કોરોના વાયરસને હરાવવામાં મહિલાઓની ભૂમિકા સાૈથી મહત્ત્વની છેઃ સ્ત્રી રૃપી શક્તિની સમજદારી, પરિપક્વતા અને પોઝિટિવીટી ખૂબ ઉપયોગી થઈ શકે..
25મી માર્ચ, 2020, બુધવારથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે. શક્તિની ઉપાસનાના નવ દિવસીય પર્વની પૂર્વ સંધ્યાએ વાત કરવી છે મહિલા શક્તિની. કોરાના વાયરસનો સામનો કરવામાં મહિલાઓ સવિશેષ મહત્ત્વની ભૂમિકા ભજવી શકે.

આગામી 15-25 કે 45 દિવસ ભારત માટે મહત્ત્વના છે. કોરાના વાયરસના પ્રસારના ત્રીજા તબક્કામાં ભારતનો પ્રવેશ થશે ત્યારે ભારતે ખૂબ જ સતર્ક રહેવાનું છે. જોકે આને માટે માત્ર ઘરમાં રહેવા સિવાય બીજું કશું કરવાનું નથી. ઘરમાં રહેવું એ કંઈ કોઈ અઘરી વાત નથી. સંયમ રાખવાનો છે. મનની ચંચળતાને ઓછી કરવાની છે.

ઘરના તમામ સભ્યોને ઘરમાં રાખવામાં ઘરની માતાઓ-પત્નીઓ-બહેનો વગેરેની ભૂમિકા સાૈથી વધુ મહત્તત્વની પૂરવાર થઈ શકે. એરિસ્ટોટલે ઘરને સદ ગુણોનું ધરોવાડિયું કહ્યું હતું.. એ ઘરના કેન્દ્રમાં હોય છે મહિલાઓ. ભારતની મહિલાઓએ આગામી દિવસોમાં એક મોટું કામ કરવાનું છે. ઘરના પુરુષો સહિતના તમામ સભ્યોને તેમણે ઘરની બહાર જવા દેવાના નથી.

પુરુષ સતત બહાર રહેવા ટેવાયેલો છે એટલે તેની માનસિકતા ઘરની અંદર રહેવાની ના જ હોય. તેમાં તેનો દોષ નથી. આ સ્વાભાવિક વર્તન ગણાય. તેને ઘરમાં રહેતાં કીડીઓ ચડે. 2-4 દિવસ તો માંડ માંડ તે ઘરમાં પૂરાઈ રહી શકે. એ પછી તેને ઘર છોડવાનું મન થાય. બહાર નીકળવા તે બહાનાં કાઢે. એ વખતે મહિલા જ તેને કળ કે સાંકળથી બાંધી શકે.

પતિ કે પછી પુત્રોને આગામી થોડા દિવસ ઘરની બહાર ના જવા દેવાની સાૈથી મોટી જવાબદારી ઘરની સ્ત્રીઓ પર છે અને તે આગામી દિવસોમાં યોગ્ય રીતે તેને નિભાવશે તો કોરોનાને ઊભી પૂછડીએ ભાગવું પડશે.

સ્ત્રીઓની તરફેણમાં એક અન્ય દલીલ પણ છે. સ્ત્રી જીવનની કોઈ પણ મોટામાં મોટી સમસ્યાનો સામનો કરી શકે છે. એટલે જ સ્ત્રીને શક્તિ કહેવાય છે. એની પાસે જેટલી સહનશક્તિ છે એટલી જ શક્તિ પણ છે. બીજી એક અગત્યની વાત એ છે કે જેની પાસે સહનશક્તિ હોય છે તેની પાસે જ સાચી શક્તિ હોય છે. મરદમૂછાળો, પરાક્રમી, બાહુબલી, મસલ્સ પાવર ધરાવતો, બુદ્ધિથી ઝાંય ઝાંય થતો પુરુષ અણધારી આવેલી આફતમાં મૂંઝાઈ જાય કે મુરઝાઈ જાય પણ સ્ત્રી રસ્તો કાઢે.

બિચારી લાગતી, ગભરુ દેખાતી, ઓશિયાળી જણાતી સ્ત્રીની અંદર પડેલી શક્તિ જ્યારે બહાર આવે છે ત્યારે ગમે તેવી મોટી આપત્તિ, સમસ્યા, મુશ્કેલીનો તે સામનો કરી શકે છે.
કોરોના વાયરસ જેવું આપણી બહેનોને જોશે એટલે તેની અરધી રાક્ષસી ઉર્જા તો આપોઆપ નષ્ટ થશે.

જે મહિલાઓ આ પોઝિટિવ સ્ટોરી વાંચી રહી છે તેમને વિનંતી છે કે તેઓ સમયની માગને સમજીને ઘરના તમામ સભ્યોને ઘરમાં રાખે. માતા પાસેથી આ અપેક્ષા રાખી જ શકાય.
જો તેઓ આ કામ કરશે તો રાષ્ટ્ર પર મોટો ઉપકાર કરશે. ભારતની સ્વતંત્રતાની લડતમાં ભાગ લેવાની જેને તક નહોતી મળી તે તમામ માટે દેશભક્તિ અદા કરવાનો એક આ સુવર્ણ મોકો છે.
આલેખનઃ રમેશ તન્ના
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ