એક હાથ મિત્રતાનો – દિકરાએ પુછેલા એક સવાલે એના બધા ઘા ફરી તાજા કરી દીધા હતા…લાગણીસભર વાર્તા…

એક હાથ મિત્રતા નો ..

ગુજરાતના એક નાનકડા પહાડી વિસ્તાર માં સ્થાપિત એક નાનકડું ગામ. ગણ્યાગાંઠ્યા ગામવાસીઓ અને મોટાભાગના પર્યટકો. એ નાનકડા પહાડી વિસ્તાર પર ઉભું એક નાનકડું કાચું ઘર.

આસિફા દરરોજ ની જેમજ સૂર્યોદય જોડે કામ પર નીકળવાની તૈયારી કરી રહી હતી. સાથે સાથે સાત વરસ ના પુત્ર યુનુસ ને પણ શાળા એ જવા માટે તૈયાર કરી રહી હતી. યુનુસના માથા માં તેલ લગાવી વાળ માં કાંસકી ફેરવતા હાથો અચાનક થંભી ગયા. યુનુસે પૂછેલો પ્રશ્ન જ એટલો સંવેદનશીલ હતો !

” અમ્મી , અબ્બુ પાછા આવી જાય તો ?” પોતાની અમ્મી ના ચ્હેરા ઉપર ની ઉદાસી અને આંખોના ભેજ ને કળી જતા યુનુસ અમ્મી ને વીંટળાઈ વળ્યો. ” આપણે કદી અબ્બુ જોડે વાત નહીં કરીશું .” અમ્મીને મનાવી રહ્યો હોય એવા અંદાજમાં યુનુસે પોતાનો નિર્ણય સંભળાવી દીધો. ” શાળાએ જવાનો સમય થઈ ગયો …” યુનુસની વાતનો વિષય બદલતા આસિફા એ શાળા નું દફ્તર યુનુસ ની પીઠ પર ભેરવી એની આંગળી થામી પડું પડું થઇ રહેલા કાચા મકાન ને તાળું વાંસી દીધું.

યુનુસ ને ગામડાં ની સરકારી શાળા ના મકાન સુધી પહોંચાડી આસિફા ના પગ ઝડપથી બજાર તરફ પોતાની નાનકડી ફૂલો ની હાટડી તરફ ઉપડ્યા. દરરોજ કરતા પગ ની ગતિ બમણી હતી. યુનુસ ના પ્રશ્ન એ ફરીથી એના ઘા ને તાજા કર્યા હતા. અય્યુબે આપેલો ધોખો ફરીથી એના રોમેરોમને સળગાવી રહ્યો હતો.

અય્યુબ જયારે પરિવાર જોડે એના લગ્નનું માંગુ લઇ આવ્યો હતો ત્યારે ભવિષ્ય માં જોનારા આ દિવસ ને સ્વ્પ્ને પણ વિચાર્યો ન હતો .જ્યાં સુધી અય્યુબ ના અમ્મી અબ્બા હયાત હતા ત્યાં સુધી અય્યુબે આસિફા જોડેના નિકાહ નું કેવું માન જાળવ્યું હતું !બજારમાં પોતાની નાનકડી ફૂલો ની હાટડી પર અય્યુબ જોડે બેસી આસિફા એ વેચાણ -ખરીદી ના વ્યાપાર ની પ્રાથમિક બાબતો પણ ધીરે ધીરે શીખી લીધી હતી. બન્ને પતિ -પત્ની આખો દિવસ તનતોડ મહેનતે ફૂલો વેચતા અને જે કઈ કમાતા એમાં એમના જીવન નું ગાડું ચાલતું રહેતું. શહેર થી આવતા પર્યટકો જોડે અય્યુબ કેટકેટલી વાતો કરતો અને આસિફા પણ નવાઈ થી શહેરી જીવન શૈલી ની એ બધી વાતો તદ્દન ધ્યાન થી સાંભળતી . અય્યુબ ઘણી વાર એને કહેતો , ” અહીં આ ગામ માં કશુંજ દાટ્યું નથી. અબ્બા ક્યારે સમજશે ? આ નાનકડી ફૂલો ની હાટડી માં બેસી રહી કુવા નો દેડકો બની ગયો છું. દુનિયા ક્યાં ની ક્યાં પહોંચી ગઈ છે ..ને હજી આપણે …..” અને પછી બોલતા બોલતાજ તદ્દન શાંત કોઈ અન્યજ વિશ્વ્ માં ખોવાઈ જતો …ને ફરીથી કઈ યાદ આવી ગયું હોય એમ આસિફા ની આંખો માં પરોવી બોલી ઉઠતો …” એક દિવસ અહીં થી જતા રહીશું ….બહુ દૂર…..” એની આંખો શહેર તરફ જતી પર્યટક બસો ઉપર કેટલી ઊંડાણ માં જડાઈ જતી !

સમય બદલાય છે અને પોતાની સાથે બધુજ બદલી નાખે છે . આસિફા ના જીવનને પણ સમયે પોતાની જોડે કેવું બદલી મૂક્યું ! પોતાની અમ્મીનું અવસાન થયું અને એક નું એક પોતાનું કુટુંબ નું સભ્ય આ વિશાળ સૃષ્ટિ પર એને જાણે એકલું અટુલું કરી ગયું. અય્યુબ ના વૃદ્ધ અમ્મી અબ્બા એ પણ થોડા મહિના ના અંતરો માં દુનિયા થી વિદાય લીધી . અમ્મી અબ્બા ના અવસાન પછી અય્યુબ જાણે હાટડી પર અને ધંધા પર ધ્યાન આપવાજ તૈયાર ન હતો . આસિફા ને લાગ્યું કદાચ અમ્મી અબ્બા ના મૃત્યુ ના શોક નો પ્રત્યાઘાત હશે . ઘર અને હાટડી બન્ને પર બમણી મહેનત કરવાની જવાબદારી આસિફા એ પોતાના નાજૂક ખભાઓ ઉપર ઉઠાવી લીધી . અય્યુબ ના વર્તન ની વિચિત્રતા દિવસે દિવસે વધવા લાગી . હાટડી ઉપર આવવાનું તો જાણે એણે બંધજ કરી દીધું . ઘર માં પણ આસિફા જોડે નહિવત વાતો થતી . દીવાલો ને એકીધારે તાકતો ખબર નહીં શું વિચાર્યા કરતો ?

આ બધા તણાવો ની વચ્ચે એકદિવસ આસિફા ની ખુશી ચરમસીમાએ પહોંચી . હવે બધુજ ઠીક થઇ જશે ..ઘણા દિવસો પછી હ્ય્યુ આનંદ થી ઉભરાયું હતું . અય્યુબ ના પ્રેમ ની નિશાની એના પેટ માં વિકસી રહી હતી . આ સમાચાર સાંભળી અય્યુબ તો ખુશી થી ઘેલો જ થઇ જશે…આ સમાચાર અય્યુબ ને સંભળાવવા એ કેવી આતુર અને અધીરી હતી ! ક્યારે અય્યુબ આવે અને એની બાહુમાં સમેટાઈ આંખો માં સંઘરેલા અને ખુશી થી બહાર ઉભરાવવા તૈયાર મોતીઓને એના ખભા ઉપર વહાવે . એક એક ક્ષણ રાહ જોવી મુશ્કેલ બની રહી હતી . ક્યારે આ રાહ નો અંત આવશે ? પણ અંત આવ્યોજ નહીં , ન અય્યુબ …..

અય્યુબ એને છોડી ને જતો રહ્યો હંમેશ માટે … સાત વરસ વેઠેલાં જીવનસંઘર્ષ થી કાળજું હવે સખત થઇ ચૂક્યું હતું . લાગણીઓ , ભાવનાઓ માટે જાણે જીવનમાં કોઈ અવકાશજ બચ્યો ન હતો . આંખો ની સામે સ્પષ્ટ ધ્યેય હતું . અથાક મહેનત અને યુનુસ નું સુંદર ભવિષ્ય ઘડતર . આ એકલક્ષી ધ્યેય પાછળ એ પોતાની જાતને પણ વિસરી ચુકી હતી અને અય્યુબ ને પણ …..યુનુસ ના માસુમ પ્રશ્ન થી એકજ ક્ષણમાં એના જીવનના સાત વરસો નું બંધ પુસ્તક શબ્દેશબ્દ ઉઘડી ગયું …..

હાટડી પર પહોંચતાજ વિચારોની હારમાળા તૂટી . કામ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા પોતાની જાતને ઢંઢોળતી આસિફા ની આંખો પર કંઈક ચડ્યું . હાટડી ના તાળા ઉપર કંઈક લટકી રહ્યું હતું . ધીરે રહી એણે ગુલાબ નું ફૂલ હાથ માં ઉઠાવ્યું . ગુલાબ ને વિંટાળેલું કાગળ એણે ધીરે રહી ઉઘાડ્યું . અમ્મી એ બહુ ભણવા દીધી તો ન હતી પણ ગામ ની કન્યા શાળા માં લખતા વાંચતા તો શીખીજ લીધું હતું. ” દુનિયા ની સૌથી બહાદુર સ્ત્રી માટે એના નવા મિત્ર તરફથી ”

કાગળ વાંચતાજ આસિફા નું હ્ય્યુ ધબક્યું . ઘણા વરસો પછી હૃદયમાં કંઈક ધબકાર જેવું અનુભવ્યું . વિસ્મીત આંખો ચારે તરફ ફરી વળી . હાટડીની આજુબાજુ ખાસ્સી ભીડ હતી . દુકાનદારો અને પર્યટકો ની ચહેલપહેલ ની વચ્ચે આ સંદેશો પહોંચાડનારાને ક્યાંથી શોધી શકાય . કોણ હશે ? જે કોઈ પણ હોય આસિફા ના જીવનસંઘર્ષ નો સાક્ષી તો હતોજ . જોવા જઈએ તો આખું ગામ આસિફા ના જીવન સફરથી સારી રીતે પરિચિત હતું . તો એ બધાની વચ્ચે થી આ મિત્રતાનો હાથ લંબાવવાની પહેલ કોની હશે ?

આખો દિવસ હાટડી ઉપર ધગશ અને પરિશ્રમ થી આસિફા એ ફૂલો નું વેચાણ કર્યું . દૂર દૂર ના ગામ થી આવતા ફૂલો ની નિયમિત ખરીદી કરી આખા અઠવાડિયા ના વેચાણ અંગેની બધીજ પૂર્વતૈયારીઓ કરી નાખી . ફૂલોના વેચાણ ના વ્યવસાય માં આ સાત વર્ષોના અનુભવ અને અનન્ય પરિશ્રમ ના ફળ સ્વરૂપ હાટડી નો વેપાર સારો એવો જામ્યો હતો.

આજે પણ અન્ય દિવસ જેવોજ એક કામ થી ભરપૂર દિવસ હતો . આમ છતાં આજે કંઈક વિચિત્રજ અનુભવાય રહ્યું હતું. હૃદય ના ધબકારો તેજ હતા. શ્વાસો વધુ વેગે આવજાવ કરી રહી હતી . એક જુદીજ ખુશી અને શાંતિનો અનન્ય અહેસાસ મન ને ઘેરી વળ્યો હતો . કાગળના શબ્દો વારંવાર સ્મૃતિતટ પર ઝબકી રહ્યા હતા . નવા મિત્ર તરફથી મળેલા ગુલાબ અને કાગળિયાને સાચવીને સાથે લઇ લીધા . યુનુસ ને શાળાએ થી પરત લઇ ઘરે પહોંચી આસિફા એ નિયમિત બધાજ કાર્યો નિપટાવ્યા . યુનુસ ને ઉંઘાડ્યો . પણ આખી રાત એને ઊંઘ આવી શકી નહીં . વારેવારે કાગળિયા માં લખાયેલા શબ્દોને એ વાંચી રહી :

“દુનિયાની સૌથી બહાદુર સ્ત્રી માટે . એના નવા મિત્ર તરફ થી ” સુની થઇ ચુકેલી ચામડી ફરીથી સ્પર્શ નો અનુભવ મેળવી રહી હોય એ રીતે આસિફા ના યાંત્રિક હારમાળા યુક્ત જીવન ને ફરીથી લાગણીઓ નો સ્પર્શ થયો હતો . સંબંધ વિહીન એકલતા ભર્યા જગતમાં એક નવો મિત્ર ઉમેરાયો હતો , જેના મન માં આસિફા અંગે આદર હતો અને જેને આસિફા ઉપર ગર્વ હતો . મિત્રતા ના તાજા રંગો આસિફા ના રંગવિહીન જીવનમાં ફરીથી થોડો પ્રાણ રેડી રહ્યા હતા . હા , આજે વરસો પછી આસિફા ફરીથી ખુશ હતી ….

એક કાગળ અને એની ઉપર લખાયેલા થોડા શબ્દો એ આસિફા ની અંદર નવીજ ચેતના જગાવી હતી. ફક્ત શ્વાસો લેતું શરીર ફરીથી જાણે જીવી ઉઠ્યું હતું. જીવન એજ , કાર્યો એજ , સંઘર્ષ એજ પણ ઉત્સાહ બમણો અને એક એક ક્ષણ માણી લેવાની ઝંખના નવી ! આખરે મિત્રતા એટલે શું ? આપણી અંદર ની શ્રેષ્ઠ આવૃત્તિને બહાર ખેંચી લાવતી એક પ્રેરણા !

આસિફા જ્યાં પણ જતી એનો કાગળ એની સાથેજ રહેતો . થાક હોય કે ઉદાસી ફક્ત એ જાદુઈ શબ્દો વાંચી લેવાથીજ એક અનન્ય શક્તિ નો સંચાર રોમેરોમ માં ભળી જતો . યુનુસ ની માસુમ આંખો એ પણ અમ્મીમાં આવેલો આ ફેરફાર નોંધ્યો . હંમેશા ગંભીર મુદ્રામાં જ જોયેલી અમ્મી ના ચ્હેરા ઉપર નું હાસ્ય એને કેટલું ગમી રહ્યું હતું !

” અમ્મી તું આટલી ખુશ કેમ છે ?” ” કારણકે હું ખુશ છું …..” બન્ને માં દીકરા ખડખડાટ હસતા એકબીજાને પ્રેમ થી વળગી પડ્યા હતા… મહિના માં એકવાર તો હાટડી ઉપર એક ગુલાબ અને એને વીંટળાયેલો કાગળ અચૂક નિયમિત મળતો . સંદેશો એક સમાન….. “દુનિયાની સૌથી બહાદુર સ્ત્રી માટે . એના નવા મિત્ર તરફથી .”

આ મિત્રતા ની પવિત્રતા આસિફા ના જીવન ને અદ્રશ્ય માનસિક ટેકો આપી રહી હતી. એની મહેનત અને બલિદાન ની ખુદા એ આપેલી એક સુંદર ભેટ …કોઈ હતું જે ન હોવા છતાં જાણે કહી રહ્યું હતું , ” હા , તું કરી શકે છે …હું તારી સાથે છું અને તારા ઉપર મને ગર્વ છે …”

ખુશીઓ ની નવી લહેરમાં આસિફા અને યુનુસ નું જીવન ઉજળું ઉજળું ચમકી રહ્યું હતું ..અને પછી એક દિવસ ઈદ ને દિવસે આસિફા ને હાટડી ઉપર ફરીથી એક ગુલાબ મળ્યું અને એની સાથે વીંટળાયેલું એક કાગળ …દર વખત ની જેમજ ઉત્સાહ અને સંભાળ થી એણે કાગળ ઉઘાડ્યું …પણ આ વખતે સંદેશો જુદો હતો :

” હું તમારા અને યુનુસ ના જીવનનો એક હિસ્સો બનવા ઈચ્છું છું . શું હું તમારા જીવનમાં આવી શકું ? તમે અને યુનુસ મને સ્વીકારશો ?. આપનો નવો મિત્ર .”

આસિફા ના હાથ થોડા ધ્રુજ્યા . કઈ પણ કહેવા વિનાજ આસિફા ના આંખો માંથી ખારો સમુદ્ર સરી પડ્યો . જાણે કઈ વિસ્ફોટ થયો હોય એમ આસિફા સ્તબ્ધ મૂર્તિ બની ગઈ . ઈદ ના દિવસે તો હાટડી બંધજ રહેતી પણ આજે તો એ ફક્ત જોવા આવી હતી કે પોતાના મિત્ર નો સંદેશો આવ્યો કે નહીં ? સંદેશો તો આવ્યો હતો પરંતુ એની અપેક્ષાના પરે ….કાગળ માં લખાયેલા પ્રશ્નો ની નીચે આસિફા એ પોતાનો ઉત્તર લખી નાખ્યો .બહુ વિચાર કરવા જેવું કઈ હતુજ નહીં.

” અય્યુબ મને છોડી જતા રહ્યા . એમણે મને પ્રેમ કર્યોજ ન હતો . પણ હું તો પ્રેમ કરતી હતી એમને અને આજે પણ એટલોજ કરું છું . આજીવન એમની રાહ જોઇશ . પણ એમનું સ્થાન હું કોઈને ન આપી શકું . થઇ શકે તો મને માફ કરશો .”

કાગળ અને ગુલાબ ફરીથી એની જગ્યાએ ગોઠવી આસિફા ઘર તરફ ભાગી . યુનુસ ઘરમાં એકલો હતો. રસ્તા વચ્ચે એક નહિવત અવરજવર વાળા પહાડી ઢલાણ વચ્ચે છુપાઈ આસિફા મન મૂકી ને રડી પડી. અંદર સંઘરેલા તમામ આંસુઓ ઘર પહોંચવા પહેલા ખલવી દીધા . જીવન માં અય્યુબ ને લીધે એણે ઘણું બધું ગુમાવ્યું હતું . આજે ફરી અય્યુબ ને લીધે એણે પોતાની પવિત્ર મિત્રતા ગુમાવી દીધી , હંમેશ માટે …પીડા અસહ્ય હતી , વેદના જીવલેણ ! એક નવો ઘા જીવને ફરી આપ્યો હતો પણ આજ યોગ્ય હતુ અને સત્ય પણ ….

પોતાની જાતને સંભાળી ને એણે સંકેલી લીધી . ભારે પગલે ઘર તરફ ઉપડી . દૂરથીજ યુનુસ ના ખડખડાટ હાસ્ય નો અવાજ એ સાંભળી રહી. યુનુસની ખુશી અને આનંદની અનુભૂતિ ઘણા અંતરે થી જ એ કળી ચુકી . કોઈ પુરુષની પીઠ ફક્ત દેખાઈ રહી હતી, જે યુનુસ ને પોતાના હાથો માં ઊંચકી , ઉછાળી રમાડી રહ્યો હતો . યુનુસને આટલો ખુશ તો કદી નિહાળ્યો ન હતો !

” અમ્મી ……” અમ્મીને દૂરથીજ નિહાળી યુનુસ એ પુરુષના હાથમાંથી નીચે ઉતરતો આસિફા તરફ દોડી ગયો . પુરુષ પાછળ ફર્યો અને એનો ચ્હેરો જોતાજ આસિફા ચોંકી ઉઠી . મોઢામાંથી શબ્દ અનાયાસે મોટા પ્રશ્નચિન્હ સમો સરી પડ્યો . ” અય્યુબ …..?????” આસિફા સામે બન્ને હાથ જોડી ઉભો અય્યુબ ધ્રુસકે ધ્રુસકે રડી માફી માંગી રહ્યો :

” જીવન ને સુંદર બનાવવા સ્વાર્થી બની ભાગ્યો . ખુબ રખડ્યો . ભ્રમણા અને માયા ની પાછળ ….શહેર જેટલું આપતું ગયું એટલુંજ છીનવતું પણ ગયું . લાલચના દલદલ માં એવો ઊંડો ઉતરતો ગયો કે પોતાની જાતથી ઘૃણા છુટવા લાગી ….”

પ્રશચ્યાતાપ ના સાગર માં ડૂબકીઓ લગાવી પોતાની આત્માના પાપ ગંગા જેવી આસિફા ના કદમો માં જાણે ધોવાય ગયા ….આસિફા અને યુનુસના જીવનમાં એને ફરી પ્રવેશ મળી ગયો . અબ્બુ જીવન માં ફરી આવી જાય એવી નિયમિત દુઆઓ કરતો ,પણ અમ્મી ને ઠેસ ન પહોંચે એ માટે પોતાની લાગણીઓ દબાવી રાખતા યુનુસની દુઆઓ કબૂલ થઇ હતી . ખુદા એ જાણે આજે એને જાતે ઈદી આપી હતી . આસિફા પણ ખુશ હતી …ખુબજ ખુશ …પોતાનો પ્રેમ જીવનને ફરી આવી મળ્યો હતો . પણ સાથેજ એક સાચા મિત્ર ને ગુમાવી દેવાની વેદના જાણે એ ખુશી ને દિલ ખોલી ને માણવાથી અવરોધી રહી હતી …..એ મૂંઝવણ અને દ્વિધા શબ્દોમાં નજ ઉતારી શકાય …કંઈક અતિમુલ્યવાન મેળવવું અને એજ ક્ષણે કંઈક સમાન અતિમૂલ્યવાન ગુમાવી દેવું ….એવીજ સમાન અનુભૂતિ !

બીજે દિવસે યુનુસ ને શાળાએ મૂકી સહ જીવન ને નવેસરથી આરંભતા અય્યુબ અને આસિફા હાટડીએ પહોંચ્યા . હાટડી ના તાળા ઉપર એક નવું ગુલાબ અને વીંટળાયેલું કાગળ નિહાળતાંજ આસિફા ચોંકી . મિત્ર નો જવાબ વાંચવા આસિફા ઉત્સાહ થી આગળ વધી . પણ અય્યુબ ની હાજરીથી સભાન થતા એના કદમ પાછળ હટી ગયા . અય્યુબ આગળ વધ્યો અને ધીરે રહી ગુલાબ અને કાગળિયું ઊંચકી લીધું . આસિફા નું હ્ય્યું અતિવેગે ધબકવા માંડ્યું . અય્યુબ હેરત અને નવાઈ જોડે આસિફા ને તાકી રહ્યો . આસિફા ની આંખો નીચે ઢળી રહી.

” આજે તારા મિત્ર નો સંદેશો નહીં વાંચીશ ?” આસિફા ચમકી . આંખો અય્યુબ તરફ ઉઠી અચરજ થી પહોળી થઇ ઉઠી . આસિફા ના હાથ માં એની અમાનત થમાવી , એને એના મિત્ર નો સંદેશો વાંચવા નો અંગત અવકાશ પૂરો પાડતો અય્યુબ હાટડી ના કાર્યોમાં પરોવાયો . ઉતાવળે ,ખૂટેલી ધીરજ જોડે આસિફા એ કાગળ ઉઘાડ્યો .

” નવા મિત્ર ને જીવનનો હિસ્સો બનાવવા માટે આભાર . યુનુસ અને તમારા જીવન માં પ્રવેશ આપવા માટે આભાર . જયારે પહેલીવાર મળવા આવ્યો ત્યારે મારો એક દીકરો પણ છે એ જાણી ખુશી થી ઉછળી પડ્યો . પણ જયારે એના મોઢે સાંભળ્યું કે એ મને કદી માફ ન કરશે ત્યારે સામે આવવાની હિમ્મત ન થઇ . પત્ની નું મૌન એની લાગણીઓ ને તારવી શક્યું નહીં . તમારા બન્ને નો ગુનેહગાર હતો . જાતે તોડી નાખેલા પ્રેમના સંબંધ ને એક નવી મિત્રતા જોડે નવી શ્વાસો આપવાનો પ્રયાસ આરંભ્યો . જે દિવસે જાણ્યું કે હજી પણ મારી આસિફા ના હૃદય માં મારી ખાતર પ્રેમ જ પ્રેમ છે , એજ દિવસે સામે આવવની હિમ્મત થઇ . પણ હવે મારા પરિવારને છોડી ક્યાંય ન જઈશ . આપનો નવો મિત્ર પણ એજ જૂનો ગુનેહગાર …અય્યુબ”

અચાનકજ છાતી ઉપર થી કોઈ ભારે વજન હટી ગયું હોય એમ આસિફા નું હૃદય ફૂલ જેવું હળવું થઇ રહ્યું . ખુશીથી છલકતી આંખો જોડે હાટડી ના કાર્યો માં વ્યસ્ત અય્યુબ ને જઈ વીંટળાઈ પડી અને અય્યુબ નો સ્નેહ ભર્યો હાથ એના માથા ઉપર ફરી રહ્યો …….

લેખક : મરિયમ ધુપલી

સુંદર મિત્રતાસભર પ્રેમકહાની… આપના વિચારો અચૂક જણાવજો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ