સ્વેટર:ગૂંથાયેલો પ્રેમ – માતા પિતાના મૃત્યુ પછી મિલકતની લાલચે આવેલા દિકરાને મળ્યો માતાએ લખેલો એક પત્ર…

સરલા બેન નું લાંબી માંદગી બાદ અવસાન થતાં એમનો એકનો એક પુત્ર તુષાર એમની અંતિમક્રિયા માટે USA થી ગઈકાલે જ આવ્યો હતો.તુષાર ની સાથે એની પત્ની નીતા અને પુત્ર સુરજ પણ આવ્યા હતા.સુરજ અત્યારે ૮ વરસ નો હતો જ્યારે એ પ્રથમ વખત ભારત આવ્યો ત્યારે એ ફક્ત ૨ વરસ નો હતો એટલે સમજણો થયા પછી આ એની પ્રથમ ભારત યાત્રા હતી.

તુષાર મહેસાણા જોડે આવેલા ગામ અંબાપુર નો વતની હતો.પીતા બાબુભાઇ પટેલ ગામ ના એક શ્રીમંત વ્યક્તિ માં સ્થાન ધરાવતા હતા.તુષાર ને બાબુભાઇ અને એમના ધર્મપત્ની સરલાબેને ઘણા જ લાડકોડ થી ઉછેરી ને મોટો કર્યો હતો.તુષાર એ ગણપત યુનિવર્સિટીમાં IT એન્જીનીયરીંગ ની ડિગ્રી પ્રાપ્ત કરી અને અમદાવાદ ખાતે એક પ્રતિષ્ઠિત કમ્પની માં સારી જોબ પણ મેળવી લીધી હતી.

નીતા સાથે લગ્ન કર્યા બાદ થોડા સમયમાં તુષાર ને USA ના વિઝા પ્રાપ્ત થઈ ગયા એટલે માતાપિતા ના આશીર્વાદ લઈ એ USA ચાલ્યો ગયો.USA માં કેલિફોર્નિયા ખાતે એક સોફ્ટવેર બનાવતી કમ્પની માં એની જોબ લાગી હતી. પિતા બાબુલાલ નું અવસાન થયું ત્યારે તુષાર એ એમની અંતિમવિધિ માં આવવા પોતે અસમર્થ છે એવું સરલાબેન ને જણાવી દીધું.પુત્ર ની આ વાત સરલાબેન ને પતિ ના મૃત્યુ કરતા પણ વધારે ખૂંચી હતી.

લોકો જ્યારે એમને તુષાર નું ના આવવાનું કારણ પૂછતાં ત્યારે એ કહેતાં”મારો દીકરો મોટો મેનેજર બની ગયો છે,એના પર આખી કમ્પની નો ભાર આવી ગયો છે એટલે એને અહીં આવવાની રજા ના મળી”.!તુષાર દ્વારા કહેવાયેલું આ કારણ લોકો ને કહ્યા બાદ એ વૃદ્ધ સ્ત્રી એકાંત માં પોતાના આંસુ સારી લેતી હતી.

તુષાર કોઈ કોઈ દિવસ સરલાબેન ને ફોન કરી લેતો..તો કોઈ દિવસ એમની ભત્રીજી જયા ઘરે આવે ત્યારે વિડીઓ કોલિંગ પર સરલાબેન પોતાના વહાલસોયા દીકરા ને અને મૂડીના વ્યાજ સમાન પૌત્ર સુરજ ને જોઈ પોતાની આંખો અને હૈયા ને થોડી ટાઢક આપી દેતા.

આમ ને આમ પતિ ના અવસાન ને ચાર વર્ષ વીતી ગયા.સરલાબેન પતિ ના અવસાન પછી શરીર અને મન બંને રીતે ભાંગી ગયા હતા.ધીરે ધીરે ઉંમર પણ પોતાની અસર દેખાડવા લાગી.સરલાબેને તુષાર ને ઘણીવાર કહ્યું કે “એ હવે થોડા દિવસ ના જ મહેમાન છે માટે તું એકવાર સુરજ ને લઈ મને મળી જા તો મારા આ વૃદ્ધ હૈયા ને રાહત થાય અને હું શાંતિ થી મરી શકું.”

તુષાર અત્યારે પુરેપુરો અમેરિકા ના કલ્ચર ને રંગાઈ ગયો હતો.ત્યાંની લાઈફ સ્ટાઇલ અને મોજશોખ ભરેલી જીંદગી એને ખૂબ માફક આવી ગઈ હતી.પોતાની માં પ્રત્યે એની લાગણી મરી પરવડી હતી. સરલાબેન જ્યારે એને ભારત આવવાનું કહેતા તો એ ક્યારેક પોતાની નોકરી નું કે ક્યારેક પોતાના દીકરા સુરજ ના અભ્યાસ નું બહાનું કાઢી એમની વાત ને ટાળી દેતો.

જ્યારે સરલાબેન ના અવસાન ની જાણ તુષાર ને થઈ ત્યારે એના દિલ માં કોઈ પ્રકાર ની લાગણી કે દુઃખ ની ભાવના પ્રગટ ના થઇ.જે માં એ નવ મહિના સુધી પેટ માં એનો ભાર લઈ ને એને લાડકોડ થી મોટો કર્યો એ માં પ્રત્યે નું ઋણ તુષાર ભુલી ગયો હતો.સરલાબેને તુષાર માટે કરેલા રાતો ના ઉજાગરા અને પોતે બીમાર હોય ત્યારે સરલાબેન આખી રાત એની બાજુ માં બેસી રહેતા એનું મૂલ્ય જાણે વિસરાઈ ગયું હતું.

પિતા ના અવસાન પછી પણ તુષાર અંતિમવિધિ માટે આવ્યો નહોતો અને સરલાબેન ની અંતિમવિધિ માટે પણ એની આવવાની કોઈ ઈચ્છા નહોતી આતો એની પત્ની એ એને સમજાવ્યું કે અત્યારે શેરબઝાર માં તમે બગાડેલા પૈસા અને આપણી મોજશોખ ની ટેવો ના લીધે આપણા માથે બેંકો ની લોન વધી ગઈ છે.ઇન્ડિયા માં તમારા પરિવાર જોડે જમીન અને મકાન સિવાય પણ ઘણી પ્રોપર્ટી છે.આપણે તમારી માં ની અંતિમવિધિ માટે ઇન્ડિયા જતા આવીએ અને થોડા દિવસ પછી બધી મિલકત તમારા નામે કરી એને વેચીને અહીં પાછા આવતા રહીશું.

તુષાર ને નીતા ની વાત બિલકુલ યોગ્ય લાગી એટલે માતા ની અંતિમવિધિ માટે નહીં પણ પોતાના અંગત મતલબ માટે એ પોતાના ગામ અંબાપુર માં પાછો આવ્યો હતો.સરલા બેન ના અવસાન ને અઠવાડીયું વીતી ગયું હતું અને ઘર માં હવે વધારે મહેમાન પણ નહોતા એટલે તુષારે પોતે જે કામ માટે આવ્યો એ માટેના પ્રયાસ રૂપે પ્રોપર્ટી ના દસ્તાવેજ માટે ઘર માં શોધખોળ કરવાની ચાલુ કરી દીધી.

તુષારે પોતાની મમ્મી એ જ્યાં જીંદગી ના આખરી દિવસો પસાર કર્યા એ રૂમ માં ફાંફા મારવાના ચાલુ કર્યા.રૂમ માં એક કબાટ હતો જેમાં સરલાબેન પોતાની જરૂરી વસ્તુઓ રાખતા.તુષારે એ કબાટ ખોલ્યો અને એમાં આવેલા દરેક ખાના ને જોવા લાગ્યો. અચાનક તુષાર ના હાથ માં એક સ્વેટર આવ્યું અને આ સ્વેટર માં એક લેટર પણ છુપાયેલો હતો.તુષારે એ સ્વેટર પોતાના હાથ માં લીધું અને એને નીરખીને જોવા નું ચાલુ કર્યું.એ જ્યારે નાનો હતો ત્યારે સરલાબેન પોતાના હાથે આવું જ સ્વેટર ગૂંથીને તૈયાર કરતા.આ સ્વેટર પણ એવું જ હતું.

સફેદ રંગ ના દોરા થી ગૂંથાયેલું એ સ્વેટર ખુબ જ સરસ હતું એના મધ્ય માં આગળ ની બાજુ કેસરી રંગ ના દોર થી સૂર્ય બનાવેલો હતો.આ સ્વેટર ની સાઈઝ અને સૂર્ય ના નિશાન પર થી તુષાર ને લાગ્યું કે ચોક્કસ આ સ્વેટર દાદી એ પોતાના સુરજ માટે બનાવ્યું હશે.

સ્વેટર માં ઘણી જગ્યા એ નાના નાના લાલ રંગ ના ડાઘ તુષાર ની નજર માં આવ્યા.તુષારે ધ્યાન થી જોયું તો એ ડાઘ લોહીના માલુમ પડ્યા.થોડું વિચારતા તુષાર ને સમજાયું કે વધતી જતી ઉંમર ના લીધે સરલાબેન સ્પષ્ટ જોઈ શકતા નહીં હોય એટલે ઘણીવાર ગૂંથતી વખતે સોય એમની વૃદ્ધ આંગળીઓ માં વાગતી હશે અને આ ડાઘ એનાજ હતા.

ખરેખર માં નો પ્રેમ જગત માં સૌથી મહાન હોય છે.કોઈપણ પ્રકાર ની પરિસ્થિતિમાં માં હંમેશા પોતાના દીકરા ના સારા ભવિષ્ય ની કામના કરતી હોય છે.પોતે જે છે એ પોતાના માતાપિતા ના લીધે છે એ વાત તુષાર ને ધીરે ધીરે સમજાઈ રહી હતી.પોતે કેટલો સ્વાર્થી થઈ ગયો કે હું પિતા ના અંતિમવિધિ માં ના આવ્યો અને માં ની અંતિમવિધિ આવ્યો તોપણ પોતાના મતલબ ખાતર..થું છે એક દીકરા તરીકે મારી જાત ને.. તુષાર દ્વારા અત્યારે આત્મગ્લાની થઈ રહી હતી.

આંખો માં વહેતાં આંસુ સાથે તુષારે સ્વેટર જોડે રાખેલો લેટર ખોલીને વાંચવાનો શરૂ કર્યો. “જ્યારે આ પત્ર તું વાંચતો હોઈશ ત્યારે લગભગ હું આ દુનિયા માં હયાત ના પણ હોઉં.તારા જોડે વધારે સમય નહીં હોય એટલે હું વધારે તો લખતી નથી પણ તને એક સલાહ આપવા માંગુ છું.તું આપણા સુરજ ને વધુ નહીં ભણાવે તો ચાલશે પણ એને એવા યોગ્ય સંસ્કાર આપજે જેના લીધે તારા અને નીતા ના અંતિમ સમય માં એ તમારી લાગણી નું મૂલ્ય સમજી તમારા અંતિમ સમય નો સથવારો બને” લી. તારી માં.

પત્ર ના એક એક અક્ષરે તુષાર ને અંદર સુધી હચમચાવી નાંખ્યો હતો.પાશ્ચાત્ય સંસ્કૃતિ ની આંધળી દોડ માં જીંદગી ના સાચા મૂલ્યો અને આદર્શો ને એ નેવે મૂકી આવ્યો હતો જેનો એને અત્યારે પારાવાર પસ્તાવો થઈ રહ્યો હતો.તુષાર ને અત્યારે પોતાની માં ના ખોળા માં માથું રાખી રડવું હતું એમની માફી મંગાવી હતી પણ અફસોસ અત્યારે એ અનાથ હતો એના ઉપર થી એની માં નો હાથ ઉઠી ગયો હતો.

તુષારે એ સ્વેટર ને પોતાના હાથ માં પ્રેમ થી પકડ્યું અને પોક મૂકી ને જોર જોર થી રડવા લાગ્યો..એનો રડવાનો અવાજ સાંભળી નીતા અને સુરજ શું થયું એ જોવા દોડતા તુષાર હતો એ ઓરડા માં આવ્યા. “શું થયું તમને,કેમ આમ નાના છોકરા ના જેમ રડો છો?”નીતા એ પોતાના પતિની નજીક આવીને કહ્યું. “નીતા મારી માં મને કેટલો પ્રેમ કરતી હતી પણ હું એના એ સ્નેહ ને સમજી ન શક્યો..હું એનો ગુનેગાર છું જે એના અંતિમ સમય માં પણ એના સાથે ના રહી શક્યો..હું મારી જાતને ક્યારેય માફ નહીં કરી શકું.”તુષારે રડતા રડતા કહ્યું.

“તમે તો પ્રોપર્ટી ના કાગળ શોધવા આવ્યા હતા અને હાથ માં આ શું લઈને ઉભા છો?”નીતા એ કહ્યું. “આ સ્વેટર મારી માં એ એના પૌત્ર માટે બનાવ્યું છે..આ સ્વેટર માં મારી માં નો પ્રેમ છલકે છે…બેટા સુરજ અહીં આવતો” સુરજ ને પાસે બોલાવી તુષારે એ સ્વેટર એને પહેરાવી દીધું.સુરજ ને આ સ્વેટર માં જોઈ એને મનોમન એવું લાગ્યું કે હવે ખરા અર્થ માં એની માં ની આત્મા ને શાંતિ મળી હશે.

“પપ્પા આ સ્વેટર તો બહુ સરસ છે..અને આના પર કેટલો બ્યુટીફૂલ સન પણ ડ્રો કરેલો છે”સુરજે સ્વેટર પર હાથ ફેરવતા કહ્યું કહ્યું. “હા બેટા બહુ સરસ છે કેમકે આ સ્વેટર માં તારી દાદી નો પ્રેમ ગૂંથાયેલો છે..એના દરેક દોરા માં એના આશીર્વાદ છુપાયેલા છે.દીકરા હવે આપણે અહીં ઇન્ડિયા માં જ રહીશું..હું નથી ઇચ્છતો કે મારા અંતિમ સમય માં તું મારી જોડે ના હોય.”સુરજ ને તેડી ને તુષારે કહ્યું.

નીતા ને સમજતા વાર ના લાગી કે તુષાર નો કહેવાનો અર્થ શું હતો.મનોમન એને પણ પોતાના પતિ ની વાત નું સાચું મૂલ્ય સમજાયું અને એને પણ તુષાર ની જોડે જઇ એના ગળા ફરતે હાથ વીંટાળી કહ્યું. “હા આપણે અહીં જ રહીશું.. ઇન્ડિયા માં… મોજશોખ અને આંધળા અનુકરણ ની દોડ માં હું મારા દીકરા ને ખોવા નથી માંગતી..!! પોતાના પુત્ર ના આ નિર્ણય ને સ્વર્ગ માં બેઠા બેઠા બાબુભાઇ અને સરલાબેન નિહાળી ને ખરા અર્થ માં શાંતિ પ્રાપ્ત કરી રહ્યા હતા…!!!

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ