આજની પોઝિટિવ સ્ટોરી: રેડ ઝોન બાપુનગરમાં ગરીબ દર્દીઓની સેવા કરતાં-કરતાં મોતને ભેટ્યા ડોકટર મફતલાલ મોદી..

સરહદ પર લડતાં લડતાં જવાન શહીદ થાય તે રીતે રેડ ઝોન બાપુનગરમાં ગરીબ દર્દીઓની સેવા કરતાં કરતાં મોતને ભેટ્યા ડોકટર મફતલાલ મોદી… સાતમી જૂન, 2020ના રોજ ડો. મફતભાઈ મોદીનું કોરોનાને કારણે અણધાર્યું નિધન થયું.

image source

ડો. મફતભાઈ 45 વર્ષથી પ્રેક્ટિસ કરતા હતા. સેવાભાવી. ગરીબ લોકોનું ખૂબ દાઝે. તેમણે તબીબી વ્યવસાય વ્યવસાયિક રીતે નહીં, સેવાભાવનાથી સ્વીકારેલો. તેમનું વતન પાલનપુર પાસેનું મેમદપુર ગામ હતું. ગરીબ પરિવાર એટલે આકરો સંઘર્ષ કરીને મફતભાઈ ડોકટર બનેલા. તેઓ ગરીબીમાંથી આગળ આવેલા એટલે ગરીબો માટે તેમના હૃદયમાં ખૂબ ભાવ અને નિસબત હતાં.

તેમના ક્લિનિકનું નામ જ હતુંઃ સેવાસમાજ ક્લિનિક. તેઓ દિવસ-રાત ગરીબોની સારવાર અને ચિંતામાં રત રહેતા. તેમના સેંકડો ગરીબ દર્દીઓ માટે તો તેઓ ભગવાન હતા. કોરોનાગ્રસ્ત બાપુનગર વિસ્તાર રેડઝોનમાં હતો. ડો. મફતભાઈના ભાઈઓ અને પરિવારજનો લાકડાઉનમાં તેમને ક્લિનિક પર ના જવા કહેતાં. જોકે ડો. મફતભાઈ દલીલ કરતા કે કોરોના સિવાયના ગરીબ દર્દીઓનો પણ વિચાર કરવો જોઈએ. જોખમી સ્થિતિમાં પણ તેમણે પોતાનો તબીબી-ધર્મ ના છોડ્યો તે ના જ છોડ્યો. છેવટે તેમને કોરોના વાઇરસે ગ્રસી લીધા.

image source

તેમના નાનાભાઈનાં પત્ની રીતુબહેન મોદી આંખમાં આંસુ સાથે કહે છે કે ભાઈ, ગરીબોની સેવા કરતા કરતા ચાલ્યા ગયા. અચાનક તાવ આવ્યો. બે દિવસમાં ખબર પડી કે કોરોના પોઝિટિવ છે. પહેલાં બાપ્સમાં અને પછી ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા. એકદમ ઝડપથી ચાલ્યા ગયા.

image source

તેમની વય 70 વર્ષની હતી. રીતુબહેન કહે છે કે તેમના હૃદયમાં ગરીબો માટે એટલો બધો ભાવ હતો કે તેઓ પોતાની જાતને ક્લિનિક પર જતાં રોકી જ ના શક્યા. તેઓ વારંવાર કહેતા કે ગરીબોનું કોણ ? કોઈકે તો તેમની ચિંતા કરવી જોઈએને ? તેઓ સમયના પણ ખૂબ ચોક્કસ હતા. નિયત સમયે તેમનું ક્લિનિક ખુલ્લી જ જાય. નામ પૂરતી ફી લેતા.

જેમની પાસે સગવડ ના હોય તેમની ફી જતી કરતા. તેમનાં ધર્મપત્નીનું 2012માં નિધન થયું હતું. દીકરો મિત પોતાના પરિવાર સાથે હજી બે વર્ષ પહેલાં જ કેનેડા સ્થાયી થયો હતો. દીકરી રાણીપમાં પરણાવેલી છે. તેમને ચાર ભાઈઓ છે. તેમની દીકરી અને ભાઇઓ લોકડાઉનના કારણે તેમની સાથે રહેવા આવ્યાં હતાં.

કોરોનાના કપરા કાળમાં ખરેખર અનેક ડોકટરોએ ભગવાન જેવું કામ કર્યું છે. કેટલાક ડોકટરો કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર કરતાં કરતાં મોતને ભેટ્યા છે તો કેટલાક ગરીબોની સેવા કરતાં કરતાં શહીદ થયા છે. સાડા ચાર દાયકા સુધી હજારો ગરીબોની તબીબી સારવાર કરનારા, માનવતાના દીપક સમા, તબીબી વ્યવસાયને ઉજળો કરનારા ડો. મફતભાઈ મોદીના આત્માને શત્ શત્ વંદન.

(માહિતીસાૈજન્યઃ રીતુબહેન મોદીઃ 7383142716. તેમનો ખૂબ ખૂબ આભાર.)

આલેખનઃ રમેશ તન્ના

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ