આક્રંદ : એક અભિશાપ અંતિમ ભાગ – ઓહ રેશ્મા નહિ પણ આ તો નૂર જ છે જેને લીધે…

જે મિત્રોને જે તે ભાગ વાંચવાનો બાકી છે તે ભાગ 1, ભાગ 2, ભાગ 3, ભાગ 4, ભાગ 5, ભાગ 6 પર ક્લિક કરે.

અંતિમ ભાગ

“ઈલિયાસ અને એની પત્નીએ પોતાની જાન ની પરવાહ કર્યા વગર અમારી બેજીજક મદદ કરી હતી તો મારી પણ ફરજ બને છે કે ઈલિયાસ ભાઈ નું રક્ષણ કરવા માટે જવું..”મનોમન આટલું કહી હસન ઓમર ઘર ની બહાર નીકળી ગયો.. નતાશા અને નૂર ને આ વિશે કહેવું એને ઉચિત ના સમજ્યું.

હસન જાણતો હતો કે એ બંને ને આ વિશે જાણ થશે તો એ પણ જોડે આવવાની જીદ કરશે..અને જો ઈલિયાસ પર સુદુલા કબીલાવાળા જિન પહોંચી ગયાં હશે તો એની જીંદગી બચાવવા પોતાની જીંદગી દાવ પર લાગે એ ઠીક પણ નૂર અને નતાશા ને કંઈપણ થાય એવું હસન નહોતો ઈચ્છતો. એને ફાતિમા બેગમ ને પણ એ બંને ને પોતે ઈલિયાસ ની મદદ માટે રહમત જાય છે એ કહેવાની મનાઈ ફરમાવી દીધી હતી..જે હસન ની બહુ મોટી ભૂલ સાબિત થવાની હતી.

image source

“અલ્લાહ કરે ઈલિયાસ બચી જાય..”મનોમન બોલતો હસન ગાડીમાં બેઠો અને ગાડી લઈને રહમત ગામ તરફ જતી કાચી સડક પર દોડાવી મુકી.સમય ની ગતિ થી પણ ગાડી અત્યારે ઝડપી ભાગી રહી હતી..પાછળ ઊડતી ધૂળ એ વાત ની સાક્ષી પૂરતી હતી કે ગાડી કલાકે 100 કિમી ની ઝડપે દોડી રહી હતી.

હસન ગાડી લઈને છેક રહમત ગામ ની હદમાં પહોંચી ગયો હતો ત્યાં અચાનક હસન ની ગાડીની સામે કોઈ વ્યક્તિ આવીને ઉભો રહી ગયો..એને જોતાં જ હસને પોતાનાં પગ ને દબાણપૂર્વક બ્રેક પર રાખી દીધો.સારું હતું કાચો રસ્તો હતો એટલે ગાડી એ વ્યક્તિ ને અથડાય એ પહેલાં જ ઉભી રહી ગઈ..હેડ લાઈટ નાં તીવ્ર પ્રકાશમાં હસને જોયું એ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ ઈલિયાસ મોમીન હતો અને એ પણ લોહીલુહાણ હાલતમાં.

“ઈલિયાસ ભાઈ..”મોટેથી બોલી હસન ઓમર ગાડીનો દરવાજો ખોલી હાથમાં પાણી ની બોટલ લઈને નીચે ઉતરી ઈલિયાસ તરફ ભાગ્યો. ઈલિયાસ અત્યારે ઘવાયેલી સ્થિતિમાં જમીન પર પડ્યો હતો..હસને ઈલિયાસ નું માથું પોતાનાં ખોળામાં લઈને પોતાની જોડે લાવેલી પાણી ની બોટલમાંથી પાણી એને પીવડાવ્યું અને ઈલિયાસ નાં ચહેરા તરફ જોઈને પૂછ્યું. “ભાઈજાન આ બધું શું થયું…ભાભી ક્યાં છે..?”

“જહુરિયત..જહુરિયત ને સુદુલા કબીલાવાળા જિનો એ મારી નાંખી..અને એ લોકો મને પણ જીવતો નહીં મુકે.”ઈલિયાસ મહાપરાણે આટલું બોલી શક્યો..ઈલિયાસ નાં કપડાં અમુક જગ્યાએથી ફાટી ગયાં હતાં જેમાં કોઈ જનાવરે બચકાં ભર્યાં નાં નિશાન હતાં.એનાં ચહેરા અને કપાળ પણ ઇજાનાં નિશાન હતાં જે શાયદ દોડતી વખતે પડી જવાથી આવ્યાં હશે એવું હસનને લાગ્યું.

image source

“તમને કંઈ નહીં થાય..ચાલો મારી સાથે.મેં તો શિરીન ની લાશ ને યોગ્ય રીતે દફન કરી ને સુદુલા કબીલાનો ગુસ્સો શાંત કરી દીધો હતો પછી આ બધું થવાનું કોઈ કારણ..?”હસન ને સુદુલા કબીલાનાં જિન ગુસ્સે કેમ થયાં એ વાત નું આશ્ચર્ય થઈ રહ્યું હતું. “હું તો નહીં બચું એ જિન મને મારી જ નાંખશે.પણ આ બધું તારાં લીધે થયું.તારી એક ભૂલે જહુરિયત ની જીંદગી તો લઈ લીધી અને બીજી એક જીંદગી ને તું મરવા માટે ત્યાં સોનગઢ મૂકી આવ્યો..”ઈલિયાસ નાં અવાજમાં હસન પ્રત્યેનો રોષ સાફ દેખાઈ રહ્યો હતો.

“મારાં લીધે..પણ મેં તો કંઈ નથી કર્યું..અને બીજાં કોની જીંદગી સોનગઢ માં દાવ પર લાગી છે..?”હસન બોલ્યો. “હસન તે શિરીન ને દફનાવાની જે વિધિ વાંચી હતી પુસ્તકમાંથી એ ફરી વાંચી જજે એટલે તને બધું સમજાઈ જશે અને નૂર ને બચાવી લે..”અચકાતાં અચકાતાં ઈલિયાસે કહ્યું. “નૂર કે રેશમા…?”નૂર ને બચાવી લેવાનું ઈલિયાસ કેમ બોલી રહ્યો હતો એ વાત હસન ને ના સમજાતાં હસને પૂછ્યું.

“હસન..”ઈલિયાસ હજુ આગળ કંઈપણ બોલે એ પહેલાં તો કોઈ અદ્રશ્ય શક્તિ ઈલિયાસને એક ઝાટકા સાથે ખેંચીને અંદર ઝાડીઓ તરફ લઈ ગઈ.. ઈલિયાસ ની કારમી ચીસો સંભળાઇ અને થોડી જ વારમાં એ ચીસો શાંત થઈ ગઈ. આ ઘટના જિન દ્વારા જ બની હોવાનું જાણતાં હસન ફટાફટ જઈને ગાડીમાં બેસી ગયો.ત્યાં રોકાઈને કોઈ ફાયદો નહોતો..કેમકે હવે ઈલિયાસ ની ફક્ત લાશ જ જોવા મળશે એ હસન ને ખબર હતી.હવે રહમત ગામનું કોઈ કારણ નહોતું એટલે ઈલિયાસ કોને બચાવવા ની વાત કરી રહ્યો હતો એની ખાતરી કરવા સોનગઢ તરફ ભગાવી મુકી.

થોડે દુર પહોંચ્યો એટલે હસન ને યાદ આવ્યું કે ઈલિયાસ પોતે કરેલી કોઈ ભુલ વિશે પુસ્તકમાં વાંચવાનું કહી રહ્યો હતો..પોતે એવી તે કઈ ભૂલ કરી હતી એ જોવા હસને ગાડી ઉભી રાખી અને ફિતરત-એ-જિન નામનું જહુરિયતે આપેલું પુસ્તક હાથમાં લઈ એ પાનું ખોલ્યું જ્યાં એને જિન ને મુક્તિ માટે શું કરવું એ વાંચી શિરીન ને બીજી જગ્યાએ દફનાવી હતી.

પુસ્તક માં લખ્યું હતું કે કોઈ માસુમ જિન ને મારીને દફનાવવામાં આવે તો એની મુક્તિ માટે એને વિધિવત બીજી જગ્યાએ દફનાવી દેવાથી એની રૂહ ને મુક્તિ મળી જશે..પોતે આવું તો કર્યું હતું તો પછી ઈલિયાસ એવું કેમ બોલ્યો કે પોતાનાંથી કોઈ ભૂલ થઈ ગઈ છે જેનું પરિણામ બધાં એ ભોગવવું પડ્યું..મરતો માણસ ખોટું ના બોલે અને એમાં પણ એક મોમીન અસત્ય બોલે એ વાત શક્ય નહોતી એટલે ઈલિયાસ ની વાત પર જોર આપતાં હસન પોતાનાં મગજ ને જોર આપી રહ્યો હતો.

image source

પુસ્તકમાં લખેલું ત્રણ ચાર વખત વાંચતાં હસન ને ઝબકારો થતાં જ એ બોલી ઉઠ્યો.. “ઇનશાઅલ્લાહ..ઈલિયાસ ભાઈએ કહ્યું હતું કે અહમદ મલિક અને બિલાલ અહમદે શિરીન ને તો જીવતી જ દફનાવી હતી જ્યારે આ પુસ્તક માં મૃત જિન ને દફનાવતાં એનાંથી મુક્તિ માટેની વિધિ હતી..મારાં આવું કરવાથી એ સુદુલા કબીલાનાં જિન વધુ ગુસ્સે ભરાયા લાગે છે..મતલબ રેશમા નો જીવ સંકટ માં છે એ વાત પાકી.”હસન પોતાની સાથે જ વાત કરતાં બોલ્યો. આટલું કહી હસને ગાડીને પાછી ભગાવી મૂકી સોનગઢ બિલાલ અહમદ એટલે કે નૂર નાં મામા નાં ઘર ની તરફ.જ્યાં એક નવું વિસ્મય એની વાટ જોઈને ઉભું હતું.

********

“નૂર..નતાશા..”ઘરમાં પગ મુકતાં ની સાથે હસન મોટે મોટે થી બરાડી રહ્યો હતો પણ એનો કોઈ પ્રત્યુત્તર નહોતો મળી રહ્યો..આખા ઘરમાં નીરવ શાંતિ પ્રસરેલી હતી. “ચોક્કસ કંઈક તો ખોટું થયું છે..”આટલું બોલી હસન ઉપર દાદરો ચડીને પહોંચી ગયો. રેશમા નાં રૂમ માં જતાં હસને જોયું કે રેશમા નાં પલંગમાં અત્યારે કાસમા નો મૃતદેહ પડ્યો હતો.જેની ફરતે એક વિશાળકાય અજગર વીંટળાયેલો હતો.કાસમા ની આંખો નાં ડોળા બહાર નીકળી ગયાં હતાં.મર્યા પહેલાં કાસમા ખૂબ તડપી હશે એવું એનાં ચહેરાના ભાવ પરથી સમજવું સરળ હતું.કાસમા ને આ હાલતમાં જોઈ હસન બહાર નીકળીને બીજાં રૂમ જોવા માટે આગળ વધ્યો.

પોતે જ્યાં રોકાયો હતો એ રૂમમાં તો કોઈ નહોતું અને બધું જેમ હતું એમ જ હતું..પણ આખા ઘરમાં બીજું કોઈ દ્રશ્યમાન નહોતું થઈ રહ્યું.ઉપરથી કાસમા ને જોયાં બાદ હસન કંઈક અઘટિત ઘટના ઘટિત થવાની વાત વિશે નકારી શકે એમ નહોતો. “આ બધાં ક્યાં ગયાં હશે..અને કાસમા ની આવી હાલત તો શક્યતઃ જિન દ્વારા જ થઈ હશે..એ અજગર પણ એક જિન જ છે..”આટલું બોલતાં બોલતાં હસન નૂર અને નતાશા જ્યાં રોકાયાં હતાં એ રૂમમાં ગયો..એ રૂમ પણ અત્યારે ખાલી હતો.

“અહીં પણ કોઈ નથી..”આટલું કહી હસન બહાર જ નીકળતો હતો ત્યાં એનાં કાને કોઈનાં કણસવાનો અવાજ આવ્યો જે સાંભળી હસન એ તરફ ગયો..એ અવાજ બાથરૂમમાંથી આવી રહ્યો હતો એટલે હસને સાવધાની પૂર્વક બાથરૂમનો દરવાજો ખોલ્યો તો ત્યાં નતાશા બાથરૂમની ફર્શ પર પડી હતી..નતાશા નાં માથામાંથી લોહી નીકળી રહ્યું હતું અને સાથે સાથે એનાં હોઠની જમણી તરફથી પણ લોહી નીકળી રહ્યું હતું.

નતાશા ને આવી હાલતમાં જોતાં જ હસન ગભરાઈ ગયો અને જેહમતપૂર્વક નતાશા ને ઉપાડીને રૂમ ની અંદર આવેલ પલંગ પર સુવડાવી દીધી.ત્યારબાદ પાણી નો એની પણ છંટકાવ કરી એને ભાનમાં લાવવાનો પ્રયત્ન કર્યો..ત્રણ-ચાર મિનિટ પછી નતાશા થોડી ભાનમાં આવી..હસન ને પોતાની જોડે જોઈને નતાશા પથારીમાં બેઠી થઈ અને એને વળગીને રોવા લાગી. “કેમ રડે છે…શું થયું એ મને વિગતે જણાવીશ..?”નતાશા ની પીઠ પર હાથ ફેરવી એને સાંત્વના આપતાં હસને કહ્યું.

image source

“નૂર..નૂર ને બચાવી લો..”રડતાં રડતાં નતાશા બોલી. નતાશા પણ ઈલિયાસ ની જેમ જ નૂર ને બચાવવાનું રટણ કરી રહી હોવાની વાત નું હસન ઓમર ને આશ્ચર્ય થઈ રહ્યું હતું..તો શું સાચેમાં નૂર પર જ કોઈ સંકટ આવ્યું છે અને કેવું સંકટ આવ્યું છે એ સવાલોના જવાબ જાણવા હસને નતાશા નાં આંસુ લૂછી એને પાણી નો ગ્લાસ આપતાં કહ્યું. “નતાશા હવે તું રડવાનું બંધ કરી મને મારાં અહીંથી ગયાં બાદ શું બન્યું એ વિશે વિગતે માહિતી આપીશ..”

“હું રૂમમાં જ બેઠી મોબાઈલમાં વીડિયો જોઈ રહી હતી ત્યારે નૂર ની આંખ ખુલી..ફાતિમા પણ ત્યારે રૂમમાં જ હતી એટલે એને નૂર ને બાથરૂમમાં જઈ સ્નાન કરી ફ્રેશ થઈ જવા કહ્યું જેથી એનો થાક ઉતરી જાય..ફાતિમા ની વાત સાંભળી નૂર સ્નાન કરવા બાથરૂમમાં ગઈ..દસેક મિનિટમાં એ સ્નાન પતાવી બહાર નીકળી ત્યારે એનાં હાથમાં એક કાગળ હતું..” “બહાર આવતાં જ એને ફાતિમા ને પૂછ્યું કે આ મારાં અંડર ગાર્મેન્ટમાંથી મળ્યું છે..ખબર નથી આ શું છે.?”

નૂરનો સવાલ સાંભળી ફાતિમા થોડી ચિંતિત થઈ ગઈ અને એનાં હાવભાવ પણ બદલાઈ ગયાં.. એને ફટાફટ નૂરનાં હાથમાંથી એ કાગળ આંચકી લીધો અને કહ્યું બેટા નૂર આ મારી દીકરી રેશમાની મુક્તિનો રસ્તો છે..”આટલું કહી ફાતિમા એ રેશમા ને સાદ લગાવ્યો. “ફાતિમા નો અવાજ સાંભળી રેશમા રૂમમાં પ્રવેશી..રેશ્માનો દેખાવ ત્યારે સામાન્ય નહોતો.. એ એક શૈતાનમાં પરિવર્તિત થઈ ચૂકી હતી.એની આંખો ધગતાં અંગારાની માફક લાલ રંગની થઈ ગઈ હતી. એનો ચહેરો પણ જાણે એની નસો ચહેરા પર ઉપસી આવી હોય એવો ભાસી રહ્યો હતો.”

આટલું કહીને નતાશા અટકી ગઈ. એનો ચહેરો એની અંદર પ્રસ્થાપિત ડર ની ચાડી ખાતો હતો.નતાશા ની તરફ જોઈ હસન બોલ્યો. “નતાશા પછી બોલ આગળ શું થયું..? હસન ની વાત સાંભળી નતાશા એ આગળ બોલવાનું શરૂ કર્યું. “આખરે સોદો પૂરો થયો..હવે આ છોકરી ને મારીને હું ખુશીથી પાછી મારાં કબીલામાં જઈ શકીશ..”બોલી તો રેશમા પણ અવાજ બીજાં કોઈનો હતો.” એટલા માં કાસમા ત્યાં આવી ગઈ અને ફાતિમા ની તરફ જોઈને બોલી.

“હું નૂર ને કંઈપણ નહીં થવા દઉં..તારી મેલી મુરાદ પુરી નહીં થાય જ્યાં સુધી હું જીવું છું..” “તો તારાં મરી ગયાં પછી થશે..”રેશમા એ આટલું કહ્યું ત્યાં તો એક અજગર ત્યાં આવ્યો અને કાસમા ને ખેંચીને બહાર લઈ ગયો..હું કાસમા ને બચાવવા આગળ વધી તો રેશ્મા અને મને રોકીને મારાં ચહેરા પર જોરથી લપડાક લગાવીને મને ઊંચકીને ફેંકી દીધી..હું ખૂબ ડરી ગઈ એટલે જીવ બચાવવા બાથરૂમમાં ઘુસી ગઈ.ત્યારબાદ નૂર ની બચાવો..બચાવો ની ચીસો મારાં કાને પડી..હું ખૂબ ડરી ગઈ અને ત્યાંજ બેહોશ થઈને ઢળી પડી”

image source

“એ માં દીકરી નૂર સાથે કંઈક તો ખરાબ કરવા ઈચ્છે છે..કાસમા નું શું થયું એ વિશે પણ તપાસ કરવી પડશે..”નતાશા ગભરાતાં ગભરાતાં બોલી. “નતાશા બેહદ દુઃખ સાથે કહેવું પડે છે કે કાસમા હવે જીવિત નથી..બીજી વાત કે ઈલિયાસ અને જહુરિયત પણ મારી એક ભૂલ ન લીધે માર્યા ગયાં..”ખેદ પૂર્વક હસને બધી વાત નતાશા ને જણાવી. “હું સમજી શકું છું કે તમારાં પર અત્યારે શું વીતી રહી હશે..પણ તમે તો સારું કરવા જ ઈચ્છતા હતાં.. હવે અજાણતા થયેલી ભૂલ અલ્લાહ જરૂર માફ કરી દેશે.. હવે નિરાશ થવાનો સમય નથી પણ ભૂલ સુધારવાનો સમય છે..”હસન ને હોંસલો આપતાં નતાશા બોલી.

“તારી વાત સાચી છે..હું નૂર ને તો કંઈપણ નહીં થવા દઉં..”મક્કમ અવાજે હસન બોલ્યો. “ખુદા તમારી રક્ષા કરે..”નતાશા એ કહ્યું. “નતાશા તે એ કાગળ તરફ જોયું હતું એમાં શું લખ્યું હતું..?”હસને નતાશા ની તરફ જોઈને પૂછ્યું. હસન ની વાત સાંભળી થોડું વિચાર્યા બાદ નતાશા બોલી. “બીજું તો મેં કંઈપણ જોયું નથી..પણ એની ઉપર એક ચિત્ર હતું જેમાં એક શૈતાનની આકૃતિ પેશાબ કરતી હોય એવું દ્રશ્યમાન થતું હતું..”

“મતલબ હું જે વિચારું છું એ સાચું છે..નૂર ની ઉપર ટોઈલેટ સ્પેલ કરવામાં આવ્યો છે..પણ હું એને કંઈ નહીં થવા દઉં.તું નીચે જઈને હોલ માં બેસ અને અલ્લાહ નું નામ લે..હું જાઉં છું નૂર ની મદદ માટે”નતાશા ને આશ્વસ્ત કરી હસન નીકળી પડ્યો નૂર ની મદદ માટે. “ખુદા તમને હાફિઝ રાખે..”બહાર નીકળતાં હસન ઓમર ની પીઠ તાકતી નતાશા પોતાનાં હાથની હથેળી ઈબાદત માટે આકાશ તરફ ફેલાવતાં બોલી. હસન બહાર નીકળીને ગાડીમાં ગોઠવાયો..અત્યારે હસન નું મગજ અને ગાડી બંને પવન વેગે દોડી રહ્યાં હતાં..અમુક એવી વાતો હતી જે હસને જોયાં અને સાંભળ્યા છતાં એને અનદેખી કરી હતી જેનું ગંભીર પરિણામ અત્યારે ભોગવવું પડી રહ્યું હતું.

હકીકતમાં ફાતિમા નાં ઘરે જે એક આંખ ધરાવતી આકૃતિઓ કે નિશાની હતી કે કાસમા નાં કહેવાથી નહીં પણ જિન નાં કહેવાથી જ લગાવી હોવી જોઈએ અને એમાં પણ કાસમા જે કંઈપણ બબડી રહી હતી એ લોકોને ચેતવવા માટે હતું. બધી વિધિ અંતે ત્યાંજ પૂર્ણ થશે જ્યાંથી એ શરૂ થઈ હતી એ હસન ઓમર ને ખબર હતી એટલે જ હસન ગાડીને લઈ ખંડેરની તરફ જઈ રહ્યો હતો..જે કંઈપણ થવાનું હતું એ આજ રાત પૂરતું હતું બસ આજની રાત હેમખેમ પસાર થઈ જાય તો બધી આફતો એકસાથે પુરી થઈ જવાની હતી એ નક્કી હતું.

હસને ખંડેર ની જોડે લાવી કાર ને બ્રેક કરી અને એનો દરવાજો ખોલી નીચે ઉતર્યો..નીચે ઉતરતાં જ હસન નાં કાને ચિત્ર વિચિત્ર અવાજો સંભળાવવાનું શરૂ થઈ ગયું હતું..આકાશ માં પણ કાળા ડિબાંગ વાદળો ઉભરાઈ રહ્યાં હતાં જે આગામી સમયમાં આવનારી ભયાવહ આફત નાં એંધાણ આપી રહ્યાં હતાં. ખંડેર માં પ્રવેશતાં જ હસને મહેસુસ કર્યું કે આજુબાજુ જિન ફેલાઈ ગયાં છે..જે બાબત એનાં કુર્તા નાં ખિસ્સામાં રહેલ કોરલ સ્ટોન ની ધ્રુજારી દર્શાવી રહી હતી.

image source

“નક્કી એ માં દીકરી એ વિધિ ની શરૂવાત કરી દીધી લાગે છે..”મનોમન આટલું બોલી હસન દોડીને ખંડેરની પાછળ આવેલ ખુલ્લાં વેરાન વિસ્તારમાં આવી પહોંચ્યો. હસને જોયું તો evil tree ની નીચે હાડકાં વડે એક કુંડાળું બનાવાયું હતું.જેમાં અત્યારે રેશમા અને નૂર હાજર હતાં.નૂર અત્યારે જમીન પર બેહોશ થઈને પડી હતી..રેશમા ની અંદર અત્યારે શિરીન ની રૂહ મોજુદ હતી એ વાતે હસન આશ્વસ્થ હતો.ફાતિમા પણ એમની નજીક ઉભી ઉભી ચિંતિત ચહેરે ત્યાં થઈ રહેલ ઘટનાઓ જોઈ રહી હતી.શિરીન ની લાશ પણ અત્યારે એમની જોડે જ પડેલી હતી..અચાનક ફાતિમા ની નજર હસન પર પડી..હસન ને ત્યાં આવેલો જોઈ ફાતિમા નો ચહેરો રોષે ભરાઈ ગયો.

“શિરીન..આ આવી ગયો ખુદા નો નેક બંદો..”ફાતિમા શિરીન રૂપે રેશમા ની અંદર મોજુદ જિન નું ધ્યાન દોરવા બોલી. શિરીન ફાતિમા ની વાતનાં પ્રત્યુત્તર માં તો કંઈપણ ના બોલી..છતાંપણ એને પોતાની મનની શક્તિ વડે ત્યાં હાજર અન્ય જિન ને હસન નો ખાત્મો બોલાવવાનો હુકમ આપી દીધો..શિરીન નો હુકમ મળતાં ની સાથે ત્યાં અચાનક કૂતરાં અને અજગર નું મોટું લશ્કર પ્રગટ થયું હોય એમ સેંકડો ની સંખ્યામાં અજગર અને કૂતરાં ત્યાં પ્રગટ થયાં.. હસન ને ખબર પડી ગઈ કે એ બધાં સુદુલા કબીલાનાં જિન હતાં જે પોતાને મારી નાંખવા આવ્યાં હતાં.

હસન ઉપર અચાનક એક કૂતરાં એ કુદકો મારી હુમલો કરી દીધો..પણ પોતાની જોડે રહેલ કોરલ સ્ટોન ની મદદથી હસને એને પોતાની ઉપર આવતાં રોકી દીધો..આમ એક પછી એક પોતાની ઉપર કૂતરાં અને અજગર દ્વારા થતાં હુમલા હસન ભારે જહેમત પછી ટાળી રહ્યો હતો પણ એ જાણતો હતો કે વધુ સમય એમની સામે ટક્કર લેવી શક્ય નથી..અને બન્યું પણ એવું જ એકાએક એક કૂતરો પાછળની તરફથી આવીને હસન પર કુદયો જેથી એનાં હાથમાં રહેલ પથ્થર નીચે પડી ગયો.

હસન નીચે પડી ગયો અને એની ફરતે કૂતરાં વીંટળાઈ ગયાં. પોતાની મોત હવે નજીક જ હતી એ હસન જાણતો હતો..હસને આંખો બંધ કરી ખુદાને છેલ્લી વાર પ્રાર્થના કરી પોતાની કોઈ ભૂલ થઈ હોય ક્યારેય તો માફ કરવા જણાવ્યું. આ તરફ હસનની આવી હાલત પર ફાતિમા મંદ મંદ હસી રહી હતી..એ હસતાં હસતાં બોલી. “આવ્યો હતો મારી દીકરી ની મુક્તિમાં અડચણ બનીને..અને આજે પોતે પણ ખતમ થઈ જશે..”

************

મોત ની રાહ જોઈ હસને આંખો મીંચી દીધી..હસન ને પોતાનાં શરીર પર એક અજગર રેંગતો મહેસુસ થયો જે ક્ષણવારમાં પોતાનો ભરડો લઈ પોતાને ખતમ કરી દેશે એ નક્કી હોવાનું હસન જાણતો હતો..મોત સામે હોવાં છતાં એનાં ચહેરા પર ડર ની નાનકડી રેખા પણ નહોતી. અચાનક એક જોરદાર પ્રકાશ પુંજ આવ્યો હોય એમ કોઈ દિવ્ય રોશની ત્યાં પ્રગટ થઈ..એ દિવ્ય પ્રકાશ અત્યારે હસન ની ફરતે વીંટળાઈ રહેલ અજગર અને કૂતરાં માટે પીડાદાયક ભાસી રહ્યો હતો..એની તીવ્રતા સામે એ કૂતરાં અને અજગર રૂપે મોજુદ જિન નું શરીર સળગી રહ્યું હતું એવું એ અનુભવી રહ્યાં હતાં…ઘણાં સામાન્ય શક્તિ ધરાવતાં જિન તો સળગીને રાખ થઈ ચૂક્યાં હતાં અને બીજાં જિન જીવ બચાવવા ત્યાંથી ભાગી નીકળ્યાં.

આ દરમિયાન એ જિન ની પીડા એમનાં આક્રંદ સાંભળી હસને પોતાની આંખો ખોલી દીધી હતી..એનું ધ્યાન એ દિવ્ય રોશની તરફ હતું..પણ એટલી તીવ્ર રોશની હતી કે એ તરફ જોવું પણ હસન માટે શક્ય નહોતું બની રહ્યું..ફાતિમા અને રેશમા ની અંદર મોજુદ શિરીન પણ વિસ્મય સાથે એ તરફ જોઈ રહી હતી..પણ એમને પણ કશું નહોતું દેખાઈ રહ્યું. ઉપરથી શિરીન માટે તો આ રોશની તકલીફ દાયક જરૂર હતી પણ અત્યારે એ મનુષ્ય દેહમાં હોવાંથી એની ઉપર જાન નો ખતરો નહોતો.

image source

થોડીવારમાં એ તીવ્ર રોશની ઝાંખી થઈ અને બે મનુષ્ય આકૃતિ ત્યાં નજર આવી એમાંથી એક ને હસન જોતાં જ ઓળખી ગયો અને જમીન પરથી ઉભાં થતાં બોલ્યો.. “આદિલ ભાઈ તમે…પણ કઈ રીતે..?” “હા હસન હું..મને બે દિવસ પહેલાં જ્યારે કાસમા પર હુમલો થયો ત્યારે નૂરે હોસ્પિટલમાંથી ફોન કરી બધી માહિતી આપી હતી..એની વાત સાંભળી મને કંઈક મોટી મુસીબત ની શકયતા લાગી એટલે હું અહીં આવી પહોંચ્યો..અને એ પણ યોગ્ય સમયે..” હસનનાં સવાલના જવાબમાં આદિલ બોલ્યો.

“અને આ આગંતુક કોણ છે..અને એમની જોડે રહેલ આ પ્રકાશ ટ્યુબ શેની બનેલી છે..?”હસન નાં મનમાં આદિલ જોડે રહેલ વિદેશી દેખાતાં એક વ્યક્તિ ને જોતાં જે સવાલ થયો એ આદિલ ને એને પૂછી લીધો. “આ સજ્જન પુરુષ નું નામ છે કેવિન ફોરમેન..એ નૂર ની કોલેજ નાં પેરાનોર્મલ એક્ટિવિટી વિષય નાં પ્રોફેસર છે..આ ટ્યુબ એમની ખોજ છે જે હાઈડ્રોજન પેરોકસાઈડ અને રેડિયો એક્ટિવ પદાર્થો નું યોગ્ય મિશ્રણ કરીને બનાવેલી છે જેને સંઘરવા માટે પણ આ ક્રિસ્ટલ ટ્યુબ બનાવાઈ છે..આમાં મરક્યુરી નાં અમુક બુંદ નાંખતા ની સામે કેમિકલ રિએક્શન થી તીવ્ર પ્રકાશ ઉત્તપન્ન થાય છે..જે જિન જેવી પેરાનોર્મલ એન્ટીટી માટે જોખમકારક છે..મને ખબર હતી કે અહીં આવું કંઈક અનહોની થવાની શકયતા હશે એટલે જ હું પ્રોફેસરને અને પ્રોફેસર આ ટ્યુબ ને લઈ આવ્યાં”આદિલ બોલ્યો.

“બહુ સારું કર્યું..હવે જલ્દી ચાલો નૂર ને બચાવવા..”હસને કહ્યું. હસન ની વાત સાંભળી આદિલે હકાર માં ડોકું હલાવ્યું અને એ લોકો evil tree નીચે બનેલ હાડકાં નાં વર્તુળ જોડે આવી પહોંચ્યા જ્યાં રેશમા ની અંદર મોજુદ શિરીન નૂર ની આત્મા નું ભક્ષણ કરવાની ફિરાકમાં હતો.ફાતિમા સમજી ગઈ હતી કે આદિલ અને હસન એમને રોકવા આગળ વધી રહ્યાં હતાં.ફાતિમા વચ્ચે હાથ પહોળા કરીને ઉભી રહી અને બોલી. “હવે પાંચ મિનિટ જ વધી છે..પછી નૂર ની ઉંમર પણ શિરીન ની મૃત્યુ વખતની ઉંમર જેટલી થઈ જશે એટલે શિરીન રેશમા નું શરીર મૂકી નૂર નું શરીર ધારણ કરી લેશે”

“પણ ઈલિયાસ તો એવું કહેતો હતો કે રેશમા ની ઉંમર આજે શિરીન ની મૃત્યુ વખતની ઉંમર જેટલી થઈ જવાની છે.. એટલે જ સુદુલા કબીલાનાં જિન રેશમા નું શરીર પોતાની દીકરીને અર્પણ કરી એને પોતાની સાથે લઈ જશે..”ફાતિમા ની વાત સાંભળી હસન આશ્ચર્ય પામી ગયો હતો. “હસન સાહેબ..તો તમને નૂરે કહ્યું નથી કે નૂર અને રેશમા બંને નો જન્મ એક જ દિવસે થયો છે..અને એમની વચ્ચે ફક્ત બે મિનિટનું જ અંતર છે..”ફાતિમા બોલી.

image source

“એ હરામી ઓરત તું દૂર ખસી જા નહીં તો મારે તને મારી નાંખવી પડશે..”આદિલ ઊંચા સાદે બોલ્યો.એનાં હાથમાં અત્યારે કોલ્ટ ગન નું 1911 મોડલ હતું..જેનું નાળચુ ફાતિમા તરફ તકાયેલું હતું. આદિલ પોતાની સામે ગન લઈને ઉભો હતો છતાં ફાતિમા પર એની કોઈ અસર સુધ્ધાં નહોતી થઈ રહી જે જોઈ હસન એની તરફ આગળ વધ્યો..હસન જેવો પોતાની નજીક આવ્યો એ જ ક્ષણે ફાતિમા એ પોતાનાં હાથમાં રહેલ મરી પાવડરને એની આંખો તરફ ફેંકી દીધો જેથી હસન આંખો ચોળતો ચોળતો બીજી તરફ જતો રહ્યો.

આદિલે એ સાથે જ જોયું કે રેશમા અત્યારે પૂર્ણપણે જિન માં પરિવર્તિત થઈ ચૂકી હોય એવું લાગી રહ્યું હતું..રેશમા ની અંદર મોજુદ શિરીન ની આત્મા હવે પોતાને નૂર માં સ્થળાંન્તરીત કરવા તૈયાર થઈ ચૂકી હતી.આદિલ એક પણ ક્ષણ ગુમાવવી હવે નૂર માટે જોખમકારક હોવાનું સમજી ચુક્યો અને એથીજ અનાયાસે એનાં હાથમાં રહેલ ગન નું ટ્રિગર એનાં હાથે દબાઈ ગયું..જેમાંથી નીકળેલી ગોળી સીધી ફાતિમા ની છાતીમાંથી આરપાર નીકળી ગઈ અને એ ત્યાંજ જમીન પર ઢળી ગઈ.

ફાતિમા ની એક જોરદાર મરણતોલ ચીસ નીકળી જેને વાતાવરણ નો સન્નાટો તોડી મુક્યો..આદિલે જોયું કે રેશમા અત્યારે પોતાનો ચહેરો નીચે જમીન પર બેહોશ પડેલી નૂર નાં ચહેરાની નજીક લાવી પોતાની અંદર મોજુદ શિરીન ની આત્મા ને નૂર નાં શરીરમાં દાખલ કરવા પોતાનું મોઢું ખોલે છે.રેશમા નાં મોંઢામાંથી એક કાળો પદાર્થ નીકળે છે જે જીવિત હોય એમ હલચલ કરી રહ્યો હોય છે અને હવે એ નૂર નાં મોંઢા વડે એની અંદર પ્રવેશ કરશે એ આદિલ સમજી ગયો હતો એટલે એને પ્રોફેસર તરફ જોયું અને જોરથી કહ્યું. “પ્રોફેસર લાઈટ ઓન..”

આદિલ ની વાત સાંભળી પ્રોફેસર તુરંત હરકતમાં આવી ગયાં અને કેમિકલ પ્રોસેસ વડે દિવ્ય પ્રકાશ ઉત્તપન્ન કર્યો જેની રોશની થી રેશમા ની આંખો મીંચાઈ ગઈ અને આ તક નો લાભ લઇ આદિલ નૂર ને ઉપાડી એ હાડકાં નાં બનેલાં વર્તુળમાંથી બહાર લેતો આવ્યો.નૂર ને પ્રોફેસર ની જોડે મુકી આદિલ પાછો રેશમા ની તરફ ગયો..એ દરમિયાન શિરીન ની આત્મા રેશમા નો દેહ છોડી મુકી હતી..આદિલે બળપૂર્વક રેશમા ને પણ એ વર્તુળની બહાર ખેંચી દીધી..આ કરતાં જ હવે શિરીન ની આત્મા ને બીજાં કોઈ શરીરમાં પ્રવેશવા કોઈ શરીર જ નહોતું.

આ દરમિયાન હસન ને થતી આંખોની બળતરા માં રાહત થતાં એને આંખો ખોલી તો જોયું કે અત્યારે રેશમા અને નૂર તો સલામત છે પણ શિરીન અત્યારે રૂહ સ્વરૂપે એ વર્તુળની અંદર તડપી રહી હતી..ટ્યુબમાંથી નીકળતી રોશની એનાં માટે સહ્ય નહોતી.હસને સમય વાપરે નીચે પડેલો કોરલ સ્ટોન શોધી કાઢ્યો અને એનાંથી એની ફરતે એક તારા નું ચિહ્ન બનાવી દીધું..ઇસ્લામ ધર્મમાં એ એક પવિત્ર સિમ્બોલ હતો.આદિલ હસન દ્વારા થતી પ્રક્રિયા નિહાળી રહ્યો હતો..હવે હસન બધું સંભાળી લેશે એમ વિચારી એ નૂર તરફ આગળ વધ્યો અને એને હોશ માં લાવવાનો પ્રયત્ન કરવા લાગ્યો.

image source

આ તરફ હસને તારા નું સિમ્બોલ બનાવ્યાં બાદ એનાં જોડે રહેલ અત્તરની શીશી માંથી અત્તરનો છંટકાવ શિરીન ની રૂહ પર કરવા માંડ્યો..સાથે સાથે એ ખુદા નાં નામે..કિંગ સોલોમન નાં આદેશથી શિરીન ની આત્મા ને પોતાની જગ્યાએ જતાં રહેવા માટે કહી રહ્યો હતો..આ દરમિયાન રેશમા અને નૂર બંને ભાનમાં આવી ચૂકી હતી.

હસન દ્વારા થતી વિધિથી વાતાવરણમાં ખલબલી મચી ગઈ હતી..ત્યાં જમીન પર ધીરે ધીરે શિરીન ની ચીસોથી ધ્રુજી ઉઠી હતી.દર્દ ની અનુભૂતિ શિરીન માટે અસહ્ય થતાં એની રૂહ જાણે ભભૂકતા જ્વાળામુખીની માફક સળગી ઉઠી અને પળભરમાં તો એ રાખ થઈ ને હવામાં વિલીન થઈ ગઈ..શિરીન નું આક્રંદ બંધ થતાં ની સાથે જ ત્યાં પૂર્વવત શાંતિ સ્થપાઈ ગઈ..જિન નો અભિશાપ દૂર થતાં જ ત્યાં રહેલ evil tree નાં સુકાયેલાં પર્ણ પણ લીલાં થઈ ગયાં.

જિન નો આતંક ખતમ થઈ ચૂક્યો હતો..પણ હવે શિરીન ની લાશનો પણ નાશ કરવો જરૂરી હતો.એટલે હસને અલ્લાહ નું નામ દઈને પાક અગ્નિ પેદા કરી જેનાં વડે શિરીન નાં મૃતદેહ ને આગ ચાંપી ને સળગાવી દીધો..શિરીન ની છેલ્લી નિશાની નો પણ આ સાથે ખાત્મો થઈ ચૂક્યો હતો. “ખુદા તારી રહમત અને તારી બંદગી થી મોટું આ જગતમાં કોઈ નથી એ આજે પુનઃ તે સાબિત કરી દીધું છે..”હસન આકાશ તરફ હાથ ઊંચા કરી ખુદાના માન માં બોલ્યો.

image source

નૂર અને આદિલ આ બધી ઝંઝટમાંથી મુક્તિ મળતાં ખૂબ ખુશ હતાં..એ બંને ની આંખમાં હર્ષ નાં આંસુ હતાં અને એ બંને પરસ્પર ને ભેટી પડ્યાં..જ્યારે રેશમા ની નજર ફાતિમા નાં મૃત દેહ પર પડી ત્યારે એ જઈને ફાતિમા ને વળગીને રડવા લાગી. રેશમા નાં રડવાનો અવાજ સાંભળી નૂર એની તરફ ગઈ અને એને આશ્વાસન આપ્યું..સાથે સાથે આદિલે કયા સંજોગોમાં ફાતિમા પર ગોળી ચલાવી એનું વર્ણન કર્યું અને આ માટે રેશમા ની માફી પણ માંગી.

રેશમા એ પણ આ બધું ખોટું કામ કર્યા બદલ હાથ જોડી આદિલ,હસન અને નૂર ની માફી માંગી..નૂર જાણતી હતી કે રેશમા એકરીતે નિર્દોષ જ હતી બસ સમયનું ચક્ર એને અને ફાતિમા ને આ બધું કરવા મજબુર કરી ગયું હતું માટે એને મન મોટું રાખી રેશમા ને માફ કરી દીધી અને એને પ્રેમપૂર્વક ગળે લગાવી પોતાની સાથે લંડન આવવા આમંત્રિત કરી દીધી.

**************

સુદુલા કબીલાનાં જિન પણ પોતાની દીકરીની આત્માની મુક્તિ થઈ જતાં ખુશ હતાં.. કેમકે કુદરત નો આજ નિયમ હતો એની એમને ખબર હતી..હસને નતાશા નાં અમ્મી અબ્બુ ની રજા લઈ નતાશા સાથે નિકાહ કરી લીધાં.એ બંને મિયાં-બીબી આજે પણ લોકો ની હળીમળીને આવી પેરાનોર્મલ શક્તિઓથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. પોતાની અદ્વિતીય ટ્યુબ ની ખોજ બદલ પ્રોફેસર કેવિન ફોરમેન ને વિવિધ સ્થળે સમ્માનિત કરવામાં આવ્યાં..આજે પણ એ દેશ વિદેશમાં ફરી જુદી-જુદી યુનિવર્સિટીમાં જઈને પેરાનોર્મલ એક્ટિવિટી નાં લેક્ચર આપે છે.

image source

આદિલ અને નૂરનાં નિકાહ થઈ ગયાં અને એમને એક પરી જેવી દીકરી પણ છે જેનું નામ એમને નરગીસ રાખ્યું છે જેને લઈને રોજ નૂર ખુદા ની ઈબાદત માટે મસ્જિદ અચૂક જાય છે..જે પરિસ્થિતિમાંથી એ પસાર થઈ એ પછી ઈશ્વર પ્રત્યે ની એની આસ્થા વધી ગઈ છે.રેશમા પણ થોડાં દિવસો માં સોનગઢ છોડી લંડન આવી ગઈ જ્યાં આદિલે એક સારો છોકરો શોધી રેશમાનાં પણ એની જોડે નિકાહ કરાવી દીધાં..બધાં અત્યારે ખૂબ ખુશ છે.!!

★★★★★★★

સંપૂર્ણ.

દોસ્તો આ સાથે જ આ સત્ય ઘટના પર આધારિત નોવેલ નો અંત કરું છું..આશા રાખું તમને આ નોવેલ પસંદ આવી હશે.મેં આ નોવેલમાં નામ,સ્થળ અને ઘટનાઓ સાથે ઘણાં બધાં ફેરફાર કર્યાં હતાં..આ ઘટના મૂળ તુર્કી ની એક જગ્યાની છે..જેમાં આદિલ,નતાશા કે પ્રોફેસર ફોરમેન જેવાં પાત્રો હતાં જ નહીં.આ ત્રણેય પાત્રો મારી કલ્પનાનાં છે જે વાંચકો નો રસ જળવાઈ રહે એ માટે નોવેલ માં ઉમેરેલાં છે.

હકીકતમાં જે ઘટના ઘટી હતી એનાં અંત માં શિરીન ની આત્મા નૂર ની આત્મા ને ખતમ કરી એનું શરીર લઈ પોતાનાં કબીલામાં ચાલી જાય છે..હસન પર જિન હુમલો કરે છે અને એ ગંભીર રીતે ઘવાય જાય છે પણ બચી જાય છે.રેશમા અને ફાતિમા બંને પોતાનું ઘર મૂકી ત્યાંથી દૂર ભાગી જાય છે. આવો અંત રજૂ કરવો મને નહોતો પસંદ કેમકે વાંચકો માટે આવો અંત યોગ્ય નહોતો પચાવવો.. બાકી નોવેલ સાથે જોડાયેલ અન્ય મુદ્દાઓ અને ઘટનાઓ ખરેખર બનેલી છે.. કેટલીક વાર શૈતાની શક્તિઓ આગળ માનવ હારી જતો હોય છે અને એમાં પણ કોઈ માસુમ નાં આક્રંદ નો અભિશાપ તમારી તાકાત થી ઉપર જ હોય છે.

લેખક : જતીન.આર.પટેલ

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ