હિરોઈન – બધાને તરત ગમી જાય એવી સુંદર અને એ હવે તો આટલી નજીક આવી હતી પણ…

*”તારો એ પ્રેમ હવે કેવી રીતે ભૂલું…?*

*કાપું છું એક વૃક્ષ, ઉગી જાય જંગલો”*

“મમ્મી… આ ઉપર કાકીના ઘરમાંથી આટલો અવાજ કેમ આવે છે ..? કાકા તો ટેપ નથી વગાજતાં… કોઇ આવ્યું છે..?” સૌમ્યએ ઘરમાં આવતા તેની મમ્મીને પૂછયું. “હા, એ તો પેલી નટી આવી છે ને એટલે” જયશ્રીબેને થોડી ચીડથી અને થોડા ગુસ્સાથી કહ્યું. “નટી ? કોણ નટી ? કોની વાત કરે છે .??” સૌમ્યએ પુછયું.

image source

“કોમ તે પેલી પૌલોમી આવી છે ને..? તારી કાકીની બહેનની દીકરી..” સાંભળતા જ સૌમ્યનો ચહેરો હસુ હસુ થઇ ગયો. આખા શરીરમાં જાણે થનગનાટ થઇ ગયો. તે તરત જ ઉપર કાકીના ઘરે જવા ઉલટો ફર્યો. “ખબરદાર.. જો ઉપર ગયો છો તો… જયાં સુઘી એ નટી છે ત્યાં સુઘી તારે ઉપર જવાનું નથી” જયશ્રીબેનની અંદરની મા એ દીકરાને હુકમ કર્યો. “પણ મમ્મી તે હવે પિકચરમાં કામ કરે છે. તેને જોવા માટે બઘા થીયેટરમાં જાય છે અને તે આપણા ઘરે આવી છે, તો હું મળી ન શકું…?” સૌમ્યએ પૂછયું.

“હા.. હવે તે જાહેર જીવનની વ્યકિત છે, તેને બઘા જોવે છે, એટલે જ”.. જયશ્રીબેને અલ્ટીમેટમ આપી દીઘું. “તારે જવાની જરુર નથી.” સૌમ્ય મોઢું ફુલાવીને બેસી રહ્યો. તેનું દિલ ઉપર જવા માટે કુદકાં મારતું હતુ. પણ મમ્મી પાસે કંઇ ચાલ્યું નહી.

image source

સૌમ્ય, તેના માતા-પિતા અને કાકા-કાકી એક જ ઘરમાં ઉપર નીચે રહેતા હતાં. સૌમ્યના કાકીની બહેનની દીકરી પૌલોમી પિકચરમાં નાના મોટા રોલ કરતી હતી. સૌમ્યને તે પહેલેથી જ ગમતી હતી હવે પિકચરમાં કામ કર્યા પછી તેના રૂપ – યૌવનમાં ગજબનો નિખાર આવ્યો હતો. સિનેમા હોલના પડદા પર તેને હાલતી, ચાલતી, ઉછળતી જોઇને સૌમ્યનું દિલ ધબકારો ચુકી જતું. તેને જોવા તે જયાં સુઘી પિકચર ચાલે ત્યાં સુઘી રોજ જોતો. પૌલોમી જયારે માસીના ઘરે આવતી ત્યારે સૌમ્ય સાથે વાતો કરતી, હસી મજાક કરતી. સૌમ્ય તો મનોમન તેને ચાહતો હતો. પણ પોતાના ઘરની મધ્યભ પરિસ્થિતિ અને પૌલોમી એકટ્રેસ એમ વિચારીને કંઇ બોલતો નહી.

image source

સૌમ્ય મમ્મીની મનાઇ હોવાથી ઉપર તો ગયો નહી , પણ આખો દિવસ ઉપરથી નીચે આવવાના દાદરા પાસે બેસી રહ્યો. અને પૌલોમીની રાહ જોતો રહ્યો.

સાંજે દાદરા પરથી પાયલના રણકાર સાથે સુગંધનું મોંજુ આવ્યું. સેન્ડલના અવાજ અને સ્પ્રેની સુગંધથી સૌમ્ય ખુશ થઇ ગયો. તેણે ઉપર જોયું તો શોલ્ડર લેસ, ટાઇટ રેડ ટી-શર્ટ અને બ્લુ શોર્ટ જિન્સ સ્કર્ટ, હાઇ હિલ્સ સેન્ડલ અને છૂટા વાળ સાથે સેન્ડલ સ્પ્રેની સુગંધનો દરિયો જાણે ઉપરથી નીચે આવી રહ્યો હતો. સૌમ્ય આંખ પટપટાવાનું ભૂલી ગયો. એક નજરે પૌલોમીની સામે જોઇ રહ્યો. પરદા પરની હિરોઇન પૌલોમી તેની સામે ઉભી હતી. તે કંઇ બોલી ન શકયો. પૌલોમીએ આવીને બોલાવ્યો ત્યારે તેને હોંશ આવ્યાં. થોડીવાર વાત કરીને પછી ‘ઉપર આવજે, ઘણી વાતો કરવી છે.’ એવું આમંત્રણ આપીને પૌલોમી બહાર જતી રહી.

image source

પૌલોમીના આમંત્રણથી સૌમ્ય ખુશ થઇ ગયો. તરત જ બહાલ જઇને શેવિંગ કરાવી આવ્યો. ઘરે આવીને નવું ટી-શર્ટ અને જિન્સ પહેરીને તૈયાર થઇ ગયો. રાત્રે નવ વાગ્યે કાકીએ ઉપરથી બુમ પાડીને સૌમ્યને બોલાવ્યો. હવે જયશ્રીબેનથી ના પાડી શકાય તેવું ન હતું. સૌમ્ય ઉછળતો – કુદતો ઉપર ગયો. પૌલોમી નાઇટ ગાઉન પહેરીને અગાસીમાં બેઠી હતી. સૌમ્યપણ ત્યાં ગયો. બન્નેએ રાત્રે બાર વાગ્યા સુઘી વાતો કરી. મોટાભાગે પિકચરની જ વાતો કરી. પૌલોમી બોલતી રહી અને સૌમ્ય મુગ્ધ નજરે તેને સાંભળતો રહ્યો.

પછી તો રોજનો ક્રમ થઇ ગયો. રોજ રાત્રે બન્ને બે – ત્રણ કલાક વાતો કરતાં. ત્રણ – ચાર દિવસ પછી સૌમ્યએ હિંમત કરીને પૌલોમીને બહાર હોટલમાં જમવાનું આમંત્રણ આપ્યું. પૌલોમીએ સ્વીકારી લીઘું. હવે સૌમ્ય માટે મોટો પ્રશ્ર્ન એ હતો કે તેને કયાં લઇ જવી..? ડિનર પછી તેને શું ગીફટ આપવી ..? અને આ બઘાના રૂપિયા કયાંથી લાવવા ..? આખો દિવસ વિચાર કર્યા પછી તેણે સાંજે તેની આંગળીમાં પહેરેલી સોનાની વીંટી વેચી નાખી. પૌલોમી માટે મ્યુઝિકલ ડાન્સીંગ કપલની ગીફટ ખરીદી અને શહેરની સૌથી મોંઘી હોટલમાં લઇ ગયો.

image source

હોટલમાં ડાન્સ ફલોર પર બન્નેએ ડાન્સ કર્યો. ડાન્સના સ્ટેપ પર ઝુમતા – ઝુમતા પૌલોમીની કમરમાં હાથ નાખીને તેને નજીક ખેંચીને સૌમ્યએ તેના કાનમાં ‘આઇ લવ યુ’ કહ્યું. પૌલોમી શરમાઇ ગઇ. કંઇ બોલી નહી. ડિનર ટેબલ પર પૌલોમીએ પણ તેની મોટી ભાવવાહી આંખ સૌમ્યની આંખમાં નાખીને માદક અવાજમાં ‘આઇ લવ યુ ટુ’ કહ્યું. સૌમ્ય ઉછળી પડયો અને હોટલમાં હોવા છતાં નજાકતાથી તેના હોઠ ચુમી લીઘા..

પ્રેમના એકરાર પછી બે દિવસમાં પૌલોમી તેની દુનિયામાં પાછી જતી રહી. સૌમ્ય ખૂબ ખુશ હતો. પૌલોમી તેને નિયમિત પત્ર લખતી. પૌલોમીએ તેને લગ્નનું વચન આપ્યું હતું.

image source

ઘીમે ઘીમે બે પત્રો વચ્ચેનો સમયગાળો લંબાતો ગયો, અને પત્રો ટુંકા થતા ગયા. એક દિવસ પૌલોમીએ જણાવી દીધું કે, આપણા લગ્ન શકય નથી. મારા પપ્પા નહી માને, તું મને ભૂલી જજે. સૌમ્ય તૂટી ગયો. પણ ઘીમેઘીમે તેને સમજાય ગયું કે પૌલોમી માટે તો આ એક રમત હતી. તેણે વાસ્તવિકતા સ્વીકારી લીઘી. પૌલોમીએ એક ખૂબ જ ધનવાન વ્યકિત સાથે લગન કરી એકટીંગ છોડી દીધી.

સૌમ્ય આજે પણ તેને ભૂલી શકયો નથી. પૌલોમીએ જેટલા પિકચરમાં એકટીંગ કરી હતી, તે બઘા પિકચરની સીડી અને ડીવીડી જીવની જેમ સાચવે છે. રોજ એકવાર પૌલોમીનું કોઇ પિકચર જોવે છે. તેના મિત્રો પૂછે છે કે, “કયાં સુઘી આ બઘા પિકચર જોતો રહીશ ? હવે ભૂલી જા ..”

image source

સૌમ્ય એક દિલદાર પ્રેમીની જેભ બઘાને એક જ જવાબ આપે છે કે, “જયાં સુઘી મારી આંખમાં જોવાનું તેજ છે ત્યાં સુઘી જોતો રહીશ. પછી સાંભળીશ..” તેના મિત્રો તેની મજાક ઉડાડે છે કે તો તો તું છેલ્લા શ્ર્વાસ સુઘી તેને માણતો રહીશ…

લેખક : દિપા સોની “સોનું”

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ