પથ્થરમાં પ્રગટ્યા પ્રાણ… – પરિવારે નવી આવનાર વહુથી છુપાવી હતી એક વાત, એકદિવસ અચાનક…

ડોકટર ત્રિવેદી સાહેબે આશુતોષને સંપૂર્ણત: ચેક કરી લીધા પછી ખુરશીમાં બેસતા સ્ટેથોસ્કોપને આંગળીઓ વડે રમાડતા વિજયા અને મહાસુખને કહ્યુ કે “આ રોગને ઓટિઝમ પ્લસ હાઇપર એકિટ્વ કહી શકાય. રંગસુત્રોની જોડમાં રહી ગયેલી ક્ષતિને કારણે બાળકનો જન્મ થાય ત્યારે બધું નોર્મલ લાગે પણ જેમ જેમ મોટો થવા લાગે તેમ તેમ તે રોગનાં ચિહ્નો દેખાવા લાગે”


“તો આને માટે દવા?” વિજયાએ ચિંતાગ્રસ્ત થઇને પૂછ્યું. “આમ તો આની પર્ટીક્યુલર દવા નથી પણ કસરત અને તાલીમ એ જ શ્રેષ્ઠ સારવાર છે. તમે ચાહો તો કોઇ માનસિક વિકલાંગ સંસ્થામાં દાખલ કરો, તો ત્યાં મળતી તાલીમ સારવારને લીધે ધીરે ધીરે એ નોર્મલ થઇ શકે, બાકી તો જે તમને ન્યૂરો ફિજીશિયને દવા લેવાનું કહ્યુ છે, એ તમારા દીકરાનાં રોગને અભિપ્રેત જ હશે..”

પતિ-પત્નિ બન્ને એકબીજા સામે તાકી રહ્યા કે ડો.ત્રિવેદીએ આશાની પડીકી આપી: “એમ નાસીપાસ થવાની જરૂર નથી. કદાચ તમે સ્કૂલે બેસાડો. અને ધીમે ધીમે તેનું સામાજિકરણ થતું રહે, તો તો પછી એવી કોઇ માનસિક વિકલાંગતાની તાલીમની હોસ્ટેલ કે સંસ્થામાં મૂકવાની જરૂર પણ નહી.”
દરમિયાન આશુતોષ તો ડો.ત્રિવેદીનાં દવાખાનાનો દાદરો ઉતરીને છેક રસ્તા ઉપર આવી ગયેલો. એતો કમ્પાઉન્ડર દોડીને આવ્યો. પતિ-પત્ની હાંફળા ફાંફળા થઇ રહ્યા.


આ વાતને આઠ વર્ષ જેવું થઇ ગયું. પાંચને બદલે નવમે વર્ષે એ પેહલા ધોરણમાં બેઠો ત્યારે મોટો ઋષિકેશ તો દસમાં ધોરણમાં આવી ચૂક્યો હતો. દીકરી અનુજા પણ આઠમા ધોરણમાં હતી. અને બન્ને એકદમ હોશિયાર હતા. બસ, એક આશુતોષની તો તકલીફ હતી પણ પડખે રહેતા દવે સાહેબને વિનંતી કરીને આશુતોષ પહેલા ધોરણમાં ભણવા બેઠો શરીર સૌષ્ઠવ ખૂબ જ સારૂ, પણ સમજણ શકિતમાં અદ્દ્લ બાળક જેવું માનસ. !!

ધીમે ધીમે આશુતોષ સ્કૂલમાં કૌતુક અને રમુજનો વિષય બની ગયો. ઉપલા ધોરણ વાળા એને ‘જાડીયો’, ‘જાડીયો’, ‘ગાંડો’, ‘ગાંડો’, ‘અક્કલમઠ્ઠો’ કહી ખીજવતા. બીજા બધા હસતા. એ ગિન્નાઇને પાછળ પડતો, પેલા નાસી છૂટતા.

શિક્ષકો તેને શિખડાવવાનો ઘણો પ્રયત્ન કરતા, પણ કક્કાની ‘કળ’ એના માનસ સુધી પહોંચી શકે એમ ન હોતી. પ્રિન્સિપાલ તેના માતા-પિતાની વેદનાથી સંવેદિત હતા અને એમ તો તેમના સાળાનો દીકરો પણ આ રીતે જ માનસિક વિકલાંગ હતો પણ તેને નાનપણથી જ મંદબુધ્ધિની શાળામાં મૂકી દીધો હતો એટલે બાર-પંદર વરસની ઉંમરે તો એનામાં ખાસ્સી સમજણ આવી ચૂકેલી એટલે એકવાર મહાસુખને ધરે આવી તેણે વાત મૂકી એક બાપ તો દીકરાના ભવિષ્ય માટે તેને વેગળો મૂકવા તૈયાર હતો પણ મા નું હૈયું ?


દવે સાહેબ ગયા પછી વિજયા ના મક્કર થઇ. ભલે જે થવું હોય તે થાય પણ હું મારા દીકરાને મારાથી વેગળા મૂકવા તૈયાર જ નથી. એ ભણવું હોય તો ભણે, નહિંતર કાંઇ નહી ! સમય પસાર થતો ગયો સત્તર વર્ષની ઉંમર સુધીમાં ચોથા ધોરણ સુધી તો માંડ માંડ પહોંચ્યો. આ તરફ મહાસુખને હાર્ટનાં વાલ્વની તકલીફો શરૂ થઇ. એટલે એમ.કોમ અધૂરું મૂકીને ઋષિકેશને દુકાને લાગી જવું પડ્યું. અનુજા તો ઉમરલાયક થઇ એટલે પરણીને સાસરે ચાલી ગઇ પણ પિયરનું દુ:ખ લઇને !

સાસરું તો સારૂ મળ્યું હતું પણ ધરની, પપ્પાની અને ખાસ કરીને ભાઇની ચિંતા તો હતી જ. આ બાજુ ઋષિકેશ પણ અઠ્ઠાવીસ વટી ગયો. એક દિવસ મહાસુખે વિજયાને કહ્યું : “હવે તારીથી કામ થતું નથી. ઋષિકેશનાં લગ્ન કરી દઇએ.”


“પણ… આશુતોષનું શું?” વિજયાની આંખોમાં મોટા દીકરાનો પ્રશ્નાર્થ ભાલાનું ફણું કાઢીને ઊભો હતો. મહાસુખે તેને કહ્યું : “હું તને ત્યારે જ કહેતો હતો કે આપણે એને કોઇ સંસ્થામાં મૂકી દઇએ, પણ ધરાહાર તું માની નહીં. અને હવે, એનું પરિણામ જાણે છે કે, એને રૂમમાં પુરી રાખવો પડે છે. કયારેક કયારેક તો તેનું પાગલપન હદ વટાવી મૂકે છે. પહેલા તો દુકાને જતો’ તો સારૂ હતું. તેં ત્યાં પણ એને બંધ કરાવ્યો..”

“પણ મેં જાણી જોઇને બંધ કરાવ્યો. કોઇ ઋષિકેશને જોવા આવ્યું હોય… ત્યારે આશુતોષને ત્યાં જુએ કે..” વિજયાની આંખોમાં ભીનાશ છવાઇ : “ગમે તેમ પણ તોય…મારે તો જમણી અને ડાબી ! બન્ને સરખી…” “તો પછી તું તારા કર્યા ભોગવ.” મહાસુખના મોઢા માંથી વેણ નીકળી જ ગયા આખરે !

-ઋષિકેશ દુકાનેથી આવી બારણામાં જ ઊભો હતો બોલ્યો : “વાત તો મૂળ મારા લગ્નની જ છે ને ? જવા દો ને થાય કે ન થાય… મને કોઇ પ્રોબ્લેમ નથી. જયાં સુધી મોટાભાઇને સારું ન થાય ત્યાં સુધી અમથોઇ હું લગ્ન માટે તૈયાર નથી.” “તારા ભાઇને ક્યારેય સારું થવાનું નથી, એક વાત લખી રાખ…” મહાસુખ બોલ્યા. “એવું ન બોલો. એવું ન બોલો.” વિજયા રડી પડી. ‘તો પછી ઉપરથી ભગવાન આવેતો સારૂ થાય બાકી તો-‘‘ભાઇને લાગણીની, હુંફની અને સમજાવટની જરૂર છે.’

ઋષિકેશે કહ્યું : “પણ મમ્મી, તે એને રૂમમાં જ ગોંધી રાખ્યા. એને છોડ અને દુકાને મોકલવા માંડ. ભલે દંગલ કરે.” “ના બેટા. ખમ્યા ભેગા ખમ્યા. હવે હમણાં બે-ત્રણ મહિના નહી. જવાહરનગરનાં પૂનમચંદ શેઠ કરીને કોઇ લાખોપતિ વેપારી છે આપણા મેગેઝીનમાં એની છોકરીનો ફોટો છપાયો હતો. મેં ફોન કરીને પૂછી લીધું છે. તેને તારામાં રસ પડયો છે બેટા ! આમ તો અનુજા પણ પીન મારશે. છોકરી ફસ્ટકલાસ છે. ‘એકવાર મેળ પડી જાય તો..’


‘પણ મમ્મી… આપણે મોટાભાઇની વાત.’ ‘એ તું ચિંતા ન કર. આપણે આશુતોષને સ્ટોરરૂમમાં જ રાખવો છે.’ “પણ જે દિ’ તે દિ’ તો આ વાત-“ “ત્યારે ભગવાન જેવો ધણિ. પણ તું મરડતો નહિ”

દેખાવે હેન્ડસમ, આટલી મોટી દુકાન, નાના મોટા કોઇ ભાઇઓ નહીં, એમ.કોમ સુધીનું ભણતર અને હવેલી જેવડું મકાન ! પૂનમચંદને પહેલી નજરે હૈયે બધુ જચી ગયું. દીકરીને સાથે જ લાવ્યા હતા. ઋષિકેશને અભિલાષા ગમી ગઇ. એ પણ ઘણું ભણી હતી. ગોળધાણા ત્યાં જ ખવાય ગયા એ પૂર્વે ઋષિકેશ કશુંક કહેવા જતો હતો પણ વિજયાએ તેને એમ કહીને બાંધી દીધો હતો કે તું મોટા વિષે એક હરફ પણ ઉચ્ચારે તો મારા સોગંદ છે.

ઋષિકેશ મજબૂર થઇ ગયો, સમય, સમયનું કામ કરે છે. છ મહિના પસાર થઇ ગયા અને છ મહિના પછી, લગ્નનું મૂર્હૂત પણ આવી ગયું. એક સવારે અભિલાષા નવલી દુલ્હન બનીને રૂમઝૂમ કરતા ઘરે પણ આવી ગઇ. પણ પોતાની પૂર્વ યોજના મુજબ લગ્ન પછીનાં અઠવાડિયે જ મહેમાનો ગયા પછી વિજયાએ વહુને કહી દીધુ : ‘જુઓ, બેટા… તમે આજથી ઉપર રહેજો. અમે નીચે. તમારે બે ટાઇમ રસોઇ, બે ટાઇમ ચા બનાવીને અમને મોકલી આપવાની બાકી, તમારું રસોડું ઉપર..”

“અરે..” “અભિલાષા ચમકી ઉઠી :” અરે મમ્મી, તમે મને એવી સ્વાર્થી માની લીધી ? નહીં… “આપણે સાથે જ રહીશું સાથે જ જીવીશું. અને આમ પણ આપણે છીએ કુલ કેટલા જણ ! માત્ર ચાર જણ..! મારા પપ્પાનાં ઘરે તો અમે કાકા-દાદાનાં થઇને બત્રીસ જણાં એક રસોડે જમતા મમ્મી ! અને તમે મને ખાલી ચાર જણાની રસોઇ કરવા માંથી ય પણ મુકિત દઇ દેવા માંગો છો ?”


નહીં મમ્મી.. સંબંધોનું એક બંધન હોય છે પણ એ બંધનોથી લાગણી, હેત,પ્રેમ… બધું જળવાય રહે છે ! અને હું એ બંધનોમાં સ્વેચ્છાએ બંધાઇ રહેવા ચાહુ છું. એટલે પ્લીઝ, મને જૂદી રહેવાનું ન કહો..”

વિજયાની આંખોમાં ભીનાશ છવાઇ. મનોમન થયું કે હા…શ ! ભગવાને વહુ તો સારી આપી ! પરંતુ રોજ બપોરે અને રાત્રે જમી કારવીને ઉપરનાં બેડરૂમમાં અભિલાષા સુવા જાય પછી તેને થતું કે મારા ગયા પછી સાસુ ફરીવાર રસોઇ બનાવતા હોય એમ કેમ લાગે છે ! અને ઋષિકેશ પણ હૈયાની ગઠરીમાં કશુંક રહસ્ય લઇને જીવતો હોય એમ કેમ લાગે છે ?! આડોશી પાડોશી પણ તેની સામે પ્રશ્નાર્થ દ્ર્ષ્ટિએ તાકી રહેતા એવો અહેસાસ થતો આમ તો પતિ એને ખૂબ પ્યાર કરતો. સાસુ સસરા પણ તેને પ્રેમથી રાખતા છતાં પણ તેની આસપાસ કોઇ રહસ્યનું જાળું ગૂંથાઇ રહ્યું હોય તેવો આભાસ થતો.

એકવાર તેણે ઋષિકેશને પૂછ્યુ : “એવી તે કઇ વાત છે, જે મારાથી છૂપાઇ રખાઇ હોય એવું લાગે છે ?” “અરે… અરે ..ના..ના.. એવું શું હોય ?” ઋષિકેશ ચોકી ઉઠયો. “તો પછી મને એવું કેમ સતત લાગ્યા કરે છે ?” “એ તારો વહેમ છે !” “ના. વહેમ નથી પણ હકિકત છે.” અભિલાષાએ પતિનો હાથ પોતાના માથાં ઉપર મૂકતા કહ્યુ: “મારા સોગંદ ખાઇને કહો.”

જવાબમાં ઋષિકેશની આંખો નીતરી રહી.: “મેં તારી લાઇફ બગાડી. હકિકતમાં તો મારાથી મોટા ભાઇ-“ અને ઋષિકેશ થી અથ થી ઇતિ સુધી ઇતિહાસનાં પાના ખુલ્લા થઇ ગયા. બીજે દિવસે સવાર પડ્યું. ઋષિકેશનાં મનનો ફડકો શમ્યો નહોતો બધા માટે ચા નાસ્તો તૈયાર કરી લીધા પછી, અભિલાષા એ બોમ્બ ફોડ્યો : “ મમ્મી, સ્ટોરરૂમની ચાવી ક્યાં છે !”


-ઋષિકેશ, વિજયા અને મહાસુખ સ્તબ્ધ થઇ ગયા. અભિલાષા એ… ત્રણેય સામે સ્નેહાસક્ત નજરે જોયું ફરી પૂછ્યું : “ચાવી આપો મમ્મી…પ્લીઝ” વિજયાથી અવશપણે ચાવી અપાઇ ગઇ : અભિલાષાએ સ્ટોરરૂમનું તાળુ ખોલ્યું. કિચૂડાટ કરતા વર્ષોથી બંધ દરવાજા ખૂલ્યા. અભિલાષા, આશુતોષને તાકી રહી : આશુતોષ અભિલાષા સામે.! અભિલાષા હસતી હસતી આશુતોષ પાસે ગઇ. આશુતોષનાં માથા ઉપર હાથ ફેરવ્યા કર્યો. આશુતોષ ઊભો જ રહ્યો.

અભિલાષાએ મોહક સ્મિત કરી પૂછ્યું : “તો બોલો તો, આશુભાઇ… આ કોણ આવ્યું છે ? કહો જોઇએ ! હું કોણ છું ?” આશુતોષ પલભર તાકી રહ્યો. પછી ધીરે…ધીરે… બોલ્યો : “ભ..ભ..ભા…ભી ?” બિલકુલ કરરેકટ્ટ આશુતોષભાઇ ! તમે મને ઓળખી કાઢી જ હં..કે. હવે ઓળખી જ કાઢી છે, તો પછી ચાલો…”

ચપટી વગાડીને મીઠું હસીને ટહુકી : જલ્દી જલ્દી નહાઇ ધોઇને તૈયાર થઇ જાવ. જુઓ, “તમારો નાસ્તો ડાઇનિંગ ટેબલ ઉપર તૈયાર જ છે અને મમ્મી પપ્પા અને તમારા ભાઇ પણ તમારી રાહ જોતાં જ બેઠા છે…!” અને હા, તમારું ફ્રેન્ડ બનવા કોઇ રાજી નહોતું ને ? આજથી તમારી ભાભી જ તમારી બેસ્ટ ફ્રેન્ડ ! પણ હા, તમારે મને ઘરનાં કામકાજમાં અને રસોઇ બનાવવામાં હેલ્પ તો કરવી જ પડશે હોં…કે !”


જવાબમાં ‘હકાર’ માં માથું ધૂણાવતો ધૂણાવતો આશુતોષ બાથરૂમ ભણી ચાલતો થઇ ગયો, સાવ ડાહ્યાડમરો બનીને. આ તે શી અસર થઇ કે, અભિલાષાના શબ્દોનો જાદુ થયો પણ ઉપસ્થિત ત્રણેયની આંખોતો આંસુથી નીતરી રહી હતી એ ચોક્કસ.. એક પથ્થરમાં પ્રાણ પ્રગટ્તા હતા અને આ ત્રણેય પ્રાણ ધીરે ધીરે સ્તબ્ધ બનતા પથ્થર શા બનતા જતા હતા.

લેખક : યોગેશ પંડ્યા