હવે પુરું થશે પાથરણાવાળા પિતાનું દિકરીને ડોક્ટર બનાવવાનું સ્વપ્ન
દુનિયાના મોટા ભાગના લોકો ભણતરના મહત્ત્વને સારી રીતે જાણે છે. ભણતરથી તમે માત્ર કમાણી જ નથી કરી શકતાં પણ ભણતરથી તમે ભલભલી મુશ્કેલીઓનો પણ સામનો કરી શકો છો. સમાજમાં સમ્માન મેળવી શકો છો. પોતાના પરિવારજનોના નામ પણ રોશન કરી શકો છો.

ભણતર ગરીબ લોકો માટે ખૂબ જ આશિર્વાદરૂપ સાબિત થાય છે. આપણા જોવામાં ઘણીવાર આવતું હોય છે કે કોઈ સાધન સંપન્ન પરિવારનું બાળક ભણતરમાં સારો દેખાવ નથી કરી શકતું તો વળી એક ગરીબ કુટુંબનું બાળક તેજસ્વી તારલો બનીને ઉભરી આવે છે. એમ પણ કહ્યું જ છે કે કૂદરતે દરેકને કોઈ નહીંને કોઈ આવડત આપી હોય છે.

આજકાલ જ્યારે સોશિયલ મિડિયાનું ચલણ વધી ગયું છે અને દેશના ખૂણે ખૂણેથી આપણને ખબર મળી રહ્યા છે ત્યારે એવા ઘણા બધા કિસ્સાઓ સામે આવે છે જેમાં ગરીબ માતાપિતાના બાળકોએ પરિક્ષામાં ઉત્તમ દેખાવ કર્યો હોય. આવી જ એક દીકરી આપણા અમદાવાદમાં રહે છે. ગાંધીનગરમાં આ દીકરીના પિતા પાથરણું પાથરીને નાની-નાની વસ્તુઓ વેચીને પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે. પણ તેમણે પોતાની દીકરી માટે નાનપણથી જ એક સ્વપ્ન જોયું હતું કે તે તેમની દીકરીને ડોક્ટર બનાવશે.
સામે તેમની દીકરી પણ અભ્યાસમાં અત્યંત તેજસ્વી હતી. તેણીએ છેલ્લા દસ મહિનામાં પોતાના અભ્યાસમાં અનહદ મહેનત કરી છે અને છેવટે નીટની પરિક્ષામાં 509 માર્ક મેળવી લીધા છે. અને હવે તેની આ સિદ્ધિથી તેણી ડોક્ટર બનવા તરફથી પ્રથમ સીડી ચડવા જઈ રહી છે.

આ દીકરી અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં રહે છે. તેના પિતાનું નામ છે યુધિષ્ઠિર લુલ્લાની. તેમની દીકરી ધોરણ 12માં ઇન્ફોસીટી સાયન્સ સ્કુલમાં અભ્યાસ કરતી હતી. થોડા દિવસો પહેલાં જ મેડિકલ એટ્રન્સ એક્ઝામ પૂર્ણ થઈ જેમાં તેમની દીકરીએ અથાગ પરિશ્રમ કર્યો છે અને છેવટે જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે તેણીની અપાર મહેનતનું પરિણામ પણ તેણીને મળી ગયું. તેણીએ 720 માર્ક્સમાંથી 509 માર્ક્સ મેળવીને ડોક્ટર બનવાનો માર્ગ ખુલ્લો મુકી દીધો છે. દીકરીનું નામ સપના છે. તેના પિતા રસ્તા પર પાથરણું પાથરીને, વોલેટ, લાઇટર, ચાર્જર, નાનકડા રમકડા વિગેરે વેચીને પરિવારનું પેટ પાળે છે.
આર્થિક તંગી હોવા છતાં પણ પિતાએ દીકરીની ભણવાની ધગશ જોઈને ક્યારેય તેને ઓછું ન આવવા દીધું. તેણીને ગાંધીનગર ખાતે આવેલી કાયઝન એકેડેમીમાં દાખલ કરી હતી. બન્ને પિતા-પુત્રી સવારે અમદાવાદના કુબેરનગરથી રોજ ગાંધીનગર આવતા હતા.
સવારે શાળા પતાવી સપના ગાંધીનગર ખાતેની એકેડેમીમાં એક્સ્ટ્રા અભ્યાસ કરવા જતી. તે દરમિયાન તેના પિતા સચિવાલય ખાતે આવેલા મીના બજાર પાસે પાથરણું પાથરીને નાની નાની વસ્તુઓ વેચતા. અને સાંજની બાજુએ તેઓ દીકરી જ્યાં ક્લાસીસમાં જતી હતી ત્યાં નીચે પાથરણું પાથરીને વસ્તુઓ વેચતા. ગરીબીએ બન્ને પિતા પુત્રિની ધીરજની ખૂબ પરિક્ષા લીધી પણ બન્ને હાર માને તેમ નહોતા. અને છેવટે સપનાએ નીટમાં 509 માર્ક્સ મેળવીને પોતાના પિતાના સ્વપ્નને સાકાર કરવા તરફ એક ડગલું ભરી જ લીધું.

સપના પોતાની આ સફળતા માટે પોતાના માતાપિતા અને તેણી જ્યાં અભ્યાસ કરતી હતી તે ઇન્સ્ટીટ્યુટનો આભાર માને છે. તેણીએ જણાવ્યું હતું કે એકેડેમીએ તેણીના કુટુંબની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને તેની પાસેથી કોઈ જ ફી નહોતી લીધી અને ફી નહીં લેવા છતાં પણ ત્યાંના શિક્ષકો તેણીનું અંગત રીતે ધ્યાન પણ રાખતા હતા. બીજી બાજુ તેની શાળાના શિક્ષકોએ પણ તેની ખૂબ મદદ કરી છે. શિક્ષકોના યોગ્ય માર્ગ દર્શનના કારણે તેણી આજે પરિક્ષામાં સારો દેખાવ કરી શકી છે. તેણીના પિતાનું વર્ષોથી સ્વપ્ન હતું કે તેમની દીકરી ડોક્ટર બને.

સપના કે તેના પિતાએ ક્યારેય તેમની નબળી આર્થિક સ્થિતિ વિષે શાળા કે પછી એકેડેમીમાં કોઈ જ વાત નહોતી કરી. પણ એક દિવસ એકેડેમીના ભદ્રેશ પટેલે સપનાના પિતાને તેમની ઇન્સ્ટીટ્યૂટ નીચે પાથરણું પાથરીને વસ્તુઓ વેચતા જોયા હતા. અને તે વખતે તરત જ તેમની સ્થિતિ જોઈને તેમણે ભરેલી ટ્યુશનની ફી પણ પાછી આપી દેવામાં આવી. અને ત્યાર બાદ તો સપના પર આખોએ સ્ટાફ ખૂબ જ ધ્યાન આપવા લાગ્યો હતો. અને ત્યાર બાદ તેણીનું ડોક્ટર બનવાનું સ્વપ્ન હવે માત્ર તેના પિતાનું જ નહીં પણ તેણીના શિક્ષકોનું પણ બની ગયું. અને આવેલા ઉત્તમ પરિણામથી હવે સપના ડોક્ટર બનવા તરફ એક ડગલું આગળ વધી ગઈ છે અને આજ ધગશ અને મહેનતથી તેણી આગળ વધતી રહેશે તો ચોક્કસ ડોક્ટર બનીને પોતાના પિતાનું નામ ઉજાળશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ