કિક – વૃદ્ધ જીવન ને આજે જાણે એક નવી યુવાન કિક મળી હતી… લાગણીસભર વાર્તા…

“કિક”

ઘર ના પ્રાંગણ ની દાદરો ઉપર બેઠા જયાબેન ની આંખો સામે ની સ્કૂટી ઉપર ઊંડી જડાઈ ચુકી હતી. પાછળ આરામખુરશી ઉપર બેઠા મનહરભાઈ દર રવિવાર ની જેમજ ચા ની કેટલી અને સમાચાર પત્ર ની વચ્ચે આખા અઠવાડિયા નો થાક ઉતારી રહ્યા હતા. પત્ની ની એ ખોવાયેલી આંખો શું શોધી રહી હતી , એ તેઓ સારી પેઠે સમજતા હતા . થોડા મહિનાઓ પહેલાજ ઘર માંથી લાડકી દીકરી ની વિદાય થઇ હતી .

જયાબેન અને ઝંખના ફક્ત માં -દીકરીજ નહીં એકબીજા ની ખાસ સખીઓ સમા હતા. પુત્ર યશ અને પુત્રી ઝંખના ની આયુ વચ્ચે આમ તો ફક્ત બે વર્ષ નોજ તફાવત હતો . પણ યુવાની ના ઉંબરે પહોંચી મિત્રો અને બહાર ની દુનિયા વચ્ચે ઝડપ થી ભળી જતા પુત્ર અને પુખ્તતા પામ્યા પછી ઘર ના વાતાવરણ માં અને ખાસ કરી ને માં ની સાથે ઊંડાણપૂર્વક હળીભળી જતી દીકરી પ્રત્યે ના સ્નેહ ના તાંતણા તો એક સમાન જ ગૂંથાતાં હોય છે પરંતુ એના સ્વરૂપ સહજ રીતે ભિન્ન હોય છે.


રવિવાર ના દિવસે કે રજા ના કોઈ પણ દિવસે યશ ના મિત્રો જોડે સિનેમા જોવાના , હોટેલ માં જમવાના કે લોન્ગ ડરાઇવ પર નીકળી જવાના કાર્યક્રમો તૈયારજ હોય …મનહરભાઈ પણ આખું અઠવાડિયું નોકરી અને બહાર ના કાર્યો માં એવા રચ્યા પચ્યા હોય કે રવિવાર નો દિવસ તો એમને ઘર માં આરામ થીજ વિતાવવો ગમતો . એમના થાક અને મહેનત ને માન આપતા જયાબેન પણ એમની સમજણશક્તિ અને પરિપક્વ સ્વભાવ ને પરિણામે પતિ ની માનસિક જરૂરિયાતો ને સંપૂર્ણ ટેકો આપતા.

ઝંખના ના લગ્ન પહેલા તો દરેક રવિવાર નો કોઈ ને કોઈ ખાસ કાર્યક્રમ ઝંખના જાતેજ ઘડી રાખતી. પોતાનું આખું અઠવાડિયું પરિવાર ની દરેક જરૂરિયાતો અને ઘર પ્રત્યે ની પોતાની ફરઝ માટે હસતા મોઢે અને પુરા હૃદય થી ખર્ચી નાખતી બા ને માટે પણ માનસિક વિશ્રામ જરૂરી હોય . ઝંખના જાણતી હતી કે પોતાની બા ને અન્ય સ્ત્રીઓ જેમ ઓટલે બેસી આવતા જતા લોકો ના જીવન માં નકામા ડોકિયાં કરવાની સહેજે ટેવ નહીં . એ ભલા ને એમનું કુટુંબ ભલું . સામાજિક તાકજાકો અને નકામી પંચાતો બા માટે ફક્ત સમય નોજ નહીં ચરિત્ર નો પણ વ્યય હતો.

એટલે રજા ના દિવસે એ માં -દીકરી ની જોડી સ્કૂટી લઇ શહેર ની લહેર માણવા ઉપડી પડતી . ક્યારેક પાણીપુરી ના થેલા ઉપર તો ક્યારેક ચોપાટી ની લારીઓ ઉપર . ક્યારેક સમુદ્ર કિનારે ડૂબતા સૂર્ય ને મૌન પૂર્વક નિહાળવા તો ક્યારેક બાકી રહી ગયેલી ખરીદીઓ નિપટાવવા. અઠવાડિયા ની વચ્ચે પણ કોઈ જરૂરી કામ નીકળી આવતું કે ડોક્ટર પાસે પહોંચવાનું હોય , ચશ્માં ના નંબર ચકાસવા જવાનું હોય કે કશે બેસણા માં….લગ્ન સમારંભ થી લઇ કોઈ પણ સામાજિક પ્રસંગે ” ઝંખના, આજે જરા જલ્દી આવતી રે જે , કામ છે….” ફક્ત આટલાંજ શબ્દો પર્યાપ્ત હતા ઝંખના નો સાથ મેળવવા માટે ….આંખો સામેની આ સ્કૂટી ફક્ત એક સ્કૂટી જ નહીં બન્ને માં દીકરી વચ્ચે ની પ્રેમ ની સાંકળ હતી …ઝંખના ના લગ્ન પછી તૂટેલી એ સાંકળ ઝંખના ના પ્રેમ અને સ્નેહ ની યાદો નો સમુદ્ર બની ગઈ હતી , જેમાં આમજ ભારે હ્રદયે જયાબેન દરરોજ નિષ્ક્રિય ડૂબકીઓ લગાવી રહ્યા હતા …..


અન્ય શહેર માં દીકરી ના લગ્ન લેવાયા હોય ત્યારે એને મળવા માટે પણ માતૃ હ્રદયે કેટલી ધીરજ ધરવી પડે ! માતૃત્વ સહનશીલતા નું પર્યાયી ….આમ છતાં ઝંખના દરરોજ અચૂક એક ફોન કોલ તો કરતીજ ..આજે સવારે પણ એની જોડે વાત થઇ હતી . આંખો કેવી ભીની થઇ ગઈ હતી ! ” તારા વિના કશુંજ ગમતું નથી . રવિવારે કે રજા ના દિવસે બહાર ઉભેલી તારી સ્કૂટી પરથી ક્યારેક પડઘાઓ સંભળાય છે …બા , જલ્દી કર ને ….ક્યારેક તું ‘કિક’ મારતી હોય તો ક્યારેક જોર જોર હોર્ન વગાડતી હોય એવો આભાસ થાય અને હું રસોડા માંથી ભાગતી દોડી જાઉં ..પણ પછી નિષ્ક્રિય અને બેજાન પડેલી સ્કૂટી નિહાળી હૃદય એક ક્ષણ માટે ડૂબીજ જાય …..”

ફોન પર થયેલા વાર્તાલાપ ના શબ્દો મગજ માંથી નીતરી આંખો ને માર્ગે વહી રહ્યા . રૂઢિચુસ્ત માતાપિતા ના જુનવાણી ખ્યાલોએ પોતાના જીવન ને શિક્ષણ નો સ્પર્શ થવા દીધો હતો નહીં . રસોડા માંથી શરૂ થયેલી યાત્રા હજી સુધી રસોડા પુરતીજ સમેટાઈ ચૂકી હતી . ઘર ની રાણી બનવા માટે આપવામાં આવેલી કડક તાલીમ ને લીધે બહાર ના વિશ્વ્ નો સામનો કરવાની હિંમતજ કેળવાઈ ન હતી .ભાગ્ય માં નમ્ર અને ઉદાર પતિ ની છત્રોછાયા મળી . લગ્ન જીવન ના ઉતાર- ચઢાવો , પતિ ના સંઘર્ષ માં મેળવેલાં પોતાના મહેનતુ ખભાઓ અને પછી બાળકો ના ઉછેર ની ફરજપૂર્તિ….

ગર્વ લઇ શકાય એવી જીવન યાત્રા તો હતી પણ આ બધાની વચ્ચે કંઈક ખૂટતું હોવાની એક વિચિત્ર અનુભૂતિ સતત સાથે ઘસડાતી આવી હતી . સવારે ટેરેસ ની ઉપર કપડાં સુકાવતા હોય ને સામે ના ઘર માંથી મીનાક્ષીબેન ને નોકરી એ જતા જુએ ત્યારે એ ભાવના વધુ પ્રબળ બનતી . પણ દરેક નું ભાગ્ય જુદું અને દરેક નો જીવન સંઘર્ષ પણ . ભાગ્ય ની રેખાઓ બધા ની જ હોય પણ આકાર દરેક નો જુદો . ઉપરવાળા એ બધાને વ્યક્તિગત પ્રશ્નપત્ર આપ્યું હોય ત્યારે પોતાના પ્રશ્નો જાતેજ ઉકેલવા પડે . અન્ય ના પ્રશ્નપત્ર માં ઝાંખવા થી શું લાભ ?


જાતે શું નથી કરી શકતા એની જગ્યા એ જાતે શું કરી શકીએ છીએ , એના પરજ ધ્યાનકેંદ્રિત કરવું ઉત્તમ ! જાતે શિક્ષણ ન મેળવી શક્યા તો શું થયું ? એમણે ઝંખના ના સ્વનિર્ભર અને ગુણવત્તાયુક્ત જીવન નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું . બી એ બી એડ કરાવી . તેથીજ આજે શાળા ની નોકરી અને ટ્યુશન કરાવતી પોતાની દીકરી નું જીવન ફક્ત રસોડા પૂરતુંજ સીમિત ન રહ્યું . સ્વિમિંગ , ડરાયવિંગ , કમ્પ્યુટર કોર્સ જે પણ ઝંખના ને શીખવું હતું એ બધુજ શીખવ્યું . સમય ની સાથે કદમ મેળવતી દીકરી કોઈ પણ ક્ષેત્રે પાછળ ન છૂટી જાય એનું સંપૂર્ણ ધ્યાન જાળવ્યું …બસ ઝંખના ના જતા રહેવાથી પોતે કશે પાછળ છૂટી ગયા ………ઝંખના જ તો એમને બાહ્ય જગત સાથે જોડતી એકમાત્ર કડી હતી . એ કડી હવે તૂટી ચુકી હતી અને ફરીથી તેઓ ઘર ની ચાર દીવાલો ની વચ્ચે એકલાઅટૂલા સમુદ્રદીપ સમા રહી ગયા હતા…..” આંટી ….”


સ્કૂટી પર જડાયેલી આંખો ચમકી. સંગીતા આવી હતી . પાડોશ માં રહેતી સંગીતા એટલે લગ્ન પહેલા નો ઝંખના નો પડછાયો . ઝંખના ની બાળપણ ની સખી . સંગીતા અહીં પોતાના ઘર માંજ તો જાણે ઉછરી હતી . શાળા , કોલેજ બધુજ ઝંખના ની જોડે …ક્યારેક એમને થતું પોતાની એક નહીં બબ્બે દીકરીઓ છે ! ” તૈયાર થઇ જાઓ …હું તમને મારી સ્કૂટી પર ફરવા લઇ જાઉં છું ….”

જયાબેન ને ક્ષણભર થયું કે ઝંખના જ સામે ઉભી હતી . ચોક્કસ સવારે ઝંખના જોડે થયેલા વાર્તાલાપ નો આ પ્રત્યાઘાત હતો , એ સમજતા સમય ન લાગ્યો …પોતાની બહેનપણી ને ફોન કરી ,બા ની એકલતા ને વહેંચવાનો ઘણા માઈલ દૂર બેઠી પુત્રી નોજ આ પ્રયાસ હતો. દીકરીઓ કેટલી પણ દૂર જતી રહે એમનું હૃદય તો માં ની પાસેજ છોડતી જાય છે !

” પણ હું હમણાં ….” જયાબેન નો અચકાટ નિહાળી મનહરભાઈએ સમાચાર પત્ર સમેટ્યું. ” જા , જઈ આવ . જરા બહાર નીકળીશ તો હય્યા નો ભાર પણ થોડો હળવો થશે …જા બેટા લઈજા એને …..”


મનહરભાઈ ના શબ્દો એ જયાબેન ના શરીર અને મન ને પ્રોત્સાહન આપ્યું. ” આપણે ઝંખના ની સ્કૂટી પર જઈએ ???” ઝંખના ના સાથ નો સંતોષ મેળવવા જયાબેન નું માતૃ હૃદય પૂછી રહ્યું. ” ચોક્કસ આંટી , જેમ તમને ગમે ….”

મનહરભાઈ એ સંગીતા ને સ્કૂટી ની ચાવી અને ૫૦૦ રૂપિયા થમાવ્યાં . ” પેટ્રોલ ની ટાંકી ફૂલ કરાવી દેજે …એમ પણ કાલે એની સર્વિસ કરાવવા જ લઇ જઈશ…” તૈયાર થઇ જયાબેન સંગીતા સાથે સ્કૂટી પર નીકળી પડ્યા . શહેર ની લહેર માણવા …મનહરભાઈ ની આંખો જાણે ઘણા સમય પછી ઝંખના અને જયાબેન ને સ્કૂટી પર એકસાથે ખુશ ખુશ જોઈ રહી……

એ દિવસ પછી તો દર રવિવારે કે રજા ના દિવસે …..સંગીતા ને જયારે પણ મુક્ત સમય મળતો એ જયાબેન ને ઝંખના ની સ્કૂટી ઉપર લઇ જવા પહોંચી જતી. ઘર ના પ્રાંગણ માં નિષ્ક્રિય પડી રહેલી સ્કૂટી માં જાણે ફરી પ્રાણવાયુ ફૂંકાયો હતો …અને જયાબેન ના નિષ્ક્રિય હ્રદય માં પણ ! હવે સ્કૂટી ને દૂર થી નિહાળતી જયાબેન ની આંખો માં એકલતા , લાચારી , દુઃખ ની જગ્યા એ એક અનેરી ચમક , ઉત્સાહ , જોમ છલકાઈ ઉઠતા …દીકરી ના દૂર ગયા પછી પહેલીવાર મનહરભાઈ પત્ની ની આંખો માં ખુશી ની અનન્ય લહેર અનુભવી રહ્યા હતા …સંગીતા માં કદાચ ઝંખના નો સંતોષ મેળવી રહેલ માતૃ હ્રદય ની ખુશી નિહાળી એમનું હ્ય્યુ પણ સંતુષ્ટિ નો અનુભવ મેળવી રહ્યું હતું.


ઘણા અઠવાડિયા પછી એક દિવસ અચાનક જયાબેન ના ઘર માં ખુબજ ચહેલ પહેલ હતી. યશ આજે કોલેજ ગયો ન હતો. મનહરભાઈ એ પણ ઓફિસ માં રજા મૂકી દીધી હતી. જયાબેન ની ખુશી તો સાતમા આકાશે પહોંચી હતી . કેમ ન પહોંચે ? આજે દીકરી અને જમાઈએ જીવન નું સૌથી મોટું ‘સરપ્રાઈઝ ‘ આપી એમને વિસ્મિત કર્યા હતા. પોતાના બાળક ના જીવન માં એનું પોતાનું બાળક આવવાનું હતું . આ શુભ સમાચાર ની ઉજવણી કરવા બંને અહીં એમના ઘરે આવી રહ્યા હતા . સ્ટેશન ઉપડવા તૈયાર મનહરભાઈ અને યશ કાર માં બેઠા એમની રાહ જોઈ રહ્યા હતા . ઘર ને તાળું વાંસી , સ્કૂટી ની ચાવી લઈ જયાબેન ઉતાવળ માં પ્રાંગણ માં પહોંચ્યા .

” હું તો મારી ઝંખના ની સ્કૂટી પરજ આવીશ ….”

માતૃહ્રદય ની ભાવના ને માન આપવા માટે મનહરભાઈ એ યશ ને આંખો થી ઈશારો કર્યો . સ્કૂટી ચલાવવા કાર માંથી યશ નો પગ બહાર મૂકાય એ પહેલાંજ જયાબેને સ્કૂટી માં ચાવી ફેરવી , કિક લગાવી અને જાતેજ સ્કૂટી શહેર તરફ ભગાડી મૂકી . સ્કૂટી ની પાછળ લગાવેલું ‘L’વાળું સ્ટીકર જયાબેન ની ખુશી સમુજ પાછળ થી ચળકતું દેખાઈ રહ્યું હતું . મનહરભાઈ અને યશ હેરત અને અચંભા થી એ દ્રશ્ય નિહાળતાં જયાબેન ની સ્કૂટી ની પાછળ કાર હાંકી રહ્યા .

સંગીતા પાસે સ્કૂટી ચલાવવાની તાલીમ લઇ બાહ્ય જગત સાથે સ્વનિર્ભરતા થી ફરી જોડાવા ના પ્રયાસ માં જયાબેન સફળ થયા હતા . જયાબેન ઝંખના ને હંમેશા કહેતા :” સ્ત્રી જે ધારે એ શીખી શકે છે …..” .પણ આજે એમણે પૂરવાર કર્યુ હતું કે: ” સ્ત્રી ગમે તે ઉંમરે જે ધારે એ શીખી શકે છે !”


ઝંખના એ આપેલા સરપ્રાઈઝ થી વિસ્મિત થયેલ જયાબેન પોતાના આ સરપ્રાઈઝ થી ઝંખના ને વિસ્મિત કરવા શહેર ના રસ્તા ઉપર સંપૂર્ણ વિશ્વાસ જોડે સ્કૂટી દોડાવી રહ્યા હતાં . જીવન માં કંઈક ખૂટતું હોવાની અનુભૂતિ આજે અદ્રશ્ય થઇ ચૂકી હતી . એમના વૃદ્ધ જીવન ને આજે જાણે એક નવી યુવાન ‘ કિક ‘ મળી હતી ….

લેખક : મરિયમ ધુપલી

વાર્તા વિષે અભિપ્રાય કોમેન્ટમાં જરૂરથી આપજો, દરરોજ આવી અનેક વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ