દેશભરમાં કોરોનાની બીજી લહેર ઘણા સમય પહેલા સમાપ્ત થઈ ગઈ છે. પરંતુ ત્રીજી લહેરની આશંકા વચ્ચે હવે દેશના 10 રાજ્યોમાં ત્રીજી લહેરની શરુઆતના સંકેત મળી રહ્યા છે. બીજી લહેર બાદ દેશના દૈનિક કેસ 30 હજાર આસપાસ રહેતા હતા પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં લગભગ દરરોજ 40 હજારથી વધુ નવા કેસ આવી રહ્યા છે. તેમાં પણ દેશના કેટલાક રાજ્યોમાં સ્થિતિ ચિંતાજનક છે. તેથી કેન્દ્ર સરકારે આવા 10 રાજ્યોના 46 જિલ્લાઓને કડક કન્ટેનમેન્ટ ઝોન બનાવવાનો આદેશ આપ્યો છે.

આ જિલ્લાઓ એવા છે જ્યાં પોઝિટિવીટી રેટ 10 ટકાથી વધુ છે. એટલે કે રોજ ટેસ્ટ થતાં દરેક 100 સેમ્પલમાંથી 10 લોકો કોરોનાથી સંક્રમિત હોવાનું સામે આવે છે. આવા જિલ્લાઓમાં લોકોની ભીડ ઘટાડવા માટે કેન્દ્ર સરકારે કડક પ્રતિબંધ જાહેર કરવાના આદેશ આપ્યા છે.

કોરોનાની વર્તમાન સ્થિતિને લઈને શનિવારે દિલ્હીમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. જેમાં આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે કેરળ, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ, ઓરિસ્સા, આસામ, મિઝોરમ, મેઘાલય, આંધ્રપ્રદેશ અને મણિપુરમાં કોરોનાની વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. ત્યારબાદ આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ પણ સ્થિતિ આ રાજ્યોની સ્થિતિ અંગે વાત કરી હતી.

આ 10 રાજ્યોમાં 80 ટકા કોરોના દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે. તેથી કેન્દ્ર સરકારે ચિંતા વ્યક્ત કરી છે કે રાજ્ય સરકાર આવા દર્દીઓ પર નજર રાખી રહી છે કે નહીં. કેન્દ્રા સરકારે હોમ આઈસોલેશનમાં હોય તે દર્દીઓ નિયમનો ભંગ ન કરે તે વાતનું ધ્યાન રાખવા અને જરૂર પડે તો તેમને આઈસોલેશન સેન્ટર અથવા હોસ્પિટલમાં દાખલ કરવાની પણ સુચના આપી છે. સરકારને ડર છે કે આવા લોકો ઘર છોડીને બહાર નીકળશે તો કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાવા લાગશે. છેલ્લા કેટલાક અઠવાડિયાથી કેરળ અને કેટલાક ઉત્તરીય રાજ્યોમાં કોરોનાના નવા કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. અહીં પોઝિટિવીટી રેટ પણ દેશના અન્ય રાજ્યોની સરખામણીએ ઘણો વધારે છે.

હાલ જે દસ રાજ્યોમાં કેસ વધી રહ્યા છે તેમાં મિઝોરમમાં પરિસ્થિતિ સૌથી ખરાબ છે. અહીં પોઝિટિવિટી રેટ 22 ટકાથી વધુ છે. મણિપુરમાં 16.5% પોઝિટિવિટી રેટ છે આ પછી બીજાક્રમે કેરળ આવે છે. અહીં રોજ ટેસ્ટ કરાતા દરેક 100 સેમ્પલમાંથી 12 લોકો કોરોનાથી સંક્રમિત હોવાનું સામે આવે છે. મહારાષ્ટ્રમાં હજુ પણ પોઝિટિવિટી રેટ 3.48 ટકા છે. આ સિવાય ઓરિસ્સામાં 2.36% અને આંધ્રપ્રદેશમાં 2.7% પોઝિટિવિટી રેટ છે.

મહત્વનું છે કે ગત મહિને જ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે સીરો સર્વે કર્યો હતો જેના પરિણામમાં સામે આવ્યું હતું કે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં એવા લોકોની સંખ્યા વધારે છે જેમનામાં એન્ટીબોડી વધુ છે.