આજની પોઝિટિવ સ્ટોરીઃ પૂર્વ શિક્ષક ડો. પ્રતાપભાઈ પંડ્યાએ પોતે જ્યાં નોકરી કરતા હતા તે શાળાને 11 લાખ રુપિયાનું અનુદાન આપ્યું

પૂર્વ શિક્ષક ડો. પ્રતાપભાઈ પંડ્યાએ પોતે જ્યાં નોકરી કરતા હતા તે શાળાને 11 લાખ રુપિયાનું અનુદાન આપ્યું

ડો. પ્રતાપભાઈ પંડ્યાને આખું ગુજરાત ઓળખે છે. કરોડો રુપિયાના ખર્ચે તેમણે ગુજરાતમાં ઘર પુસ્તકાલયો સ્થાપ્યાં છે. તેમણે હમણાં પોતે જ્યાં ભૂતકાળમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા તે અમરેલી જિલ્લાના ઈશ્વરિયા ગામની પ્રાથમિક શાળામાં 11 લાખ રુપિયાનું અનુદાન આપ્યું છે. અત્યારે ઈશ્વરિયા પ્રાથમિક શાળાનું નવીનીકરણ થઈ રહ્યું છે.

આ ઈશ્વરિયા ગામ અમરેલીથી 9-10 કિલોમીટર દૂર આવેલું છે અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રુપાલાનું પિતૃક ગામ છે. અહીં એ નોંધવું જોઈએ કે પરસોત્તમભાઈ ડો. પ્રતાપભાઈના વિદ્યાર્થી છે અને આજે પણ શિક્ષક-શિષ્યનો તંતુ અકબંધ છે.

ડો. પ્રતાપભાઈ પંડ્યાએ શાળાના બાંધકામ માટે 11 લાખ રુપિયા અર્પણ કરીને સમગ્ર શિક્ષક સમાજને પ્રેરણા આપી છે. જો ધારે તો શિક્ષક પણ અનુદાન આપી શકે તે તેમણે સાબિત કર્યું છે. કોઈ પ્રકારનો બાહ્ય કાર્યક્રમ કર્યા સિવાય પોતાના મિત્રો ઉમેશભાઈ જોશી અને ઉદયભાઈ દેસાઈ દ્વારા તેમણે 11 લાખ રુપિયાનો ચેક ટ્રસ્ટના ધીરુભાઈ રુપાલા અને રામજીભાઈ સરખેદીને અર્પણ કર્યો છે.

image source

ડો. પ્રતાપભાઈ પંડ્યા એ સાહિત્ય અને પુસ્તકાલય પ્રવૃતિમાં ખૂબ જ ઉમદા કામ કર્યું છે. અમેરિકામાં વસતાં તેમના દીકરી મનીષાબહેનનો તેમાં પૂરો ટેકો છે. અત્યારે તેઓ વડોદરામાં સ્થાયી થયા છે.

લગભગ બે કરોડ રુપિયાની કિંમતના પુસ્તકો તેમણે ઘર પુસ્તકાલયોમાં અર્પણ કર્યાં છે. આજે પણ તેઓ ગુજરાત પુસ્તકાલય સહકારી મંડળીના પ્રમુખ છે. અન્ય ઘણી સંસ્થાઓમાં પણ તેઓ માનાર્હ હોદ્દાઓ સંભાળી રહ્યા છે. તેમની પુસ્તકાલય પ્રવૃત્તિએ ઘણી મોટી અને ઊંડી અસર કરી છે.

કોઈ વિદ્યાર્થી પોતાની શાળાને અનુદાન આપે તે સ્વાભાવિક લાગે, પરંતુ કોઈ શિક્ષક શાળાને અનુદાન આપે તે નવી વાત લાગે. જોકે, ડો. પ્રતાપભાઈ પંડ્યાએ તો આવી અનેક નવી વાતો અમલમાં મૂકી છે. તેમને આવી શુભ પ્રવૃતિ માટે અભિવંદન.

આલેખનઃ રમેશ તન્ના

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ