માની બંગડી – ઈશ્વર દરેક દિકરીને આવી સાસુ આપે… બસ પછી બીજું શું જોઈએ…

સૌમ્યાની આંખ ખુલી ગઈ ઘડિયાળમાં જોયું તો સવારના ૬:૦૦ વાગેલા.. એને બાજુમાં સુતેલા સૌમિલ તરફ પડખું ફેરવ્યું ને એને ઘડીક જોતી રહી. એક હળવું સ્મિત મોં પર આવ્યું ને તે હળવેકથી પથારીમાંથી ઉભી થઈ… ઘરમાં હજી બધા સુતેલાજ હતા… સૌમ્યાનો ઘરમાં લગ્ન પછીનો પહેલો દિવસ તે નાહીને બહાર આવી અને પોતાની સુટકેશ ખોલી બધાજ કપડા પર નજર ફેરવી અને ત્રીજા નંબરે મુકેલી લાલ સાડી હાથમાં લીધી.. તેને પહેરી તે તૈયાર થવા અરીસા સામે ગોઠવાઈ એનો ગોરોવાન ચહેરો ગુલાબી લાગી રહેલો સેંથીમાં સિંદુર…ગળામાં મંગળસુત્ર… સાથે ભીના ટપકતા વાળ.. ચહેરા પર લગ્નનો થાક અને એની આંખોમાં ડોકાતો લગ્નની પહેલીરાત નો ઉજાગરો… સૌમ્યા પોતાની જાતને નીરખી રહેલી, અરીસામાં પોતાની આંખો જોઈ અને એની આંખો લજ્જાથી ઢળી પડી… વાળ ઓળતા હાથ પર ધ્યાન ગયું ને જાણે કંઈ વિચારમાં ડૂબી ગઈ હોય એમ સ્તબ્ધ થઈ ગઈ… આગલી રાતે સેટ કરેલું ૬:૩૦ વાગ્યાનું એલાર્મ વાગ્યું ને ધ્યાન તૂટ્યું..


સૌમ્યા પોતાના ઓરડાની બહાર આવી.. ઘરમાં હજી થોડા મહેમાન હતા.. થોડો વિખરાયેલો સમાન… સજાવટ માટેના ફૂલો હવે કરમાઈને જમીન પર પડેલા… રૂમમાં પાથરેલા ગલીચા પણ વીંખાઈ ગયેલા.. સૌમ્યાએ સૌ પ્રથમ ઘરને ઠીક કર્યું.. સમાન વ્યવસ્થિત ગોઠવ્યો… અને સાવરણી શોધી ઘરમાં કચરો વાળવા લાગી… કચરો વાળતાં ફરી હાથ પર ધ્યાન ગયું.. હાથમાં બંગડીના હતી ને એને મમ્મીની યાદ આવી ગઈ..

સૌમ્યાએ મંદિરમાં દીવા-બત્તી કર્યા… ત્યાંજ સુલોચના બહેન બહાર આવ્યા. “ અરે વાહ! બેટા તું તો તૈયાર થઈ ગઈ હા…”સૌમ્યા ઉભી થઈ એમને પગે લાગી એના માથે હાથ મુકતા એ બોલ્યા.. “સુવું હતુંને હજી ..તું પણ થાકેલી હોઈશ..” “ના મમ્મી વ્હેલાજ આંખ ખુલી ગયેલી” “ભલે, ખુબજ સુંદર લાગે છે ..” સૌમ્યા સહેજ શરમાઈ ગઈ.. “મમ્મી તમે નાહી લ્યો હું ચા- નાસ્તો તૈયાર કરી દઉ..” “હા” કહી સુલોચના બહેન તેના રૂમમાં ગયા અને સૌમ્યા રસોડામાં ..

સૌમ્યા માટે ઘર સાવ નવું હતું અને રસોડું પણ … આજે ઘરનો અને નવી જિંદગીની શરૂઆતનો પહેલો દિવસ મનમાં ખુશીઓની સાથે સાથે થોડી નર્વસનેસ પણ હતી તોય સૌમ્યા પોતાની હોશિયારી અને આવડતને લીધે બધું પોતાની સુઝ મુજબ કરી રહેલી .. એને તપેલી ગેસ પર મૂકી લાઈટર હાથમાં લીધું ને પાછું હાથ પર ધ્યાન ગયું… ફરી હાથ પર નજર ગઈ અને એ બંગડી હાથ પર ના દેખાતા માં ની યાદ આવી ગઈ…

“સૌમ્યા બેટા, લે આ જો” દાદીએ લગ્ન પહેલા તેને બોલાવીને પાસે બેસાડી એક બંગડીનું બોક્સ હાથમાં આપતા કહેલું… બોક્સ ખોલતાજ ખુશ થઈ સૌમ્યાએ કહ્યું.. “અરે વાહ દાદી આ બંગડીતો બહુજ સરસ છે… હું પ્હેરુ?”


“અરે બેટા આ તારીજ છે … તારી માં ને પહેલાથી હીરાના દાગીના બહુજ ગમતા અને તું પાંચ વર્ષની થઈ ત્યારે તારી વર્ષગાંઠે તારી માં એ તારી માટે આ હીરાની ચાર બંગડી બનાવડાવેલી… અને કહેતી કે તારા લગ્ન સમયે તને આ પહેરાવશે..” સૌમ્યા દાદીની સામે જોઈ રહેલી
“હવે તારી માં તો નથી રહી આપણી સાથે પણ એના આશીર્વાદ રૂપ આ એની છેલ્લી નિશાની તારી માટે… લે દીકરા.. આને હમેશા પહેરી રાખજે હાથમાં…તારી માં ને ખુબ ગમશે..” દાદી સૌમ્યાના હાથમાં બંગડી પહેરાવતા બોલ્યા અને સૌમ્યા એમને ભેટી પડી.. માં ના ફોટા સામે જોઈ બેઉ રોઈ પડેલા…


“ગૂડ મોર્નિંગ , ડાર્લિંગ…” સૌમિલ ઉઠીને સીધો રસોડામાં ઘસી આવ્યો અને એના અડ્તાજ સૌમ્યાનું ધ્યાન રસોડામાં પાછું આવ્યું ને આંખમાં આવેલું આંસુ એને ઝડપથી લુછી નાંખ્યું … “શું થયું, સૌમ્યા બધું બરાબરતો છે ને ?” “હા , એકદમ બરાબર ..” “તો આંખો કેમ ભીની છે તારી?” “અરે એ તો એમજ, મમ્મીની યાદ આવી ગઈ.. અરે જો તમારી સાથે વાતોમાં મારી ચા ઉભરાઈ જશે તમે જલ્દી તૈયાર થઈ જાવ ચાલો મમ્મી પણ આવતા હશે નાસ્તો પણ તૈયાર છે …” સૌમ્યાએ વાત ટાળતા સૌમિલને બહાર મોક્લ્યોને પોતે કામમાં લાગી.

બધા તૈયાર થઈને ડાઈનીંગ ટેબલ પર ગોઠવાઈ ગયા સૌમ્યાએ બધાને ગરમ ચા સાથે ગરમાં ગરમ આલું પરોઠા પીરસ્યા.. બધાએ વખાણીને ખાધા અને એનો સંતોષ સૌમ્યાના ચહેરા પર દેખાઈ આવતો સાથે વચ્ચે ક્યાંક એનો ચહેરો નિરાશાથી ઘેરાઈ જતો… સવારથીજ વારંવાર દીવો કરતા, વાળ ઓળતા, કચરો વળતાં તો .. પરોઠા વણતા, ચા ગાળતા તો , નાસ્તો પીરસતા એની નજર એ માં ની બંગડી વિનાના પોતાના હાથ તરફ જતી… એનું મન અને આંખો બેય ભરાઈ આવતી…


રાત્રે પિતાના ઘરેથી વિદાય લઇ પોતાના ઘરે ઉંબરમાં ચોખાનો કળશ ઢોળી કંકુની થાળીમાં પગલા પાડી મંગલપ્રવેશ કરી રહેલી… ત્યાં રીવાજ મુજબ સોહાએ ઘરના દરવાજે હાથ મૂકી ભાઈ ભાભી નો રસ્તો રોક્યો… સોહા સૌમ્યની નાની બહેન અને સૌમ્યને ખુબ વ્હાલી.. ભાઈ એ તરત પૂછ્યું “બોલ શું જોઈએ છે મારી બેનુંડીને ?…” “ભાઈ હું જે માંગીશ એ આપવુંજ પડશે હો ..” એને પોતાના નખરાળા અંદાજમાં કહી દીધું
“હા ચોક્કસ આપીશ..” “ભાઈ મને ભાભીના હાથમાં પહેરેલી આ હીરાની બંગડી ખુબજ ગમી છે મને આ ચાર બંગડી જોઈએ છે..”

આ સાંભળતાજ સૌમ્યાના મનમાં એક ઊંડો ધ્રાસકો પડયો.. પોતાના સ્વર્ગવાસી માં ના છેલ્લા આશીર્વાદ હતા એ… આ સાંભળી સૌમિલે તરત સૌમ્યા સામે જોયેલું .. એ જાણતો કે સૌમ્યા શું અનુભવી રહી હશે …અને એને નજરથી સૌમ્યા તરફ ઈશારો કર્યો અને બોલ્વાજ જતો હતો કે સૌમ્યાએ એને રોક્યો સૌમ્યાને પોતાની માં ની છેલ્લી નિશાની ગુમાવ્યાનું દુખ હતું પણ પતીના જીવ સમાન પોતાની નણંદને ઘરમાં પ્રવેશ્તાજ તે દુખી કરવા નહોતી માંગતી, પોતાને કરિયાવરમાં મળેલ સંસ્કારો વશ તરતજ પોતાની પહેરેલી બંગડી ઉતારીને હસતા મોંએ સોહાને આપી દીધી…”


ચા-નાસ્તો પતાવી બધા ઉભા થયા ને સૌમ્યા રસોડામાં બધું મુકવા લાગી… “બેટા સૌમ્યા ..જરા મારા રૂમમાં આવજે તો, એક વાત કરવી છે “ સુલોચના બહેન સૌમ્યાને કહી પોતાના રૂમમાં ચાલ્યા ગયા .. સૌમ્યા બધું પતાવી હાથ ધોઈ .. સાડી સરખી કરી..”શું વાત હશે મમ્મી એ કેમ મને રૂમમાં બોલાવી?.. કોઈ ભૂલ તો નહી થઈ હોયને ?” .. વિચારતી તેમના રૂમમાં પ્રવેશી .. “આવ બેટા, બેસ..” સૌમ્યાને પોતાની પાસે સોફા પર બેસાડતા બોલ્યા..

“દીકરા તારા હાથ સુંદર છે પણ આજે સરસ નથી લાગતા…” સુલોચના બેન બોલી રહેલા .. અને સૌમ્યા પ્રશ્નાર્થ ભરી નજરે એમને જોઈ રહેલી ..સુલોચના બહેને બંગડીનું ચોરસ બોક્સ સૌમ્યાના હાથમાં આપતા કહ્યું “લે આ પહેરીલે એટલે હાથ સુંદર લાગે.. અને એમાં ચમકતા હીરાની જેમ મારી દીકરીનો ચહેરો પણ ચમકવા લાગે…”


“મમ્મી આ બંગડીતો ગઈકાલે સોહાબેનને આપી…..” સૌમ્યા આશ્ચર્યથી બોલી રહી ને એને વચ્ચે જ અટકાવી સુલોચના બહેન બોલ્યા .. “હા ગઈકાલે તે સોહાને આપી દીધેલી એ વાત બરાબર પણ હું આજે તને આપું છું .. બેટા, આ તારી મમ્મીની છેલ્લી નિશાની છે અને સાથે સાથે તેમના તારી માટેના આશીર્વાદ છે .. એમને હરખે તારી માટે કરાવેલી.. તારા હાથમાં આ નહી હોય તો એમને પણ દુખ થશે … અને રહી વાત સોહાની તો એનેતો આ બંગડીની ડીઝાઈન બહુ ગમે છે તે આપણે એની માટે આવી સેમ બીજી બંગડી કરાવી આપીશું… પછી તમે બેય નણંદ ભાભી સાથે પહેરીને ફરજો..” સૌમ્યા સુલોચના બહેન સામે જોઈ જ રહી… “થેન્ક્યુ મમ્મી “ કહેતા એની આંખો છલકાઈ ગઈ… તેના આંસુ લૂછતાં સુલોચના બહેન બોલ્યા ..”માં ને થેન્ક્યુ ના હોય બેટા..” એમને સૌમ્યાના હાથમાં બંગડી પહેરાવી.. સૌમ્યા સુલોચના બહેનને ભેટી પડી અને રડવા લાગી સુલોચના બહેન તેના માથે હાથ ફેરવવા લાગ્યા…. નવા સંબંધોમાં લાગણીઓની મીઠાશ ભળી ગઈ.

લેખક : સ્વાતિ સીલ્હર

દરરોજ આવી અનેક અવનવી અને નવીન વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર.