બેસણું પ્રથા બંધ કરી બેસણામાં ખર્ચાનારી રકમનું કર્યું દાનઃ મહેસાણાના રાજપૂત પરિવારની અનોખી પહેલ

આપણે બધા જ સમગ્ર વિશ્વમાં ફેલાયેલી આર્થિક અસમાનતા બાબતે સંપૂર્ણ રીતે માહિતગાર છીએ. અને ક્યાં ક્યાં સૌથી વધારે આર્થિક સહાયની જરૂર અવારનવાર પડતી રહે છે તેની પણ આપણને એક સજાગ નાગરિક તરીકે માહિતિ હોય જ છે. જેના માટે સમાજ, સરકાર, વિવિધ પ્રકારની એનજીઓ દ્વારા સેંકડો અભિયાન પણ ચલાવામાં આવે છે તેમ છતાં આ સમસ્યા એટલા બહોળા પ્રમાણમાં છે કે તેને હરાવવા માટે સમગ્ર વિશ્વએ એકઠું થવું પડે તેમ છે.

આજે સરકારની ઘણી બધી યોજનાઓ છતાં હજારો બાળકો ભણતરથી વંચિત રહી જાય છે તો બીજી બાજુ હજારો ટન ખાદ્ય કચરો રોજ ઠલવાય છે તો તેની સામે હજારો લોકોને રાત્રે ભૂખ્યા પણ સુવું પડે છે તેવી અત્યંત વિરોધાભાસી તેમજ દયનીય સ્થિતિ આજે સમગ્ર વિશ્વની છે.

તેમ છતાં આપણે આપણી કેટલીક પ્રથાઓ પાછળ, આપણા ધાર્મિક કારણોસર તેમજ આસ્થા તેમજ સમાજ પ્રત્યે તેમજ આપણા વડિલો પ્રત્યેની આપણી લાગણીઓના કારણે ખરચા કરતા હોઈ છીએ. જે કેટલીક હદ સુધી યોગ્ય જ હોય છે પણ ક્યારેક તે સીમા ઓળંગી પણ જાય છે. બીજી વાસ્તવિકતા એ છે કે આપણે લાખો કરોડો રૂપિયા ધાર્મિક વિધિઓ, લગ્ન, કર્મકાંડ વિગેરેમાં ખર્ચી નાખતા હોઈએ છીએ ત્યાં મહેસાણાના ઝાલા પરિવારે એક અનોખી તેમજ સુંદર અને જેને કહીએ કે લેખે લાગે તેવી પહેલ શરૂ કરી છે.

તેમણે બેસણા પ્રથા બંધ કરીને બેસણામાં ખર્ચાનારા રૂપિયાને બાળ કેળવણી માટે દાન કરવાની પહેલ કરી છે. વાત છે મહેસાણા જિલ્લાના ભેંસાણા ગામની. અહીં એક ઝાલા રાજપૂત પરિવાર રહે છે જેમણે બેસણા પ્રધાને બંધ કરીને તેમાં ખર્ચાનારા રૂપિયા 51,111નું એક ઉચ્ચ માધ્યમિક શાળાને દાન કર્યું છે. જેના માટે સમાજમાં તેમને ખુબ જ આવકાર મળ્યો છે.

કુટુંબના વડિલ કચરાજી સુજાજી ઝાલાના ધર્મપત્ની ગગુબા ઝાલાનું અવસાન થયું હતું. તેમના બેસણાની વ્યવસ્થાની ચર્ચા કરવા માટે જ્યારે આખું કુટુંબ ભેગું થયું ત્યારે સ્વર્ગવાસી ગગુબાના પતિ કચરાજીએ જુની પ્રથા બંધ કરી તેમના પત્નીની આત્માને ખરા અર્થમાં શાંતિ મળે તે હેતુથી બેસણાના ખર્ચના રૂપિયા દાન કરવાનું નક્કી કર્યું. તેમના આ સદવિચારને તરત જ કુટુંબ દ્વારા આવકારવામાં આવ્યો.

તેમણે બેસણામાં ખર્ચ થનારી રૂપિયા 51,111ની રકમ સરસ્વતી હાઈસ્કૂલને દાન કરી હતી જેનો ઉપયોગ જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓ પર કરવામાં આવશે. સમગ્ર મહેસાણામાં આ ઝાલા પરિવારના સતકાર્યને ખુબ જ બિરદાવવામાં આવ્યું છે.

આજે સમાજે ખરેખર કેટલાક કુરીવાજોમાંથી બહાર આવીને સમાજકલ્યાણ તરફ આગળ વધવાની જરૂર છે. દુનિયા ચંદ્ર પર શું મંગળ પર પહોંચી ગઈ છે પણ કેટલાક રીવાજોએ આપણને સદીયોથી ઝકડી રાખ્યા છે જેમાંથી આઝાદી મેળવવી જરૂરી છે.

સમાજમાં થતી આવી સુંદર ઘટનાઓ આપણામાં હંમેશા એક નવી આશા જગાવે છે અને આપણને નવા સૂરજ તરફ પગલા માંડવા પ્રેરણા આપે છે. ધન્ય છે મહેસાણાના, ભેસાણાના આ ઝાલા પરિવારને કે તેમણે પોતાના વડિલના આત્માને ખરા અર્થમાં શાંતિ આપવા માટે એક અનોખો પણ સુંદર અને નિર્મળ રસ્તો અપનાવ્યો. ભગવાન, ગગુબાના આત્માને પરમસુખ અને શાંતિ અર્પે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ