વડાપ્રધાનના કચ્છ પ્રવાસની જુઓ ઝલક, કચ્છની ભુકંપ પછીની વિકાસ ગાથાનું કર્યું વર્ણન…

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે એક દિવસના કચ્છ પ્રવાસે પહોંચ્યા હતા. અહીં તેમણે અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો હતો. શિલાન્યાસ બાદ કાર્યક્રમને સંબોધન કરતાં પીએમ મોદીએ ખેડૂત કાયદા વિરુદ્ધ ચાલતા ખેડુતોના આંદોલન માટે વિપક્ષ પર નિશાન સાધ્યું હતું. આ સાથે વડાપ્રધાને જણાવ્યું હતું કે ગુજરાતમાં ઝડપથી વિકાસના કામો કેવી રીતે આગળ વધી રહ્યા છે.

વડાપ્રધાને કહ્યું હતું કે કૃષિ કાયદાઓને લઈને દિલ્હીની સરહદો પર ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું હતું કે વિપક્ષ તેના હિતો માટે ખેડૂતોનો ઉપયોગ કરી રહ્યો છે. આ સમયે વડાપ્રધાન મોદીએ કેટલીક મહત્વની વાતોનો ઉલ્લેખ કર્યો હતો.

તેમણે કહ્યું હતું કે એક સમયે એવું કહેવાતું હતું કે કચ્છ ખૂબ દૂર છે, અહીં વિકાસ નથી, કનેક્ટિવિટી નથી. કચ્છ એક પ્રકારનું પડકારનું બીજું નામ હતું. આજે પરિસ્થિતિ એવી છે કે લોકો કચ્છમાં કામ કરવા, સમય પસાર કરવા કહે છે.

આ તકે તેમણે વિનાશક ભુકંપની વાત પણ કરી હતી તેમણે કહ્યું હતું કે ભુકંપથી કચ્છના લોકોના મકાનોનો નાશ થયો હશે, પરંતુ આટલા મોટા ભુકંપથી પણ અહીંના લોકોનું મનોબળ તૂટ્યું ન હતું. કચ્છના લોકો ફરી ઉભા થયા અને આજે કચ્છની ઓળખ બદલાઈ ગઈ છે.

એક સમય એવો હતો જ્યારે ગુજરાતની જનતાએ માંગ કરી હતી કે રાત્રે જમતી વખતે વીજળી મળે. પરંતુ આજે ગુજરાત દેશના એવા રાજ્યોમાંથી એક છે જ્યાં 24 કલાક વીજળી આપવામાં આવે છે. આ સાથે ગુજરાતમાં 80 ટકા ઘરોમાં સ્વચ્છ પાણીની સુવિધા આપવામાં આવી છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજકાલ દિલ્હી નજીક ખેડૂતોને ગેરમાર્ગે દોરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે લાંબા સમયથી કૃષિ સુધારાની માંગ હતી કે ખેડૂતોને તેમની પેદાશો ક્યાંય પણ વેચવાની છૂટ આપવામાં આવે. પરંતુ હવે વિપક્ષમાં બેઠેલા લોકો ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

વડાપ્રધાને ડિસેલિનેશન પ્લાન્ટ તેમજ વિશ્વના સૌથી વિશાળ રિન્યુએબલ એનર્જી પાર્કનું ખાતમૂર્હુત કર્યું હતું. આ ઉપરાંત દરિયાના પાણીને મીઠા બનાવવાના કચ્છના ગુંદિયાળી સહિત સૌરાષ્ટ્રના ગાંધીવી-દ્વારકા, ઘોઘા-ભાવનગર, સુત્રાપાડા-સોમનાથ મળીને ચાર ડિસેલીનેશન પ્લાન્ટનું વર્ચ્યુઅલ ભૂમિપૂજન અને કચ્છ સરહદે મોટા રણમાં સૌરઊર્જા અને પવનચક્કીથી ઉભા થનારા વિશ્વના સૌથી મોટા 30 હજાર મેગાવોટની ક્ષમતાના હાઇબ્રીડ એનર્જી પાર્કનું પણ વર્ચ્યુઅલ ભૂમિપૂજન કર્યુ હતું.

તેઓએ ધોરડો ખાતે કચ્છના પ્રગતિશીલ ખેડૂતોને અને કચ્છ સરહદે ખેતી કરતા પંજાબી ખેડૂતોને મળી તેમને સાથે વાર્તાલાપ કર્યો હતો અને કચ્છના હસ્તકલા કારીગરોને પણ મળ્યા હતા.

વડાપ્રધાન મોદી જ્યારે ભુજ એરફોર્સ ખાતે પહોંચ્યા ત્યારે રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમ, એર કોમોડોર મલુક સિંઘ, ડી.જી.પી. આશિષ ભાટિયા સહિતના આગેવાનોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. તેઓ ભુજ એરફોર્સ ખાતેથી હેલિકોપ્ટરમાં ધોરડો પહોંચ્યા હતા. અહીં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના નેતાઓ ઉપસ્થિત હતા. જેમણે તેમને આવકાર્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ