લસણીયા બટેટાના ભજીયા – ભજીયા પ્રેમીઓ માટે નવીન વેરાયટી…

મિત્રો, સીઝન ચોમાસાની હોય કે ઉનાળાની ભજીયાતો બધાને જ પસંદ હોય છે. મિત્રો, માટે આજે હું ભજીયાની જુની અને જાણીતી પણ સૌની માનીતી એવી રેસિપી શેર કરવા જઈ રહી છુ. મિત્રો આપણે ભજીયાની ઘણી વેરીયટીઓ જોઈ તો લસણીયા બટેટા શી રીતે ભૂલી શકાય ? તો ચાલો બનાવીએ લસણીયા બટેટા.

સામગ્રીઃ


Ø 250 ગ્રામ બટેટા

Ø 150 ગ્રામ બેસન

Ø 2 ટે -સ્પૂન લસણ અને લાલ મરચાની ચટણી

Ø 2 ટે -સ્પૂન લીંબુ નો રસ

Ø નમક સ્વાદ મુજબ

Ø ચપટી ધાણા જીરુ

Ø ચપટી હિંગ

Ø ચપટી હળદર

Ø ચપટી કુકિંગ સોડા

Ø તેલ તળવા માટે

રીત:


1) લસણીયા બટેટા બનાવવા માટે, સૌ પ્રથમ આપણે બટેટાને સાફ પાણી થી ધોઈને સાફ કરીશુ. લસણીયા બટેટા બનાવવા માટે લંબગોળ નાનકડા બટેટા જ પસંદ કરવા, હવે આ બટેટા ને બરાબર વચ્ચેથી આડો અને ઉભો કાપો મુકો, આ રીતે કાપો મુકવાથી બટેટા અંદરની સાઈડ પણ સરસ બફાય જાય છે. હવે આ કાપેલા બટેટાને પ્રેસર કુકરમાં ત્રણ વિસલ વગાડીને બાફી લો. બટેટા બાફતી વખતે એ વાત નું ખાસ ધ્યાન રાખવાનું છે કે, વધારે ના બફાય જાય તેમ જ અંદરથી કડક પણ ના રહેવા જોઈએ. બટેટા બફાય ગયા બાદ તેની છાલ ઉતારી લો.


2) હવે આપણે સ્ટફીંગ માટેની લસણની ચટણી તૈયાર કરીએ. તે માટે પંદરેક કળી લસણ અને એક ટે-સ્પૂન લાલ મરચું સાથે ક્રશ કરીને ચટણી બનાવો, તેમાં ચપટી મીઠું અને લીંબુનો રસ ઉમેરો. થોડો લીંબુનો રસ બેટર તૈયાર કરવા બચાવો. બધું સરસ મિકસ કરો. બટેટા ભરવા માટેનું આપણું આ સ્ટફિંગ તૈયાર છે.


3) બટેટામાં પાડેલ કાપામાં સ્ટફિંગ ભરી લો. ટેસ્ટ મુજબ સ્ટફિંગ વધારે-ઓછું ભરી શકાય. હવે તળવા માટેનું તેલ ગરમ કરવા મુકી દો. તેલ ગરમ થાય ત્યાં સુધી લોટ ડોઇને તૈયાર કરી લઈએ.


4) ભજીયા તળવા માટે ઘરે દળેલ ચણાનો ઝીણો લોટ અથવા તૈયાર બેસન કોઈ પણ ચાલે. લોટ વાપરતા પહેલા હંમેશા ચાળી લેવો. મોટા વાસણમાં આ લોટ લઇ લો. જેથી મિક્સ કરવામાં સરળતા રહે. હવે તેમાં મીઠું, ધાણાજીરુ, હિંગ , હળદર નાંખી બરાબર મિક્સ કરી લો. ધાણાજીરુ ઑપ્શનલ છે.


5) તેમાં થોડું-થોડું પાણી નાખીને બેટર તૈયાર કરો. છતાં પણ ક્યારેક લોટ પાતળો થઈ જાય, તો એક્સટ્રા લોટ નાખીને ઘટ્ટ કરી શકાય. લોટ ડોઈને સ્મૂથ બેટર તૈયાર કરવાનું છે. ગઠ્ઠા ના રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. હવે તેમાં ચપટી કુકીંગ સોડા અને લીંબુ નો રસ નાખી ફરી મિક્સ કરી લો. લસણીયા બટેટા માટેનું આપણું આ બેટર તૈયાર છે. હવે આપણે ભજીયા તળી લઈએ.


6) ભજીયા તળવા માટે મિડીયમ તેલ ગરમ કરો. સ્ટફિંગ ભરેલા બટેટા ડોયેલા લોટમાં મૂકીને આખા બટેટા પર લોટ ચડી જાય એ રીતે બટેટા લોટમાં ડુબાડીને સેટ કરી લો. હળવા હાથે તેલમાં તળી લો. સ્ટવની ફલેમ મિડિયમ જ રાખો. ફેરવી ફેરવીને તળી લો. આપણે બટેટા બાફેલા છે માટે વધારે વાર ચડવા દેવાની જરુર નથી.


7) બસ તો આ તૈયાર છે લસણીયા બટેટા જેને ગરમા -ગરમ સર્વ કરો. લસણીયા બટેટા ગ્રીન ચટણી, મીઠી ચટણી તેમજ દહીં સાથે ખાવાની ખુબ જ મજા પડી જાય છે.


તો ભજીયા ખાવાનું ચૂકશો નહિ આજે જ ટાઈમ કાઢીને બનાવી લેજો. ખાજો અને આપના સગા-વ્હલાઓને પણ હોંશેથી ખવડાવજો લસણીયા બટેટા

નોંધ :-

લસણની ચટણીમાં હાફ ટેબલ સ્પૂન સીંગદાણાનો પાવડર પણ ઉમેરી શકાય. જો ભજીયા તળ્યા બાદ ડોયેલ લોટ વધે તો તેમાં મનપસંદ મસાલા અને શાકભાજી નાખીને પુડલા પણ બનાવી શકાય.

આ રેસિપીનો વિડીયો જોવા અહીં ક્લિક કરો :