દોસ્ત તને થેન્કયુ – એક પત્નીએ પોતાના પતિને છુટાછેડા થયાના ત્રણ વર્ષ પછી લખ્યો પોતાની પરિસ્થિતિ સમજાવતો પત્ર…

ડીઅર બિહાગ,

હા તમે બરાબર અક્ષર ઓળખ્યા હું અંશિકા. છુટા પડ્યાના ત્રણ વર્ષ બાદ આમ અચાનક મારો પત્ર જોઈને ચોંકી જવાની કે ગભરાઈ જવાની કોઈ જરૂર નથી, આ પત્ર દ્વારા તમને મનાવવાનો કે તમારા જીવનમાં પાછા ફરવાનો મારો કોઈ ઈરાદો નથી કે તમને મારી યાદ અપાવવાનો પણ મારો કોઈ આશય નથી. આ તો મારા જીવનમાં મને અનુભવતી લાગણી ને એકવાર તમને કહેવી છે. મારે તમને થેન્ક્યુ કહેવું છે.. વિચાર માં પડી ગયાને કે તમે છુટ્ટાછેડા આપ્યા ત્યારે ઘર છોડીને હમેશા માટે નીકળતી વેળાએ હું ખુબ ગુસ્સામાં હતી ત્યારે તો તમારી સાથે બોલવા પણ નોહતી માંગતી અને આજે આમ અચાનક થેન્ક્યુ! પણ હા મારે ખરેખર તમારો આભાર વ્યક્ત કરવો છે.


ઘરેથી નીકળી સોરી તમારા ઘરેથી નીકળી ત્યારે મનમાં અઢળક દુઃખ અને ભીંજાયેલી પાંપણો પર ખુબ ભાર હતો. હાથમાં રહેલી સુટકેસ કરતા નિષ્ફળ સબંધ વધુ વજનદાર લાગી રહેલો. તૂટેલા સપનાની કરચો પગમાં ખૂંપી રહેલી ને પગ આગળ ડગલા નહોતા માંડી શકતા. વરસતી આંખો વારંવાર પાછું વળીને જોયા કરતી ઘરના રસ્તે કે ક્યાંક તમે પાછી બોલાવી લો!… રસ્તો પુરો થયો ને હું ઘરે પહોંચી આશાભરી આંખથી નિરાશા છેક મનમાં ઉતરી ગયેલી.


કેટલાય દિવસો સુધી હું રૂમમાં પુરાઈ રહેતી, રાત્રે બારીમાંથી દેખાતું કાળું આકાશ મને મારા જીવન જેવું અંધારિયું લાગવા લાગેલુ. લગ્ન સંબંધ તૂટ્યાનું દુઃખ મારી રગેરગમાં પ્રસરી ચૂકેલું, જીંદગી સાવ ખાલીખમ લાગવા લાગેલી, પણ કહેવાય છે ને કે “ટાઈમ હિલ્સ એવરીથીંગ” એમ સમય જતા જતા બધું ધીરે ધીરે બદલવા લાગ્યું હું ધીરે ધીરે રૂમની બહાર ઘરની બહાર નીકળતી થઈ, લોકોને મળતી થઈ મને મનગમતી મારી પ્રવુંતિઓમાં મન પરોવતી થઈ, હા હું ભૂતકાળને ભૂલી નહોતી પણ એ યાદ ના આવે એના પ્રયત્નો ચોક્કસ કરતી. મારી જીંદગી મે મારી રીતે ફરી શરુ કરી દીધી.

તમે લંડનથી એમ.ઈ. કરીને આવેલા પોતે મલ્ટીનેશનલ કંપનીમાં સારી પોસ્ટ પર જોબ કરતા અહી આવી તમે મારો દેખાવ અને મારી સીએસની ડીગ્રી જોઈને હા પાડી દીધેલી પણ તમારી રહેણીકરણી એડવાન્સ હતી અને તમને હમેશા હું સાદી ભાષામાં કહીએ તો ડોબી અને ગમાર લાગતી. ધીરે ધીરે તમને મારી માટે ઉતરતી લાગણી થવા લાગી.


પોતાની જીવનસાથી પોતાને લાયક નથી એવું તમને લાગતા તમને શરમ આવવા લાગી તમે ફેમીલી પાર્ટીમાં પણ એકલાજ જતા, તમે મારાથી દુર રહેવાનું શરુ કર્યું પછી તો નાની નાની વાતમાં ઝઘડા થવા લાગ્યા હું બધું ઠીક કરવાની કોશિષ કરતી તમારી કલ્પના જેવી જીવનસાથી બનવાની કોશિષ કરતી પણ તમને કંઈ ફેર ના પડતો અને તમે મને છૂટાછેડાના કાગળ પકડાવી પોતાની આઝાદી માંગી લીધી. બિહાગ તમે મને હમેશા કહેતા કે “તું સાવ સાદી સિમ્પલ છે તને તારા વિશેજ કંઈ સમજ નથી તો મને શું સમજવાની? તું તારી લાઇક ડીસલાઇક માટે સ્યોર નથી તને તારા પોતાના કોઈ નિર્ણય લેતા નથી આવડતા, તું જમાના પ્રમાણે ખુબ પાછળ છે”


બિહાગ તમને ખબર છે મારા તમારી સાથે લગ્ન થયા ત્યારે હું ૨૨ વર્ષની હતી. આ બાવીસ વર્ષ સુધી માં-બાપના ઘરે એમના મુજબ રહી ૨૨ વર્ષ સુધી જિંદગીના નિર્ણયો પપ્પા દ્વારાજ લેવાયા. દીકરીઓને પોતાની પસંદ જેવું ક્યાં કઈ હોય છે પપ્પા ને ગમે એમ રેહવાનું એમના નિયમો મુજબ, એમને યોગ્ય લાગે એવાજ કપડા પહેરવાના એમને નક્કી કરેલા સમય સુધીજ ઘરની બહાર આવવા જવાનું અને એમને યોગ્ય લગતા પાત્ર ને જીવનસાથી બનાવી એના નામે જીવન કરી નાંખવાનું. બારમાં ધોરણ પછી સીએસ પૂરું થયું અને તરતજ તમારી સાથે લગ્ન નક્કી થઈ ગયા… આજ સુધી પપ્પા મુજબ જીવાતી જીંદગી તમારા મુજબ જીવાવા લાગી. ઘર અને કોલેજથી વધારે દુનિયા જોવાનો અને જાણવાનો મોકોજ ક્યાં મળેલો. નાનપણથી મમ્મીને જોયેલી એના દરેક એકશનમાં એ પપ્પાનુ રીએક્શન પહેલા વિચારતી.


દાદી હમેશા કહેતી કે પુરુષો એટલે ઘડીકના માણસ આપણે જ એમના મુજબ ઢળવું પડે એ કહે એટલુંજ કરવાનું… આમારા સ્ત્રીઓનું પણ ખરું છે બાકી જન્મે ત્યારથી માં-બાપ મુજબ જીવવાનું, લગ્ન પછી પતિ મુજબ અને વૃદ્ધાવસ્થામાં દીકરા મુજબ, આખું જીવન સ્ત્રીની જિંદગીની દોર કોઈના કોઈ રૂપે પુરુષોના હાથેજ વણાતી હોય છે. નાનપણથી અમને દીકરીઓને શીખવાડવામાં આવે છે કે પતિનું ઘર એજ સ્વર્ગ અને પતી એજ પરમેશ્વર… એટલે મને મારું સ્વર્ગ અને પરમેશ્વર બંને ખોયાની લાગણીએ જ દુખી કરેલી. અરે સોરી સોરી હા તમને બહુ બોર કર્યા. કંટાળીને એવું ના માનતા કે આ થેન્ક્યુ વાળી વાત આ દુખી કહાની માટે હતી. હા હા હા … આતો બહુ લાંબા સમય બાદ તમારી સાથે વાત કરી રહી છું ને એટલે વધુ લખાઈ ગયું.. હા તો હવે મૂળ વાત પર આવું..


બિહાગ હું જોબ કરું છું અને મારું પોતાનું ૧ બીએચકેનું નાનકડું ઘર છે જેના દરવાજે મારા નામની નેમપ્લેટ છે. આજે લોકો મને મારા નામે ઓળખે છે. હું મારા પોતાના નિર્ણયો જાતે લઉ છું. મારું શીડ્યુલ્ડ મે મારા સમય મુજબ સેટ કર્યું છે કોઈના સમય સચવાશે કે નહી? કોઈ ગુસ્સે થશે તો! એવો ડર હવે મારા મનને નથી સતાવતો. હવે હું સવારની કોફી બાલ્કનીના હિંચકા પર આરામથી બેસીને પીવું છું સાથે છાપું પણ વાંચી શકું છું. મારી ઈચ્છા મુજબ ઘરની બહાર જાઉં છું. મારી સ્કુલની બહેનપણીને મળવા મારે હવે કોઈની પરમીશન નથી લેવી પડતી. હું મારા ખર્ચાઓ અને જરૂરિયાતો જાતે મેનેજ કરું છું અને એનો હિસાબ કોઈને નથી આપવો પડતો.


મને મન થાય ત્યારે લાલરંગ બિન્દાસ્ત પહેરુ છું. અરીસા સામે તૈયાર થતી વખતે એક પણ વાર વિચારવું નથી પડતું કે આં એને ગમશે કે નહી ગમે? મને મારી જાત ગમે એમ હું તૈયાર થાઉં છું. મને હમેશાથી ડાન્સનો ખુબ શોખ પણ પપ્પાને ના ગમતું એટલે મૂકી દીધેલો હવે ઓફીસ પતાવી સાંજે હું બાળકોને ડાન્સ શીખવું છું અને પોતે પણ જુમી લઉં છું.. ટૂંકમાં કહું તો હું મારું જીવન મારી રીતે અને મારી માટે જીવી રહી છું… હા શરુ શરૂમાં થોડી તકલીફ પડેલી પણ મને મારી આ જીંદગી ખુબ ગમવા લાગી છે.

બિહાગ આપણે છુટ્ટા પડ્યા ત્યારે તમે મને કહેલું કે આપણે ફ્રેન્ડ્સ બનીને રહી શકીએ પણ એ વખતે હું કંઈ બોલી નહોતી અને તમારી સાથેના દરેક સંબંધો તોડીને ચાલી આવેલી… પણ આજે વિચારું છું તો સમજાય છે કે ઢસડાતા જતા સંબંધો ને લોહીલુહાણ કરવા કરતા એને મુક્ત કરવા વધુ સારા. તમે ખોટા નોહતા ના હું ખોટી હતી… જીંદગી ભગવાન જીવવા માટે આપે છે પસાર કરવા નહી અને દરેક ને પોતાની પસંદગીનું જીવન જીવવાની આઝાદી છે.. સ્ત્રી પણ પોતાની ઈચ્છા મુજબ જીવી શકે છે એ વાત મે હવે જાણી છે… સ્વતંત્રતા એટલે શું એનો અનુભવ હવે થયો છે મને. ઈચ્છા, પસંદ-નાપસંદ, સ્વમાન, સ્વાભિમાન જેવા શબ્દો હવે સમજાય છે મને..


હમેશા બીજાના માટે જીવતી જીંદગી હવે હું મારા માટે પણ જીવું છું, હું પણ ઘણું બધું કરી શકું છું જીવનમાં, સાથે રહેતા વ્યક્તિને ખુશ રાખવાની કોશિષોમાં ઘણા વર્ષો ગુમાવી દીધા અને છેક હવે મારી જાતને મળી છું. અને આ બધા માટે હું તમને થેન્ક્યુ કેહવા માંગું છું… કોઈ પણ વાતનો અંત એક નવી શરૂઆતનું પ્રથમ પગથીયું હોય છે જો તમે મને આ સંબંધમાંથી મુક્ત ના કરી હોત તો હું હજી ત્યાં ની ત્યાં જ હોત અને કદાચ આપણે પાસે રહીને પણ દુર રહેતા હોત એકબીજા માટે મનમાં નફરત ભરી દુખી રહ્યા કરત.

અરે હા બિહાગ ઘણા લોકો કહેતા હોય છે કે “જોયું કેવી એકલી રહે છે બિન્દાસ્ત સાવ આઝાદ થઈ ગઈ છે ફારગતી લઈને તો જાણે પાંખો આવી ગઈ છે. આવી સ્વછંદી છોકરીઓ એમેય જાજું ટકે નહી સાસરે…” લોકોતો બસ જે દેખાય એ જોઈને વાતો બનાવી લેતા હોય છે .. બાકી એક હીરો ચમકતા પહેલા કેટલું ઘસાયો હશે એનો વિચાર ક્યાં કોઈ કરી શકે છે… બિહાગ હવે મે લોકોનું સાંભળવાનું અને કોઈ શું કહેશે એ વિષે વિચારવાનું છોડી દીધું છે.. હવે હું માત્ર એટલુંજ વિચારું છું કે મારું મન શું કહેશે? મને ગમશે?, બેક સીટ કે સાઈડ સીટ પર નહી હવે હું ડ્રાઈવિંગ સીટ પર બેસું છું મારી કારમાં અને મારી જિંદગીમાં. બિહાગ મને મારી સાથે ઓળખાળ કરાવવા માટે, મને સ્વતંત્ર જીવન નો અનુભવ કરાવવા માટે મને સ્વનિર્ભર બનાવા પ્રેરણા આપવા માટે, જીંદગી ખુબ સુંદર છે એ સમજવાની તક આપવા માટે દોસ્ત તમને થેન્ક્યુ..


લિ. તમારી નવી નવી બનેલી દોસ્ત.

ગુમાવીને ઘણું જીવનમાં,

પોતાની જાતને મેળવી છે…

પ્રેમ મને મારાથીજ થઈ ગયો,

એવી રીતે જીવવાની આદત કેળવી છે …

લેખક : સ્વાતિ સીલ્હર

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ