ઘરમાં પડેલી જૂની સાડીનો આ રીતે કરો ઉપયોગ, અને બનાવો મસ્ત સ્ટાઇલિશ ગાઉન

તમારી જૂની સાડીને ક્રીએટીવલી બનાવો આકર્ષક અથવા બનાવો તેમાંથી સુંદર ગાઉન – આઈડીયાઝ માટે અંદર વાંચો

તમે તમારી જૂની સાડી સાથે ઘણું બધું કરી શકો છો. એક તો તમે તેને એમ જ કોઈને આપી નથી શકતાં કારણ કે તમારી તેની સાથે કેટલીક લાગણી જોડાયેલી હોય છે બીજું કે તેનો ટ્રેન્ડ નથી ચાલતો હોવાથી તમે તેને પહેરી પણ નથી શકતાં તેના કારણે તમારા કબાટમાં ખોટે ખોટી જગ્યા રોકાય છે. પણ તેની જગ્યાએ તમે વેસ્ટમાંથી કંઈક બેસ્ટ કરો તો તમારી સાડી તમે પહેરી પણ શકશો અને તે ઘરમાં જગ્યા પણ નહીં રોકે અને તમારી ક્રીએટીવીટીને એક પૂશ પણ મળશે. તો ચાલો અમે તમને કેટલાક એવા આઈડીયાઝ આપીએ જેનો ઉપયોગ કરીને તમે તમારી જૂની સાડીનો ઉપયોગ કરીને કંઈક નવું વધારે સુંદર ક્રીએટ કરી શકો.

સુંદર અનારકલી સૂટ બનાવો

જ્યારે તમે કોઈ સાડીને પહેરી પહેરીને થાકી ગયા હોવ તો તમે તે જ સાડીમાંથી સુંદર ઘેરદાર અનારકલી ડ્રેસ પણ બનાવી શકો છો. સામાન્ય રીતે અનારકલી ડ્રેસમાં સાડીનું કાપડ ખૂટતું હોય છે તો તેવા સમયે તમે ઉપરનો કોઠો અલગ કાપડથી અને નીચેનો ઘેર તમે સાડીમાંથી બનાવડાવી શકો છો અને તેની સાથે બીજો કોઈ સુંદર દુપટ્ટો મેચ કરી શકો છો. અને તેની નીચે બજારમાં મળતા લેગિન્સ પણ પહેરી શકો છો. આમ તમે તમારી પસંદ પ્રમાણે એકદમ અલગ જ બજારમાં ક્યાંય ન મળે તેવો અનારકલી ડ્રેસ બનાવી શકશો. સાઉથ સિલ્ક, જ્યોર્જેટ, શિફોન કોઈ પણ સાડીમાંથી તમે અનારકલી ડ્રેસ બનાવડાવી શકો છો.

બાળકો સાથે મેચિંગ ડ્રેસ તમે એક જ સાડીમાંથી બનાવી શકો છો

image source

આજકાલ મેચિંગ ક્લોથ્સની ખૂબ ફેશન છે. આજે હસ્બન્ડ વાઇફ પણ એકબીજાના વસ્ત્રો સાથે મેચિંગ કરતા હોય છે. જેમ કે હસ્બન્ડનો કૂર્તો અને પત્નીની ચણિયા ચોળીનું કાપડ સરખું હોય. આમ જો તમારી પાસે સુંદર મજાની સાડી પડી હોય તો તમે તેમાંથી તમારા માટે શોર્ટ ફ્રોક અને તમારી દીકરી માટે સુંદર ઘેરદાર ફ્રોક બનાવી શકો છો. અને જો તમારે દીકરો હોય તો તેના માટે કૂર્તો પણ બનાવડાવી શકો છો. અને તેને ખાસ પ્રસંગે પહેરી શકો છો.

સમર મેક્સિ બનાવો

મેક્સિ ડ્રેસ ખૂબ જ કમ્ફર્ટેબલ હોય છે અને ઉનાળો આવે ત્યારે આપણને તે જ યાદ આવતા હોય છે. તો હવે જો તમારી પાસે કોઈ જૂની કોટનની સાડી પડી હોય તો તમે તેમાંથી મેક્સી અથવા તો ગાઉન અથવા તો ની લેન્થ ફ્રોક બનાવીને તમારો ઉનાળો સુધારી શકો છો.

image source

જૂની સાડીમાંથી બનાવો વનપીસ ગાઉન

આજકાલ ગાઉનની ખૂબ ફેશન છે. જો તમારી સાડી લાંબી હોય અન તેનો પનો પણ મોટો હોય તો તમે તમારા માટે એક્સક્લુઝીવ ગાઉન તૈયાર કરી શકો છો. જો સાડીનું કાપડ ખૂટી જાય તો પણ ચીંતા કરવી નહીં. તમે ઉપરનો કોઠો અલગ બહાર મળતાં સુંદર કાપડનો બનાવી શકો છો. અથવા નીચે જો ગાઉન ટુંકો પડતો હોય તો ત્યાં સુંદર મજાની બ્રોડ બોર્ડર લગાવીને પણ લેન્થ કવર કરી શકો છો. આ ગાઉનની ખાસીયત એ હશે કે તે માત્ર તમારી પાસે જ હશે અને માટે જ તમે આખાએ ટોળામાં અલગ તરી આવશો.

ચણિયા ચોળી બનાવડાવો

image source

એક સાડીમાંથી તમે આરામથી સુંદર ઘેરવાળો ચણિયો બનાવી શકો છો. અને તેના પાલવમાંથી તમે બ્લાઉઝ પણ તૈયાર કરી શકો છો. અને તેની સાથે બજારમાં મળતાં સુંદર દુપટ્ટા મેચ કરી શકો છો. આ ઉપરાંત તમે સાડીની બોર્ડરને બીજા ચણિયામાં પણ સ્ટીચ કરીને ચણીયાનો લૂક સુધારી શકો છો. આમ કરીને તમે તમારી રીતે જ તમારી પસંદની સુંદર એક્સક્લુઝીવ ચણિયાચોળી તૈયાર કરશો.

સાડીમાંથી બનાવો સુંદર શ્રગ – જેકેટ – કોટી – શર્ટ

image source

આજે ઇન્ડો વેસ્ટર્ન લૂકનો ખૂબ જ ટ્રેન્ડ છે. તમે તમારી સુંદર સિલ્કની વર્કવાળી સાડીને સુંદર શ્રગ, જેકેટ કે કોટીમાં કન્વર્ટ કરી શકો છો અને તેને તમે જીન્સ કે પછી લેગીન્સ કે પછી મેક્સી સાથે પેર કરી શકો છો. આ સિવાય જો તમારી પાસે ખાદીની સાડી હોય અથવા કોઈ કોટન ભરત ભરેલી સાડી હોય તો તેમાંથી તમે જીન્સ પર પહેરવા માટેનુ સુંદર શર્ટ પણ બનાવી શકો છો.

image source

પતિયાલા અને શોર્ટ કૂર્તો બનાવડાવો

હા તમે છ મિટર લાંબી સાડીમાંથી સુંદર ઘેરદાર પતિયાલા બનાવી શકો છો અને સાડીના પાલવમાંથી તમે શોર્ટ કૂર્તો પણ બનાવી શકો છો. જો પાલવ નાનો હોય તો તમે ફ્રન્ટ સાઇડ પાલવ રાખી શકો છો અને કુર્તાની બેક સાઈડ સાડીનું બાકીનું કાપડ રાખી શકો છો. તેની સાથે મેચ થતો બજારમાં મળતો કોઈ પણ દુપટ્ટો તમે સેટ કરી શકો છો.

કફ્તાન સ્ટાઇલ કૂર્તો બનાવો

image source

કફ્તાન જીન્સ પર ખૂબ જ સુંદર લાગે છે. અને તેની ડીઝાઈન પણ ખૂબ જ કન્ફર્ટેબલ હોય છે અને સાથે સાથે તે તમને એક એલીગન્ટ લૂક પણ આપે છે. તમે તમારી જૂની શિફોન કે જ્યોર્જેટ સાડીમાંથી સુંદર કફ્તાન બનાવી શકો છો.

સુંદર દુપટ્ટાઓ બનાવડાવો

image source

જો તમારી પાસે સુંદર સાડી હોય તેમાં વર્ક કરવામાં આવેલું હોય અથવા તો તેની બોર્ડર ઝરીવાળી હોય તો તમે તેમાંથી સુંદર દુપટ્ટા પણ તૈયાર કરી શકો છો અને પછી તમે તેને તમારા કોઈ પણ કૂર્તા, અનારકલી કૂર્તિ કે પછી જીન્સ પર નાખવામાં આવતા સ્ટોલ તરીકે પહેરી શકો છો. આજકાલ પટોળાની ઓઢણી અને દુપટ્ટાનો ભારે ક્રેઝ છે. તો તેવુ કંઈક પણ તમે કરી શકો છો.

જૂની સાડીમાં થોડા ફેરફાર કરીને તેને નવી બનાવો

image source

જો તમારી આ જૂની સાડીનું કાપડ ખૂબ જ સરસ હોય, તેનો પાલવ સુંદર હોય પણ તેનો કોઈ ખૂણો ચીરાઈ ગયો હોય અને તેના કારણે તમે પહેરી ન શકતા હોવ તો. સામાન્ય રીતે આવી સમસ્યા સિલ્કની સાડીઓમાં અને તેની બોર્ડરમાં થતી હોય છે. તો તેવા સમયે તમે તેની બોર્ડર બદલીને બહાર તૈયાર મળતી બોર્ડર લગાવી શકો છો અથવા તો તેના પાલવમાં પોમ પોમ્સ લગાવી શકો છો અથવા તો કુંદન કે પછી જરી કે પછી સિક્વીન વર્કવાળા પેચ કે બોર્ડર પણ મુકાવીને તેને સુંદર બનાવી શકો છો.

ઘરના શુશોભન માટે સાડીમાંથી બનાવો સુંદર ડેકોરેટીવ પીસ

આજકાલ ઘરના ડ્રોઈંગ રૂમમાં સોફા કે પછી સેટી કે પછી કોઈ દીવાન પર વિવિધ રંગના વિવિધ પેટનના રંગીન તકિયા તેમજ કવર રાખવાનો ટ્રેન્ડ છે. તો તમે તમારી સાડીમાંથી સુંદર તકિયાના કવર પણ બનાવી શકો છો. અથવા તો તેમાંથી સુંદર આસન બનાવી શકો છો. કે પછી પરદો અથવા તો દીવાલ માટે સુંદર વૉલપીસ પણ બનાવી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ