રૂપલી વાસણવાળી – ગમે તેવો હોય પણ આખરે એ જ એનો રક્ષક છે ભલે ને થોડું મારતો હોય…

લે….વા વાસણ ..! લેવા….! વા….સણ ! એવો અવાજ આવતા જ ખબર પડી જાય કે રુપલી આવી !! માથે વાસણ નો ટોપલો, ને ખભે કપડાનું બચકુ, અને કાખમાં છોકરું.. સાથે.. મીઠો ટહુકો !! લેવા….. વાસણ…! લે…વા વા…..સણ !! સાથે એનો ઘરવાળો રઘુ હોય !! એકવડીયો બાંધો ! મોંમાં માવાનો ડૂચો, ભૂખ તો આંટો લઈ ગઈ હોય, તેવું માયકાંગલું શરીર લાગે.


દેખાવે જરાય ન ગમે તેવો રૂપલીનો રઘલો !! અને બોલી તો એવી કે “એક ઘા તથા બે કટકા !!” બોલે તો પાણા પડે… “આ વાસણ લેવું હોય તો લ્યો, આટલા લૂગડામાં બીજું કાંઈ નો આવે !! અમારે કાંઈ આ ઠામણા ઘરમાં નથી ઊગતાં !!” સામે રૂપલી ???.. મીઠી મધ ઝરતી જીભ !! “અરે બેનબા ! ઓ માસીબા ” ઓ દાદી !! અરે મારી નાની !! તમે રાજી, તો હુ એ રાજી !!! એક વાસણ વધારે આલીસ, બા !!પણ, જુઓ ને કેવી મોંઘવારી સે ??

આ વાસણે ય અમને એમને એમ થોડા આવે સે બા ?? હે, મારી બુન !!, તમે ક્યો આ બચૂડીને કેમ કરી દૂધ પીવડાવીશ ?? હવે તો બાકડી ખાવા જેવડી થઈ ગઇ !! એને બિસ્કીટના બે પેકેટ લઇ દેસ, જો તમે દયા કરો તો ?? તમે મોટા દિલવાળા સો !! માસી !!” આમ કાલીઘેલી બોલી ને ભાષા મીઠી મધ… નરી મીઠાશ વાપરીને કોઈને ખાલી હાથ ન જવા દે !! અને થોડું, આડા અવળું કરીનેય કંઈક વાસણ આપીને જુના કપડાં લઈ લે, પણ કોઈને ય એમને એમ જવા ન દે !!!


રૂપલીનો ઘરવાળો રઘુ, દેખાવે કરૂપડો ને જીભે કડવો એનાથી ખરાબ એનો સ્વભાવ !!! બન્ને ભેગા જ નીકળે આ વાસણ કપડાની ફેરી કરવા..માત્ર ઘરાકને જ નહીં પણ, જ્યારે હોય ત્યારે રઘુ, રૂપલી ને પણ ખીજાતો જ હોય !! પણ, રૂપલી,… રૂપાળો ઘંટડી જેવો સુરીલો અવાજ અને એવો જ નામ પ્રમાણે, રૂપાળો દેહ… સ્વભાવેય રૂપલી મીઠી મધ.. આ બન્ને ને જોઈને લોકો કહેતા, “કાગડો દહીંથરુ લઈ ગ્યો !!” “કાગડાની કોટે રતન!!” ” હોય એને કિંમત નથી !!” એકવાર તો , કાઈ હિસાબમાં આડાઅવળૂ થયું તો વાસણ ની દુકાનમાં જ દુકાનદારની સામે જ રઘુએ રૂપલીને એક ઝાપટ ઠોકી દીધેલી !!

એ તો ભલો દુકાનદાર જો વચ્ચે ન પડ્યો હોત, તો હજી ગડદા પાટા ઝીકી લે એવો ખિજાણો હતો. બજારમાં ય લોક ભેગું થઈ ગયું હતું. રઘુને રોકવા ને મારવા કેટલાય તલપાપડ બન્યા હતાં. પણ, રૂપલીએ રાડ પાડી ને રોક્યા હતા, ” ખબરદાર, અમારી બે વચ્ચે કોઈ પડ્યું સે તો ! જેવો સે ઇવો પણ, ઇ મારો ધણી સે… ધણી નું કોઈ ધણી થ્યું સે ??? જાવ તમે, મારી માથે મે’રબાની કરીને જાવ, આયાંથી… !!”


અને.. રૂપલીએ,લોકો ને અટકાવી દીધા હતા. તેથી બધા જ રૂપલીના વર, રઘુ માટે ઘૃણા અને રૂપલી માટે સહાનુભૂતિ જતાવતા.. ઘણાની તો લાળ ટપકતી !! પણ, રૂપલી જેવી સારી હતી એવી જ અગ્નિની જ્વાળા હતી.. કોઈ એને પડખે ચડવાની હિંમત ન કરે, એવી એની તેજ આંખો હતી. ભગવાને સ્ત્રી ને છઠ્ઠી ઇંદ્રિય એવી સતેજ આપી છે કે જો સ્ત્રી એ બરાબર ઓળખીને ચેતી જાય તો કોઈ પુરુષ એની ઈચ્છા વિરુદ્ધ કઈ ન કરી શકે !!
રૂપલી પણ એમ સતર્ક રહેતી. અને આમેય રઘલો સાથે હોય એટલે રૂપલી, બિન્દાસ્ત !! એ ખૂબ સારી રીતે સમજતી હતી કે…

રઘલો છે એનો ઘરવાળો ને ઇ જ સાચો રખેવાળ !! અને આમ જોવા જાવ તો.. રઘલાને રૂપલી ઉપર પ્રેમ તો હતો જ.પણ, રૂપલી નું રૂપ ને આ જમાનાની ભૂખી આંખો જોઈ રઘુ પોતાના પર કાબુ નહોતો રાખી શકતો. રૂપલી ને પણ રઘુનો સ્વભાવ કોઠે પડી ગયો હતો. એ અભણ અને સામાન્ય સ્ત્રી, પોતાના ઉપર રહેલ ધણી ની કિંમત જાણતી હતી અને એટલે જ જાણે કે કંઈક અંશે એ ખુદ એ રીતે રઘુના ગુસ્સાને સ્વીકારીને એ કિંમતનો બદલો ચુકવતી હતી. એક વખત એવું બન્યું કે, રઘુને તાવ આવ્યો અને ઇ ઘરે.. અરે ઘર શાનું ?? ઝુંપડા માં રોકાઈ ગયો. સાથે છોકરીને પણ ઘરે રાખી.


રૂપલીનું મન નહોતું માનતું એકલી જવાનું પણ, રઘુએ એમ કહીને ધકેલી કે હવે ઉનાળો પૂરો થઈ ચોમાસુ બેસવાની તૈયારી છે અને પછી વરસાદ ની સીઝનમાં ફેરી બંધ રહેશે ત્યારે થોડાક રૂપિયા હશે બચત તો ખપ લાગશે !!” આમ બોલીને રઘુએ રૂપલીને એક કટારી આપી અને એક લાકડી પણ હાથમાં થમાવી અને બોલ્યો.. ” આ બન્ને તારી હારે રાખઝે.. લાકડી કુતરાઓ માટે.. તારે મારવી નહિ પડે ખાલી બતાવીશ તોયે પૂસળી દબાવી ભાગસે !! અને ઓલી… બે પગા’રા ઝનાવર થી બસવા.. ખાલી જોહે તો ય…, કોય હિંમત નહીં કરે…!!

ઝા..! હવે…, મોડું નય કરતી..!! પાસી ફરતાં..!! આ બચુડી નહિ ર્યે તારા વૈના !!” રૂપલી વિચારે, એને કેમ સંભળાયું બરાબર પણ સમજાયું કૈક આવું જ.. કહોને કે અહેસાસ થયો કૈક આવો… “જલ્દી આવજે,મને નહિ ગમે તારા વિના.. પોતાને ય જાવું નહોતું ગમતું પણ, કમને રૂપલી હાલી… ” લે…વા.. વા…સ..ણ !!!” મીઠો મધ ઝરતો ટહુકો.. ને એવી જ મજાની રૂપલી !! આજ તો ઘણાંની દાઢ સળકી !! ” આ તો આંકડે જ મધ ઇ યે પાછું માખા વગરનું !!”


પણ, રૂપલી ?? સિંહણ જેવી !! એના હાથમાં ગજવેલ કટારી રમાડતી હતી. લાળ પાડતા શિયાળીયા ની હિંમત જ ન ચાલી.. મનસૂબા તો ઘણા એ કર્યા ! થોડા ઘણા વાસણને બદલે થોડાક કપડાં મળ્યા. એનો ધક્કો ઠીક ઠીક, પણ વસૂલ થયો એવું લાગ્યું !! હવે, રૂપલીની કઠણાઈ કહો કે કિસ્મત !! ગરમી ને ઉકળાટ સતત વધતા જતા હતા ને આકાશેય ગોરંભાયેલું તો હતું જ.. હવામાનમાં બદલાવ આવ્યો ને.. ઝોરદારનું ઝાપટું પડ્યું !! અને મેઘો મંડાણો..!! ભીની ભીની માટીની સુગંધે વાતાવરણ માદક બનાવ્યું..!!

આકાશ ને ધરતીના મિલનને નિહાળી મોરલા એની ડોકના ત્રણ ત્રણ કટકા થઈ જાય એવા નરવા સાદે .. એની ઢેલડ ને મનાવવા ગહેકી રહ્યા હતાં. મૌસમ બદલાઈ ચુકી હતી પણ અજીબ સી બેચેની જણાતી હતી. રૂપલી થોડી ઘણી ભીંજાઈ તો ગઈ જ હતી. વરસાદ અટકશે એવા કોઈ એંધાણ ન્હોતા દેખાતા. રૂપલીએ ઘર તરફ પગ ઉપાડ્યા. કંઈક અમંગળ આશંકાથી રૂપલીનો જીવ ગભરાવા લાગ્યો . એ ઘર નજીક પહોંચવામાં જ હતી. ત્યાં જ એક મોટરસાઇકલની ઘરેરાટી સંભળાણી.. !!

એણે ડરીને, પાછળ ફરીને જોયું તો, ગામનો જ નાથુ !! કે’દીનો રૂપલીની પાછળ પડ્યો હતો. પણ, રૂપલી એને દાદ નહોતી આપતી.
એ મોટરસાઇકલ પરથી ઉતરીને, દોડીને, ઝડપથી ચાલતી રૂપલીની આગળ આવ્યો.. અને એનો હાથ પકડતા બોલ્યો, ” ક્યાં ભાગસ ??? માંડ આઇજે હાથ લાગી સો !!” એના મોઢામાંથી આવતી દારૂની વાસ અને એના પર હાવિ થયેલ વાસનાનું જનાવર !!

રૂપલી, સમજી ગઈ હતી કે હવે આ નાથુ થી બચવું મુશ્કેલ છે..! એણે, નાથુ ને બીવડાવવા, ભેટમાં રાખેલી કટારી બતાવી પણ, નાથુ, ભરચક નશાની સાથે નિર્ભય પણ હતો કે આ નાજુક નાર એનું શું બગાડી શકવાની ?? નાથુ, રૂપલી ને પછાડીને .. જેવો એના પર ઝળુમ્બયો કે રૂપલી એ કટારી હુલાવી દીધી … ને.. લોહી નો ફુવારો વછુટ્યો !! ત્યાં જ, રઘુ, પોતાની છોકરીને લઈ ઝૂંપડાની બારે, રૂપલીની સામે આવતો દેખાયો..!! એણે રૂપલીના હાલહવાલ જોયા ને બધું સમજી ગયો..


એ રૂપલીનો હાથ પકડી, છોકરીને તેડી, પોલીસ સ્ટેશને હાજર થઈ ગયો. રૂપલી તો.. આ બનેલી અણધારી ઘટના ને કારણે, હતપ્રભ બની, ચકળવકળ જોઈ રહી…!!! રઘુએ બધી વાત પૂરી કરતાં જણાવ્યું, “મને કાળ ચડ્યો… ને, મેં નાથુને પતાવી દીધો !!” ત્યારે, રૂપલીને, એકદમ ભાન આવ્યું કે રઘુ, ખૂન નો ગૂનો પોતાના માથે લે છે..!! રૂપલી જોઈ રહી… રઘુનું બદલાયેલું સ્વરૂપ.. આ એ જ છે જે વાત વાતમાં વડચકા લે’તોતો !!! આજે ખરું ધણીપણું બતાવે છે… આજે રઘલો એને રક્ષક લાગ્યો… “ક્યે પણ, કે’વા નો દયે !!” એને ખૂબ સારું લાગ્યું અને રઘલા તરફથી મળેલી સલામતી ગમી. પણ…

” ના !! ના !! તે ચીસ પાડી ઊભી થઈ બોલવા લાગી … અરે..રે.. રઘલા, તું વિસાર કર્ય , તું એક દી નહોતો મારી હાર્યે તો આ હું થઈ ગ્યું..?? તને સજા થાય ને જેલમાં જાય તો મારું અને આ સોકરી મોટી થાહે.. ઈનું.. હું થાહે વિસાર કર્ય…!! તું મારુ ને આ સોકરીનું ઢાંકણ સો ! તારા વગર અમે ઉઘાડા થઈ જાહૂ !! અને જો તો ખરો !! એક દિ યે જંપ ન લેવા દીધો આ જાલીમ જમાનાએ !!, તો તારા વિના.. અમે માદિકરી કેમ સલામત રેહુ ?? આઇજે આ નાથુડો હતો.. કાઈલે કોઈ બીઝો કોઈ જનાવર બનશે !! અને અમને પીંખી નાખશે …!!” એ રડવા લાગી.

રઘુય નાનકડી છોકરીને કાખમાં તેડીને હીબકાં ભરી ભરીને રડવા લાગ્યો એમ કહીને કે, “તારા વગર આ પહુડા જીવ ને હું કેમ કરી ઉસેરીશ ?? હું કરું સુ ઇ બરોબર સે !! હું તારો ધણી સુ !! હું બેઠો ને તારે જેલ … !!!” ગામ બહુ મોટું ન હોવાથી, રૂપલી, રઘુ અને નાથુ ને ય બધા ઓળખતા જ હોય !! પોલીસ ઇન્સ્પેક્ટરે બધી વાત સાંભળી અને..બધું સમજી પણ લીધું.


કેસ, કોર્ટ, વકીલ, તારીખ ને દલીલો..ને નિવેડો ??? એણે ઊંડો શ્વાસ લઈ ભગવાનને યાદ કર્યા..!! …અને બીજે દિવસે છાપામાં હેડલાઈન હતી.. ” અઠંગ ગુનેગાર નાથુને અજાણ્યા સખ્શે કટારી મારી કરેલી હત્યા !!!” પોલીસ સ્ટાફ આજે એક પરિવાર બચાવીને પુણ્યનું કામ કર્યું એવા સંતોષ સાથે.. “નાથુ હત્યા કેસ – નજરે જોનાર સાક્ષીના અભાવે કેસ ક્લોઝ કર્યો !!”

આજે પણ.. એ જ અવાજ ને એ જ મીઠો ટહુકો સંભળાય છે..! ” લેવા…વાસણ…! લે..વા.. વા..સ..ણ..!!” પણ, હવે રઘુ ક્યારેય રૂપલી પર હાથ નથી ઊપાડતો પણ વડચકાયે નથી ભરતો !! ભલે દેખાવે કજોડું લાગે પણ જાણે કે સારસ બેલડી !! “લેવા… વાસણ….!! લે..વા.. વા..સ..ણ..!!” એવા ટહુકા કરતી ચાલી જાય છે..હાસ્તો !, સજોડે.. એમના ફૂલડાં સાથે.

લેખક : દક્ષા રમેશ “લાગણી”

વાર્તા વિષે અભિપ્રાય કોમેન્ટમાં જણાવજો, દરરોજ દક્ષા રમેશની વાર્તાઓ વાંચો ફક્ત આપણા પેજ પર.