પત્ની – ગૂંચવણભરી થઇને પણ જે ખુબ જ સરળ છે તેનું નામ છે પત્ની. ખરૂં ને?

“પત્ની”

રાજે ઘરનું તાળું ખોલ્યું અને તે મીરા સાથે ઘરની અંદર આવ્યો. ઘરની અંદર આવતા જ તેણે નોંધ્યું કે મીરાનો મૂડ ઓફ હતો. તે મીરાને એક પછી બીજી વાત કરી રહ્યો હતો પણ મીરા ગુજરાતી ભાષાના શબ્દકોશમાં પણ ના હોય તેવો શબ્દ બોલીને જવાબ આપી રહી હતી જે હતો, “હમમ.”


આખરે રાજે તેની પત્ની મીરાને સમય વેડફ્યા વગર સીધું પુછી લીધું, “મીરા શું વાત છે?” “કંઈ નહીં રાજ.” આમ કહીને મીરાએ જવાબ આપ્યો અને મોઢું ફેરવી લીધું. આ સાંભળીને રાજે વધુ ગંભીર રીતે પૂછ્યું, “શું થયું એ તો કહે?” “તમને ખબર.” મીરાએ જવાબ આપ્યો. “લે, મને ક્યાંથી ખબર હોય? મેં શું કર્યું હવે?” રાજે સામું પૂછ્યું. “તમારી જાતને પુછો એટલે ખબર પડી જશે.” મીરાએ કહ્યું.


ત્યાં જ રાજ વિચારવા લાગ્યો અને વિચારતા-વિચારતા તેણે કહ્યું, “અચ્છા, હવે યાદ આવ્યું. આ આજે સવારે સિગરેટ પીધી એટલે?” “હે? તે પાછી સિગરેટ પીધી? ના પાડી હતી તો પણ? મારી નારાજગીની વાત આ નતી રાજ પણ હવે મારે તારી જોડે વાત જ નથી કરવી રહેવા દે.” આમ કહીને મીરા બીજા રૂમમાં જતી રહી.

રાજને અફસોસ થયો કે તેણે મીરાને સિગરેટની વાત કેમ કીધી અને મીરાને મનાવા તે મીરાની પાછળને પાછળ ગયો. તેણે મીરાને કહ્યું, “સોરી આ તો પેલા વિકીડાએ ફોર્સ કર્યું એટલે અચ્છા તું કેમ નારાજ છે? અચ્છા યાદ આવ્યું તારું રિચાર્જ નથી કરાવ્યું એટલેને, અરે એમાં શું મોટી વાત,હમણાં કરાવી દઉં.”

“ના કાંઈ જરૂર નથી. તમે ના કરાવ્યું એટલે રિચાર્જ તો જાતે જ કરાવી દીધું અને જે ઘરનું બિલ અને સોસાયટીમાં મેઇન્ટેનન્સના બીલો ભરવાનું તમે ભૂલી ગયા હતા તે પણ મેં પપ્પાજી ને કહીને ભરાવી દીધા છે. તમે બસ જલસા કરો અને ફરો તમારા ભાઈબંધો જોડે મારી ભાવનાઓની શું કદર?”


આટલું કહીને મીરા ઢીલી પડી ગઈ. એક ભૂલ શોધતા-શોધતા રાજને પોતાની ઘણી ભૂલો મળી ગઈ હતી, પણ હજુ સુધી તે ભૂલ નતી મળી જેના કારણે મીરા નારાજ હતી. આખરે તે મીરા પાસે બેઠો અને ખુબ જ પ્રેમપૂર્વક કહ્યું કે, “આવું કેમ વિચારે છે કે તારી ભાવનાઓની કદર નથી. તું જ તો મારી ભાવના છું. ચાલ હવે કહે શુ થયું?”

આખરે પ્રેમભર્યા શબ્દોથી મીરા પીગળી અને તેણે કહ્યું, “તમે તમારૂં કીચેન વિકીભાઈની દીકરીને કેમ આપ્યું?” ખોદા પહાડ, નિકલા ચૂહા કહેવતનો ભોગ બની ચૂકેલા રાજની બે આંખો મોટી થઇ ગઈ આ વાત સાંભળીને તેણે તરત જ મીરાને કહ્યું, “અરે! તે નાનકડી છોકરી છે. તેને રમવું ગમ્યું એટલે આપી દીધું.” “પણ રાજ તે મારી ગીફ્ટ હતી તમને.” મીરાએ રાજની આંખોમાં આંખ નાખીને કહ્યું.


મીરાની આંખોમાં તેણે રાજને આપેલા ગિફ્ટની અહેમિયત જોઈ રાજ સમજી ગયો કે તેની પત્ની પણ દુનિયાની કોઈ પણ પત્નીની જેમ જ પોતાના પતિ અને પતિ-પત્નીઓ સાથે જોડાયેલ ભાવનાઓથી સંવેદનશીલ હતી. તેથી તેને તરત મીરાને એમ કહીને શાંત પાડી કે સારું એક-બે દિવસમાં વિકીડાની ઢીંગલીને એક નાનકડી ઢીંગલી આપીને કીચેન લઇ આવશે અને વાયદો કર્યો કે આખી ઝીંદગીમાં ક્યારેય સીગરેટને હાથ પણ નહીં લગાવે.”

આ પત્નીઓ કઈ વાતે ગુસ્સે થઇ જાય, તેની ખબર તો દુનિયાના મોટે-મોટા વૈજ્ઞાનીકો પણ નથી કરી શક્યાં. પરંતુ, એક વાત તો છે કે, એક પત્ની તે તેના પતિની નાની-મોટી ઘણી ભુલો માફ કરી દે છે, પણ જયારે સવાલ પતિ-પત્ની પ્રેમનો આવે ત્યારે તે દુનિયા હોય કે, તેનો પોતાનો પતિ કોઈની પણ જોડે ઝઘડી લે છે. ગૂંચવણભરી થઇને પણ જે ખુબ જ સરળ છે તેનું નામ છે પત્ની. ખરૂં ને?

લેખક – ધવલ નિર્મળા જીતેન્દ્ર બારોટ

દરરોજ ધવલ બારોટની આવી અનેક વાર્તાઓ વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ