પહેલું પુસ્તક – પોતાની પત્નીને બચાવવા માટે પતિ એ આપ્યું અનોખું બલિદાન…

પહેલું પુસ્તક

સરિતા ની ખુશી ચરમસીમાએ હતી. આજે ઘણા દિવસો પછી એની વાંચન ની ભૂખ સંતોષાવાની હતી. સવારે જ એની સૌથી ખાસ બહેનપણી મયુરી એની તબિયત પૂછવા આવી હતી . ભેટમાં કોઈ તાજું ગરમાગરમ બેસ્ટ સેલર પુસ્તક આપી ગઈ હતી . બે મહિના અગાઉ અકસ્માત માં ઘવાયેલા ઘૂંટણ ની સર્જરી થઇ હતી. ધીરે ધીરે હવે થોડું ઘણું ચાલવા પણ લાગી હતી. આમ છતાં તબીબ તરફથી સખત આરામ ની સૂચનાઓ થી ડરી ને આકાશે તો એની નોકરી પણ છોડાવી દીધી હતી.

” પહેલા સંપૂર્ણ વિશ્રામ લઇ લે. એકવાર સાજી થઇ જા પછીજ નોકરી. તને શાની ચિંતા ? હું છું ને !”


આકાશ ની સ્પષ્ટ સૂચના એના અનન્ય પ્રેમ ની સાબિતીજ તો હતી . એનું વાતેવાતે ” હું છું ને !” સરિતા ની સાચી ઔષધિ બની રહી હતી. સરિતા ને પોતાના ભાગ્ય પર વિશ્વાસ જ ન આવતો … આકાશ જેવો જીવનસાથી ભાગ્યશાળી નાજ પ્રારબ્ધમાં હોય …એક નાનકડા ગામ ના ખૂણે થી આવી ,શહેર ની હોસ્ટેલ માં અભ્યાસ પૂરો કરી, પોતાની તનતોડ મહેનતે શહેર માં નોકરી મેળવી પગ ઉપર ઉભા થવા નું કાર્ય કઈ નાનુસુનું ?

આકાશ સાથે એની પહેલી મુલાકાત કોલેજ ના પુસ્તકાલય માં થઇ હતી. પુસ્તકો પ્રત્યે નો લગાવ અને અનન્ય આકર્ષણ બન્ને ના હૃદય માં એકસમાન. પુસ્તકાલય ના બાંકડા ઉપર એકબીજાના હાથમાં પોતાના મનગમતા સાહિત્ય પ્રકાર ને જોતા જોતા અને પુસ્તક ના સાહિત્ય વિભાગ માંથી સમાન શ્રેણી ના પુસ્તકો ઉઠાવતા ઉઠાવતા બન્નેની આંખો મળી .હાસ્ય ની અદલાબદલી શબ્દો ની અદલાબદલી માં પરિણમી. શબ્દો ની વહેંચણી લાગણીઓ અને ની વિચારો ની વહેંચણી સુધી પહોંચી . વિચારો ની ગુણવત્તા અને સામ્યતા વ્યક્તિત્વ આકર્ષણ તરફ ઝૂક્યા અને એ સંવેદનાઓ નો ઝુકાવ ક્યારે પ્રેમ ના સેતુ માં બંધાઈ ગયો એ વિચારવાનો સમય જ ક્યાં મળ્યો ?


સમાજ ના મધ્યમ વર્ગ ની પુત્રી ને ગામડાં થી શહેર માં જીવન નિર્વાહ માટે પહોંચેલા નવયુવાન જોડે જીવન વસાવવાની પરવાનગી ન મળી. પણ આકાશ ના ભીતર ની સચ્ચાઈ અને એના ચરિત્ર ની સાદગી માં રંગાયેલી સરિતા આકાશ નેજ પોતાનો જીવનસાથી બનાવવાના નિર્ણય પણ અડગ રહી . પોતાના માતાપિતા ને એકદિવસ તો મનાવીજ લેશે . જે દિવસે આકાશ ના પ્રેમ ની પવિત્રતા તેઓ ઓળખશે ત્યારે પોતાની પુત્રી ના જીવન નિર્ણય પર અનન્ય ગર્વ લેશે , એની સરિતા ના હૃદય ને પાક્કી ખાતરી હતી.લગ્ન જીવન ના બે વર્ષ પછી આજે પણ આકાશ અને સરિતા હાર માન્યા વિના એમનો પ્રેમ જીતવા અથાક કોશિશ કરી રહ્યા હતા.

આકાશ પોતાના વૃદ્ધ માતાપિતા ને શહેર માં આવી એમની જોડે વસવા કેટલીવાર મનાવી ચુક્યો હતો . પણ ગામ ની માટી ને છોડી એ ઘરડા મૂળ હવે શહેર ની માટી માં નવેસર થી રોપાવા તૈયાર ન હતા. આમછતાં આકાશ અને સરિતા બન્ને મળી ને દૂર બેઠા પણ એમની સંપૂર્ણ કાળજી દાખવી રહ્યા હતા. આર્થિક રીતે એમને કોઈ પણ પ્રકાર ની સમસ્યા નો સામનો ન કરવો પડે એની પુરી તકેદારી રાખી રહ્યા હતા. રજાઓ માં ગામ માં એમનો સહવાસ રૂપી આશીર્વાદ લેવા અચૂક પહોંચી પણ જતા.


જીવન બહુ ભૌતિક સુખસગવડ વાળું કે સંપૂર્ણ આરામદાયી તો નજ હતું . પણ આ નાનકડા ઘર માં પ્રેમ અને સ્નેહ ની કોઈ કમી ન હતી . બે ટંક નું ભોજન ઇશ્વર પહોંચાડી દેતા હતા અને માથા ઉપર છત હતી , ભાડે ની હતી તો શું ? જ્યાં સંતોષ અને પ્રેમ એકબીજા માં ભળી જાય ત્યાં ફરિયાદો માટે કોઈ સ્થાનજ ન રહે …

દરરોજ આખા દિવસ ના ભાગદોડ પછી સરિતા પલંગ ઉપર આરામ કરતી ટેલિવિઝન જોતી હોય ને પડખે ના ટેબલ પર બેઠો આકાશ એની વાર્તાઓ લખતો હોય ….હા , લખવું , અભિવ્યક્ત કરવું આકાશ ને ખૂબજ ગમતું . કોલેજકાળ થી એના આ લેખનપ્રેમ ની સરિતા એકમાત્ર સાક્ષી હતી ….કેટલી બધી વાર્તાઓ એણે લખી હતી ….એક પછી એક …કેટલું વિષય વૈવિધ્ય ! કેવી શબ્દો ની પકડ ! પાત્રો અને વિષય ની કેવી માર્મિક ગૂંથણી ! વાંચન ની ટેવ થી વધુ નિખરતું એ સાહિત્ય નું સ્વરૂપ …..

સરિતા એક માત્ર વાચક હતી એ અતિ ગુણવત્તાયુક્ત સાહિત્ય ની ….એ ઘણીવાર આકાશ ને કહેતી કે આ વાર્તાઓનું સાચું સ્થાન આ બંધ સંગ્રહી રાખેલ પાનાંઓ નથી …એમનું ખરું સ્થાન તો કોઈ જાણીતી સંપાદન સંસ્થા ને હાથે છપાયેલી કોઈ ખુબજ પ્રખ્યાત પુસ્તક માંજ છે ….


અને આકાશ કહેતો …..નહીં …હમણાં નહીં….. હજી શબ્દો પર ખુબજ કસરત કરવી બાકી છે ….હજી સાહિત્ય ના ઉંડાણો માં ઘણી ડૂબકીઓ લગાવવાની છે ….હજી વાંચન ને અનુભવો ના નિચોડ નો કસબ અજમાવતા શીખવાનું છે ….હજુ ગામ્ભીર્ય અને સહજતા નું સંતોલન બેસાડવાનું છે ….હજુ ઘણું શીખવાનું છે ….ઘણું …..મારું પુસ્તક ‘ હું ‘ બની શકવા તૈયાર હોય ત્યારે જ …જયારે વાચકો આકાશ નું પુસ્તક નહીં આકાશ ને વાંચી શકે ત્યારે …એ માટે હજી સમય છે …..

સરિતા તો અગણિત પુસ્તકો પી ચુકી હતી . પુસ્તકો એના રગેરગ માં લોહી બની વહેતા હતા અને એના શ્વાછોસ્વાસ માં નીતરતા હતા …સાહિત્ય નો ખરો વિવેચક તો સાહિત્ય નો ઊંડો વાચક જ હોય શકે …..વાંચન જેના જીવન માં નિયત દિનચર્યા સમું વણાઈ ચૂક્યું હોય એને સાહિત્ય ની ગુણવત્તા ની પરખ ન હોય એતો શક્યજ નથી ….

સરિતા જાણતી હતી કે આકાશ ની વાર્તાઓ ગુણવત્તા ની દ્રષ્ટિ એ નહીં પણ આર્થિક રીતે પ્રેસ ના પગથિયાં ચઢવા તૈયાર ન હતી . ઘર નું ભાડું , લાઈટ બિલ , રોજિંદા જીવન ની જરૂરિયાતો , માતાપિતા નું ગુજરાન બધુજ અસ્થાયી નોકરી ના પગારમાંથી પૂરું પાડવાનું હતું . સરિતા નો પગાર પણ ઊંચા આંકડાવાળો તો નજ હતો . જ્યાંસુધી નોકરી ને ‘ સ્થાયી ‘ નું બિરુદ ન મળે ત્યાંસુધી વધારા ના કોઈ પણ ખર્ચ નો અવકાશ ન હતો .

જીવન માં ફરજો ને હમેશા અગ્રતાક્રમ આપતા આકાશ ને જોઈ સરિતા ના હૃદય માં આકાશ માટેનો પ્રેમ નવી ઊંચાઇઓએ પહોંચી જતો . અકસ્માત સમયે જયારે સરિતાના ઘૂંટણ ની સર્જરી કરવાની પરિસ્થિતિ ઉભી થઇ ત્યારે પોતાની આવકમર્યાદા નો વિચાર કર્યા વિનાજ શહેર ની સૌથી અગ્રણી અને જાણીતી હોસ્પિટલ આકાશે પસંદ કરી હતી .


” તું ચિંતા ન કર . હું છું ને ! પૈસા ની વ્યવસ્થા થઇ ગઈ છે …..” અને દર વખત ની જેમ ફરીથી એના ” હું છું ને ! ” વાળું જાદુ કામ કરી ગયું હતું . આટલી મોટી સર્જરી બાદ ક્યારે ફરી ઘર આવી પહોંચી અને થોડા મહિનાઓ માં તો ચાલવા પણ લાગી . પ્રેમ ની ઔષધિ એટલે પ્રેમ ની ઔષધિ …એની આગળ કોઈ દુઃખ , કોઈ પીડા, કોઈ તાણ ની અસર જ નહીં ….

સવારે મયુરી એ ભેટમાં આપેલ પુસ્તક લઇ એ પલંગ ઉપર ગોઠવાય . ટેવ પ્રમાણે તકિયો ગોદ માં લઇ પુસ્તક તકિયા પર ગોઠવ્યું . મયુરી ના કહેવા અનુસાર આટલા ટૂંકા સમયમાં આ પુસ્તક ની અગણિત કોપીઓ વેચાઈ ગઈ હતી .ફક્ત એકજ મહિનામાં બેસ્ટ સેલર બની ચૂકેલા એ પુસ્તક માં ડૂબી જવા સાહિત્ય નો જીવ તળપાપડ થઇ રહ્યો હતો . સાહિત્ય ના જગતમાં ઓહાપો મચાવનાર એ પુસ્તક ને વાંચવા માટે સરિતાએ નાક ઉપર થી ચશ્માં નો ખૂણો વ્યવસ્થિત કર્યો . એક નજર ઘડિયાળ પર પડી . હજી આકાશ ને ઘરે આવવામાં એક કલાક રહ્યો હતો . સર્જરી પછી અનેપક્ષિત ખર્ચાઓ ને પહોંચી વળવા રાત્રે ઓવરટાઇમ કરી ને પરત થતા આકાશ ની જોડેજ રાત્રી નું ભોજન કરવાનું હતું .


ખૂટેલી ધીરજ જોડે વાર્તા સંગ્રહ ની સૌ પ્રથમ વાર્તા વાંચવા નો આરંભ કર્યો . શરૂઆત ના કેટલાક વાક્યો વાંચતાજ ચ્હેરા પર ની રેખાઓ તણાઈ ગઈ . વાંચવાની ઝડપ વધારી ને આગળ ચ્હેરો વધુ ને વધુ ગંભીર બની રહ્યો . અત્યંત ઉતાવળે એક પછી એક વાર્તાઓ નું પરિચિત શિર્ષક ઉથલાવતા હાથો માં આછી ધ્રુજારી અનુભવાઈ . ચ્હેરા નો રંગ ઉડવા લાગ્યો ….પુસ્તક ગુસ્સા સાથે સંકેલી એ શીઘ્ર ઉભી થઇ .

આકાશ ની અલમારી નો ખૂણે ખૂણો શોધી નાખ્યો . એનાં વાર્તા સંગ્રહ ની ફાઈલ કશેજ ન જડી . પલંગ ઉપર પડેલા પુસ્તક ને થામી એની ઉપર ચમકતા કોઈ નામચીન લેખક ના નામ ને એ શંકા થી નિહાળી રહી . કેટલો સમય એ એમજ શોકથી સ્તબ્ધ પુસ્તકને તાકતી બેસી રહી ….. બારણે વાગેલી ઘંટડી થી એની તંદ્રા તૂટી ………..આકાશ આવી ગયો હતો …..એ રીતસર બારણે ધસી ગઈ ……. સરિતા ના હાથમાંનું પુસ્તક નિહાળતાંજ આકાશ ચોંક્યો …. ” આકાશ તારી વાર્તાઓ …….”


આકાશ ના ચ્હેરા ના તટસ્થ ભાવો નિહાળી સરિતા ના હાથમાંથી પુસ્તક સરી પડ્યું ….અચાનક હોસ્પિટલ માં આકાશે ઉચ્ચારેલા આશ્વાસન ના શબ્દો કાન માં પડઘો પાડી રહ્યા ….. ” તું ચિંતા ન કર ….હું છું ને ! પૈસા ની વ્યવસ્થા થઇ ગઈ છે …..”


ધ્રુસકે ધ્રુસકે બાળક સમી રડી રહેલી સરિતા ને ગળે વળગાવી આકાશે દર વખત ની જેમજ પોતાના જાદુઈ શબ્દો પ્રયોજ્યા …. ” મારુ સાચું જીવન પુસ્તક તો તુજ છે ….જો તારા જેવું પ્રેરણાદાયી પુસ્તક આંખો ની સામે હોય તો એના વાંચન થી અભિપ્રેરિત થઇ હજી આનાથીયે વધુ ઉમદા પુસ્તકો લખીશું …ચિંતા ન કર , હું છું ને !” અને આકાશ ના ખભે વીંટળાયેલા સરિતા ના હાથ ની પકડ હજી વધુ મજબૂત બની રહી ……

લેખક : મરિયમ ધુપલી

દરરોજ આવી અનેક વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ