દાને દાને પર લિખા હૈં… – માણસાઈની મીઠી વાતો જાણીને તમારું હૈયું પણ ગદગદિત થઇ જશે, લાગણીસભર વાર્તા…

લીંબુ ઠેરે એવી વાંકડી, કાળી ભમર મૂછો, ને લાલ ચણોઠી જેવી આંખો એટલે ગામના દરબાર ઉસોબાપુ. ઘરે ત્રણ- ત્રણ સાંતીડાં ખેડે એટલી ખેતીની જમીન પણ છોકરા નાની ઉંમરે એટલે ખેતીનું કામ બધું સાથીઓ પર આધારિત. ગામની ચારેય દિશાએ ખેતર, આથી ઉસોબાપુ ઘોડી ઉપર રાતભર સીમશેઢે ફરતા હોય.

બાપુની હાક પણ એટલી કે ગામ આખામાં સીમચોરીનાં છમકલાં થાતાં રહે પણ કોઈની દેણ નહીં કે બાપુના ખેતરમાં ઉતરવાની હિંમત કરે. માલઢોરવાળા પણ બાપુની રજા વગર તેમના ખેતરના શેઢે ઢોર ચારવા ઊતરી ના શકે. ગામમાં પણ ઉશોબાપુ પાંચમા પુછાય. ગામના કોઈ સારાભલા કામમાં બાપુની સલાહ લેવામાં આવે.

પીઠે હાથ ફેરવો તો હાથ લસરકી જાય તેવી બે-ત્રણ હથણી જેવી ભેંસો, આથી દુધણું તો લગભગ બારે માસને ઘી-દૂધની રેલમછેલ. ભરભાંખરામાં છાસ વલોવાતી હોય,ઘર… ઘર..ઘંટી ફરતી હોય ને સવાર પડે ત્યાં સુધીતો છાસ લેવાવાળાંની લાઈન લાગી જાય. પાણી ભરવાવાળી ને છાણ- વાંસિંદૂ કરવાવાળી બાઈઓ મન ચાહે એટલી છાસની દોણીઓ ભરી ભરીને લઈ જાય. પછી ઘરવપરાસ માટે રાખી, વધે એટલી છાસ ગામનાં ગરીબગુરબાંને આપી દે.

ઉસાબાપુનાં ઘરવળાં મોટા મનનાં. ખાવા-પીવામાં સાથીઓ (ખેતમજૂર) ને પંડના દીકરાઓ વચ્ચે કોઈ ભેદભાવ નહીં. ખેતરે બધાનું ભાત એકજ સરખું જાય. ક્યારેક ઘીથી લચપચતી લાપસી તો ક્યારેક વળી કઢીયાલ દૂધની ખીર , ઘઉંની રોટલી ને રીંગણનું ભડથું. કામકરવાવાળા સાથીઓ જ્યારે લીમડાના છાંયેથી ભાતું ખાઈને ઊઠે ત્યારે અમીના ઓડકાર આવે.

image source

કામ કરતા સાથીને ઘેર કોઈ સારો માઠો પ્રસંગ હોય ત્યારે, પૈસાથી માંડી, ગાડું, બળદ, કે દૂધ ઘી લઈ જવાની છૂટ. સાથીઓ પણ ખૂબ હોંશથી જાણે પોતાના ઘરનું કામ કરતા હોય એવું મન દઈને કામ કરે.

વરહ વીતવા આવે ને ખેતરોમાંથી પાકેલો પાક બાજરી,જુવાર, ગુવાર, મગ ખળામાં ( ગામની નજીક જ્યાં પાક પીલી સાફ કરવામાં આવતી હોય તેવી જગ્યા) આવે, ત્યારે સાથીઓને ભરોસે માલ પડ્યો હોય. બધા માણસો એક સરખા હોતા નથી. કેટલાક એવા પણ હોય કે મીઠા ઝાડનાં મૂળ કાઢી લેતાં વિચાર ના કરે. એક સાથીને એવી ટેવ પડી ગયેલી કે તૈયાર માલ જોઈ એનું મન લલચાઈ જાય તેથી રાતના સમયે એ થોડા માલનો હાથફેરો કરી લે. એકાદ વખત ઉસાબાપુ જોઈ ગયેલા. પણ એમણે મોટું મન રાખી વિચાર કર્યો, ‘હશે રંધાય ત્યાં થોડું બગડે પણ ખરું.’ એ વખતે એમણે આંખ આડા કાન કરી દીધેલા.

મોટી ખેતી એટલે બાપુને વરહેદાડે પાંચસો છસ્સો મણ બિનપીયતના ઘઉં પેદા થાય. ઘઉં વઢાઈને ખળામાં આવે પછી મહિનો પંદર દિવસ સુધી ખળા લેવાતાં હોય. ઘઉં ચોખ્ખા થઈ પછી ઘરની કોઠીયું ને કોઠારોમાં ભરાય.

બન્યું એવું કે ઘઉં લેવાતા હતા તેવામાં રાતના સમયે તાભા નામના એક સાથીને હાથફેરો કરતાં બાપુના દીકરાએ રંગે હાથ પકડ્યો. તભો ડાંખળાવાળા ઘઉંની પોટકી ઉપાડીને જેવો પોતાના ઘરના બારણામાં દાખલ થવા જતો હતો ને ઉસાબાપુનો દીકરો જોઈ ગયો. તભાની હાલત એ વખતે વાઢયો હોય તો લોહી ના નીકળે એવી થઈ ગઈ. બાપુના દીકરાએ માત્ર ટકોર કરી ને એને જવા દીધો.

image source

સવારે દીકરાએ બાપુને વાત કરી પણ જમાનો પારખી બેઠેલા, બાપુના પેટનું પાણી ના હલ્યું. બીજે દિવસે તભાને બોલાવવામાં આવ્યો. થર થર ધ્રૂજતો તભો આવ્યો. બાપુના હાથમાં નેતરનો ગેડીયો જોઈ એનાં ગાતર ઢીલાં થઈ ગયાં. બાપુ તભાને એકાંતમાં લઈ ગયા. તભો નત મસ્તકે ઊભો છે. લાચારીનો માર્યો તે બાપુ સામે નજર મિલાવી નથી શકતો.

” તભા, મારી સામું જો. ” બાપુએ મૃદુ અવાજે બોલી આગળ ઉમેર્યું, “જે કામ તેં કરેલું ના હોય તે તને ના આવડે, ચોરી કરતાં તને આવડી નઇ! નઇ તો તું પકડાય ખરો ? એવુ બધું તો થાતું રહે , પણ સીંડે આવ્યો તે ચોર ગણાય ! તભા !” ” ચોર ” શબ્દ સાંભળી તભાના શરીરમાંથી ભયનું એક લખલખું પસાર થઈ ગયું. ” બીજું તો ઠીક તભા ! મને એ વાતની ઘેડ ના બેઠી કે, એક બાજુ ચોખ્ખા કરેલા ઘઉંનો ઢગલો પડ્યો હતો ને બીજી બાજુ ચોખ્ખા કર્યા વગરના ઘઉં , તો તેં ચોખ્ખા ઘઉં ના લીધા ને આ ડૂરવાળા ઘઉંનું પોટકું કેમ બાંધ્યું. ?”

” બાપુ એ મોતીના દાણા જેવા ઘઉંની ચોરી કરતાં મને તમારી આંખોની શરમ આડે આવતી હતી !” નીચી મૂંડીયે તભાએ જવાબ આપ્યો. “શાબાશ મારા વાઘ ! આવા સમયે પણ તને મારી આંખની અડી ? આ સાંભળી મને ટાઢક વળી ! મને ભરોંશો હતો કે મારા માણસને આ કામ કરતાં દુઃખ જરૂર થયું હશે.” ” મને એક બીજી સમજણ પાડ તભા, હું જાણું છું, કે તારે ઘેર તો તમારે બે માણહને વરહ દિ’ ખાય એટલી બાજરી કોઠીમાં પડી છે. તો પછી તારે આવું કામ કરવાની શું જરૂર પડી ? ”

image source

” બાપુ, આપ તો જાણો છો કે મારી નાની દીકરી દુબળા ઘરની છે, જમાઈમાં કમાવાની ત્રેવડ નથી. મારે વખતો વખત તેનું પણ પૂરું પાળવું પડે છે…તભાની વાત કાપતાં બાપુ વચ્ચેથીજ બોલી ઉઠયા….. “બસ…બસ, તભા સમજી ગયો .હવે આખી વાતનો મેળ બેઠો. આખી રાત મેં વિચાર કરેલો, કે આ ચોખ્ખા હાથનો તભો આવું વગર વિચાર્યું પગલું ભરે નઇ ! છતાં કેમ આવી બીના બની ! હવે તાળો મળી ગયો.તારી દીકરી ભીખીની વાત છે ને.?”

” હોવે, બાપુ મારો જમાઈ બે દિવસથી મારે ઘરે આવી ને બેઠો છે, કોઈ મારગ હુઝતો ન’તો, અને ભીખીની બૈ (મા) મારી પાછળ હાથ ધોઈને પડેલી, એટલે બાપુ મેં આ બેસવાની ડાળ પર કુહાડાનો ઘા માર્યો.” તભો આટલું બોલતાં બોલતાં તો શ્વાસે ભરાઈ ગયો. ” અરે મારા હાથમાં રમીને મોટી થયેલી એ તારી દીકરીને આ દાણા મોકલવા હતા ?” ” હા બાપુ ” તભાને હવે બાપુ પર ભરોંસો આવી ગયો હતો. ” વાહ તભા વાહ ! તું હજુ મને ના ઓળખી શક્યો ! તારી દીકરી એ મારી દીકરી નઇ ?”

image source

” પણ બાપુ ક્યાં સુધી હું મેંઠા ઝાડનાં મૂળ ખોદુ ? હજુ ગઈ દિવાળીએ તો તમે એને જોડ લુઘડાં લઈ આપેલાં.” તભો હિંમતમાં આવી ગયો હતો. ” જો તભા કુંવાસીને કાંઈ આપવું એ દાન નથી, છતાં ઉપરવાળો આવી લેણદેણને આપણા પુણ્યના ચોપડાના પહેલા પાને જમા કરે છે. તું અત્યારે જા. રાતે ગાડું ખળે લઈને આવ, રાતો રાત દીકરીને ઘેર ઘઉં પહોંચતા કર. કોઈ પૂછે તો કહેજે કે લેણા રૂપિયા નીકળતા હતા. એના બદલામાં આ એક બેડીયું ( વિસ મણનું એક બેડીયું) ઘઉં રાખ્યા છે. સાચી વાત શું છે તે કોઈને ના કરતો. દીકરી,જમાઈ કે તારાં ઘરવળાંને પણ આ વાતની જાણ ના થવી જોઈએ.”

તભો તો ગદગદ થતો ઉતાવળે પગે ચાલતો થયો. ઉસાબાપુએ પછી દીકરાને બોલાવ્યો. ” આજ તારી પણ પરીક્ષા થઈ બેટા, અખુભા , તેં એ સારું કર્યું કે, તભાના બારણે પહોંચેલું અનાજ પાછું ના વળાવ્યું . જો તેમ થયું હોત તો એ અનાજ આપણને બદદુઆ આપત ! આપણી કમાણી ઉપરથી બરક્ત ઊઠી જાત બેટા ! તેં તો સાંભળ્યું હશે કે , ઉપરવાળો દાણા દાણા પર ખાનારનું નામ લખે છે ! ”

” બાપુ મેં આપનું એઠું પાણી પીધેલું ખરું ને ! એટલે આવું થઈ ગયું.” અખુભા બોલ્યો. ” બેટા જો તેં એ અનાજનું પોટલું પાછું લઈ લીધુ હોત, તો પણ મને જિનગી ભર મારી ઓલાદ પર ઓરતો રહી જાત. પણ તેં કોઈ ભૂલ નથી કરી શાબાશ બેટા ! શાબાશ ! ધન છે તારી જણનારીને ! ખુદા ખૈર કરે ! એટલું યાદ રાખજે બેટા , કે કાયમી તંગી ભોગવતાં આ ભોળા દિલના માનવીઓનું મન ક્યારેક લપટાઈ જાય એમાં એમનો વાંક નથી હોતો બેટા ! સંજોગો એમને આવું કરાવે છે. હું એને ગુનો નથી સમજતો.”

image source

બાપ દીકરા વચ્ચે માણસાઈનો આવો મીઠો સંવાદ ચાલતો હતો તે વખતેજ દૂરથી આવતી અઝાને જાણે સાક્ષી પુરી, ” અલ્લાહો અકબર ,અલ્લાહો અકબર ! મતલબ -અલ્લાહ ! ઈશ્વર ! આ દુનિયામાં સર્વોપરી છે.

લેખક : સરદારખાન મલેક

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ