પાણિયારું – એના સાસુની પરંપરા એણે ચાલુ રાખી હતી શું થશે જયારે એક મોર્ડન વહુ આવશે ઘરમાં…

“પાણિયારું”

“પાણિયારેય દીવો કરજો વહુ.. પિતૃનો વાસ હોય.. મારા સાસુએ મને લગ્ન થયા ને ત્યારે જ કહેલું કે માતાજીને દીવો કરું ત્યારે પાણિયારે પણ દીવો કરવાનો. આજ તમારો રસોડામાં પહેલો દિવસ છે ને સંધ્યાટાણું પણ થઇ ગયું છે…!!! આજથી ઘરમાં દીવાબત્તી તમારે જ કરવાના છે.”

લગ્નસરાની મોસમ ખીલી હતી. રંગબેરંગી માંડવાથી લઈને ચમકતી રોશનીથી ઝગારા મારતા પાર્ટી લોન્સ અને બેન્કવેટસના આંગણમાં ફટાકડાની લૂમ વેરાયેલી રહેતી. જલધિના લગ્ન જ્શવીર સાથે બંનેના પરિવારજનોની મંજુરીથી ગોઠવાયા હતા. પરણીને સાસરે આવેલી જલધિને સાસુમાએ ઉમળકાથી આવકાર આપ્યો હતો. પહેલો આખો મહિનો તો સત્કારમાં, પગફેરામાં ને હનીમૂનમાં જ વીતી ગયો.. આજે જલધિ પહેલી વાર રસોડામાં આવી હતી. હા લગ્ન થયા એના બીજા દિવસે સવારે લાપસીનું આંધણ મુક્યું હતું. પણ એ પછી સીધી આજે આવી.. સાસુમાએ બધું સમજાવીને છેલ્લે પાણિયારે દીવાનું મહત્વ સમજાવતા તેને કહ્યું,


“ને હા વહુ.. પિતૃદેવ સાથે સાથે સુરાપુરાદાદાનો વાસ પણ પાણિયારે હોય. નિવેદ કરતી વખતે તો અહી પાંચ દીવા કરવાના રહેશે હો.. પણ એ બધી ચિંતા ના કરો. હું તમને વખત આવ્યે બધુય સમજાવી દઈશ.. અત્યારે તમતમારે રસોઈનો આદર કરો.”

જશોદાબહેન આટલું કહીને રસોડામાંથી બહાર નીકળ્યા. જલધિએ રસોઈમાં શું બનાવવું તે પહેલેથી જ વિચારી રાખેલું. લગભગ દસ વર્ષની હતી ત્યારથી જ. લગ્ન કરવાનો હરખ અને લગ્ન કરીને એક જવાબદાર વહુ બનવાના ઓરતા તેના મનમાં તે દસ વર્ષની હતી ત્યારથી જ રમતા હતા. કોઈને એન્જીનીયર બનવાનું સપનું હોય તો કોઈનું ડોક્ટર તો વળી કોઈનું સિંગર તો કોઈને વળી ડાન્સર બનવું હોય. પણ જલધિને તો બાળપણથી એક સંસ્કારી અને સુશીલ વહુ બનવાના શમણા હતા. ત્યાં સુધી કે તેણે વિચારી રાખેલું કે તે લગ્ન બાદ પહેલી રસોઈ વખતે પડ, પૂરી, રીંગણા બટેકાનું ભરેલું શાક, મરચાનો ઓટ વાળો સંભારો, દાળ ને છુટ્ટા ભાત બનાવશે. બીજા પાંચ જાતના સીઝનલ કચુંબર તો ખરા જ..!! જ્યારે જશવીર સાથે લગ્ન નક્કી થયા ત્યારે શરમાઈને તેને પૂછેલું કે,

“મમી ને પપ્પાને તો હું ગમું છું ને??” બસ આટલો જ સવાલ. દરેક છોકરી પોતાના સાસુ-સસરાને મમી-પપ્પાનું સંબોધન કરે એમાં કેટલાય મહિનાઓ વહી જતા હોય છે. જલધિએ તરત જ આ રીતે પોતાના માં-બાપને મમી-પપ્પા કહીને સંબોધ્યા ત્યારે જશવીરને બહુ ખુશી થઇ… ને બસ એ હતી એક સુખી, સમજુ લગ્નજીવનની નિશાની.


આજે અહી પોતાના રસોડામાં આવીને જલધિને કંઇક એવો જ ઉમંગ થઇ રહ્યો હતો. હવે આ રસોડું એનું હતું. અહીની સજાવટ, મરી-મસાલા ભરવાથી લઈને અનાજ-ચોખા પસંદ કરવા બધું હવે તેની જવાબદારી બની રહેશે. એમાય આ પાણીયારાની મમત તો એનેય નાનપણથી જ એટલી હતી. ને અહી સાસરે પણ એવું જ છે એ જાણીને એનું મન ઉછાળા મારવા લાગ્યું. પાણિયારે નાનકડી ચાંદીની દીવીમાં જાતે બનાવેલી કુણી-જીણી રૂની વાટનો દીવો કરીને સુરાપુરાદાદા ને પીતૃદેવને પૂજવા એ ફક્ત રીવાજ હતો. પણ જલધિ માટે તો એનાથી અનેકગણું વધારે હતું.

તેને હંમેશાથી દીવો કરવો બહુ ગમતો. માતાજીના દીવા તો તેના મમી જ કરતા પણ જલધિને પણ ક્યાંક દીવો કરવા મળે એટલે તેના મમી તેને હમેશા પાણિયારે દીવો કરવાનું કહેતા. એ કામ કરવું તેને બહુ ગમતું. પોતાના મનમાં આ બધા વિચારો કરીને તે હરખાઈ રહી હતી. લગભગ એકાદ કલાક વીતી ગયેલી.. પોતાના મનગમતા વિચારોમાં પરોવાયેલું તેનું મન તેના મગજને મદદ કરતુ ગયું અને એટલે જ એ સમય દરમિયાન તેના હાથ સાથે સાથે સ્વાદિષ્ટ રસોઈ બનાવી ચુક્યા હતા એ તેને ખબર પડી કે ત્યાં જ બહારથી સાસુમાનો અવાજ આવ્યો,

“વહુ.. જમવાનું થઇ ગયું હોય તો હું તમારા સસરાને અને જ્શવીરને ફોન કરું. આમેય એમને ઓફિસેથી આવતા પંદર-વીસ મિનીટ થશે.” “હા મમી.. બસ થઇ જ ગયું છે. કરો ને ફોન.. હું ગરમ ગરમ પૂરી ઉતારીશ આવશે એટલે.” આ સાંભળતા જ જશોદાબહેન અંદર આવ્યા.. “વહુ.. પુરીઓ બનાવી રાખો. છેલ્લો ઘાણવો ઉતરશે ત્યાં એ બંને આવી જશે એટલે આપણે ચારેય સાથે જ જમવા બેસીશું. તમારે એમ પછી એકલા બેસવાની જરૂર નથી.”


ને જલધિના હોઠ પર આછી મુસ્કાન આવી ગઈ.. બસ પછી તો દિવસો ને મહિનાઓ અને વર્ષો પસાર થવા લાગ્યા. જલધિએ સમયાન્તરે બે દીકરાઓને જનમ આપ્યો.. એશી વર્ષની ઉમરે બે વર્ષ પહેલા તેના સસરા મૃત્યુ પામ્યા ને સાથોસાથ જાણે જશોદાબહેનને એમના ઋણાનુબંધ પોકારતા હોય તેમ છ જ મહિનામાં તેઓ પણ સ્વર્ગે સિધાવ્યા..

આજ એ વાતને ત્રણ વર્ષ વીતી ગયા હતા.. જશવીર અને જલધિના મોટા દીકરા પુલકિતના લગ્ન લેવાયા હતા. તેની સાથે જ તેના આર્કીટેક્ચરના ક્લાસમાં ભણતી તેની ગર્લફ્રેન્ડ પાહિની સાથે.

‘મમાં. આઈ એમ સો નર્વસ. આઈ નો અમે ચાર વર્ષથી ડેટ કરીએ છીએ. એકબીજાની રગેરગથી વાકિફ છીએ છતાય લગ્ન એક બહુ મોટું પગલું છે મારા જીવનનું. હવે હું રોજ રાત્રે ત્રણ વાગ્યા સુધી બહાર નહિ રહી શકું કે પછી દર રવિવારે આખો દિવસ મારા ફ્રેન્ડસ સાથે નહિ જઈ શકું.. કેટલા બધા ફેરફાર થશે મારી જીંદગીમાં મમી.. હે ને??”

બિલકુલ લગ્ન પેલાની વેળાએ જેમ જલધિ તેના પપ્પા પાસે પોતાની મૂંઝવણ લઈને ગઈ હતી આજે એ જ રીતે તેનો દીકરો પણ મૂંઝાઈ રહ્યો હતો.. ભલે ને પેઢી નવી હોય કે જમાનો મોડર્ન થયો હોય છતાય લગ્નસંબંધમાં બંધાઈને આજીવન કોઈની સમીપે રહેવાનું વચન આપવું એ કઈ ખાવાના ખેલ તો નહોતા જ. ધરમૂળથી જીવન બદલાઈ જવાનું હતું..


ચહેરા પર મીઠી મુસ્કાન ધારણ કરીને જલધિ બોલી : “મારા વહાલ.. જીવ.. તને ખબર છે તારા પપ્પાને મેં પહેલા દિવસે રસોઈ બનાવી એ જમવાનું જરાય નહોતું ભાવ્યું?? મને એ દિવસે ખબર પડી કે એમને તો પૂરી ભાવતી જ નથી. પણ મારા સાસુએ મને એ વાત ના કહી.. ને તારા પપ્પાએ પણ પ્રેમથી પૂરી ખાધી.. એ સમયે એમણે બાંધછોડ નોહતી કરી. એ સમયે તારા પપ્પાએ મારો સ્વીકાર કર્યો હતો. મારા સારા-નરસાનો, મારા સ્વભાવનો મારા શરીરના અંગ સાથે મારા ચંચળ મગજ અને મારા આ ચહેરાનો પણ તેમણે સ્વીકાર કર્યો હતો. ને એ સ્વીકાર આજે અમને બંનેને બહુ વહાલો લાગે છે.

જો દીકરા, લગ્ન ભલે એક બહુ મોટું પગલું હોય જીવનનું પરંતુ આખરે છે તો તમારી આયખાની આખરી મંઝીલ તરફ પહોચાડતી રાહનું જ ડગલું ને.. તું જરાય ડર નહિ. બસ પ્રેમ કર.. આપણી પાહિનીને. તારી પાહિનીને..! અને તેનો અને આ સંબંધનો સ્વીકાર કર.” ને પુલકિત તેની માંને ભેટી પડ્યો. ખરેખર તેના મમી બેસ્ટ ફ્રેન્ડ જ હતા તેના..


લગ્ન પછીનો એ બીજો દિવસ હતો. હનીમુન બંનેએ હમણાં મુલતવી રાખ્યો હતો. દહેજ પ્રથા તો સ્વભાવિક જ બંધ થઇ ગઈ છે પરંતુ દીકરીઓ સાસરે જાય ત્યારે નાની-મોટી વસ્તુઓ ખુશીથી લઇ જાય છે. પાહિની પણ એવી ઘણી બધી વસ્તુઓ લઈને આવી હતી. સવારના લાપસીની વિધિ પત્યા બાદ તેની લાવેલી દરેક વસ્તુઓ તે તેના સાસુને બતાવવા બેઠી.

“જો મમી.. આ બાર્બીક્યુઝ બનાવવા માટેનું ગ્રીલીંગ મશીન છે. અને આ બીટર છે. ઘરે આઈસ્ક્રીમ બનાવવો હોય તો કામ આવે.. ને આ.. અને હા આ તો ભુલાઈ જ ગયું.. અને આ તો જુઓ….” એક પછી એક બધા બોક્સ ખોલી ખોલીને તે પોતાના સાસુને બતાવતી હતી. “આ બોક્સમાં શું છે પાહિની?” એક મોટા બોક્સ તરફ જોઇને જલધિએ પૂછ્યું,

“અરે મમી. એમાં આર.ઓ પ્લાન્ટ છે.. આપણે અહી માટલામાં નળનું જ પાણી ભરીએ છીએ ને તો હું આ લઇ આવી. તમારે ખોટું પાણિયારે મુકેલી કોઠી ને તાંબાની નાની માટલી ને બીજું મોટું માટલું ને એ બધું નહિ રાખવું પડે.. હું આજે જ પુલકિતને કહીશ કે આ ફીટ કરવા માટે કારીગરને બોલાવી લે.. હમણાં ચાર-પાંચ વાગ્યે એ ફીટ કરી જાય તો ચાલશે ને મમી?? કારીગર તો મળી જ જશે ને?”


જલધિ આ વાત સાંભળતા જ અચાનક સુન્ન થઇ ગઈ. અતીત તેને ઘેરી વળ્યું. એ પાણિયારું તો જાણે તેનું સઘળું હતું. નાનપણમાં રમત રમતમાં દીવો કરવાનો શરુ કર્યો ત્યારથી પાણીયારા સાથે તેને કંઇક અલગ જ લગાવ બંધાઈ ગયેલો. હવે જો તેની વહુ આ આર.ઓ ત્યાં મુકવાનું કે છે તો એ બધું જ ભૂલી જવું પડશે. તેને યાદ આવી ગયું કે તેના સાસુએ કેવી રીતે એ પાણિયારે દીવો કરવાનો રીવાજ સોંપ્યો હતો. ને અહી તો કદાચ હવે પાણિયારું જ નહિ બચે.. ત્યાં શું દીવો કરવો ને શું રીવાજ વહુને સોંપવો. બીજા જ દિવસે વહુને નાખુશ કરીને જલધિ ગુસ્સેલ સાસુનું લેબલ નહોતી ઓઢવા માગતી તેથી તેણે પાહિનીને કહ્યું :

“હા દીકરા.. તમે પુલ્કીતને વાત કરજો. જેમ તમને ઠીક લાગે એમ.” ને હરખાઈને પાહિની તેને વળગી પડી.. “થેંક્યું માં..!!”

ને આ સાંભળતા જ, પાહિનીના ચહેરાનો એ મલકાટ જોતા જ તેને ક્યાંક એમાં એ વીસ વર્ષની જલધિનો અણસાર દેખાયો.. જેને પોતાના સ્વપ્નોથી પોતાનું સાસરું સજાવવું હતું. જલધિને લાગ્યું કે પાહિનીનો પણ હવે આ ઘર પર પૂરો અધિકાર છે.. એ રસોડા પર એટલો જ હક છે.. ને એટલે જ તેને ગમે એવું કરવા દેવામાં કઈ જ વાંધો નથી. મનને આવી ધરપત આપીને જલધિને આમ આનંદની લાગણી થઇ..


અચાનક આરતીનો ઘંટારવ સાંભળી જલધિની આંખ ખુલી ગઈ. આમ તો ક્યારેય બપોરે સુવાની આદત નોહતી પણ આ લગ્નના થાકમાં ને બધા કામકાજમાંથી પરવારીને આજ જરા નવરાશ મળી ને સહેજ આડે પડખે થઇ ત્યાં તો તેની આંખ મીંચાઈ ગયેલી. તે હાંફળી-ફાંફળી ઉભી થઇ. ઘડિયાળમાં જોયું તો સાડા સાત ઉપર દસ મિનીટ થઇ ગયેલી. રોજ પોણા સાત વાગ્યે દીવાબત્તી કરવાની તેની આદત હતી.. તેમના ઘરની પાછળ જ શિવમંદિર હતું. ત્યાં સાડા સાતે આરતી થાય ત્યારે જલધિ તેના પાઠ કરતી હોય. આજ આટલા વર્ષોમાં પહેલી વાર તે આદત છુટ્ટી. તે તરત ઉભી થઈને પૂજારૂમ તરફ ગઈ. કે અચાનક જ ત્યાનું દ્રશ્ય જોઇને અચંબિત થઇ ગઈ.

અગરબત્તીની સુવાસથી મહેકતું મંદિર અને તેના આખા ઘરમાં ફેરવાયેલી ધૂપથી તેને શાતા મળી. જોયું તો સાડી પહેરીને માથે ઓઢીને પાહિની પાઠ કરતી હતી. તેને કંઇક પૂછવા જાય એ પહેલા જ તેની નજર રસોડા તરફ ઠરી.. પાણિયારે લગાવેલો આર.ઓ પ્લાન્ટ અને ત્યાં થયેલા દીવાને જોઈ જલધિની લાગણીઓ મુક બની ગઈ.. એ દીવાની જ્યોત હવે ઓલવાઈ જવામાં હતી. દસ મિનીટ સુધી પોતાની વહુને નીરખતી તે ત્યાં જ ઉભી રહી. પાહિની પાઠ કરવામાં મશગુલ હતી.. જેવા તેના પાઠ પુરા થયા કે તેની નજર તેના સાસુ તરફ પડી,

“મમી.. જાગી ગયા તમે?? મને થયું કે સંધ્યાટાણું થઇ ગયું છે તો તમને જગાડું પણ પછી તમારા ચહેરા પરણી થકાવટ જોઈ જગાડવાનું મન ના થયું. મેં દીવાબત્તી કરી લીધા છે. અને પાણિયારે પણ દીવો કરી લીધો છે. બસ હા એ બંનેની દીવી બદલાઈ નથી ગઈ ને એ જ મને જરા શંકા હતી.. તમે જોઈ લેજો ને.. બરાબર છે ને??” ને આ શબ્દો સાંભળતા જ જલધિ તેની વહુને ભેટી પડી..

“અરે દીકરી બરાબર નહિ. એકદમ બરાબર છે. પણ તને આ પાણિયારે દીવા કરવાની વાત ખબર કેમ પડી?” “એ તો મને મમી પુલકીતે કહ્યું. જયારે મેં એમને આર.ઓ પ્લાન્ટ વિશે કહ્યું એટલે પહેલા તો એમણે ખાતરી કરી કે તમે હા કહી છે ને.. એ પછી મને કહ્યું કે તમે રોજ પાણિયારે દીવો કરો છો.. ને દાદીમાં પણ કરતા. એટલે પછી મને લાગ્યું ચાલો આજે તમે સુતા છો તો હું જ કરી લઉં..”


“અરે વાહ મારી વહુ તો બહુ સમજદાર છે. મોડર્ન જમાના સાથે ચાલીને રીવાજ પણ સાચવતા આવડે છે હે વહાલી તને?? અત્યંત આનદ થયો મને… ને બેટા આજે જ નહિ.. હવે તારે જ દીવા કરવાના છે રોજ.. ને પાણિયારે પણ દીવો કરવાનો છે. ખબર છે ત્યાં દીવો કેમ કરવાનો હોય?? પિતૃ અને સુરાપુરદ્દાદાનો વાસ હોય ને એટલે..!!”

પાહિની પોતાની સાસુની વાત મલકાતા મુખે સાંભળી રહી.. ને વાત પૂરી થતા જ બોલી.. “મમી. અત્યારે જમવામાં પડ, રીગણા બટેકાનું ભરેલું શાક, ટીંડોળાનો લોટવાળો સંભારો અને દાળ-ભાત કરવાનું વિચાર્યું છે મેં.. બનાવું ને??” ને જલધિ પાહિનીમાં પોતાની છબી નિહાળી રહી.. અને પોતાનામાં જાણે જશોદાબહેનની ઝલક વર્તાઈ રહી છે તેવું અનુભવી રહી..!!!!! ખરેખર પાણિયારા સાથેના ગજબ ઋણાનુબંધ હતા તેના..!!!!

લેખક : આયુષી સેલાણી

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ