્મચુસ્ત છે ….પોતાના ધર્મ ને ભ્રષ્ટ કરી, એક પરધર્મી યુવતીને આ ઘર માં લાવવાની પરવાનગી એ કદી ન આપશે …” ” દીદી પ્લીઝ , તમે એકવાર તબસ્સુમ ને મળી તો લો….એણે કેટલા દિવસો થી તમને ફેસબુક પર ફ્રેન્ડરિકવેસ્ટ પણ મોકલાવી છે …” ” નહીં દિપક મારે કોઈને નથી મળવું. મારે જે વાત કરવી છે એ તારી જોડે . આખરે તું મારો નાનો ભાઈ છે અને તને સારા નરસા ની પરખ કરાવવી મારુ કર્તવ્ય છે …”

” પ્લીઝ દીદી ફક્ત એકવાર તબસ્સુમ ને મળી લો ..એની જોડે વાત કરી લો….દેખાવે ભલે સાધારણ છે પણ એનું હૃદય , અંતર એટલુંજ સુંદર છે …સાદગી ની જીવતી જાગતી મુરત …સ્વાભિમાની અને સરળ વ્યક્તિત્વ …..ટી વાય બીકોમ માં હતી જયારે એના અબ્બા અકસ્માત માં મૃત્યુ પામ્યા …અમ્મી -અબ્બા ની એક ની એક દીકરી એ પોતાની અમ્મી કાજે ભણતર અધવચ્ચે પડતું મૂકી નોકરી શરૂ કરી દીધી. પોતાની વિધવા અમ્મી ની એક દીકરા ની જેમજ સારસંભાળ લઇ રહી રહી હોય એ યુવતી આપણી બા ની પણ કેટલી કદર અને કાળજી લેશે , એ તમે વિચારી શકો છો ……”

” વિચારવાનું તો તારે દિપક …વર્ષો થી બા અને બાપુજી સમાજ માં જે માન સન્માન કમાયા છે એ એકજ ક્ષણ માં ધોવાય ન જાય . બાએ તારા લગ્ન ને લઇ કેટલા સ્વપ્નો જોયા છે …” ” તો એ તમામ સ્વપ્નો તબસ્સુમ પુરા કરશે દીદી. તબસ્સુમ એને દીકરી ની જેમજ સાચવશે …હું તો કહું છું તબસ્સુમ ની અમ્મી ને પણ લગ્ન પછી અહીં લઇ આવીશ …એકજ ઘર માં બે માં ના આશીર્વાદ હશે તો બરકત પણ બમણી થશે …”

” પ્રેમ આંધળો હોય છે એવું સાંભળ્યું હતું . આજે જોઈ પણ લીધું. દિપક, પ્રેમ ની આવી સ્વપ્નસૃષ્ટિઓ સિનેમામાંજ શોભે . વાસ્તવિક જગત સાવ કડવું હોય છે અને એની હકીકતો પણ . જે બે પરિવાર ના ધર્મ , સંસ્કારો , માન્યતાઓ , રૂઢિઓ , પરંપરાઓ , પ્રણાલીઓ , રીતિરીવાજો , તહેવારો , જીવન વ્યવહારો , જીવન શૈલીઓ તદ્દન વિપરીત હોય ત્યાં પ્રેમ સહજતાથી ન વિકસે …આ પરિવર્તન ઉપર થી જેટલું સહેલું ,સરળ લાગે અંદર થી એટલુંજ મુશ્કેલ અને કઠિન …..”

” પરંપરાઓ અને રીતિરીવાજો તો શીખી પણ શકાય …એકબીજા ને પ્રેમ કરતા હય્યાઓ ને એકબીજાની જીવનશૈલી ને સમજતા અને સ્વીકારતા વળી કેવી મુશ્કેલી ? ”

” એવી વાત છે . તો શું તું કુરાન નું જ્ઞાન શીખીશ ?પાંચ સમય ની નમાઝ અદા કરીશ ? મસજિદ જઈશ ? રોઝા રાખીશ ? નહીં ને ? શા માટે ? કારણકે એ એટલું સહેલું નથી . બાળપણ થી લોહીમાં ભળેલા સંસ્કારો માં આમ અચાનકજ બદલાવ ન લાવી શકાય. ખરું ને ? તો પછી તબસ્સુમ માટે ધાર્મિક અને સંસ્કારો નું આ પરિવર્તન શું સહેલું રહેશે ? અને એના પાસે ધર્મ પરિવર્તન ની આશા અને અપેક્ષા રાખવી કેટલે અંશે વાજબી ? ”

” પણ દીદી પ્રેમ માં કશું સહેલું કે કઠિન નથી હોતું. એક હ્ય્યુ અન્ય હય્યા ને , એની લાગણીઓ ને સમજી શકે ,સુખી રહેવા એટલું પૂરતું નથી ? જીવન જીવવા માટે શું ફક્ત સંવેદનાઓ અને ભાવનાઓ ની સમાનતાજ પર્યાપ્ત નથી ? ખુશી તો એકબીજા પ્રત્યેના સમાન માન – સન્માન થીજ મળે …ભલે અન્ય પાસાઓ ગમે તેટલી ભિન્નતા ભર્યા હોય …”

” દિપક તારો એક અપરિપક્વ નિર્ણય તારા જીવન નો નકશો બદલી શકે છે . ધર્મો ની મર્યાદા લાંઘી ને પ્રેમ ના વાયરા માં ઉડતા સવ્પ્નો ના પતંગો ને જમીન પર કપાઈ ને પછડાતા સમાજે અવારનવાર જોયાજ છે …” ” એક વાત પૂછું , દીદી ? બે સમાન ધર્મો , સમાન નાતજાત ધરાવતા , એકસમાન પરંપરાઓ , રીતિરીવાજો અને જીવનશૈલીઓ અનુસરતા લોકો વચ્ચે શું સંબંધ વિચ્છેદ કે છૂટાછેડા નથી થતા ? ”

” જો દિપક , આખરે જીવન તારું ને નિર્ણય તારો . પણ મારે પણ મારા સાસરે મોઢું દેખાડવાનું હોય . તબસ્સુમ જોડે લગ્ન કરવા ના તારા નિર્ણય માં મારી ખુશી કદી સામેલ ન થશે . એની જોડે લગ્ન કરવા હોય તો ભલે . પરંતુ પછી મારો ચ્હેરો કદી જોતો નહીં . પિતાજી ના અવસાન પછી બા ને એક હૃદય રોગ નો હુમલો આવી જ ચુક્યો છે. જો તારા નિર્ણય ને લીધે બા ને કઈ પણ થયું તો હું તને કદી માફ નહીં કરીશ ….”

હોસ્પિટલ માંથી બા ને પરત ઘરે લઇ આવેલી કાર ને દિપક એ બ્રેક લગાવી . બીજો હૃદય રોગ નો હુમલો હતો આ . પાછળ ની બેઠક ઉપર બા ને સંભાળી ને અડકી બેઠી નિતીક્ષા ની તંદ્રા તૂટી . પોતાના નાના ભાઈ જોડે નો ભૂતકાળ નો સંવાદ જાણે આંખો એ એક વિડિઓ રિકોર્ડિંગ સમો જોઈ નાખ્યો . ઘર આવી ચૂક્યું હતું . બીજા હૃદય રોગ ના હુમલા થી હોસ્પિટલ માં ઘણા દિવસો ની લાંબી સારવાર બાદ બા માંડ માંડ બચી આવી હતી . હૃદય ખુશ હતું પણ મન ખૂબજ ભારે . બન્ને ભાઈ બહેનો એ બા ને એમના ઓરડા માં પહોંચાડી આરામ થી ઊંઘવાની સગવડ કરી આપી . બા ની આંખો મીંચાઈ અને દિપક એક પણ શબ્દ બોલ્યા વિનાજ દવાઓ અને અન્ય જરૂરી સામાન લેવા ગાડી લઇ નીકળ્યો . દિપક નો ઉદાસ ચ્હેરો અને મૌન હાવભાવ હવે એની ટેવ સમા બની ગયા હતા . એ મૌન પીડા અને શબ્દહીન ઉદાસીનતા ને નિહાળી રહેલી પ્રતિક્ષા ની આંખોમાંથી દર વખત ની જેમજ એક નાનકડું અશ્રુ ભાવનાઓ ના વજન થી અસહ્ય દબાતું સરી પડ્યું . દિપક ની કાર ઘર થી દૂર નીકળી ને નિતીક્ષા ની આંખો સમક્ષ ભૂતકાળ નું અન્ય એક રિકોર્ડિંગ જુદા જુદા દ્રશ્યો થી સંમિશ્રિત શરૂ થયું .

પણ આ રિકોર્ડિંગ ની મુખ્ય પાત્ર તબસ્સુમ નહીં ‘ સમીક્ષા ‘ હતી . સમીક્ષા, નિતીક્ષા અને બા ની પસંદગી અને દિપક ની પત્ની . દિપક નો પ્રેમ જરાયે કાચો પડ્યો ન હતો . એ ધારતે તો તબસ્સુમ જોડે ભાગી ને લગ્ન કરી શક્યો હોત . પણ દિપક અને તબસ્સુમ બન્ને માટે પોતાની માં પ્રત્યેની ફરજ પ્રાથમિક હતી અને હમેંશાજ રહેશે . જવાબદારીઓ થી ભાગી પોતાના પ્રેમ ની સ્વાર્થી દુનિયા રચવા ન દિપક તૈયાર હતો ન તબસ્સુમ. તબસ્સુમેજ તો એને બા અને નિતીક્ષા દીદી ની પસંદગી ને અપનાવવા મનાવ્યો હતો , પોતાના પ્રેમ નો વાસ્તો આપી . દિપક તબસ્સુમ ની ઝિદ સામે હાર્યો પણ શરત એટલીજ હતી કે લગ્ન પછી કદી તબસ્સુમ નો ચ્હેરો પણ ન જોશે …અને સાચેજ એણે એ શરત નિભાવી પણ ….

સમીક્ષા ને જીવન માં પ્રવેશ આપ્યો અને પોતે તબસ્સુમ ના જીવન માંથી હંમેશ માટે બહાર નીકળી ગયો , આખરે તબ્બસુમ ની જીદ ને માન આપવાની સજા જાતેજ ભોગવવાની હતી . સમીક્ષા , સૌંદર્ય નો ખઝાનો . સફેદ , ગોરી ત્વચા . લીલી પાણીદાર આંખો , ઊંચું કદ , નકશીકામ કરી પ્રકૃત્તિ એ સુંદરતાથી તરાશેલો ચ્હેરો . બાહ્ય સુંદરતાથી જોનાર કોઈ પણ સહજ રીતે અંજાય જાય એવું પ્રભાવશાળી વ્યક્તિત્વ …

પરંતુ દરેક ચળકતી વસ્તુ સોનુ ન હોય . શરીર ની સુંદરતા અને મન ની સુંદરતા એકબીજા સાથે પૂરક ક્યાંથી ? બાહ્ય સુંદરતા થી સૌને આકર્ષી ચૂકેલી સમીક્ષા લગ્નનાં થોડાજ મહિનાઓ પછી પોતાની આંતરિક વાસ્તવિકતાથી એક અલગજ વ્યક્તિત્વ તરીકે ઉઘાડી પડી . સ્વાર્થ અને ઈર્ષ્યા માં રાચનારી , સમૃદ્ધિ અને ધનસંપત્તિ ના પ્રેમ માં અંધ , પ્રેમ અને સ્નેહ ની સામે ઘરેણાઓ ને માન આપનારી સમીક્ષા થી અવગત થતાંજ બા અને નિતીક્ષા ના બધાજ સ્વપ્નો ચૂરેચૂરા થઇ ગયા .

દિપક ને તો એમ પણ કશો ફેર પડવાનો ન હતો . હા , પણ નિતીક્ષા અને બા ની નિરાશા અને હતાશા એ એના ઘા પર મીઠું જરૂર ભભરાવ્યું હતું . પરંતુ મન પાસે ફક્ત એકજ કટાક્ષ હતો : ‘ આખરે તમારીજ પસંદગી !’

ધીરે ધીરે સમીક્ષા નો ઈર્ષ્યાળુ અને સ્વાર્થી સ્વભાવ વધુ ઘેરો બનતો ચાલ્યો . વાતે વાતે મ્હેણાં ટોણા વધવા લાગ્યાં . ફક્ત નિતીક્ષા જ નહીં આ કડવી જીભ નો શિકાર બા પણ નિયમિત બની રહેતા . દિપક ના આર્થિક મોભભાં ની પોતાના ધનિક પિતા ની મિલ્કત જોડે સરખામણી કરવામાં , દિપક ને બધાની સામે ઉતારી પાડવામાં પણ સમીક્ષા ને સહેજે ખચકાટ અનુભવાતો નહીં . વારે તહેવારે અતિ કિંમતી આભૂષણો ની જીદ , ખરીદી માટે ના નીરર્થક ખર્ચાઓ પુરી પાડવાની જીદ એક નિયતક્રમ બનતો ચાલ્યો . દિપક ના પગાર ઉપર નિયઁત્રણ લાદી એ ક્યાં ખર્ચાવો જોઈએ અને ક્યાં નહીં એ માટે દિપક જોડે સીધી જીભાજોડી જ થતી . બા માટે લાવેલી કોઈ પણ વસ્તુ ને સમીક્ષા ” આની શી જરૂર હતી ? ” કહી વગોળી મુક્તી .

નિતીક્ષા નું અને એના બાળકો નું નિયમિત ઘરમાં આવવું પણ એને ખૂંચવા લાગ્યું . કોઈ પણ બહાને સીધી નિતીક્ષા જોડે કે એના બાળકો ની પ્રવૃતિ ની ફરિયાદો ને બહાને સમીક્ષા વિવાદ સર્જવા ની તક માંજ રહેતી . ઘર નું દુણાયેલું વાતાવરણ વધુ ગંભીર ન બને એ વિચારે નિતીક્ષા એ પણ ધીરે ધીરે ઘરે આવવાનું બંધ જ કરી દીધું . ફક્ત વાર તહેવારે કે કોઈ ખુબજ જરૂરી કામ હોય ત્યારે ડોકિયું કરી લેતી . નહીંતર બા ની જોડે ફોન ઉપર વાત કરી લઇ સંતુષ્ટ થઇ જતી .

દિપક સાથે તો જાણે સંબંધ નહીં વેપાર ચાલતો ! મહિના ની પહેલી તારીખે એક નિશ્ચિત રકમ સમીક્ષા ના હાથમાં આપવી પડતી એના અંગત ખર્ચાઓ માટે …જાણે કે પત્ની તરીકે નો એક નિશ્ચિત પગાર … દિપક પોતાના માતાપિતા ના પ્રેમ નો સાક્ષી રહ્યો હતો …એ નિઃસ્વાર્થ સંબંધ જ્યાં કશું તારું -મારુ નહીં બધુજ ‘આપણું ‘ હતું . સમર્પણ ની વ્યાખ્યા સમા એ પાવન પ્રેમ આગળ પોતાના અને સમીક્ષા ના આ સંબંધમાંથી એક વિચિત્ર દુર્ગંધ એને આવી રહી હતી , જેનાથી એની આત્મા ને શ્વાસ ભરવામાં પણ તકલીફ થઇ રહી હતી …પણ સમાજ તરફ થી વધાવાયેલા અને આદર પામેલા આ સંબંધને ટકાવવા શ્વાસો ભરવું અનિવાર્ય હતું !

સંબંધો ફક્ત નામ ખાતર ચાલી રહ્યા હતા. સમાજ ના લોકો ને ફક્ત એટલુંજ જાણવામાં રસ હતો કે પતિ પત્ની એકજ ધર્મના છે , એકજ જાતિના છે , એકજ કુળના છે ….ઘર ની અંદર વિકાસ પામતા સંબંધો ને લાગણીઓના સેતુ ની ગરિમા માં ક્યાં કોઈને રુચિ હતી ? સમાજ ને ખુશ રાખવા માટે રચાતા સંબંધો ની કટોકટી કે દુર્દશા ને સુધારવા કદી સમાજ ઘરે આવે ખરી ? લાગણીઓ ની ગુણવત્તા કે ભાવનાઓ ની પવિત્રતા તપાસવા નો કોઈની પાસે સમય ખરો ? બસ દેખાવો ના શણગાર સાથે બાહ્ય જગત માં ફરતા આવા સંબંધો ઘર ની ચાર દીવાલો વચ્ચે શણગાર ઉતરતાંજ કેટલા ભયાનક ભાસતા હોય છે !

દિપક અને સમીક્ષા ના સંબંધ નો એ ભયાનક ચ્હેરો પણ એક દિવસ ઉઘાડો પડ્યો. બિઝનેસ ટ્રીપ ઉપર એક અઠવાડિયા માટે અન્ય શહેર ગયેલો દિપક કામ ઝડપથી નિપટી જતા નિશ્ચિત કાર્યક્રમ કરતા બે દિવસ પહેલાજ ઘરે પહોંચી ગયો. ઘરે કોઈને પણ એના અનપેક્ષિત આગમન અંગે કશી જાણ કરી ન હતી. ઘરે પહોંચી આંખો સામે જોયેલા દ્રશ્ય થી દિપક ની સહનશક્તિ ચરમસીમાએ પહોંચી ગઈ. સહેલીઓ સાથે મજા માણી રહેલી સમીક્ષાના ઓરડામાંથી ઠઠ્ઠા મસ્તી નો શોર બહાર સુધી પહોંચી રહ્યો હતો અને બા એ બધાના માટે રસોડા માં નાસ્તાઓ અને ચા તૈયાર કરી રહી હતી.

સહેલીઓ ના સામેજ દિપક ઓરડામાં ધસી સમીક્ષા ઉપર ગરજ્યો . બધીજ સહેલીઓ ખસીયાણી પડી તરતજ જતી રહી. સમીક્ષા માટે સખીઓની હાજરીમાં થયેલું અપમાન અસહ્ય થઇ પડ્યું . બોલાચાલી ઉગ્ર થઇ . બા ના લાખ સમજાવવા છતાં બન્ને જીદ પર અડી રહ્યા . પોતાના અહમ ને લાગેલી ઠેસ સાથે સમીક્ષા ઘર છોડી જતી રહી . બા અને નિતીક્ષા એ દિપક ને સમજાવવા ખુબજ પ્રયાસ કર્યો . પણ દિપક ન તો સમીક્ષા ને મનાવા ગયો ન તો એને એક ફોન પણ કર્યો .

થોડા દિવસો પછી ઘરે પુલીસ આવી. સમીક્ષા એ છૂટાછેડા માટે કાગળિયા મોકલાવ્યા . સાથે પતિ અને સાસુ ઉપર માનસિક ત્રાસ અને અત્યાચાર ની ફરિયાદ પણ નોંધાવી. નિતીક્ષા ની અથાક દોડાદોડીને અંતે આખરે પુલીસ કાર્યવાહી થી પીછો છૂટ્યો . દિપક એ એક પણ ક્ષણ આગળ વિચાર્યા વિનાજ છૂટાછેડા ના કાગળિયા ઉપર સહી કરી નાખી .

બા નું વૃદ્ધ નાજુક હૃદય માનસિક તણાવ સામે હાર્યું અને ઘાતક હ્રદયરોગ ના હુમલા થી એમને શીધ્રજ હોસ્પિટલ માં ભરતી કરવી પડી. આટલા દિવસો દરમિયાન સમીક્ષા બા ને એક વાર પણ જોવા ન આવી , માનવતા ખાતર પણ નહીં. હા ,પણ કોઈ આવ્યું તો હતું બા ને મળવા . તબસ્સુમ અને એની અમ્મી ! ” હું અહીં છું , જાઓ તમે જરા આરામ કરી લો , દીદી .” સાથે લઇ આવેલ દવાઓ અને જ્યુસ નો ડબ્બો ટેબલ પર ગોઠવી રહેલ દિપક ના અવાજ થી ભૂતકાળ નું રિકોર્ડિંગ ફરીથી અટકી ગયું.

બા ની પાસે કુરશી પર ગોઠવાયેલા દિપક ના માથે નિતીક્ષા એ હેત થી હાથ ફેરવ્યો અને બહાર જઈ વરંડા માં ગોઠવાયેલ આરામકુરશી ઉપર લંબાવ્યું . પણ આરામ મળ્યો નહીં . ન શરીર ને ન મન ને …… એક પછી એક પ્રશ્ન મન માં ઉભરાઈ રહ્યા હતા અને આત્મા ને એ તમામ મૂંઝવણો નો ઉત્તર જોઈતો હતો…. સંબંધો નું સુખ ફક્ત ધર્મ , જાતિ , રૂઢિઓ , માન્યતાઓ , પરંપરાઓ , રીતિરીવાજો ની સમાનતા થી મળે કે પછી ‘લાગણીઓ ‘ અને ‘ભાવનાઓ’ ની સમાનતા થી ? બે વ્યક્તિ ને સાથે રહેવાં માટે સમાન રીતિરિવાજો જરૂરી કે સમાન સંવેદનાઓ ?

અચાનકજ કોઈ ખૂબજ જરૂરી કામ યાદ આવી ગયું હોય એમ ઉતાવળ થી નિતીક્ષા એ પોતાનો મોબાઈલ ઉઠાવ્યો . ઝડપ થી ફેસબુક માં લોગ ઈન કર્યું . વરસો થી રાહ જોઈ રહેલી તબસ્સુમ ની ફ્રેન્ડ રિકવેસ્ટ સ્વીકારી લીધી . તબસ્સુમ નું પ્રોફાઈલ ખોલ્યું . હાથ થોડો ધ્રૂજ્યો . સ્ટેટ્સ માં ‘ સિંગલ ‘ શબ્દ વાંચતાજ મન માં એક મોટો હાશકારો થયો અને ચ્હેરા ઉપર સ્નેહ ભર્યું સ્મિત રેલાય ગયું ……..

લેખક : મરિયમ ધુપલી

વાર્તા વિષે અભિપ્રાય કોમેન્ટમાં જણાવો, દરરોજ આવી અનેક વાર્તાઓ વાંચો ફક્ત આપણા પેજ પર.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ