આજની પોઝિટિવ સ્ટોરી: લાભચંદ્ર જનાર્દન કુહીકર, અમદાવાદ બતાવવાવાળો નહીં, અમદાવાદને ‘બદલનારો’ રિક્ષાવાળો

લાભચંદ્ર જનાર્દન કુહીકરઃ અમદાવાદ બતાવવાવાળો નહીં, અમદાવાદને ‘બદલનારો’ રિક્ષાવાળો

1987માં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ ‘મા-બાપ’માં કિશોરકુમારે ગાયેલું એક સુંદર ગીત હતું- ‘હું અમદાવાદનો રિક્ષાવાળો, નવસો નવાણું નંબરવાળો, અમદાવાદ બતાવું ચાલો…’ આ ગીત ખૂબ લોકપ્રિય થયું હતું. એ ગીતમાં રિક્ષાવાળો “અમદાવાદ બતાવું”ની વાત કરે છે, અમદાવાદમાં એક એવો રિક્ષાવાળો છે જે “અમદાવાદને બદલવાની” વાત કરે છે. ના, વાત નથી કરતો, અમદાવાદના આ ઓટો રિક્ષા ચાલકે પોતાના સમાજનો ઉત્કર્ષ કરીને અમદાવાદ શહેરમાં રચનાત્મક પરિવર્તનો લાવવામાં સફળતા મેળવી છે.

અમદાવાદ અને ઓટો રિક્ષાનો સંબંધ જૂનો અને ધબકતો છે. 60 લાખની વસતી ધરાવતા અમદાવાદ શહેરને ધબકતું રાખવામાં હજારો ઓટો રિક્ષાનું પ્રદાન છે. શહેરમાં આશરે 1,83,000 ઓટો રિક્ષાઓ છે. અમદાવાદ શહેરના વિકાસમાં ઓટો રિક્ષાનું પણ, પોતાની રીતનું પ્રદાન છે જ.

આજે એક એવા ઓટો રિક્ષાચાલકની વાત કરવી છે જેણે, ઓટો રિક્ષાચાલક તરીકે તો પોતાની ભૂમિકા નિષ્ઠા સાથે ભજવી, સાથે સાથે તેમણે પોતાના સમગ્ર સમાજનો પણ ઉત્કર્ષ કર્યો. પોતે ભલે 37 વર્ષ રિક્ષા ચલાવી, પણ સમાજના યુવાનોને શિક્ષિત કરીને તેમને અદ્યતન કારમાં બેસતા કર્યાં.

તેમનું નામ લાભચંદ્ર જર્નાદન કુહીકર. પહેલી માર્ચ, 1952ના રોજ જન્મેલા લાભચંદ્રભાઈ જાણે કે ‘હલબા’ સમાજને લાભ કરાવવા જ જન્મ્યા છે. હલબા સમાજના આશરે 15 હજારથી વધુ લોકો અમદાવાદ શહેરમાં વસે છે. અમદાવાદ ઉપરાંત સુરત, વડોદરા, કલોલ, નડિયાદ જેવા શહેરો અને નગરોમાં પણ આ સમાજના લોકો વસે છે. આ સમાજનાં મૂળ છત્તીસગઢના બસ્તર પ્રદેશમાં. જ્યારે અમદાવાદ શહેરમાં મિલો ધમધમતી હતી ત્યારે આ સમાજના લોકોએ સ્થળાંતર કરીને અમદાવાદમાં આવવાનું પસંદ કરેલું. એ સમયગાળો હતો વીસમી સદીના ચોથા દાયકાનો. જનાર્દન કુહીકર પણ તેમાંના એક. 1941-42માં તેઓ અહીં આવેલા. તેમનો દીકરો એટલે લાભચંદ્ર. તેમણે મેટ્રિક સુધીનું શિક્ષણ મેળવ્યું. એ પછી તેમણે પાંચ વર્ષ માર્સ્ડન મિલમાં નોકરી કરી. મિલ બંધ થતાં ઓટો રિક્ષા ચલાવી. તેમણે 37 વર્ષ એકધારી રિક્ષા ચલાવી.

લાભચંદ્રભાઈની મહેનતને કારણે આજે એમના હલબા સમાજના અમદાવાદમાં રહેતા 15 હજાર લોકોમાંથી 1500થી વધુ યુવાનો સરકારી નોકરી કરે છે.

તેમને થયું કે મારે સમાજના ભલા માટે કશુંક કરવું જોઇએ. સમાજમાં ગરીબી અને બેરોજગારી હતી. કેટલાક લોકો વ્યસનોનો પણ ભોગ બનેલા હતા. લાભુભાઇને થયું કે મારા સમાજની સમસ્યાઓનો રામબાણ ઉકેલ શિક્ષણ છે. તેમણે ઘરે ઘરે ફરીને શિક્ષણનો પ્રસાર કર્યો. સમાજના પરિવારોનાં બાળકોને શાળા-કોલેજ સુધી પહોંચાડ્યાં. તેઓ મા-બાપને કહેતા કે બાળકોને ભણાવો. તેમનું અને તમારું બન્નેનું જીવન સુધરશે. આર્થિક અગવડ હોય તો હું મદદ કરીશ. કેટલાંક બાળકોની તેમણે ફી પણ ભરી. હલબા સમાજમાં શિક્ષણ અંગે જાગૃતિ આવી તેના પરિણામે પહેલાં જ્યાં આંગળીના વેઢે ગણી શકાય એટલી સંખ્યામાં સરકારી નોકરીમાં યુવાનો હતા, આજે 1500થી વધુ યુવાનો છે.

15 હજારની વસતી ધરાવતા સમાજમાં આ આંકડો નાનો ના કહેવાય ! 1979થી લાભુભાઇએ સમાજ ઉત્કર્ષની અનેકવિધ પ્રવૃત્તિઓ શરૂ કરી. યુવક મંડળો ચાલુ કર્યાં. લોકોને સંગઠિત કર્યા. સમૂહ લગ્નોનો પ્રારંભ પોતાના ઘરેથી જ કર્યો. ભાઇ, દીકરી અને ભત્રીજીનાં લગ્ન સમૂહ લગ્નમાં કર્યાં. સમાજમાં જાગૃતિ આણવા 1997થી ‘હલબા દર્પણ’ નામનું અખબાર શરૂ કર્યું. 2000 કોપીનો ફેલાવો ધરાવતા આ મેગેઝિનના 247 અંકો પ્રકાશિત થઇ ચૂક્યા છે. સમાજના વિકાસમાં પત્રકારત્વનો પ્રયોગ અને ઉપયોગ તેમણે સફળ રીતે કરી બતાવ્યો.

સમાજમાં તેમનું માન છે અને તેમની કોઇ પણ વાતને સમાજના લોકો માને છે. આજે 67 વર્ષની વયે પણ તેઓ સક્રિય છે. ‘પોલીસ મિત્ર’ તરીકે પણ રખિયાલ પોલીસ સ્ટેશનમાં સેવા આપે છે.

સમાજસેવા પાછળની તેમની ભાવના પાછળ એક ઘટના જવાબદાર છે. નાનપણમાં તેઓ આડી લાઇને ચડી ગયેલા. જુગાર રમતા. એક દિવસ પિતાજીએ જુગાર રમતાં પકડી પાડ્યા. પિતાજીએ તેમને એટલું જ કહ્યું- જુગાર રમવો હોય તો સમાજ સેવાનો રમ. સમાજની સેવા કરવી એ પણ એક મોટો જુગાર છે. એ શબ્દો તેમના હૈયે ચોંટી ગયા. તેમણે સંકલ્પ કર્યો કે હું પણ મારા સમાજ માટે કંઇક કરીશ. તેમના પિતા જર્નાદનભાઇ પણ સમાજસેવક હતા. તેમને સમાજભૂષણનો એવોર્ડ મળેલો. માતા કૌશલ્યાબહેન (91 વર્ષ) હયાત છે. દીકરાનાં સદ્કાર્યો જોઇને તેઓ ખૂબ રાજી થાય છે.

લાભુભાઇને ‘સળગતું લાકડું’ પકડી લેવાની ટેવ. કોઇનો પણ પ્રશ્ન હોય તે કૂદી જ પડે.

એક વખત જાનના જોખમે બે મુસ્લિમ બાળકોને પરીક્ષા આપવા લઇ ગયેલા. માર્ચ, 2002ની પરીક્ષા કોમી રમખાણોને કારણે અનિશ્ચિત બની હતી. પોતાના મુસ્લિમ પાડોશીની વિનંતીને ગ્રાહ્ય રાખી. લાભુભાઇ પોતાના સ્કૂટર પર બે બાળકોને ગોમતીપુરની માતૃછાયા સ્કૂલમાં પરીક્ષા આપવા લઇ ગયા હતા. 264 પરીક્ષાર્થીઓમાંથી 262 ગેરહાજર અને માત્ર આ બાળકો (જોડિયાં) હાજર ! બધા અચંબામાં પડી ગયેલા. એ વખતનાં શિક્ષણમંત્રી આનંદીબહેન પટેલે તેમને રૂબરૂમાં નવાજેલા!

આ બધું તેમણે પોતાનો વ્યવસાય કરતાં કરતાં કર્યું છે. સમય નથી કે હું વ્યસ્ત છું તેવું કહેતા મોટાભાગના લોકો વ્યસ્ત કરતાં અસ્તવ્યસ્ત વધારે હોય છે. લાભુભાઈ કહે છે કે હું સમયચોર છું. મારા રાત-દિવસના કુલ કલાકોમાંથી સમાજ માટે કામ કરવાના કલાકો દરરોજ ચોરી જ લઉં છું.

લાભુભાઇને પ્રવાસ તથા ફોટોગ્રાફીનો શોખ છે. તેમના સમાજ તરફથી અને અન્ય સંસ્થાઓ તરફથી તેમને રાષ્ટ્રીય એવોર્ડ પણ મળ્યા છે. તેમણે પોતાના બે દીકરા અને એક દીકરીને ઉચ્ચ શિક્ષણ આપીને સરસ રીતે સ્થાયી કર્યાં છે. ધર્મપત્ની ગંગાબહેન તેમને સતત સાથ આપે છે. અમદાવાદ શહેરના માર્ગો પર 37 વર્ષ ઓટો રિક્ષા ચલાવનાર લાભુભાઇએ પોતાના સમાજને ઉચ્ચ સ્થળે પહોંચાડ્યો છે.

અમદાવાદમાં 37 વર્ષ એકધારી રિક્ષા ચલાવ્યા પછી લાભચંદ્ર કુહીકરે સમાજસેવાનાં અનેક કાર્યો કર્યાં છે અને જનજાગૃતિ માટે અખબાર પણ ચલાવ્યું છે. લાભુભાઈ જ્યારે રિક્ષા ચલાવતા હશે ત્યારે રસ્તામાં જે ખાડા-ટેકરા-ભૂવા આવ્યા હશે, તેનો તેમણે સામનો કર્યો હશે. સમાજકાર્ય માટે ફરજનિષ્ઠાની રિક્ષા ચલાવતી વખતે પણ પડકારો અને વિરોધોના ખાડા-ટેકરા અને ભૂવા આવ્યા હશે, તો તેનો પણ તેમણે સામનો કર્યો. તેઓ કહે છેઃ કોઈ પણ સમાજ જો શિક્ષણને મહત્ત્વ આપે તો ચોક્કસ આગળ વધી શકે.

એક રિક્ષાવાળાની સમાજના ઉત્કર્ષ માટેની નિષ્ઠા, પ્રતિબદ્ધતા અને સતત કામ કરતા રહેવાની ભાવના જોઇને થાય કે માણસ ધારે તો કોઈ કામ અશક્ય નથી.

આલેખનઃ રમેશ તન્ના

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ