જવાબદારી – બે યુવાન હૈયાઓ મળ્યા હતા કોલેજમાં અને ભાગી ગયા હતા, પણ તેમની સાથે બની એક અઘટિત ઘટના…

મહાબળેશ્વર ના પહાડ ઉપર ચઢી રહેલી એ બસ ની બારી ના બહાર નું દ્રશ્ય જેટલું રમણ્ય એટલુંજ રોમાંચક હતું. તદ્દન ઊંડી પ્રાકૃતિક ખીણ હૃદય ને હચમચાવી રહી હતી તો ઢળતા સૂર્ય ની કિરણો થી સજેલું નભ જાણે કોઈ આનંદ મગ્ન પ્રેમિકા ના નૃત્ય નો આભાસ ઉપસાવી રહ્યું હતું. શિયાળા ની અત્યંત શીતળ પવન ની લહેરો ધીરે ધીરે રાત્રી નું આગમન કરતી માનવશરીરો ને ધ્રુજાવી રહી હતી. બસ ની સૌથી અંતિમ હરોળ ની બારી પાસે ગોઠવાયેલું યુગલ એકમેક ના ખભે માથું ઢાળી , હાથ માં હાથ પરોવી , એક બીજા ના શરીર ની હૂંફ થી ધ્રુજાવતી ઠંડી નો સામનો કરી રહ્યું હતું.


પ્રેમ ની હૂંફ ફક્ત ઠંડી સામેજ નહીં વિશ્વ્ ની કોઈ પણ મુશ્કેલી સામે સુરક્ષા કવચ બની જતી હોય છે !પ્રેમ ના એજ આશાવાદી રંગો માં રંગાયેલા એ યુવક અને યુવતી થોડાજ કલાકો પહેલા પોતાના ઘર અને કુટુંબ ને પાછળ છોડી ,પ્રેમ નું મુક્ત સ્વતંત્ર જીવન શરૂ કરવા, સમાજ અને માતાપિતા સામે બળવો પોકારી, હમેશ માટે એકબીજા ના થઇ રહેવા ‘ ભાગી ‘ છૂટ્યા હતા. જોકે ભાગવા નો કાર્યક્રમ આજે જ નક્કી થયો ન હતો .વાત શરૂ થઇ હતી આજ થી ત્રણ વર્ષ પહેલા જયારે અમિત અને નયના ની આંખો કોલેજ ના પ્રથમ વર્ષ દરમિયાન મળી હતી . અને એ પહેલી નજર માંજ કંઈક જાદુઈ અનુભવાયું હતું.

એક બીજા ને પહેલીવાર મળ્યા છતાં જાણે વર્ષો થી ઓળખવાનો એ અનુભવ કંઈક વિચિત્ર હતો. ઔપચારિક વાતો થી શરૂ થઇ એ લાગણીઓ મિત્રતા સુધી પહોંચી ગઈ. અમિત આમ તો શહેર ના ધનવાન પરિવાર નો નબીરો હતો પણ ભણવા ની ધગશ અને જીવન માં કંઈક જુદું કરી બતાવવાનું જુનુન એના રોમેરોમ માં સિંચિત હતું. પોતાના પિતા ના હોટેલ વ્યવસાય કરતા પોતાના ગમતા સંગીત ક્ષેત્ર માંજ એ પોતાની એક આગવી ઓળખ ઉભી કરવા ઇચ્છુક હતો. તો બીજી તરફ નયના પણ એક સધ્ધર પરિવાર નું સંતાન હતી . માતા પિતા બન્ને વ્યવસાયે તબીબ એટલે જાણે બધાની અપેક્ષા ના ગણિત માં નયના પણ એક ભાવિ તબીબ તરીકે જ સ્વીકારાય ચુકી હતી. પરંતુ નયના એ તો પોતાના જીવન નો સરવાળો પોતેજ માંડવો હતો, જેમાં રકમ પણ એની અને ઉત્તર પણ પોતાનોજ ! પોતાની એ જીવન ક્રાંતિ એણે કોમર્સ પ્રવાહ માં દાખલો મેળવી શરૂ પણ કરી દીધી.


જેમ જેમ અમિત અને નયના એકબીજા ની નજીક આવતા ગયા તેમ તેમ એકબીજા ના સ્વભાવ ની સમાનતા થી અંજાતાં ગયા. કેન્ટીન , પાર્કિંગ, પુસ્તકાલય કે લેક્ચર માટે ની એ છેલ્લી હરોળ વાળી પાટલી … પુસ્તકો અને નોટ્સ ની અદલાબદલી કે યુવક મહોત્સવ ની પ્રવૃત્તિઓ ….જ્યાં અમિત ત્યાં નયના અને જ્યાં નયના ત્યાં અમિત…ફક્ત એકજ વર્ષ ની અંદર આ મૈત્રી નો સંબંધ પ્રેમ ના ઇન્દ્રધનુષી રંગો માં રંગાવા માંડ્યો . બધાની સામે હમેશા એકબીજા ની સાથેજ દેખાતા અમિત અને નયના હવે બધા થી દૂર એકાંત માં મળવાને પ્રાધાન્ય આપવા લાગ્યા. યુવાન હૃદયો એકબીજા ના સાથ સાથે એકબીજા નો સ્પર્શ પણ ઝંખવા લાગ્યા .

પુસ્તકાલય ની જગ્યા એ બાઇક ઉપર લાંબી લટારો માં વધુ સમય વિતવા લાગ્યો . એક બીજા ના પુસ્તકો અને નોટ્સ અદલાબદલી કરવા કરતા સિનેમાઘર નો એકાંત ખૂણો વધુ આકર્ષવા લાગ્યો . લેક્ચર ની છેલ્લી પાટલી પર સમય વેડફવા કરતા શહેર થી દૂર કોઈ સૂમસાન ખૂણા માં બાઈક ઉપર એકબીજા માં પરોવવા માં સમય નો સદુપયોગ લાગવા માંડ્યો . મોડી રાત્રી સુધી અભ્યાસ નું સ્થાન ‘ લેટ નાઈટ ચેટિંગ’ એ લઇ લીધું . આ નવી સ્વ્પ્ન સૃષ્ટિ માં રાચી રહેલા અમિત અને નયના પોતાના જીવન લક્ષ્યો થી જાણ્યે અજાણ્યે દૂર ધકેલાતા ગયા . કોલેજ ની બીજા વર્ષ ની પરીક્ષા દરમિયાન બન્ને ના પરિણામો ઉપર એની સીધીજ અસર પડી . બન્ને ના ઘરો માં જાણે ઉથલ પાથલ મચી ગઈ .

અત્યાર સુધી ધ્યેય યુક્ત અને ધગશી રહેલા વિદ્યાર્થીઓ નું પ્રદર્શન આમ અચાનક નિમ્ન કક્ષા એ જઈ પડે તો ચિંતા અને શક નો ઉદ્ધભવ તો તદ્દન વ્યાજબી ! બન્ને પરિવારો ને આ પ્રેમ સંબંધ ની જાણ થતા સમય ન લાગ્યો . નયના ના પિતા એ તો સીધાજ શબ્દો માં ધમકી આપી દીધી :
” જો ભણવા નું ઉદ્દેશ્ય ન હોય તો કોલેજ જવાની જરૂરજ નથી !”

અમિત ના પિતા એ પણ પોતાના હોટેલ વ્યવસાય અને સંગીત વચ્ચે પસંદગી કરી, કોઈ પણ ક્ષેત્ર માં ગામ્ભીર્ય થી કારકિર્દી શરૂ કરી સ્વનિર્ભર જીવન તરફ પગલું ભરવાની સ્પષ્ટ ચેતવણી આપી દીધી : ” પહેલા પોતાના પગ પર ઉભો રહે પછી જ લગ્ન ની વાત કરજે !”

આ બધા તાણ અને તણાવ ની વચ્ચે કૉલેજ નું અંતિમ વર્ષ પસાર થવા લાગ્યું . અમિત અને નયના નું જીવન કોઈ ફિલ્મ જેવુંજ નાટકીય બનતું ચાલ્યું . પ્રેમ માં તરબતોળ હય્યાઓ , એકબીજા વિના ન જીવી શકવાની લાગણીઓ , એક પણ ક્ષણ એકબીજા વિના ન વિતાવી શકવાની પિડામય ભાવનાઓ , કઠોર હૃદય ધરાવનાર માતાપિતા… સમાજ અને પ્રેમ વચ્ચે નું એજ જૂનું અવિરામ યુદ્ધ ! શા માટે માતાપિતા બાળકો ના યુવા હય્યા ને સમજી શકતા નથી ? શા માટે પ્રેમ ની એ કુમળી લાગણીઓ ને નિર્દયી રીતે ઠૂકરાવવામાં આવે છે ? શા માટે હંમેશા બે હૃદય વચ્ચે ભીંત સમા ઉભા થઇ જવું ફરજીયાત બની જતું હોય છે ? અમિત અને નયના ના યુવાન મન પણ એજ પ્રશ્નો થી ઝૂરી રહ્યા હતા , જેમાંથી એમની ઉંમર નું દરેક મન પસાર થતું હોય છે…

અંતિમ સત્ર ની પરિક્ષાઓ શરૂ થઇ અને સાથેજ અમિત અને નયના ના ઘર છોડી ભાગી જવાના કાર્યક્રમ ની યોજના ઘડાવા લાગી . કેટલાક અંગત મિત્રો નો સાથ લઇ અમિતે બધુજ યોજનાબદ્ધ ગોઠવી નાખ્યું . પોતાના ઘરે થી એક મોટી રકમ ચોરી , મિત્ર ના ઓળખાણ થી મહાબળેશ્વર ની કોઈ હોટેલ માં થોડા દિવસ નું રોકાણ કરી ,આગળ અન્ય કોઈ શહેર માં નોકરી શોધી સ્થાયી થઇ જવું …નયના પણ પોતાના ઘરેથી કેટલાક કિંમતી ઘરેણાં અને દાગીનાઓ નું એક નાનકડું પોટલું સાથે લઇ લેશે …..યોજના ખુબજ સરળ , સીધી અને સહેલી હતી …


અંતિમ સત્ર ના એ અંતિમ પ્રશ્નપત્ર સાથેજ બધુજ પૂર્વ નિર્ધારિત યોજના અનુસાર બંધબેસતું થયું અને આજે પ્રેમી પંખીડા પોતાના નવા જીવન ની શુભ શરૂઆત મહાબળેશ્વર ની સુંદર રોમાંચક વાદીઓ માં કરવા આવી પહોંચ્યા . સમાજ , કુટુંબ , પરિવાર , માતાપિતા સર્વ વિઘ્નો થી ખુબ ખુબ દૂર ….

બસ માંથી ઉતરતાંજ સુર્યાસ્તે સમગ્ર પહાડી વિસ્તાર ને અંધકાર માં સંપૂર્ણ પણે ઘેરી લીધો હતો . એકબીજા નો હાથ થામી અમિત અને નયના મિત્ર એ કરેલી વ્યવસ્થા અનુસાર પોતાની હોટેલ શોધવા નીકળ્યા . રહેઠાણ વિસ્તાર થી જરા ઉપર તરફ સૂમસાન વિસ્તાર માંજ ઉતારો કરવો હિતાવહ હતું . જેટલું લોકો ની દ્રષ્ટિ એ ઓછું ચઢાઈ એટલુંજ સુરક્ષિત . આમ પણ થોડાજ દિવસો નો પ્રશ્ન હતો . એક વાર નોકરી મળી જાય પછી અહીં ક્યાં રોકાવાનું હતું ? નહિવત અવરજવર વાળા વિસ્તાર માં સ્થાયી હોટેલ રાત્રી ના અંધકાર માં તદ્દન શાંત અને ડરામણી ભાસી રહી હતી . નયના એ અમિત નો હાથ અગાઉ થી પણ વધુ ચુસ્ત પકડી રાખ્યો હતો . હોટેલ ના કાઉન્ટર ઉપર હાજર એક ઉંચો કદાવર પહેલવાન સમો માણસ સ્પષ્ટ અને કડક શબ્દો માં જાણે ચેતવણી આપી રહ્યો :

” યે નામ કી કોઈ બુકીંગ યહાં નહીં હુઈ હે !!”


અમિત ચોંક્યો : ” એસા કેસે હો સકતા હે ? મેરે દોસ્ત ને કુછ દીનો પહેલે સે બુકીંગ કરાયી થી ..આપ જરા ઠીક સે દેખિયે ….”

અમિત અને નયના તરફ શક ની દ્રષ્ટિ ફેંકતો એ કદાવર વ્યક્તિ ધમકી વાળા સ્વર માં બરાડ્યો : ” મુજે મત શિખાઓ …ક્હાના નામ દર્જ નહીં હુઆ હે …. જગહ નહીં હે જાઓ યહાઁ સે …” એણે ફરીથી એક વેધક દ્રષ્ટિ નયના ના શરીર ઉપર ફેરવી . એ લોભી આંખો થી ડરતી નયના અમિત ની પાછળ પોતાનું શરીર જાણે છુપાવી રહી . અમિતે પોતાના મિત્રો નો સંપર્ક સાધવા મોબાઈલ પર આંકડાઓ ફેરવ્યાં . એના આશ્ચર્ય વચ્ચે બધાજ નંબર વ્યસ્ત હતા . હવે શું કરવું ? આ અંધારી રાત્રી માં નયના ની સુરક્ષા એની જવાબદારી હતી .

” તું ચિંતા ન કરીશ . આપણે અન્ય હોટેલ શોધી લઈશું .” નયના ને વિશ્વાસ અપાવી, એના ચિંતિત હૃદય ને આશ્વાસન આપતો અમિત એને બાહુ માં સમાવી હોટેલ ની બહાર નીકળી ગયો . પાછળ થી પેલું કદાવર શરીર ઉંચા અવાજે બરાડયું :

” ઘર સે ભાગ કે આયે હો ક્યા ?”

અમિત અને નયના ની આંખો પહોળી થઇ. પગ વધુ ઝડપે ઉપડવા માંડ્યા. પ્રશ્ન સાંભળ્યોજ નહીં હોય એ રીતે બન્ને એકબીજા નો હાથ થામી ત્યાંથી ભાગી નીકળ્યાં. થોડીજ મિનિટો માં એક નાનકડા રસ્તા પર આવી ઉભા રહ્યા. હાંફતી શ્વાસો થી રસ્તા ની બન્ને તરફ નજર દોડાવી. રહેઠાણ વિસ્તાર થોડા અંતરે હતો. એક પણ વાહન ની અવર જવર દેખાતી ન હતી. ચાલી ને અંતર કાપવા સિવાય અન્ય કોઈ વિકલ્પ ન હતો. ઝડપથી પગ ઉપાડી બન્ને રહેઠાણ વિસ્તાર તરફ ની દિશા માં આગળ વધ્યા. રાત્રી ની નીરવ શાંતિ માં પાછળ થી આવી રહેલ પગલાંઓ નો અવાજ ધીરે ધીરે સ્પષ્ટ સંભળાવા લાગ્યો. બે હય્યાઓ અંદરોઅંદર ધ્રુજી રહ્યા. બન્ને શરીરો એ ઝડપ અને સ્ફૂર્તિ ને પણ જાણે વેગ આપ્યો. પરંતુ ચાર અતિસ્ફુર્તિલા શરીરો સામે એ બે થાકેલા શરીરો હારી ગયા. ચારેય ચ્હેરાઓ કાળા કપડાં પાછળ છુપાયા હતા. હાથ માં રાખેલી છરીઓ ની ધાર અત્યંત તેજ ચમકી રહી હતી. ચાર માં થી એક માણસે અમિત ના હાથ પકડી ગળા પર છરી ગોઠવી : ” આવાજ કી તો ગયા !!!”


નયના ડર થી ધ્રુજી રહી હતી. અમિતે આંખો ના ઈશારાથીજ પરિસ્થિતિ સમજી સ્થિર રહેવા આશ્વાસન આપ્યું. અમિતના ચ્હેરા ઉપર પણ નયના ના ચ્હેરા ની જેમજ ભય નો પરસેવો છૂટી રહ્યો હતો . બીજા માણસે અમિત અને નયના ની બૅગ ઝુંટવી લીધી. ત્રીજા માણસે અમિત ની કાંડા ઘડિયાળ અને ગજવા માંથી એનું પાકીટ , પૈસા , મોબાઈલ બધુજ કાઢી છીનવી લીધું . એકજ ક્ષણ માં એની બધીજ પુંજી લૂંટાઈ ગઈ. પણ આ પરિસ્થિતિ માં બન્ને ફક્ત સુરક્ષિત બચી જાય એજ ઘણું હતું. પોતાના હાથ લાગેલ મોટી રકમ થી ખુશ થતા ચારેય માણસો બન્ને ને ધકેલી આગળ વધી ગયા . એક ક્ષણ માટે અમિત અને નયના ના જીવ માં જીવ આવ્યોજ કે ફરીથી એ માણસો પાછળ ફર્યા .

એક માણસે નયના ના હાથ માનો મોબાઈલ પણ ખેંચી લીધો . એના ગળા અને કાન માં સજેલા ઘરેણાં થી અંજાઈ એણે નયના નો હાથ ખેંચી પોતાની તરફ લેવા પ્રયાસ કર્યો. ગુસ્સા ના આવેગ માં અમિતે એના ઉપર પ્રહાર કરવાનો પ્રયાસ કર્યોજ કે બીજા બે સાથીઓ એ એને પાછળ તરફ હડસેલ્યો. નયના ડર થી ચીખી રહી . એનું મોઢું અત્યંત આવેગ થી દબાવી દેવાયું. અમિત કંઈક સમજી કે વિચારી શકે એ પહેલાજ આગળ થી જ નિર્ધારિત યોજના ના ભાગ રૂપે ગેંગ નો એક સાથી વાન લઇ આવી ચઢ્યો. નયના ને વાન માં લઇ આખી ગેંગ અદ્રશ્ય થઇ ગઈ. અમિત નું મગજ કાર્ય કરતું થંભી ગયું. હૃદય ના ધબકાર બહાર સંભળાવા લાગ્યા. નિસહાય અને લાચાર એ ત્યાંજ ફસડાઈ પડ્યો . ક્યાં જાય ? શું કરે ? ઘરે જાણ કરે ? નયના ના માતાપિતા ને ખબર આપે ? કે પુલીસ સ્ટેશન જાય ? આંખો ની આગળ અંધારા છવાઈ ગયા….મોઢા માંથી ચીસ નીકળી ઉઠી…” નયના …….”


હિમ્મત કરી એ પુલીસ સ્ટેશન શોધવા ઉપડ્યોજ કે પેલી વાન ફરીથી એની નજર આગળ આવી ઉભી રહી . વાન નું બારણું ખુલ્યું અને અંદર થી નયના ને બહાર તરફ ધકેલી દેવાય . નયના ને ધકેલી એ વાન પૂર ઝડપે ફરી અદ્રશ્ય થઇ ગઈ. અમિત અધીરાઈ થી આગળ વધતો નયના ને સંભાળી રહ્યો : ” નયના …નયના ….તુ ઠીક તો છે ને…??? એમણે તારી જોડે કઈ ……..”

ધ્રુસકે ધ્રુસકે રડતી નયના નકાર માં ડોકું ધુણાવી રહી ..” નહીં …ફક્ત મારા ઘરેણાં ….” અમિત ની છાતી પર લપાઈ એ આંખો ના અશ્રુઓ ખલવી રહી . એનું આખું શરીર હજી પણ ધ્રુજી રહ્યું હતું તદ્દન અમિત ના અંતર ની જેમજ …

ગમે તેમ કરી એ અંધકારમય સ્થળ થી બન્ને રહેઠાણ વિસ્તાર તરફ ઉપડ્યા . પૈસા વિના હવે શું કરવું અને ક્યાં જવું એ મનોમન્થન માં એક બસસ્ટોપ નજીક ના બાંકડા પર બન્ને ગોઠવાયા. ગાડીઓ અને લોકો ની અવરજવર થી સુરક્ષીત એ સ્થળે આખરે શ્વાસ લેવાની તક મળી. આખા દિવસ ની હાડમારી અને માનસિક શારીરિક થાક થી નિધાળ નયના એ અમિત ના ગોદમાં પોતાનું માથું ગોઠવી દીધું અને આંખો આપોઆપ મીંચાય ગઈ. નયના ના માથે પ્રેમ થી હાથ ફેરવી રહેલ અમિત ની આંખો મીંચાતા પણ બહુ વાર ન લાગી.

સૂર્ય ની કિરણો એ અર્પેલી તાજગી થી પહાડી વિસ્તાર ની પ્રકૃત્તિ ધીરે ધીરે સુંદરતા થી સચેત થઇ. પંખીઓ ના મીઠા કલરવ થી નયના અને અમિત ની ગાઢ નિંદ્રા તૂટી. પોતાના ઘર અને પલંગ ની આરામદાયક પથારી ની જગ્યા એ બસસ્ટોપ પર ના એક ખરબચડા અને અર્ધ તૂટેલા બાંકડા ઉપર પોતાને પામી બન્ને વાસ્તવિકતા થી અવગત થયા. રાત્રી ની એ ભયંકર ઘટના જીવંત દ્રશ્ય સમાન આંખ અને મન ઉપર છવાઈ ગઈ. આગળ શું કરવું ? ક્યાં જવું ? કંઈજ સ્પષ્ટ ન હતું . એકબીજા નો હાથ થામી ભોજન ની શોધ માં બન્ને ના ડગ આગળ વધ્યાજ કે અચાનક બે ગાડીઓ સડસડાટ કરતી એ પ્રેમી પંખીડાઓ ની દિશા અવરોધતી આગળ આવી ઉભી. એક પછી એક બન્ને ગાડી ના દરવાજા ખુલ્યા . અમિત અને નયના ના પિતા ગાડીમાંથી બહાર આવ્યા. ક્રોધ માં સળગતી આંખો દગાબાઝ બાળકો ને નિહાળી રહી. નયના અમિત નો હાથ પકડી ખેંચી રહી :


” અમિત જલ્દી કર ….” અમિત મૂર્તિ જેવો સ્તબ્ધ ત્યાંજ ઉભો રહ્યો. ” અમિત ..શું કરી રહ્યો છે ? જલ્દી કર..ભાગ..” અમિત ની તંદ્રાવસ્થા તોડતી નયના એનો હાથ વધુ આવેગ માં ઝાલી રહી. પરંતુ અમિત નું સ્થિર શરીર એના સ્થિર વિચારો સમું એકજ પરિસ્થિતિ માં જાણે જકડાઈ ગયું.
” જા નયના ! ગાડી માં જતી રહે ..” નયના અમિત ના શબ્દો થી ચોંકી ઉઠી . ” આ શું કહી રહ્યો છે ? હોંશ માં છે કે નહીં ?”

અમિત ના શબ્દો પરિપક્વ સ્વર પકડી રહ્યા : ” હોંશ માં તો હવે આવ્યો છું …જો ગઈ કાલે રાત્રે તને કઈ થઇ જતે તો હું પોતાની જાત ને કદી માફ ન કરી શકત …” ” પણ અમિત હું તારા વિના ….” ગળા માં આવેલા ડુમા થી નયના નું વાક્ય અધૂરુંજ છૂટી ગયું .

અમિતે એનો હાથ થામી પંપાળ્યો : ” તું ચિંતા ન કર . નયના અમિત ની છે ને અમિત ની જ રહેશે. પણ પહેલા હું પોતાને એ લાયક બનાવવા ઈચ્છું છું કે પોતાના પ્રેમ ને સુરક્ષિત જીવન અર્પી શકું. ” અમિતે ભીની આંખે નયના ની પીસાની ચૂમી લીધી . નયના નો હાથ થામી અમિત એને એના પિતા ની નજીક લઇ ગયો. નયના નો હાથ એના પિતા ના હાથ માં આપ્યો. ગુસ્સા નો જ્વાળામુખી એક સળવળતા તમાચા સ્વરૂપે અમિત ના ચ્હેરા ઉપર આવી પડ્યો. અમિત નીચી નજરે ચુપચાપ ઉભો રહ્યો . નયના રુદન ના આક્રન્દ જોડે ગાડી માં ગોઠવાઈ અને થોડીજ ક્ષણો માં ગાડી પહાડી પર થી નીચે ના ઢલાન તરફ ઉતરી પડી. એક પણ શબ્દ બોલ્યા વિનાજ અને પિતા ની આંખો માં આંખો પરોવવાની હિમ્મત કર્યા વિનાજ અમિત પોતાની ગાડી માં ગોઠવાયો અને એ ગાડી પણ પહાડી વિસ્તાર ને ચીરતી સડસડાટ નીચે તરફ ઉપડી પડી.


ઘરે પરત થયેલા અમિત અને નયના ફરીથી પહેલા જેવાજ ધ્યેય લક્ષી વ્યક્તિત્વ માં ઢળી રહ્યા. પોતાના પાછળ છૂટી ચૂકેલા જીવન લક્ષ્યો ની દિશામાં પહેલાથી પણ વધુ ધગશ અને જોશ થી મંડી પડ્યા . પોતાના પ્રેમ સાથે ‘સુરક્ષિત’ જીવન માણવા માટે આર્થિક અને માનસિક સ્વનિર્ભરતા ની અનિવાર્યતા બન્ને ઊંડાણપૂર્વક સમજી ચુક્યા હતા .

આ બધા બદલાવો દરમ્યાન શહેર થી દૂર હાઇવે ની એક હોટેલમાં અમિત અને નયના ના પિતા સામસામે બેઠા હતા . ટેબલ નજીક ઉભેલા યુવકો ની ટોળી તરફ અમિત ના પિતા એ પૈસા ની નોટ નું એક મોટું બંડલ ધર્યું . ” ખુબજ સરસ અભિનય ….” ખડખડાટ હાસ્ય થી હોટેલ નો ઓરડો ગુંજી રહ્યો . અમિત પર મહાબળેશ્વર માં હુમલો કરનારી ટુકડી નક્કી કરવામાં આવેલી રકમ વસૂલી હોટેલ ની બહાર નીકળી ગઈ .

નયના ના પિતા પ્રભાવિત ચ્હેરા સાથે અમિત ના પિતા ને વધાવી રહ્યા : ” તમારી યોજના ખુબજ તાર્કિક હતી . બન્ને ના ભાગી જવાની યોજના ની જાણ થતા મારુ તો લોહી ઉકળી ગયું હતું . ઉતાવળ અને ક્રોધ ના આવેગ માં ખબર નહીં હું શું કરી નાખત ? પણ જયારે તમે મને મળવા આવ્યા , શાંત ચિત્તે તમારી યોજના જણાવી ત્યારે હું પણ સમસ્યા ને અન્ય દ્રષ્ટિકોણ થી નિહાળી શક્યો …આપનો ખુબ ખુબ આભાર …”

અમિત ના પિતા એ નયના ના પિતા નો હાથ થપથપાવ્યો . ” આભાર કેવો ? આપણા બાળકો ને સીધા માર્ગે દોરવા એ આપણી જ્વાબદારીજ તો છે . આજ ની પેઢી ખુબજ ગતિશીલ છે પણ એટલીજ સમજદાર પણ છે . જુઓ અમિત ના મિત્રો જોડે થોડી સમજણ અને મૈત્રીપૂર્ણ વાતચીત થઇ અને મિત્ર ને મદદ કરવા મારો સાથ આપવા રાજી થઇ ગયા . આ પેઢી ને નીચે આંકવાની હિમ્મત ન કરાય . આજ ના બાળકો લાંબાલચક નૈતિક ભાષણો ની જગ્યા એ સ્વ અનુભવો થીજ શીખવા તત્પર છે . એમને સમજવા કે સમજાવવા માટે એમના માનસિક સ્તરે ઉતરી પગલાં ભરીએ તો દરેક સમસ્યા સહેલાઇ થી ઉકેલી શકાય . સ્પ્રિંગ જેટલી દબાવીએ એટલીજ ઉછળે ! ક્રાંતિકારી યુવાની સામે ક્રાંતિકારી થવા જઈએ તો સમસ્યા વધુ વણસે અને બાળકો હાથ માંથી નીકળી જાય …


અમિત ના પિતા ના મંતવ્યો માં હામી પુરાવતા નયના ના પિતા એ સંમતિ માં માથું ધુણાવ્યું : ” આપણે પ્રેમ ના વિરોધી નથી . આપણી સંતાનો ને પ્રેમ કરવાવાળા જીવન સાથી મળે એનાથી વધુ સંતોષ અને ખુશી ની વાત વાલી માટે અન્ય કઈ હોય શકે ? પણ હા જો એજ પ્રેમ એમને જવાબદારીઓ થી ભાગી વાસ્તવિકતા થી , જીવન ધ્યેયો અને લક્ષ્યો થી મોં ફેરવી અવાસ્તવિક સ્વ્પ્ન સૃષ્ટિ માં રાચવા પ્રેરિત કરે તો એ પ્રેમ ને જવાબદારી ની વાસ્તવિક સૃષ્ટિ પર ઉતારવોજ રહ્યો . પણ હવે આગળ ની યોજના ???

અમિત ના પિતા ના ખડખડાટ હાસ્ય થી હોટેલ નો ઓરડો એકવાર ફરી ગુંજી ઉઠ્યો : ” બન્ને પગ પર ઉભા થાય કે આવી પહોંચીશ મારી દીકરી ને તમારા ઘરે થી ભગાડી લઇ જવા ..પણ હા , આ વખતે બેન્ડ – બાજા – બારાત જોડે …” અને નયના ના પિતા એ પણ ખડખડાટ હાસ્ય માં પોતાનો ફાળો નોંધાવી દીધો …

લેખક : મરિયમ ધુપલી

દરરોજ આવી અનેક નવી નવી વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર.