માજા વેલાનો વારસદાર – કુતરાના પગમાં દબાયેલ કચરાની કોથળીમાંથી ખાવાનું ખાવા સુધી મજબુર એ વ્યક્તિ…

સવારે નવેક વાગે આવીને એણે નાસ્તા-ઘર ખોલ્યું રાત્રે ઘરાકી ઘણી હતી. મોડા સુધી એ ખુલ્લું રાખ્યું હતું, આથી ઘણો કચરો થયો હતો. નોકર હજુ આવ્યો ના હતો આથી તેને જાતે કચરો વાળ્યો ને ભેગો થયેલો કચરો એક કાગળમાં લઈ પડીકું વળી રસ્તાની સામેની દીવાલે એક કૂતરાંની ચાટ હતી ત્યાં ઘા કર્યો. જેવું એ કચરાનું પડીકું ચાટની બાજુમાં પડ્યું કે કૂતરો તે પડીકું તોડી અંદરનો સુગંધીદાર કચરો ખાવા લાગ્યો. એટલામાં તો એક મેલાં-ઘેલાં અને ફાટી ગયેલાં કપડાંવાળો માણસ ઘસી આવ્યો ને કૂતરાના પગ વચ્ચેથી પેલા કચરાનું પડીકું ઉપાડી લીધું ને કૂતરાને ખાતાં વધેલો નાસ્તાનો ભૂકો તે આરામથી ખાવા લાગ્યો. કૂતરો પૂંછડી હલાવતો તેની સામે જોઈ રહ્યો.

image source

ચાટમાં પડેલી ડબ્બીઓ એક પછી એક ઉપાડી આઈસ્ક્રીમનો સ્વાદ માણી લીધા પછી એણે ખિસ્સામાંથી બીડી-સિગારેટનાં કેટલાંક ઠોઠાં કાઢી એક સિગારેટનું મોટું ઠોઠું પસંદ કરી એની પાસે બાક્સ માગી. ઠોઠું સળગાવીને ચાટ પાસે પગ પર પગ ચડાવીને ધુમાડા કાઢવા લાગ્યો. નાસ્તા-ઘરવાળો આ બધું જોઈ રહ્યો હતો. તેણે ઇશારાથી એને બોલાવ્યો. ” નાસ્તો કરી લીધો. હવે ખાવો છે બીજો ?” એને પૂછ્યું.

” સાહેબ આ તમારી ત્રીજી દુકાન છે, અગાઉની બે દુકાને તો કોઈ ભાગ પડાવવા વાળું કૂતરું પણ ના હતું એમાંથી તો જલેબી પણ નીકળી હતી શું મજા પડી હતી ખાવાની ! તમે જોયું નહીં ? નાસ્તા પછી આઈસ્ક્રીમ પણ પીધો ને છેલ્લે સિંગારેટનો દમ માર્યો. મને ખબર છે કે સવારે કઈ દુકાન પહેલી ખુલ્લે છે ! જરા ખટકો રાખું એટલે સવારનો નાસ્તો થઈ જાય .”

image source

” ક્યાં રહે છે ? ” ” આપણે ઊગમણો દરવાજો નથી કહેવાતો ? એથી આગળ ચાલીએ તો નગરપાલિકાએ બંધાવેલ જાજરૂ આવે છે, ને બાજુમાં મોટો ખાડો છે, ત્યાં બધાં કચરો નાખે છે ને ક્યારેક એઠાં પડિયાં-પતરાળાં નાખી જાય છે એની બાજુમાં જ અમે રહીએ છીએ.” માથામાં આંગળીઓને કાંસકાની જેમ ફેરવતાં ફેરવતાં એ બોલ્યો. ” કેટલા જણનો પરિવાર છે. ?” દુકાનદારે પૂછ્યું.

એ થોડીવાર અટક્યો. બીજું બીડીનું ઠુંઠું સલગાવ્યું. ઊંડો કસ ખેંચ્યો. હસવા લાગ્યો પણ ઉધરસ ચડી ગઈ.હસી ના શક્યો. ” આમતો હું મારી ઘરવાળી ને અમારી ખુડી. બધા ભાઈ અમે જુદા થઈ ગયા. માજા વેલાનું નામ તમે કદાચ સાંભળ્યું હશે. પાંત્રીસ જણ થાતાં હતાં અમે. આમારી બાજુની જમીનમાં એક શેઠે ગોડાઉન જેવું કોઈ મકાન બનાવ્યું એટલે થોડાને એમણે કાઢી મૂક્યાં એટલે એ ઊગમણી છઠ્ઠી બારી કહેવાય છે ને ત્યાંથી જે મોટી ગટર જાય છે તેના કિનારે રહેવા ગયાં.”

” તે તારી ઘરવાળી ને તારી દીકરી શું નામ ? હા ખુડી , એમને કોણ ખાવાનું આપે ? ” બીજી વખત બુઝાઈ ગયેલા બીડીના ઠોઠાને ફેંકતાં એ બોલ્યો. ” સાયેબ આમતો અમે ત્રણ સાથે નીકળતાં, પણ , અમારી ખુડી જરા શોખીન. જાતજાતની પટ્ટીઓ પાડે . ઉપરથી એક સ્મશાનના કેયડાના ઝાડ પર રંગરંગીલૂં એક ફરાક લટકાતું હતું . તે તેની માએ ઉપાડી લીધુને ખુડીને પહેરાવ્યું, તો એતો એવી રૂપાળી લાગેને ! જાણે કોઈ શઉકારની દીકરી !

image source

એવી રૂપાળી છોરી આમારી સાથે જોઈ કેટલાક લોકોએ અમને તો ઘેરી લીધાં, બોલો ! ને કહેવા લાગ્યા ‘ આલ્યા આ કોઈની છોકરી ઉપાડી લાવ્યાં છે , પકડો ‘ અને પછી સાહેબ આખું ટોળું અમારા પર તૂટી પડ્યું બોલો. અમે તો માર ખાધી ! એટલી માર ખાધી! કે શેઠ મારી ઘરવાળીના કાનમાંથી લોહી આવ્યું. મેં તો ઘણી વખત માર ખાધેલી એટલે મારો બઇળો તો રીઢો થઈ ગયેલો એટલે મેં તો ઝીંક ઝીલી લીધી. ઇતો પોલીસવાળા આવી ગયા ને અમે બચ્યાં, નહિ તો અમારાં સોએ વરહ ત’દિ પુરા થઇ જાત. બસ ત્યારથી ખુડી ને એની મા પ્લાસ્ટી વેંણવા જાય છે ને એમનું પૂરું કરી લે, પણ પેલું ફરાક ના પહેરાવે હો .” બોલતાં બોલતાં વળી પાછી ઉધરસ આવવાથી તે અટક્યો.

” હા આ માજા વેલાની વાત તેં કરી એની એક વખત મારા દાદા વાત કરતા હતા ખરા , એ ટાવરની બાજુમાં આવીને બેસતો . ? ” ” હા શેઠ , બસ એજ મારા પર દાદા, મેં તો જોયેલા નહીં, પણ કહે છે કે મનના બહુ મોટા હતા. પૂરાં હો વરહ જીવ્યા હતા. એવું મારા બાપા કહેતા હતા. ” મનના મોટા હતા એ શેના ઉપરથી તેં કીધું ” ઘરાકી ચાલુ થઈ ના હતી એટલે નાસ્તા-ઘરવાળો પણ ખીલ્યો હતો.

” શેઠ, માજા વેલાનો એક ભાઈબંધ. નામ એનું હતું ઝેણીયો. એ એક વખત રાતના સમે એક દુકાનદારનો તેલનો ડબ્બો ચોરતાં પકડાઈ ગયેલો, ને મારા પર દાદા માજા વેલા, તળાવની પાળે સુકાતી એક શેઠાણીની સાડી લઈને ભગ્યા હતા ને પકડાઈ ગયેલા. બંને જણની પછી એ જેલમાં ઓળખાણ થયેલી. કે’વાય છે ને કે ભાઈ કરતાં ભાઈબંધી વધે ! બસ ત્યારથી એમની ભાઈબંધી. જીગરજાન ભાઈબંધ. મેં સાંભળેલું , લગ્નગાળાની સિઝન ચાલી રહેલી ને ઝેણિયો એક વખત આ શહેરમાં આવેલો ને માજા વેલાનો એ મહેમાન બનેલો. રાતનો સમય હતો. બે ભાઈબંધ ભેગા થયા ને એમની વાતું સાંભળવા માજા વેલાનું આખું પાંત્રીહ માણહનું કટંબ ભેગું થયેલું શેઠ.

કેવાય છે કે મારા એ પર દાદા ઝેનિયાને એયને નવાં વીણી લાવેલાં કાગળના પૂંઠાની ગાદી પર બેસાડેલો. એવું બન્યું કે દાદાનો ચોથા નમરનો પચાહ વરહની ઉંમરનો છોકરો, વનો એજ દિવસે કોઈક જગ્યાએથી હોકો મારી લાવેલોને દાદાએતો પછી હોકો ભરીને ફરતો કરેલો ને શેઠ ! આખું ટોળું ! આહા…હા.. કે’સે એવો ટેસડો કરેલોને કે ઝેણીયો તો હોકાના મીઠા મીઠા ધુમાડાથી રાજી રાજી થઈ ગયેલો. લગ્નગળાની સિઝન! એયને બેન્ડવાજાના અવાજ , ફટાકડાના ભડાકાને આકાશમાં એવા રંગ ઉડેને ! એ ખાડામાંથી આવતી ફરસાણની સુગંધ ! શું વાત કરું ! એ એઠવાડામાં આવેલાં ભજિયાંની સુગંધથી આખો મહેલ્લો મહેકી ઉઠેલો. જાણે અમારે પોતાને ઘરે અવસર !

image source

ખાડામાં મજૂરીયા પડિયાં-પતરા નાખવા આવેલાં રાતના કે’ સે બાર થવા આવ્યા હશે, ને દાદાએ વનાને ખાસ ઓડર આલેલો કે જા વના, એકેય આઈટમ રઇ ના જવી જોઈએ. આજ તો મારો ભાઈબંધેય જાણે કે માજા વેલાની એણે મહેમાનગતી માણેલી. ને પછી તો કે ‘સે ચાર- પાંચ જવાનીયા એ ખાડાની આગળ જ ખડે પગે ઊભા રહ્યા. ફરસાણ, મીઠાઈ,દાળ-ભાત ને આહા ચાઈનીઝ જેમ જેમ પડીયાવળી બાઈઓ ખાડામાં પડિયાં નાખતી ગઈ તેમ સાચવી સાચવીને દરેક આઈટમનાં તાંસળાં અલગ અલગ ભરી લીધા . ને ઝેણીયો તો ખાઈ ખાઈને આફરી ગયો હો શેઠ. આખા પરિવારે મિજબાની કરેલી. ઘરે મહેમાન હતા ને ! પછી કાંઈ ખામી રખાય ?

મારા એ પર દાદા કે’ સે આસક્રીમના બહુ શોખીન. વનો એમનો છોકરો ભૂલે ? પછી તો આઈસ્ક્રીમનાં બધાં ખાલી ડબલાં નીચોવી નીચોવી ને મહેમાનને આસ્ક્રીમ પીવડાવ્યો. ને મારા એ પર દાદાની લાંબી લાંબી મૂછો એ રૂની પુણી જેવી થઈ ગયેલી આસ્ક્રીમ પીધેલોને . આવી હતી મારા પર દાદા માજા વેલાની જાહોજલાલી ! તે આજેય મને ઘણી વખત યાદ આવે ! બોલો શેઠ લાવો દુકાનમાં પોતું મારી આલું ? હવે ઘરાકીનો ટેમ થ્યો. આટલું બોલીને માજા વેલાનો એ વારસદાર પોરસાવા લાગ્યો.

લેખક : સરદારખાન મલેક

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ