કાકડી અને મગનો પ્રસાદ વહેંચાય છે રથયાત્રામાં, જાણો છો તેની પાછળ છે એક અદભૂત કારણ…

શ્રી કૃષ્ણ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાની નગરયાત્રા પાછળ છે અનોખી દંતકથા, યાત્રાના રસોડાની અને પ્રસાદની અનેક રોચક વાતો જાણો. કાકડી અને મગનો પ્રસાદ વહેંચાય છે રથયાત્રામાં, જાણો છો તેની પાછળ છે એક અદભૂત કારણ…

રથયાત્રા એ ઓરિસ્સામાં આવેલ જગન્નાથપુરી મંદિરની અનોખી પ્રથા છે. જેમાં દર વર્ષે અષાઢી બીજના લાખો ભક્તો આ રથયાત્રાના મહેરામણમાં જોડાય છે. જેની પૌરાણિક અને ધાર્મિક વાર્તાઓ છે સાથે તેમાં ધાર્મિક અને સામાજિક એકતાનું પ્રતીક તરીકે આ તહેવારને ઉજવાય છે. અહીં ભગવાન શ્રીકૃષ્ણ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાની નગરયાત્રા કાષ્ઠના રથ પર નીકળે છે અને દસમે દિવસે તેઓ તેમના મોસાળે પહોંચે છે. રથયાત્રામાં લાખોની સંખ્યામાં ભક્તો, સાધુસંતો અને સ્વયંસેવકો જોડાય છે. જેમને પ્રસાદીમાં આપવામાં આવે છે ફણગાવેલા મગ અને કાકડી… આવો જાણીએ શું છે આ પ્રથાનું મહત્વ…

રથયાત્રાઃ ત્રણ ભાઈ બહેનની નગરયાત્રાની સદીઓથી ચાલી આવતી અનોખી પ્રથા…

સાસરેથી દ્વારિકા નગરીમાં પિયેર આવેલ બહેન સુભદ્રાએ તેમના ભાઈ શ્રી કૃષ્ણને નગરચર્યા કરવાની ઇચ્છા દર્શાવી. જેમાં મોટાભાઈ બલરામ પણ જોડાયા… આ પૌરાણિક કથાઓ સદીઓથી લોકમાન્યતામાં ચાલી આવે છે. જેમાં અલગ – અલગ રીતે યાત્રાની પ્રથાની શરૂઆતનું કારણ દર્શાવ્યું છે. પછી તેમાં તેમની મૂર્તિની ઘડવાની કથા હોય, તેમની સ્થાપના અને રથયાત્રાની શરૂઆત માટે સંતને આવેલું સપનું હોય કે પછી શ્રી કૃષ્ણ એક અઠવાડિયું તેમના મોસાળે રહીને બીમાર પડ્યા અને આંખે પાટા બાંધ્યાની કથા હોય એ દરેક દંતકથાની પાછળ કંઈને કંઈ ઘટના અને વાર્તા જોડાયેલી છે. આવો જાણીએ રથયાત્રા સાથે જોડાયેલી આ કથાઓ…

શ્રી કૃષ્ણ, બલરામ અને સુભદ્રાની મૂર્તિની કથા છે રસપ્રદઃ તેમની મૂર્તિ માથા પાસેથી રહી ગઈ છે અધૂરી…

રથયાત્રામાં સવાર ત્રણેય મૂર્તિને ધ્યાન દઈને જોઈશું તો ખ્યાલ આવશે કે તે દરેક મૂર્તિઓ થોડી અધૂરી છે અને તે લાકડાની બનેલી છે. તેનો પાછળનો ભાગ પણ અધૂરો જ છે. તેની પાછળ એક રસપ્રદ કથા છે. ઓરિસ્સાના સમુદ્ર તટ પાસે આવેલ નીલાંચલ સાગર પાસેના નગર નરેશ ઇંદ્રદ્યુમ્નને એક વાર વિચાર આવ્યો કે તેમણે શ્રી કૃષ્ણ બલરામ અને બંને ભાઈઓ સાથે સુભદ્રાની પણ મૂર્તિ બનાવરાવવી જોઈએ. તેમને આ વિચાર દિવસ – રાત સતત આવ્યા જ કરતો હતો ત્યારે એકવાર એવું બન્યું કે સમુદ્રની લહેરોમાંથી એક મોટું લાકડું તરીને સાગરના તટ પર આવી પહોંચ્યું.

ત્યારે રાજાને લાગ્યું કે આજ કાષ્ઠમાંથી મૂર્તિ બનાવરાવી જોઈએ. તેમણે મૂર્તિ બનાવવા માટે અનેક શિલ્પીની શોધ કરી. પરંતુ તેમને કોઈ મળ્યું નહીં કે જેઓ આ લાકડાનો ઉપયોગ કરીને ૩ મૂર્તિ બનાવવાની હા પાડે. એવામાં એક વૃદ્ધ શીલ્પકારે હામી ભરી અને સાથે એક અનોખી શર્ત પણ મૂકી. કે જ્યાં સુધી હું આ મૂર્તિઓ બનાવીને ઓરડાની બહાર ન આવું ત્યાં સુધી કોઈએ મને મારા કામમાં ખલેલ ન પહોંચાડવી… રાજા ઇંદ્રદ્યુમ્ને તેમની શરત સ્વીકારી લીધી. અને તેમના માટે મહેલમાં જ એક ઓરડો તૈયાર કરાવ્યો.

એક પછી એક ઓજારો એ કમરામાં મોકલાવાયા અને કાષ્ઠ તેમજ જરૂરી સામાન પહોંચાડાઈ ગયો અને કમાડ બંધ થયા. જ્યારે દિવસો ને દિવસો વિતતા ગયા ત્યારે રાણીને જરા શંકા ગઈ અને તેમની કૂતુહલતા વધતી ચાલી. એમણે રાજાને પોતાની આશંકા વિશે કહ્યું કે આટઆટલા દિવસ સુધી એ વૃદ્ધ શિલ્પી કમરાની બહાર નથી આવ્યા તો તે અંદર મૃત્યુ તો નહીં પામ્યા હોય ને? કોણ આટલા દિવસ સુધી કંઈ જ ખાધા પીધા વિના રહી શકે?

રાણીની વાત સાંભળીને રાજાને પણ વિચાર આવ્યો કે આવું બને કઈરીતે? તેમણે પોતાની આ કૂતુહલતાને વશ થઈને દરવાનોને કમાડ ખોલવાનો આદેશ આપ્યો. પરંતુ અંદર જઈને જોયું તો ત્યાં કોઈ જ હાજર નહોતું અને ત્રણ અધૂરી બનેલી કાષ્ઠની મૂર્તિઓ પડેલી નજરે દેખાઈ. આ અર્ધ નિર્મિત મૂર્તિ જોઈને રાજા રાણી દુખી થયાં. એ જ સમયે આકાશવાણી થઈ, રાજાને ઉદ્દેશીને અવાજ સંભળાયો; કે આ અમારી જ ઇચ્છા છે કે મૂર્તિઓ આ રીતે અધૂરી જ બને અને તેની જ સ્થાપના થાય… એ કાષ્ઠની મૂર્તિ ઘડનાર બીજું કોઈ નહીં બલ્કે ભગવાન વિશ્વકર્મા પોતે જ હતા… તેમણે ૨૧ દિવસની શરત રાખી હતી પરંતુ ૧૫ જ દિવસમાં રાજાના પરિવારે ઓરડાના દરવાજા ખોલાવી મૂક્યા હતા અને તેમાં મૂર્તિ અધૂરી રહી ગઈ.

ભગવાન વિશ્વકર્માનું મંદિર જગન્નાથમાં સ્થપાયું અને રથયાત્રાની પણ થઈ અનોખી શરૂઆત…

આ મંદિરની સ્થાપનાનો ઇતિહાસ ૫૦૦ વર્ષ જૂનો છે. ૧૮૭૬માં એ સમયના મહામંડલેશ્વર નૃસિંહદાસજીને એક રાતે સ્વપ્ન આવ્યું હતું. જેમાં ભગવાન શ્રી કૃષ્ણના ૧૦ અવતારમાંથી ૮મા અવતાર સ્વરૂપના મંદિર જગન્નાથપુરીમાં રથયાત્રા કરવાનો આદેશ આવ્યો હતો. એમના કહેવાથી એ સમયથી રથયાત્રાનું આયોજન થાય છે. આજે તેને ૧૪૨ વર્ષ થશે. આધુનિક રથની ટેકનિકની સાથે પરંપરાગત રીતરીવાજોનો સમન્યવય આજે પણ થાય છે. જેમાં રથના દોરડા ખેંચવા, પ્રસાદની વહેંચણી અને ભગવાનનું મોસાળમાં રોકાવું અને બીમાર પડવા જેવા પ્રસંગો પણ આવરી લેવાય છે.

ખલાસ જ્ઞાતિના ખડતલ લોકો ખેંચે છે, રથયાત્રા દોરડાં…

સમુદ્રકિનારે મળી આવતા નારિયેળીના ઝાડમાંથી રથયાત્રાના પૈડાં અને રથ બનાવાય છે. જેને ખેંચવા માટે દરિયાપુત્રો ખલાસ ભક્તો સેંકડો વર્ષોથી શ્રમદાન કરે છે. આ એક પ્રકારની લોકવાયકા છે કે માત્ર ખલાસ કોમના લોકો જ રથના દોરડાં ખેંચવાની જવાબદારી નિભાવે છે. આ ૧૦ દિવસ સુધી ચાલતો તહેવાર છે. જેમાં આખા શહેરના અમુક મુખ્ય રસ્તાઓ ઉપરથી લાખો લોકોની મેદની વચ્ચેથી વાજતેઘાજતે પ્રસાદી અને ફૂલોની વર્ષા થતી હોય તેની સાથે રથ આગળ વધતો હોય છે. જે સૂર્યાસ્ત સુધી ચાલે છે. જો રથ તેમના મોસાળે સાંજ સુધી ન પહોંચે તો તેને જ્યાં પહોંચ્યો હોય ત્યાં જ રાતવાસો કરાવીને બીજે દિવસે સવારે ફરીથી યાત્રા શરૂ કરાવાય છે.

પ્રસાદીમાં અપાય છે ફણગાવેલા મગ અને કાકડી…

આપણી હિન્દુ સંસ્કૃતિ મુજબ આપણે વારતહેવારોમાં ખૂબ બધુ પકવાન – મિષ્ઠાન્ન બનાવીએ છીએ અને ભગવાનને અનકુટ્ટ ધરાવીએ છીએ. રથયાત્રામાં મગ અને કાકડી વહેંચવાની પ્રથા છે. આવો જાણીએ એવું કેમ કરવામાં આવે છે.

ફણગાવેલા કે બાફેલા મગ સૌથી વધુ પૌષ્ટિક ખોરાક કહેવાય છે. કોઈ માંદુ વ્યક્તિ સાજું થાય ત્યારે તેમને પહેલવહેલું મગનું ઓસાવેલું પાણી કે બાફેલા મગ ખવરાવવામાં આવે છે. કોઈ વ્યક્તિ લાંબા દિવસો સુધી ઉપવાસ ઉપર હોય તો પણ પારણમાં મગ ખવરાવાય છે. કેમ કે તેલવાળું કે વઘારેલ વાનગીને બદલે મગ પચવામાં હળવા અને તુરંત શક્તિ આપે તેવા ગુણ ધરાવે છે. વળી, અષાઢ મહિનાની શરૂઆતમાં ચોમાસામાં ખૂબ જ ભેજ રહેવાને કારણે પરસેવો પણ ખૂબ જ થતો હોય છે. કાકડી એવું સ્ત્રોત છે જેને કારણે શરીરમાં તાજગી પણ રહે છે અને પાણીનો ત્રોસ પણ પડતો અટકાવે છે.

રથયાત્રામાં જ્યારે હજારો – લાખોની જનસંખ્યામાં લોકો ભીડમાં ચાલતા હોય, રથનું દોરડું ખેંચતા હોય અને નાચતા હોય ત્યારે આવો પ્રસાદ ખૂબ આરોગ્યપ્રદ રહે છે. આયુર્વેદ શાસ્ત્રોમાં પણ મગ અને કાકડીનું મહત્વ છે તેનું મહર્ષિ ચરકના અભ્યાસુ ગ્રંથોમાં પણ ઉલ્લેખ છે. જો દર્દીઓને પણ બેઠા કરી શકવાની મગમાં તાકાત હોય તો ભક્તોમાં જોમ ભરીને રથયાત્રામાં મ્હાલવા માટે પણ તેનો પ્રસાદ આપવાની પ્રથા સેંકડો વર્ષોથી પ્રચલિત છે.

સરસપુરમાં છે ભગવાનનું મોસાળ અને ત્યાં જ છે ભક્તોનું રસોડું…

અમદાવાદમાં ભગવાનની રથયાત્રા સરસપુર વિસ્તારના જગન્નાથ મંદિરમાં આવીને રોકાય છે. અહીં ભગવાનના મામા – માસીનું ઘર કહેવાય છે. ભગવાનને લાડ લડાવાય છે અને તેમને માટે અનેક ફળો અને પકવાન બને છે. સાધુ સંતો અને ભક્તો માટે પણ અહીં ભોજન વ્યવસ્થા થાય છે. તેથી અહીં તેમનું મોટાપાયે રસોડું પણ બનાવાય છે. ભગવાન અહીં રોકાઈને ખૂબ કેરી અને જાંબુ ખાય છે તેથી તેમની આંખો આવી જાય છે એવી લોકપ્રથા પણ પ્રચલિત છે. અહીં અઠવાડિયું મોસાળમાં સારવાર માટે આંખે પાટા બંધાય છે અને અઠવાડિયા પછી દસમે દિવસે ભગવાન શ્રી કૃષ્ણ, મોટા ભાઈ બલરામ અને બહેન સુભદ્રા ફરી તેમના સ્થાને પહોંચે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ