પિઝા નાની – વૃદ્ધ થયા તો શું થયું? એનો અર્થ ખાવાનું છોડી દેવાનું, એક સમજવા જેવી વાર્તા આયુષી સેલાણીની કલમે…

ને એ ડોશીઓનું ટોળું ધડાધડ આગળ વધ્યું. સિતેરથી વધારે ઉમરની એ ડોશીઓમાં અત્યારે કંઇક અજબ સ્ફૂર્તિ આવી ગઈ હતી. મનગમતી જગ્યાએ મનપસંદ પ્રવૃતિમાં વણાયેલી હતી એટલે જ તો. ‘એ જીવકોર બા.. હું શું કહું છું કે આપણે સાંજે ઓલા પિઝા ખાવા જઈશું હો.. જઈશું ને?’

પંદર ડોશીઓના એ ટોળામાંથી સૌથી ઊંચા અને કડેધડે એવા પંચોતેર વર્ષના બબીબાએ સૌથી આગળ ચાલતા ને આમ આ ટ્રીપના હેડ જીવકોર ડોશીને કહ્યું.. બધી ડોશીએ જેવું આ સાંભળ્યું કે તરત એકબીજાની સામે જોવા લાગી. મુળીમાં તો વળી મોઢા બગાડવા લાગ્યા. સાધનાબા ને જીણીબાએ એકબીજાની સામે જોઇને આંખ મીંચકારી. કેમ જાણે ખબર હોય કે આ બબીબા પિઝા ખાવા જવાનું કહેશે જ.. જીવકોરબાના ચહેરા પર ગુસ્સો છવાયો.. મંજરી ડોશી, મુક્તામા ને ધીરીબા ત્રણેયને વળી ચટપટી થઇ જાણવાની કે હવે જીવકોર બા કેમ કરીને આ બબીને ખીજાશે…!!


‘અલી એ જીવકોર.. તને કહું છું.. સાંભળે છે કે નહિ?’ બબીબાએ પ્રશ્ન દોહરાવ્યો.. ને સહેજ ગુસ્સા ને તોછડાઈ સાથે જીવકોરબા બોલ્યા,

‘અલી તારી ઉમર તો જો બબી.. આ ઉમરે તારે આપણા પોતરા ખાય એવું બધું નવું નવું ખાવું છે હેં? શરમ જેવું કંઈ છે કે નહિ.. એક તો જાત્રા કરવા આવ્યા છીએ.. ઠાકોરજીના ધામમાં આવીને સાદા કઢી-ખીચડી ખાવાને બદલે તારે આવા ફેન ફતુરીયા કરવા છે? તારી દીકરીએ મને કહ્યું જ હતું કે મમીને સંભાળજો.. એમને નવું નવું ખાવાનો ને આ પિઝા જાપટવાનો બહુ ચસ્કો છે. ને અહીં આવ્યે દસ દિવસ થયા છે ને આજે તે સાતમી વાર પિઝા ખાવા જવાનું કહ્યું છે… આ બધી ડોહીને ને મને એ નથ ભાવતા.. ને ભાવવાની વાત દુર છે.. એવું ખાવાનું અમને નથી શોભતું… એટલે મહેરબાની રાખ.. હવે બીજા પાંચ દિવસ અહીં છીએ ને એમાં પિઝા ખાવાનું નામ ના લેતી..’ ને એટલું બોલીને જીવકોરબા આગળ ચાલવા લાગ્યા..


બબીબા એમના સત્સંગની બધી ડોશીઓ સાથે ગોકુલ-મથુરાની જાત્રાએ આવ્યા હતા. અમદાવાદથી બસ ભરીને પંદર ડોશીઓ એકલી અહીં આવી હતી. પાંસઠ વર્ષના જીવકોરબાનાં દીકરાએ બધી વ્યવસ્થા કરી દીધેલી અને પાછા તે સૌથી નાના એટલે આખી ટ્રીપના હેડ એ જ હતા. ચાર વાર તેઓ ગોકુલ-મથુરા આવી ગયેલા.. એટલે બધાને એમ કહ્યું હતું કે તેમને અહીનું બધું ખબર છે એટલે જેવું એ કહેશે એવું કરવાનું રહેશે.. બધી ડોશીઓએ હોંશે હોંશે હા કહી હતી. રહેવાનું બુકિંગ પહેલેથી જ બધી જગ્યાએ કરાવેલું હતું. અને ફરવા તો મોટે ભાગે બધા બસમાં જ જતા. ક્યાંક સાંકડી શેરી હોય તો વળી ચાલીને જતા રહે.. આજે પણ બધી ડોશીઓ ચાલીને જ નીકળી હતી..

છેલ્લા દસ દિવસથી અહીં રહીને પ્રભુભજન કરતી ડોશીઓને સવાર સાંજ કઢી-ખીચડી વધીને ભાખરી શાક ખાતી આ ડોશીઓને બબીબા પર બહુ ગુસ્સો આવતો. રોજ સાંજ પડે ને બબીબાને પિઝા ખાવા જવું હોય.. અહીં આવ્યાના ત્રીજા દિવસે તેઓ જ્યાં દર્શન કરવા ગયેલા ત્યાં જ એક નાની હોટેલ હતી જેમાં પિઝા મળતા.. બબીડોશીએ એ દિવસે ખાધા ને બાકી બધી ડોશીઓને પણ આગ્રહ કરીને ખવડાવ્યા.. બધાયને મજા તો બહુ આવી પણ આ ઉમરે આવું બધું ખાવાનો શોખ રાખવો પોષાય નહીં તેમ વિચારી બધીયુંએ પિઝા ખાઈને મોઢું બગાડ્યું..


પણ બબીબા તો એની મોજમાં જ હતા.. એમને તો મજા પડી ગઈ મનગમતા પિઝા ખાવાની.. ઘરે પણ પહેલી વખત દોહિત્રીએ ખવડાવેલા ત્યારે જ બબીબાને તો ટેસડો પડી ગયેલો.. દીકરી-જમાઈ સાથે રહેતા બબીબાને પોતાની દોહિત્રી સાથે બહુ બને.. એક વાર ખાધા પછી તો વારંવાર દીકરી પાસે તો ક્યારેક દોહિત્રી પાસે પિઝા મંગાવે.. અહીં આવીને પણ પિઝાનો એ ચસ્કો ના છુટ્યો.. ચોથા દિવસે પિઝા ખાવા જવાની વાત કરી એટલે બધા મને-કમને માન્યા.. ને ગયા.. પાંચમાં દિવસે સવારે પંદરમાંથી બાર ડોશીના પેટમાં ગરબડ હતી.

એ સાંજે જયારે ફરી બબીબાએ પિઝા ખાવા જવાનું કહ્યું તો બધાએ મળીને ના કહી દીધી.. છટ્ઠા દિવસે ફરી વાર કહ્યું.. ફરી બધાની નાં આવી.. એના પછીના દિવસે કહ્યું જ નહીં.. આઠમાં દિવસે કહ્યું તો વળી બધી ડોશીને ઈચ્છા થઇ ગઈ એટલે ગયા પિઝા ખાવા.. ને નવમાં દિવસે સવારે ચૌદ ડોશી માંદી હતી.. પેટમાં ગરબડ.. એ આખો દિવસ બગડ્યો બધાનો.. એ સાંજે ધીમેથી બબીબાએ પિઝાની વાત કાઢી તો બધાની ચોખ્ખી ના.. એના પછીના દિવસે બધાય સાજા થઇ ગયેલા અને ખુશ હતા એટલે બબીબાએ ફરી પૂછ્યું તો આવી નાં.. ને આજે તો નાં નહીં જ કે એ વિચારે બબીબાએ જીવકોર ડોશીને કહ્યું એના પરિણામે જીવકોરડોશીએ ખીજાઈને એમનો ઉધડો લઇ લીધો..


બબીબાને સહેજ વસમું લાગ્યું. દીકરીએ પોતાનું આવું વાંકુ કહ્યું હશે આ જીવકોરને એમ વિચારે ચઢી ગયા.. એ દિવસ પછી બીજા પાંચ દિવસ ત્યાં રહેવાનું થયું ત્યારે એક પણ વાર બબીબાએ પિઝાનું નામ નહોતું લીધું.. હા બે વાર છુપાઈ-છુપાઈને પોતે એકલા ખાઈ આવેલા.. ને આ વાતની ફરિયાદ જીવકોરબાને બીજી ડોશીયુએ કરી દીધી હતી. પણ જીવકોરબા કંઈ બોલ્યા નહીં.. પંદર દિવસ રોકાઈને મોજ કરીને પાછા ફરતા બધી ડોશીયું અમદાવાદ જીવકોરબાના ઘરે ઉતરી.. ત્યાં બધાયને તેમના દીકરા-દીકરી લેવા આવવાના હતા.. ‘ક્લુ, કેમ એકલી આવી? મમી ક્યાં? એકલી ગાડી લઈને આવી છે હેં?’

દોહિત્રી કલીશ્કાને જોઇને બબીબા બોલ્યા. ‘નાની.. હા એકલી જ આવી છું.. મમી ને પપ્પા બહાર ગયા છે. થોડું જરૂરી કામ હતું.. ચાલો આપણે નીકળીએ..’ કલીશ્કા બબીબાને જવાબ આપીને જીવકોરબા પાસે ગઈ.. ‘જીવકોરદાદી.. મજા આવી ને બધાય ને?’ ‘હા મીઠડી.. પણ આ તારી નાનીએ પિઝાની રામાયણ કરી એમાં કેટલા દિ’ બગડ્યા હતા ખબર છે..?’ ‘લે વળી શું થયું હતું?’ ને એના જવાબમાં બધી ડોશી બોલી,


‘અરે દીકરી, પિઝાની આ રસીલીને આ ઉમરે ય કેવા ચટકા છે સ્વાદના.. આવું તો અમને શોભે નહિ.. દસ દિ’ પિઝા ખાધા છે બોલો આણે.. અમને તો એવી શરમ આવતી હતી એને સાથે લઇ જતા કે વાત ના પૂછો..’ કલીશ્કા બધી ડોશીની સામે જોઈ રહી.. ને પછી બબીબાની સામે જોયું. બબીબા નીચું મોં કરીને ઉભા હતા. ક્લીશ્કાને નાનીની દયા આવી ગઈ..

‘ને નાની વતી ‘સોરી સોરી’ કહીને બબીબાને લઈને ત્યાંથી નીકળી ગઈ.. વીસ વર્ષની કલીશ્કા પાસે ગાડીનું લાઈસન્સ હતું.. એટલે એ બધે ગાડીમાં જ ફરતી.. ‘સો નાની.. ક્યાં જવું છે? લા’પિનોઝ ઓલા સાત ચીઝ ખાવા કે ડોમિનોઝ ચીઝ પિઝા ખાવા? કે પછી માર્ગેરીટા ખાવા..?’ બબીબા દોહિત્રીને જોઈ રહ્યા.. ‘તું લઇ જઈશ મને પિઝા ખાવા?’ ધીમેથી ગભરાતા ગભરાતા બબીબાએ પૂછ્યું..

‘હાસ્તો વળી… નાની.. એટલે જ તો આવી છું હું લેવા.. મમી-પપ્પા તો તને લઇ પણ ના જાત નાનુડી… હા..હા..’ ને ગાડી ચલાવતા ચલાવતા જ કલીશ્કાએ નાનીને ચૂમી લીધા.. એ રાત્રે બંને નાની-દોહિત્રી પિઝા ખાઈને ઘરે આવ્યા ત્યારે બે-બે કિલો વજન વધી ગયું હતું બંનેનું.. રવિવારની સવારે બબીબાની દીકરીના ઘરમાં દોડાદોડી ને ધમાલ ચાલતી હતી. દીકરી ક્લીશ્કાનો એકવીસમો બર્થડે હતો અને ગ્રાંડ સેલિબ્રેશન રાખ્યું હતું તેના મમી-પપ્પા-રાજન અને રાહિરાએ..


‘મમી.. તમારી બધી સત્સંગ મંડળની ડોશીઓને પણ બોલાવ્યા છે હોં.. કાલે એ જઈને બધાને આમંત્રણ આપી આવ્યા છે.. કલી કહેતી હતી ખાસ એ બધાને બોલાવવા જ છે..’ બબીબાને સહેજ નવાઈ લાગી.. એ ડોશીઓનું વળી આ જુવાનીયા વચ્ચે શું કામ.. વિચાર્યું.. ત્યાં જ કલીશ્કા આવી.. ને બબીબાએ તેને પૂછ્યું, ‘કલી, જમવામાં પિઝા છે ને?’ રાહિરા આ સાંભળી ગઈ ને તરત આવી..

‘મમી.. પ્લીઝ યાર.. ઈરીટેટ ના કરો હવે.. બહુ કરી તમારા પિઝાએ તો.. જરાક તો લાજ-શરમ કરો ને ઉંમરનું ભાન રાખો… આ ઉમરે આવ ટેસડા નથી શોભતા તમને… આ રાજન પણ કહેતા હતા.. એમના ઓફીસ વાળાની પાર્ટીમાં આપણે ગયા મહિને ગયેલા તો તમે ગાંડાની જેમ પિઝા પર તૂટી પડ્યા હતા.. આવું બધું બહુ ખરાબ લાગે છે.. તમારી ઉમરના બધા ડોહા-ડોહી એક જગ્યાએ બેસીને શાંતિથી ગુજરાતી ખાણું જમતા હતાં.. ને તમે… હે ભગવાન હદ કરી છે..’

ને ગુસ્સે થતા થતા રાહિરા ત્યાંથી ચાલી ગઈ.. કલીશ્કાને ગુસ્સો તો બહુ આવ્યો મમી પર.. નાનીનું વિલાયેલું જોઇને. પણ તે કંઈ ના બોલી.. ને આખરે સાંજ પડી.. પાર્ટી શરુ થઇ કે એક પછી એક બધા જ તૈયાર થઇ થઈને અંદર આવી રહ્યા હતા..

‘ઓહ માઈ ગોડ.. આઈ એમ સો ઓવરવ્હેલ્મ્ડ.. આટલા બધા અહીં આવ્યા છે. આપણે કેક પણ કટ કરી અને બધાએ મને વિશિઝ આપી.. મારા ફ્રેન્ડઝ, મમીની કિટી પાર્ટી વાળા બ્યુટીફૂલ આંટીઝ, ડેડીના કોર્પોરેટ વાળા બધા બિઝી અંકલ્સ ને નાનીની સત્સંગ મંડલી.. બધા જ આવ્યા છે.. મને બહુ જ ગમ્યું.. થેંક્યું સો મચ..’

અચાનક જ હાથમાં માઈક લઈને કલીશ્કા બોલવા લાગી… ‘હવે તમે બધા ડાંસ અને ડિનર માટે જાવ એ પહેલા એક વાત કહેવા માંગુ છું.. કોઈને પર્સનલી અટેક નથી કરતી.. પણ બસ આ ઓબ્સર્વ કર્યું એટલે કહેવાની ઈચ્છા થઇ..


મમી… તને જ સૌથી પહેલા કહું કારણકે એ તારી માં છે.. ને મારી નાની.. હા વાત નાનીને રીલેટેડ છે.. જે હોય તે બધા જ નાનીને જયારે ને ત્યારે પિઝા ખાવાની બાબતે સંભળાવ-સંભળાવ કરે છે.. બિચારાએ જાણે કેટલોય મોટો ગુનો કરી નાખ્યો હોય તેમ બધા તેને ખીજાય છે. શોભતું નથી ને કંઈ ઉમરે આવા નખરા થતા હશે.. અરે બાપા.. એને ભાવે છે પિઝા તો ખાવા દે ને.. નાની પંચોતેર વર્ષે પિઝા ખાય એમાં કંઈ ખોટું નથી. બિચારીના એનાય શોખ હોય.. એનીય ઈચ્છા હોય..

હેં મમી, તું ને પાપા જયારે એશી વર્ષના થશો ત્યારે આ અત્યારે તું હાથમાં ટેસથી જે સ્ટાર્ટર લઈને ઉભી છે એ મન્ચુરિયન બોલ્સ ખાવાનું મૂકી દઈશ ને? ડેડી તમે પણ આ મેક્સિકન ડીશીઝ મૂકી દેશો ને ખાવાનું? બિચારી નાની પર જ કેમ આવો અત્યાચાર ખાવાની બાબતે.. એણે ક્યારેય પેટ દુખાવાની ફરિયાદ નથી કરી.. કે ક્યારેય ચૂરણ ખાવાનું નથી કહ્યું.. પપ્પા તમારી પાસે એણે ક્યારેય હવાબાણ હરડે મંગાવી? અરે નાની તો આજેય રોજ સવારે જાગીને લીમડા-પાલક-દુધીનો જ્યુસ પીવે છે.. ને પછી પિઝા ખાઈ છે.. મા તું તો સવારમાં જાગીને જ બધું ફેન્સી ખાવાનું શરુ કરી દે છે.. ને હા મારી વહાલી દાદીજીઓ.. સત્સંગ મંડળીની મારી નાનીની બહેનપણીઓ.. તમે શું બિચારાનો જીવ લઇ લીધો હેં?? શોભતું નથી.. ને શરમ રાખ.. શું કામ શરમ કરે ભાઈ? ગર્વ લેવાની વાત છે ને આ તો જીવકોરદાદી..? પંચોતેર વરસેય પિઝા ખાઈ શકે છે મારી નાની..


એનું શરીર, એની ઈચ્છા ને એનું ખાણું.. મમી તને ને મને જેમ જમવાનું પસંદ કરવાની છૂટ છે એમ એને પણ હોવી જ જોઈએ.. તમને આ ના સદે ને પેલું ના સદે કહીને આપણે જ પોપલાં બનાવી દઈએ છીએ વડીલોને… ને પછી ફરિયાદ કરીએ કે અમારે મમી તો બહારનું કંઈ ના ખાય એટલે હોટલમાં જમવા જ ના જઈ શકાય.. એટલે આવું બોલવાને બદલે પ્લીઝ.. આજના દિવસે મારી નાનીને પેટ ભરીને પિઝા ખાવા દેજો.. ને કોઈ એને વિચિત્ર નજરે જોઇને ખરાબ ફિલ ના કરાવતા..’

જેવું કલીશ્કાએ બોલવાનું પૂરું કર્યું કે ત્યાં હાજર તેના બધા ફ્રેન્ડસે તાલીઓના ગડગડાટથી તેને વધાવી લીધી.. આ જોઈ રાહિરા, તેની ફ્રેન્ડસ, રાજન અને એના ફ્રેન્ડસે પણ તાળીઓ પાડી.. જીવકોરડોશી સહિતની દરેક ડોશી એક છુપા ગર્વ સાથે મુસ્કુરાઈ હતી… ને બબીબા તો આભા જ બની ગયેલા.. આંખમાં આંસુ સાથે કલી તરફ જોઈ રહ્યા.. ને કલીશ્કા આવીને તેમને વળગી પડી…


એ રાત્રે પિઝા ખૂટી પડ્યા ત્યાં સુધી બધી ડોશીઓથી લઈને દરેકે પેટ ભરીને ખાધા.. એ દિવસ પછીથી તો કલીશ્કા ને બબીબા પિઝા ડેટ્સ પર જવા લાગ્યા… બેવકૂફમાંથી મંગાવેલું ‘પિઝા ક્વીન’ નું ટીશર્ટ પહેરીને…!!! પ્રાઉડ નાની-દોહિત્રી બનીને…!!

લેખક : આયુષી સેલાણી

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ