રતલામી સેવ પરાઠા – અમદાવાદથી જલ્પાબેન લાવ્યા છે એક નવીન પરોઠા…

સ્ટફ પરાઠા બધા ના ઘરે બનાવતા જ હોઈએ છે અને એમાં પણ સ્ટફિંગ માં બહુ વેરાયટી જોવા મળે છે. જેમ કે આલુ પરાઠા, ગોબી પરાઠા, પ્યાઝ પરાઠા, પનીર પરાઠા વગેરે..

આજે હું એક ખૂબ જ સ્વાદિષ્ટ ચટાકેદાર સેવ પરાઠા ની રેસિપી લાવી છું. જ્યારે તમારી પાસે ટાઈમ ના હોય અને કાંઈક તીખું , ચટપટું ખાવાનું મન થાય તો ચોક્કસ થી બનાવાય એવા પરાઠા છે આ..

આ પરાઠા ના નામ મુજબ આપણે સ્ટફિંગ માં રતલામી સેવ નો ઉપયોગ કરીશું. જે સ્વાદ માં તીખી અને ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે.

સેવ પરાઠા માટે ની સામગ્રી:-

કણક બાંધવા

3 કપ ઘઉં નો લોટ

મીઠું સ્વાદ અનુસાર

પાણી કણક બાંધવા માટે

સ્ટફિંગ બનાવવા માટે ની સામગ્રી:-


1 પેકેટ રતલામી સેવ ( મેં બાલાજી ની સેવ ઉપયોગ માં લીધી છે)

2 ડુંગળી ઝીણી સમારેલી

1 કપ કોથમીર ઝીણી સમારેલી

2 ચમચી ફુદીનો ઝીણો સમારેલો

1/2 ચમચી લાલ મરચું (ઓછું ઉમેરો સેવ ઘણી તીખી હોય છે)

1 ચમચી ધાણાજીરું

1/8 ચમચી આમચૂર પાવડર

1/4 ચમચી અજમો

ચપટી હિંગ અને હળદર

મીઠું સ્વાદાનુસાર ( ઓછું જ ઉમેરો કેમકે સેવ માં મીઠું છે.)

રીત:-

સૌ પ્રથમ એક બાઉલ માં ઘઉં નો લોટ લો અને તેમાં મીઠું ઉમેરી ને પાણી થી રોટલી જેવી સોફ્ટ કણક બાંધો. અને 15-20 મિનીટ નો રેસ્ટ આપો.


હવે બીજા બાઉલ માં ડુંગળી, સેવ, કોથમીર, ફુદીનો , આમચૂર પાવડર, મરચું, હળદર, હિંગ, ધાણાજીરું, અજમો અને મીઠું ઉમેરી ને બધું હળવા હાથે મિક્સ કરો.


કણક માંથી એક મોટું લુઆ બનાવો. અને એને પુરી જેટલી સાઈઝ માં વણી લો. વચ્ચે 1 ચમચા જેટલું સેવ નું સ્ટફિંગ ભરી ને બધી બાજુ થી બંધ કરી લો અને વધારા નો લોટ નીકળી ને અટામણ ની મદદ થી પરાઠા વણી લો. હવે ગરમ તવા પર મધ્યમ આંચ પર ઘી થી બંને બાજુ શેકી લો.


તૈયાર છે સુપર ટેસ્ટી સેવ પરાઠા .. આ પરાઠા ને દહીં, સોસ અને સલાડ સાથે સર્વ કરો..


નોંધ:-

તમને તીખું વધુ જોઈતું હોય તો લીલાં મરચાં પણ ઉમેરી શકાય. જો તમને ઓછું તીખું પસંદ હોય તો થોડી સાદી સેવ રતલામી સેવ સાથે મિક્સ કરો. એટલે તીખાશ ઘટી જશે. જ્યારે પરાઠા બનાવવા હોય ત્યારે જ સ્ટફિંગ બનાવો એટલે સેવ ક્રિસ્પી જ રહે.

મીઠું અને મરચું ધ્યાન થી ઉમેરો કેમકે સેવ માં પહેલે થી જ હોય છે. આ પરાઠા ઘી માં શેકવાથી સ્વાદ બમણો થાય છે. ગાજર, કેપ્સિકમ, બાફેલા કોર્ન જેવા ઓછું પાણી થાય એવા શાક પણ સ્ટફિંગ માં ઉમેરી શકો.

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !


– તમારો જેંતીલાલ