કદરૂપી વાસ્તવિકતા – આ વાર્તા તમને વિચારતા કરી મુકશે કે કોના પર ભરસો કરવો અને કોના પર નહિ…

વેકેશન ને કારણે સ્ટેશન પર ખુબજ ભીડ હતી.નાના બાળકો ના ચ્હેરા પર ટ્રેન માં બેસવા માટે નો ઉત્સાહ દેખાતો હતો ,ત્યાં વડીલો ના ચ્હેરા પર અનિશ્ચિતતા ના ભાવો દેખાઈ આવતા હતા.. મારે મારી કોલેજ ના ભૂતપૂર્વ આચાર્ય ને શૈક્ષણિક કારણસર મળવાનું હતું.આજે સાંજેજ તેઓ મુંબઈ જવા માટે નીકળી જવાના હતા. તેથી કોઈ પણ રીતે મારે સાંજ પહેલા એમને મળવું જરૂરી હતું.

અણગમતા વાતાવરણ માં સમય પણ જાણે થંભી જાય છે. જ્યાં જગ્યા પર થી ખસવાનો પણ અવકાશ ના હતો ત્યાં આંખો એનો રસ્તો બનાવી ક્યારેક પ્લેટફોર્મ ની મોટી ઘડિયાળ ઉપર તો ક્યારેક કાંડા ઘડિયાળ પર પોતાની જગ્યા બનાવી લેતી હતી.ટ્રેન આવી પહોંચી હતી. એક બાજુ મુસાફરો ઉતરવા માટે ઉતાવળા હતા ત્યાં બીજી બાજુ ટ્રેન માં ચઢવા માટે તત્પર બનેલા મુસાફરો બેબાકળા હતા. ક્યાંક થી બાળકો નો રડવા નો અવાજ ,તો ક્યાંક થી ફૂલી ના કર્કશ અવાજો કાને અથડાતા હતા. હું પણ ટ્રેન માં ચઢી ગઈ.ખીચોખીચ ભરેલા ડબ્બા માં ધીરે ધીરે સરકી ને હું અંદર સુધી પહોંચી ગઈ.પાસેજ બેઠેલા એક વૃદ્ધ માજી એ મને બેસવાની જગ્યા કરી આપી .થોડો હાશકારો અનુભવ્યો ત્યાંજ ફરીથી કંઈક ખળભળાટ થયો.


“અહીંયા ઉભા રહેવા ની જગ્યા નથી ને……” ” ખબર નહીં ક્યાં ક્યાં થી આવી જાય છે ?”

અકળાઈ ગયેલા લોકો કોની ઉપર આક્રમણ કરી રહ્યા છે , એ જાણવા હું ઘોંઘાટ વાળી દિશા માં જોઈ રહી. ત્રીસેક વર્ષ ની એક સ્ત્રી રડમસ અવાજે લોકો પાસે ભીખ માંગી રહી હતી.એના હાથ માનું સાત આઠ મહિના નું નાનું બાળક સતત રડી રહ્યું હતું .લોકો પાસે આ બાળક ના કરુણ આક્રંદ ને સાંભળવા નો સમય ના હતો. બિચારી સ્ત્રી અથડાતી , ધક્કા ખાતી ,લોકો ના અપશબ્દો સાંભળતી ભીડ ને ચીરતી આગળ આવી.

” કુછ તો દેદો ઇસ ગરીબ કો ” મારી બરાબર સામે ની બાજુ એ એક શેઠ અંગ્રેજી સમાચાર પત્ર વાંચવા માં વ્યસ્ત હતા. એ શેઠ ને સંબોધી ને પેલી સ્ત્રી પોતાની આપવીતી સંભળાવી રહી હતી , પરંતુ બધાજ સાંભળી શકે એ રીતે : ” શેઠજી મેરી તરફ નહીં તો ઇસ નન્હી જાન તરફ દેખકર હી કુછ દેદો ” માતા ના વાત્સલ્ય ભર્યા હાથ થી પણ જેનું રુદન બંધ થતું ના હતું ,એ બાળક ના ગાલ પર માતા નું આંસુ ચમકી ઉઠ્યું.


” બડે સાબ ! બચ્ચા બીમાર હે .ડોક્ટર ને બડી બીમારી બતાઈ હે . ઓપરેશન કરના જરૂરી હે.ગરીબ કે પાસ ઇતના પૈસા નહીં કી ..” શેઠે સમાચાર પત્ર નું પાનું ફેરવ્યું. દુનિયા ની વાસ્તવિકતા વાંચી રહેલા એ ધનિક શેઠ ને પોતાની સામે ઉભેલી વાસ્તવિકતા જોવાની પરવાહ ના હતી. શેઠ ની બાજુ માં ગોઠવાયેલા એક પરિવાર ના નાના બાળકો ને માતા જમાડી રહી હતી.પેલી સ્ત્રી નું બાળક હજી પણ સતત રડી રહ્યું હતું. ” કિતને દીનો સે બચ્ચા બહોત બીમાર હે બહેન, કુછ દેદો “

એ પરિવાર તરફ આગળ વધવા જતા એ સ્ત્રી ના ધક્કા થી સીટ પર બેસી ખાઈ રહેલો એક છોકરો ગબડી પડ્યો. ” અંધી હે ક્યાં ? દેખ નહીં શક્તિ ?” આટલું કહી એ મહિલા પોતાના રડતા બાળક ને ચૂપ કરાવવા માં વ્યસ્ત થઇ ગઈ.અપશબ્દો સાંભળવા કાન ટેવાઈ ગયા હોય તે રીતે એ સ્ત્રી ચુપચાપ અમારી બેઠક પાસે ગોઠવાઈ ગઇ અને મને જગ્યા આપનાર માજી ને જોઈ ફરી થી આજીજી કરવા લાગી .

” માજી બચ્ચે કી જિંદગી કા સવાલ હે !” પણ માજી ને આ કદરૂપી હકીકત કરતાં બહાર ની પ્રાકૃતિક સુંદરતા વધારે આકર્ષક લાગતી હતી . નિર્દયતા અસહ્ય બનતા મારી લાગણી શબ્દ રૂપે પ્રગટ થઇ. ” કેટલી કરુણ પરિસ્થિતિ છે !” ” કરુણ ? ” માજી એ મારા તરફ જોયું , ” બેટા તેં હજી દુનિયા નથી જોઈ ! નાટક , બધુજ નાટક છે ” આટલું બોલી તેઓ ફરી થી પોતાની દુનિયા માં ખોવાઈ ગયાં . કેટલી કદરૂપી હોય છે જીવન ની વાસ્તવિકતા !


અનાયાસે જ મારો હાથ પર્સ માં ગયો અને સાચવી રાખેલી નોટો ની એક થોકડીમાથી સો ની બે -ત્રણ નોટ પેલી સ્ત્રી તરફ આગળ ધરી ત્યારે પહેલી વાર એ સ્ત્રી ના ચ્હેરા ઉપર વેદના ને પાછળ હડસેલી એક ફિક્કું હાસ્ય ડોકાયું. થોડીજ વાર પછી એક સ્ટેશન પર ટ્રેન થોભી .મારે પીવાના પાણી ની બોટલ લેવાં ટ્રેન માંથી ઉતરવું પડ્યું .ત્યાં એક પરિચિત અવાજ કાને અથડાયો. બે સ્ત્રીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ રહી હતી . ધ્યાન થી સાંભળતા મેં એક અવાજ ઓળખી કાઢ્યો . એ પેલી ગરીબ સ્ત્રી નો અવાજ હતો.

” લડતી કયૂં હે ? પૈસા ભી તો ઉતના હી દિયા ના ?” ” પૈસા ? યહાઁ મેરા બચ્ચા રો રો કે આધા હો ગયા ઉસકા ક્યાં ? ” એય ! ખિટપિટ બંધ કર ! એક તો પહેલે સે તેરે બચ્ચે ને રો રો કર સર ઘુમા દિયા હે !” ભિખારણ સ્ત્રી ના અવાજ માં તુમાખી હતી . ” દૂસરી બાર કભી ભી મેરે બચ્ચે કો તેરે હવાલે નહીં કરુંગી !” અજાણી સ્ત્રી બોલી . ” અરે જા જા ,બહુત મિલતે હે તેરે જૈસે . બસ પૈસે ફેંકો ઔર ખેલ ખતમ “


ભિખારણ સ્ત્રી નું આ સ્વરૂપ જોઈ મને આઘાત લાગ્યો .ટ્રેન ઉપડવા માટે અપાયેલા સિગ્નલે મને જગાડી . હું ઝડપ થી ટ્રેન માં ચઢી સીટ ઉપર ગોઠવાઈ ગઈ . ટ્રેન નવા મુસાફરો થી ભરાઈ રહી હતી , પણ મારી અંદર કંઈક ખાલી થઇ રહ્યું હતું .ટ્રેન થોડીજ આગળ વધી ત્યાં એક સ્ત્રી નો અવાજ સંભળાયો : “બહેનજી બચ્ચે ને સુબહ સે કુછ નહીં ખાયા !” કઈ પણ જોયા વિના હું એકદમ શાંત ચિત્તે બારી ની બહાર વૃક્ષો , મેદાનો , પક્ષીઓ જોઈ રહી ……..

લેખક : મરિયમ ધુપલી

દરરોજ આવી અનેક વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર.. તમે લાઇક કર્યું કે નહિ…

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ