આક્રંદ : એક અભિશાપ ભાગ 6 તેના પિતાએ કરેલ કર્મની સજા આજે એ દીકરીઓ ભોગવી રહી હતી અને…

જે મિત્રોને જે તે ભાગ વાંચવાનો બાકી છે તે ભાગ 1, ભાગ 2, ભાગ 3, ભાગ 4, ભાગ 5 પર ક્લિક કરે.

ભાગ 6

ઈલિયાસ મોમીન નો ચહેરો જોઈ નૂર ચમકી ઉઠે છે અને આશ્ચર્ય સાથે બોલી પડે છે. “તું ઈલિયાસ મોમીન..?” નૂર ની સાથે હસનનું ધ્યાન પણ ઈલિયાસ નાં ચહેરા ઉપર સ્થિર હોય છે..એની ચકળવકળ થતી આંખો અને વિસ્યમ પામેલો ચહેરો પણ નૂર ની જેમ એ પણ ઈલિયાસ ને જોઈ આશ્ચર્ય પામી ચુક્યો છે એ દર્શાવી રહ્યાં હતાં. “પોતાનાંથી મોટી ઉંમરના વ્યક્તિને તું નહીં.. તમે કે આપ કહીને બોલાવાય..શું આટલી પણ તમીઝ તારી અમ્મી જુનેદા એ આપી નથી..”ચહેરા પર શૂન્ય ભાવ સાથે ઈલિયાસ બોલ્યો.

“પણ તમે તો ત્યાં બકરીઓ ચરાવી રહ્યાં હતાં..અમે તમને રાતે મળ્યાં હતાં?”હસને પૂછ્યું.જ્યારે હસન અને નૂર સોનગઢ આવી રહ્યાં હતાં ત્યારે એમને જેને રસ્તો પૂછ્યો હતો એજ બકરવાલ હતો ઈલિયાસ. “હા હું એ જ બકરવાલ છું જેને એ રાતે તમે મળ્યાં હતાં..એમાં નવાઈ પામવા જેવું શું છે..”હસન ની વાત સાંભળી ઈલિયાસ બોલ્યો. “એમાં નવાઈ જેવું તો કંઈ નથી..મારું નામ છે..”હસન બોલ્યો. “તારું નામ હસન છે અને તું પણ મારી જેમ ખુદા નો નેક બંદો છે.તું ઝાડફૂંક કરીને લોકોને શૈતાની રૂહ ની કેદમાંથી મુક્ત કરે છે..જ્યારે તારી જોડે આ યુવતી છે એ અહમદ મલિક નું એકમાત્ર સંતાન,એની દીકરી નૂર મલિક છે.”હસન ની વાત અડધેથી કાપી ઈલિયાસ બોલ્યો..ઈલિયાસ પોતાને પણ ઓળખે છે એ સાંભળી હસન ને આશ્ચર્ય થયું.

“અમારાં અમુક સવાલો છે જેનાં જવાબ ફક્ત તમારી જોડે જ મળી શકે એમ છે..કોઈ માસુમ ની જીંદગી એ સવાલોનાં જવાબ સાથે જોડાયેલી છે.. આપ અમારી મદદ કરશો.?નૂરે પૂછ્યું..આ વખતે ઈલિયાસ ની વાત સ્વરૂપે એનાં અવાજમાં ઈલિયાસ માટે માન જરૂર હતું. “મને ખબર છે કે તમે બિલાલ ની દીકરી રેશમાની પાછળ જિન કેમ પડ્યાં છે એ વાતનું રહસ્ય જાણવા આવ્યાં છો..સાથે નૂર ને એ પણ જાણવું છે કે એનાં અબ્બુ રાતોરાત આટલાં અમીર કઈ રીતે બન્યાં હતાં”ઈલિયાસે કહ્યું. “પણ તમે એ બધું કઈ રીતે જાણો..અમે તો તમને એ વિશે કંઈપણ કહ્યું જ નથી..”નવાઈ સાથે નૂર બોલી.

“હું કઈ રીતે આ વાત જાણું એ વાત તમારાં માટે મહત્વની નથી..તમારાં માટે જરૂરી છે તમારાં સવાલો નાં જવાબ શોધવા.”ઈલિયાસે શાંતિથી કહ્યું. “હા ઈલિયાસ ભાઈ..તમે અમને જણાવશો કે રેશમા નો એ જિન સાથે શું સંબંધ છે અને એ જિન રેશમા નો જીવ કેમ લેવા માંગે છે..?”હસને કહ્યું. “આ વાત આજથી 25 વર્ષ પહેલાં ની છે જ્યારે હું ફક્ત 15 વર્ષનો હતો..”આટલું કહી ઈલિયાસ જાણે પોતાની નજરો સામે ભુતકાળ જોઈ રહ્યો હોય એમ બોલવાનું શરૂ કરે છે.

**************

એ સમયે રહમત એક ખૂબ જ વિકસિત કહી શકાય એવું ગામ હતું..ગામ નાં લોકો સંતોષી અને સુખી હતાં પણ ગામની આ શાંતિ બે લોકોનાં લીધે હણાઈ ગઈ અને આખું ગામ વેરાન થઈ ગયું. એ બે વ્યક્તિનાં નામ હતાં બિલાલ અહમદ અને અહમદ મલિક.બિલાલ અહમદ ની બહેન જુનેદા નાં નિકાહ અહમદ મલિક સાથે થયાં હતાં એટલે બિલાલ અને મલિક બંને સાળો બનેવી હતાં.. સાળો બનેવી હોવાં ઉપરાંત બંને ખૂબ સારાં મિત્રો પણ હતાં.બંને મહેનત મજુરી કરતાં અને ઠીકઠાક કમાઈ લેતાં પણ બંને ને પોતાની કમાણી થી સંતોષ નહોતો.એમને રાતો રાત ધનપતિ થઈ જવું હતું.

અહમદ મલિક ને એક વખત એક પીર નો ભેટો થયો હતો જેમની જોડેથી એ જિન સાધના શીખ્યો હતો.અહમદ મલિક જિન સાધના વિશે જ્ઞાન ધરાવતો હતો એટલે એને જિન સાધના કરી એક મહિલા ઇફરિત જિન ને ખજાનો શોધવામાં પોતાની મદદ કરવા કહ્યું. એ મહિલા જિન નું નામ હતું શિરીન..જે સુદુલા કબીલામાંથી આવતી હતી..જિન પોતાની અલગ અલગ જાતિ અને ગુણધર્મો પ્રમાણે અલગ અલગ કબીલા બનાવી રહે છે.સુદુલા કબીલાનાં જિન છૂપો ખજાનો શોધી શકવાની શક્તિ ધરાવતાં હતાં.શિરીન પોતાની મદદ વગર કારણે તો નહોતી કરવાની એટલે અહમદ મલિકે પોતાની લુચ્ચી બુદ્ધિ વાપરી.અહમદ મલિકે પોતાનાં નિકાહ પહેલાં થઈ ગયેલાં હોવાની વાત શિરીન થી છુપાવી એની જોડે પ્રેમ નું નાટક કર્યું અને ખજાનો મળ્યાં પછી એ શિરીન સાથે નિકાહ કરશે એવું જણાવ્યું.

image source

અહમદનાં પ્રેમ માં આંધળી બની માસુમ અને નાદાન શિરીને અહમદ મલિક ને એક છૂપો ખજાનો શોધી આપ્યો..જેમાં કરોડો ની સંપત્તિ હતી.આ ખજાનો હાથમાં આવતાંની સાથે અહમદ મલિકે પોતાનાં સાળા બિલાલ અહમદ ની મદદ વડે શિરીન નામની એ જિન ને જીવતી જ ખંડેર જોડે evil tree નીચે દફનાવી દીધી જેથી એ મૃત્યુ પામી.એક માણસ ની લાલચ અને મહત્વકાંક્ષા નો ભોગ બની હતી શિરીન.

પોતે જે કર્યું છે એ પાપ હતું અને સુદુલા કબીલાનાં જિન એને જીવતો નહીં મૂકે એવી અહમદ મલિક ને ખબર પડી ગઈ હતી.જિન નાં ડરથી અહમદ મલિક તો પોતાની પત્ની સાથે વિદેશ ભાગી ગયો..પણ સુદુલા કબીલાનાં જિન પોતાની દીકરી ની મોત નો બદલો લેવા માંગતા હતાં એટલે એમનું નિશાન બન્યો બિલાલ અહમદ.

તમને બિલાલનાં ઘરમાંથી જે ફિટર સ્પેલ મળ્યો એ પણ સુદુલા કબીલાનાં જિન દ્વારા કરવામાં આવ્યો હતો..એટલે જ બિલાલ ની દીકરી રેશમા નાં જન્મનાં દિવસે જ બિલાલ નું અકાળ મૃત્યુ થઈ ગયું.બિલાલ ની મોત પછી પણ સુદુલા કબીલાનાં જિન સંતોષ નહોતાં પામ્યાં.પોતાની દીકરી જેટલી ઉંમરે મરી એટલે કે 24 વર્ષ 2 મહિના અને 7 દિવસ એટલી જ ઉંમરની રેશમા થાય એટલે એની આત્માને ખતમ કરી એની જગ્યાએ શિરીન ની આત્મા ને સ્થાપિત કરી પોતાની સાથે લઈ જવા માંગે છે.

શિરીન નાં દેહ ને એ લોકો અક્ષતયૌવના જ લઈ જવા માંગતા હોવાથી એમને શિરીન નાં લગ્ન ની રાતે જ એનાં સોહર આફતાબનું એનાં હાથે કતલ કરાવી દીધું.અહમદ મલિક નાં પાપ ની સજા ભોગવી રહી છે બિલાલ ની દીકરી રેશમા..” આટલું કહી ઈલિયાસે પોતાની વાત પૂર્ણ કરી. “મારાં અબ્બુ આવાં હોઈ જ ના શકે..”ઈલિયાસ ની વાત સાંભળી નૂર હસન ને વળગીને રોવા લાગી.

image source

“હું મોમીન છું નૂર..હું ક્યારેય ખોટું નથી બોલતો..તારાં અબ્બુ એ જે કર્યું એનાં જ પાપ ની સજા અત્યારે તારી મામા ની દીકરી રેશમા ને મળી રહી છે.એ પોતે અહીંથી કાયર ની જેમ ભાગી ગયો પણ જિન દ્વારા બિલાલ ને એની સજા મળી ગઈ.શું કરે છે એ કાયર કે પછી એ..?”ઈલિયાસ અહમદ મલિકને ધુત્કારી રહ્યો હતો. “મારાં જન્મનાં થોડાં દિવસ પછી જ મારાં અબ્બુ એક રોડ એક્સિડન્ટમાં માર્યા ગયા હતાં.. એમની મોત પણ રહસ્યમયી સંજોગોમાં જ થઈ હતી..”નૂર દબાતાં અવાજે બોલી.

“જોયું એ જિન નો અભિશાપ તારાં અબ્બુ ને વિદેશમાં પણ મોત આપવાનું નિમિત્ત બન્યો..આવતી કાલે રેશમા ની ઉંમર શિરીન ની મૃત્યુ વખત ની ઉંમર જેટલી થઈ જશે એટલે સુદુલા કબીલા વાળા જિન રેશમા ને મારી પોતાની દીકરીનો બદલો લઈ લેશે.”ઈલિયાસ બોલ્યો. “પણ મેં તો રેશમા ની અંદર મોજુદ જિન શિરીન ને ખતમ કરી દીધી હતી તો પછી આ બધું..?”હસન પોતે જ્યારે રેશમા ની અંદર મોજુદ જિન ને ખતમ કર્યો એ વખતની વાત કરતાં બોલ્યો.

“હસન તે જિન નો ખાત્મો જરૂર કર્યો પણ એ શિરીન નહોતી..એ કોઈ સુદુલા કબીલાનો જ અન્ય જિન હતો જે એ વખતે રેશ્માની અંદર મોજુદ હતો..હવે રેશમા ની અંદર શિરીન મોજુદ છે..”ઈલિયાસે જણાવ્યું..ઈલિયાસ ની વાત સાંભળી હસન ને યાદ આવ્યું કે એ વખતે રેશમા નો અવાજ એટલે સ્ત્રીનો હોવાંની જગ્યાએ પુરુષ જેવો હતો.

“ઈલિયાસ ભાઈ..તમે એ જણાવી શકશો કે આ ગામનાં લોકો ને શું થયું હતું કે એ લોકોને પણ આ ગામ છોડીને ચાલી જવું પડ્યું..અને તમે અહીં આટલાં વર્ષો સુધી આટલું બધું થયાં પણ રહી શક્યાં એનું રહસ્ય હું જાણી શકું..?”હસને પોતાનાં દિમાગમાં ચાલી રહેલ સવાલ કર્યો. “હસન..અહમદ મલિકે પોતાને મળેલાં ખજાનામાંથી અમુક ખજાનો ગામ લોકોને પણ વ્હેચ્યો હતો.એ ખજાનો જિન દ્વારા અભિશાપિત હતો એટલે જેને પણ એ ખજાનો લીધો એ લોકોનાં ઘરમાં વિચિત્ર બીમારીઓ ફાટી નીકળી..એમની સંતાનો ખોડખાંપણ સાથે પેદા થવા લાગી..મોટાંભાગનાં લોકો આત્મહત્યા કરી મરી ગયાં અને જે બચ્યાં એ સોનગઢ જઈને વસી ગયાં.. અમારાં પરિવારમાં કોઈએ એ ખજાનાને હાથ નહોતો લગાવ્યો એટલે હું અહીં સહીસલામત રહી શકું છું.”હસન નાં સવાલનો વિગતે જવાબ આપતાં ઈલિયાસે કહ્યું.

“સારું તો હવે અમે નીકળીએ..તમારો ખૂબ ખૂબ આભાર..”હસને આભારવશ સ્વરે કહ્યું. “હસન બે મિનિટ મારો એક છેલ્લો સવાલ છે..ઈલિયાસ ભાઈ ની અનુમતિ હોય તો હું પૂછી શકું..”નૂર હસન ને ત્યાંથી જતાં રોકીને બોલી. “હાં કેમ નહીં.. પૂછ તારે જે પૂછવું હોય એ..”ઈલિયાસ સવાલ પૂછવાની સહમતિ આપતાં બોલ્યો. “એ રાતે તમે એકલાં નહોતાં તમારી સાથે બુરખો પહેરેલી એક સ્ત્રી પણ હતી..એ કોણ હતી અને કેમ એ અત્યારે અહીં નથી દેખાતી..?”નૂરે પૂછ્યું..નૂર નો સવાલ સાંભળી ઈલિયાસ મોમીન થોડો ચોંકી ગયો..ઈલિયાસ ને આ સવાલની અપેક્ષા નહોતી એ એનાં ચહેરા પરથી સાફસાફ જણાતું હતું. ઈલિયાસ નાં ચહેરાનો ભાવ સમજી નૂર બોલી.

“હું માફી માંગુ છું જો તમને મારી કોઈ વાતનું ખોટું લાગ્યું હોય..તમે આનો જવાબ નથી આપવા માંગતા તો ઠીક છે..અમે નીકળીએ..” “હું મોમીન છું એટલે મને પુછાયેલ સવાલનો સત્ય જવાબ આપવો મારાં માટે જરૂરી છે..તમારે જાણવું છે એ બુરખો પહેરેલી સ્ત્રી કોણ હતી.. તો સાંભળો એ હતી મારી પત્ની જહુરિયત.જહુરિયત કોઈ મનુષ્ય નથી પણ સીલા પ્રકારની જિન છે.એ દિવસે હું તમારી કાર ની આગળ પહોંચી ગયો એનું કારણ જહુરિયત છે..અને એનાં લીધે જ મને તમારાં નામ અને તમે અહીં આવવાના છો એની મને જાણ થઈ હતી.”ઈલિયાસે કહ્યું. ઈલિયાસ ની વાત સાંભળી નૂર ને આશ્ચર્ય થયું પણ હસનને એ વાતની વધુ નવાઈ ના લાગી..કેમકે ઘણાં લોકો જિન સાથે લગ્ન કરીને એમનો ઘરસંસાર માંડે છે એની હસન ને ખબર હતી..હસન ની એક મામી પણ ઇફરીત જિન હતી એ વાત ની હસન ને ખબર હતી.

“તમારી પત્ની જિન છે તો એ રેશમા ને બચાવવામાં અમારી કોઈ મદદ કરી શકશે..?”નૂરે આશાભરી નજરે ઈલિયાસ મોમીન તરફ નજર કરીને પૂછ્યું. “હા કેમ નહીં.. હું હમણાં જહુરિયત ને બોલાવું..તમે જાતે જ એને એ વિશે પૂછી લો”આટલું કહી ઈલિયાસે ઉભાં થઈને બધી રોશની બુઝાવી દીધી.. ઈલિયાસ નું આમ કરવાનું કારણ હસન અને નૂર ને ખબર હતી કે જિન લોકો તીવ્ર રોશની માં ઘણીવાર આવવામાં અસહાય હોય છે એટલે એ લોકો એ કંઈપણ પૂછ્યું નહીં કે ઈલિયાસ એવું કેમ કરી રહ્યો હતો.

image source

“જહુરિયત આ લોકો તને મળવા માંગે છે.એમને તારી મદદની જરૂર છે..”જહુરિયત ને અવાજ આપતાં ઈલિયાસે કહ્યું. થોડી જ વારમાં એ લોકો જ્યાં હાજર હતાં એ ઓરડાનું વાતાવરણ બદલાઈ ગયું..હવાઓ આમથી તેમ રૂમમાં લહેરાવા લાગી.આ હવા શાંત થતાં ની સાથે એમની સામે એક માનવાકૃતિ આવીને ઉભી રહી જેને જોઈ નૂર અને હસન સમજી ગયાં કે એ માનવાકૃતિ જહુરિયત જ છે. “હું તમારી શું મદદ કરી શકું છું..?”આવતાં ની સાથે જહુરિયતે હસન અને નૂર ને ઉદ્દેશીને પૂછ્યું.

“નૂર ની મામા ની દીકરી રેશમા અત્યારે જિન ની ગિરફ્તમાં છે..ઈલિયાસ ભાઈ નાં કહ્યાં મુજબ કાલે રાતે જિન રેશમા ને ખતમ કરીને એનું શરીર પોતાની સાથે લઈ જશે.કોઈ એવો ઉપાય છે જેનાંથી અમે રેશમા ને બચાવી શકીએ..”હસને વિનંતી સાથે કહ્યું. “સુદુલા કબીલાનાં જિન બહુજ તાકાતવર છે..એમનું ધાર્યું કરીને જ રહે છે.પણ તમારી ખુદા પ્રત્યે ની શ્રદ્ધા અને એક માસુમનો જીવ બચાવવા માટે કંઈપણ કરી ગુજરવાની ખેવના જોઈ હું ચોક્કસ તમારી મદદ કરીશ..” આટલું કહી જહુરિયતે પોતાની આંખો મીંચી લીધી અને બંને હાથ ની હથેળી ખોલી એને આકાશ તરફ રહે એમ ધરી કંઈક મનોમન બોલી.

જહુરિયત નાં આમ કરતાં ની સાથે જ એનાં હાથમાં એક પુસ્તક પ્રગટ થયું.એ જુનુંપુરાણું પુસ્તક જહુરિયતે પોતાનાં એક હાથમાં લઈને કહ્યું. “આ પુસ્તકમાં જિન ને કઈ રીતે શાંત કરવા એની બધી વિધિ લખેલી છે..શિરીન ની મોત પછી જે જિન નો અભિશાપ લાગેલો છે એ કઈ રીતે દૂર કરવો એ હું તમને આ પુસ્તકમાંથી શોધીને કહું છું..” જહુરિયત ની વાત સાંભળી હસન અને નૂરે એકબીજાની તરફ જોયું..એમની આંખો અને ચહેરો એ દર્શાવી રહ્યો હતો કે જહુરિયત ની મદદથી એ લોકો ચોક્કસ રેશમા ને બચાવી લેશે.

જહુરિયતે જેવું પુસ્તક નું પાનું ખોલ્યું એવો જ ભૂકંપ આવ્યો હોય એમ ઈલિયાસ નું ઘર ધ્રુજવા લાગ્યું..આખું ઘર ચિત્ર વિચિત્ર અને ભયાનક અવાજોથી ઉભરાઈ ગયું..આ અવાજો ખરેખર રૂહ કાંપી ઉઠે એવાં હતાં.એ અવાજો સાંભળતા ની સાથે ઈલિયાસ નાં ચહેરાનો રંગ ઉડી ગયો અને જહુરિયત પણ ખૂબ ગભરાઈ ગઈ.નૂર અને હસનને સમજાઈ નહોતું રહ્યું કે એવું થવાનું કારણ શું હતું. “સુદુલા કબીલાનાં જિન આવી ગયાં.. એ બધાં ને મારી નાંખે એ પહેલાં તમે ભાગી જાઓ..”જહુરિયત ઊંચા સાદે બોલી.

અચાનક શાંત સમુદ્રમાં કોઈ પથ્થર નાંખે અને પાણીમાં વમળ પેદા થાય એમ અત્યારે ઈલિયાસ નાં ઘરમાં ગેબી અવાજો અને ધરતીકંપ જેવી સ્થિતિ પેદા થઈ હતી..આ સ્થિતિ નું કારણ ઈલિયાસ ની જિન પત્ની જહુરિયત મુજબ સુદુલા કબીલાનાં જિન હતાં. “સુદુલા નાં કબીલાનાં જિન આવી પહોંચ્યા લાગે છે..તમે આ પુસ્તક લઈને જેમ બને એમ જલ્દી જલ્દી અહીંથી નીકળી જાઓ.”વિનવણી નાં સુરમાં જહુરિયત બોલી. “હા હસન,જહુરિયત સાચું કહી રહી છે..તું અને નૂર જેમ બને એમ આ ગામ છોડીને નીકળી જાઓ..ખબર નહીં આ સુદુલા કબીલાનાં જિન તમારી શું હાલત કરશે. “ઈલિયાસ પણ ગભરાતાં ગભરાતાં બોલ્યો. “સારું અમે અહીંથી નીકળીએ છીએ..તમે અમારી જે મદદ કરી એ માટે તમારો આભાર..તમે તમારી જાત ને સાચવજો.. “ઈલિયાસ ને આટલું કહી હસને જહુરિયત જોડેથી પેલું પુસ્તક લઈ લીધું અને નૂર ની સાથે ઈલિયાસ નાં ઘરમાંથી નીકળી ગયાં.

image source

ઘરનાં દાદરા ઉતરી હસન અને નૂર ફટાફટ ઘર ની સામે રાખેલી કારમાં બેસવા માટે આવી પહોંચ્યા..એમનાં કાને અત્યારે જિન નાં ટોળાંનો ગેબી અવાજ પડઘાઈ રહ્યો હતો..જે સાંભળી નૂર ડરી રહી હોવાનું સમજાઈ રહ્યું હતું. “હસન જલ્દી કારનો દરવાજો ખોલ..અહીંથી જલ્દી માં જલ્દી ભાગી જવું પડશે.”નૂરે હસન ને ઉદ્દેશીને કહ્યું. નૂર ની વાત સાંભળી હસને ડ્રાઈવર સાઈડ નો દરવાજો ખોલ્યો અને કારની ડ્રાઈવિંગ સીટમાં ગોઠવાઈ ગયો..હસને નૂર ની તરફ નો દરવાજો ખોલી એને અંદર આવી જવા કહ્યું.નૂર હજુ તો કાર નો દરવાજો બંધ કરી અંદર આવી એટલામાં તો દરવાજા સાથે કોઈ વસ્તુ અથડાવવાનો અવાજ આવ્યો અને દરવાજાની ઉપરનાં કાચ પર લોહી વાળો પંજો ઉપસી આવ્યો જે જોઈ નૂર ખૂબ ડરી ગઈ.

હસને તાત્કાલિક કારનાં એક્સીલેટર પર પગ રાખી દીધો અને કારને પુરપાટ ઝડપે ત્યાંથી ભગાવી મુકવા સ્ટેયરિંગ ઘુમાવ્યું..હસન હજુ તો કાર ને દૂર લઈ જાય એ પહેલાં તો કાર નાં ફ્રન્ટ મિરર પર પણ સેંકડો ની સંખ્યામાં લોહી ભર્યા પંજા ઉપસી આવ્યાં.. કાર ની બોનેટ પર પણ કોઈની મોજુદગીનો અહેસાસ થઈ રહ્યો હતો. અચાનક એક પંજો જોરદાર વેગે કાચ સાથે અથડાયો અને કાચમાં તિરાડ પડી ગઈ..હસને એક્સીલેટર પર દબાવીને પગ રાખ્યો અને કાર ને ટોપ ગિયરમાં નાંખીને રહમત ગામ ની બહાર જતાં રસ્તા તરફ ભગાવી મૂકી..થોડીવારમાં તો એ લોકો રહમત ગામ ની સરહદની બહાર પહોંચી ગયાં..સંભળાઈ રહેલાં ગેબી અવાજો હવે બંધ થઈ ગયાં હતાં.

હસને કાર ને થોડો સમય રોકી અને ફટાફટ એક કપડાંનો ટુકડો લઈને ડ્રાઈવર ની આગળનો કાચ સાફ કર્યો જેથી આગળનો રસ્તો સાફસાફ જોઈ શકાય. “હાશ બચી ગયાં..”રાહત નો શ્વાસ લેતાં નૂર બોલી.આટલાં બધાં જિન હોવાં છતાં એ લોકો ત્યાંથી બચીને આવ્યાં એ વાત માટે નૂર ખુદાનો આભાર માની રહી હતી.નૂરની ને હવે ખુદા પ્રત્યેની શ્રદ્ધા વધુ બળવત્તર થઈ રહી હતી. “હા નૂર અત્યારે તો આપણે સુદુલા કબીલાનાં જિન ની પકડથી દુર છીએ પણ નક્કી નહીં એ લોકો ક્યારે આપણી સુધી પહોંચી જાય..”હસન નો ચહેરો હજુપણ એની અંદર ફેલાયેલાં ડરની ચાડી ખાઈ રહ્યો હતો..કેમકે એક જિન થી તો મુકાબલો કરવો સરળ છે પણ જ્યારે સામે જિન નો આખો કબીલો હોય ત્યારે હથિયાર હેઠાં મૂકી મોત ને ગળે લગાવી લેવું જ ઉચિત હોય છે.

image source

હસન નાં ધ્યાન માં ઈરાન નાં વિહુબન નામનાં એક ગામનો એવો કિસ્સો હતો જ્યાં ગામનાં લોકો દ્વારા રબીકા કબીલાનાં ત્રણ માસુમ જિન ને મારી નાંખવાનો ગુનો કર્યો હતો..જેનાં લીધે રાતોરાત રબીકા કબીલાનાં હુમલામાં 600 લોકોનાં મોત થયાં હતાં અને આખું ગામ રાતોરાત લાશોનાં ઢેર માં બદલાઈ ગયું હતું..માટે જિન કબીલા નો ગુસ્સો ભયંકર હોવાની વાત હસન ઓમર ને ખબર હતી અને એજ એનાં ડરનું કારણ પણ હતી. એ લોકો હજુ આ વિશે ચર્ચા કરી રહ્યાં હતાં ત્યાં હસન નાં મોબાઈલ ની રિંગ વાગી..આવાં સમયે મોબાઈલની રિંગ નો અવાજ પણ હસન અને નૂર ને ડરાવી ગયો હતો એ એમનાં હાવભાવ જોઈ સમજી શકાતું હતું.હસને ગળામાં અટકી ગયેલું થૂંક મહામહેનતે ગળાની નીચે ઉતાર્યું અને મોબાઈલ ને પોતાનાં ખિસ્સામાંથી બહાર કાઢી એની ડિસ્પ્લે તરફ નજર કરી.એ જોતાં જ હસન નો ચહેરો ખીલી ઉઠ્યો.

*************

હસન પર આવેલો કોલ હતો ટેકસાસ યુનિવર્સિટીનાં પ્રોફેસર ઈબ્રાહીમ કરીમનો..પ્રોફેસર કરીમ ને હસને રહમત ગામ અને 7175 નંબર જોડે જોડાયેલ રહસ્ય વિશે જાણકારી મેળવવાનું કહ્યું હતું..પ્રોફેસર કરીમ સામેથી કોલ કરે એનો મતલબ હસનને ખબર હતી કે ચોક્કસ પ્રોફેસર ને કંઈક તો માહિતી મળી છે. “હા બોલો ઈબ્રાહીમ ભાઈ..શું માહિતી મળી છે..?”ફોન રિસીવ કરતાં ની સાથે હસન બોલ્યો.

“હસન ભાઈ પહેલાં તો હું રહમત ગામ વિશે જણાવવા માંગુ છું..એ ગામનાં લોકો ને કોઈ રહસ્યમયી બીમારી થઈ ગઈ હતી જેનું નિવારણ કોઈ ડોકટર કર વૈજ્ઞાનિકો જોડે નહોતું એટલે જે લોકો બચી ગયાં એમને તાત્કાલિક ગામ ખાલી કરી દેવું ઉચિત સમજ્યું..એ વખતે ત્યાં પેદા થતાં બાળકોનાં ફોટો જોઈ એવું લાગ્યું કે એ કોઈ શ્રાપ નો ભોગ બન્યાં હોય..” ઈબ્રાહિમે કહ્યું..રહમત ગામ વિશે પોતે પણ હવે ઘણું બધું જાણતો હોવાથી હસન ને રહમત ગામ વિશેની વાતમાં વધુ રસ નહોતો.

“અને પેલાં 7175 નંબર વિશે તમને કોઈ માહિતી મળી કે નહીં..?”હસન 7175 નંબર નું રહસ્ય જાણવા ઉતાવળો બન્યો હતો.કેમકે જ્યારથી હસન સોનગઢ આવવા નીકળ્યો હતો ક્યાંક ને ક્યાંક આ નંબર એની નજરે જરૂર ચડ્યો હતો..એ ઉપરાંત રેશમા નાં મોંઢે પણ એને આજ નંબર સાંભળ્યો હતો. “7175 નંબર વિશે મેં ઘણું રિસર્ચ કર્યું જેનાં ઉપરથી હું જે તથ્ય પર આવ્યો છું એ સાંભળ..”આટલું કહી પ્રોફેસર ઈબ્રાહીમ કરીમે 7175 નું રહસ્ય કહેવાનું શરૂ કર્યું. “7175 નંબર ને જો અરેબિક માં લખવામાં આવે તો એને લખાય છે VIVO.. ખ્રિસ્તી ધર્મ અનુસાર લોર્ડ જીસસ ને ક્રોસ પર લબડાવીને મારી નાંખવામાં આવ્યાં હતાં..પણ ઈસ્લામમાં એનાંથી ઊલટું છે..VIVOનો અરેબિક માં અર્થ થાય ‘I AM ALIVE’ મતલબ હું જીવિત છું..”

“જ્યારે કોઈ જિન ને મારી નાંખવામાં આવે અથવા તો એમની સાથે કંઈપણ ખોટું થયું હોય તો એ જિન 7175 નંબર વડે દુનિયાને એ જણાવવા માંગે છે કે એ હજુ પણ જીવે છે..મતલબ એમનો ખાત્મો થયો નથી.મને લાગે છે તું કોઈ શક્તિશાળી જિન કબીલા નો સામનો કરી રહ્યો છે..”7175 નંબર વિશેનું રહસ્ય ઉજાગર કરીને ઈબ્રાહીમે હસન ની પરિસ્થિતિનો ક્યાસ લગાવતાં કહ્યું. ઈબ્રાહીમ નાં સવાલ નાં જવાબમાં હસને અત્યાર સુધી સોનગઢ માં આવતી વખતે અને અહીં આવ્યાં પછી જે કંઈપણ ઘટિત થયું હતું એનો ટૂંકમાં વૃતાંત આપતાં ઈબ્રાહીમ ને બધું જણાવી દીધું.આ ઉપરાંત એ લોકો સુદુલા નામનાં જિન કબીલાની નજર હેઠળ છે એ પણ જણાવી દીધું.

હસન ની સઘળી વાત જાણ્યાં બાદ ઈબ્રાહિમે હસન ને એક સવાલ કર્યો. “હસન તને જહુરિયતે જે પુસ્તક આપ્યું એનું નામ હું જાણી શકું..?” હસને ઈબ્રાહીમ કરીમ નો સવાલ સાંભળી એ પુસ્તક હાથમાં લીધું અને એનાં કવર પર રહેલ નામ વાંચવાની કોશિશ કરી..પુસ્તક ઘણું જુનું હોવાથી એની ઉપર લખેલ નામ સ્પષ્ટ દેખાતું નહોતું..હસને પ્રયત્ન કરી થોડાં અનુમાન સાથે કહ્યું. “આ પુસ્તક નું નામ લગભગ ફિતરત-એ-જિન છે..”

“બહોત ખૂબ..બહોત ખૂબ..હસન ભાઈજાન તમારાં હાથમાં પુસ્તક નથી પણ કોઈપણ પ્રકારનાં જિન ને કાબુમાં લેવાની ચાવી છે..કહેવાય છે આ પુસ્તક ખુદા નાં ફરિશ્તાઓ એ જિન દ્વારા અમુક નિર્દોષ લોકોને હેરાન કર્યા બાદ લખ્યું હતું.. આ પુસ્તક હાલ ક્યાંય ઉપલબ્ધ નથી..”ઈબ્રાહીમ કરીમે હસન જોડે રહેલ પુસ્તક નું રહસ્ય ઉજાગર કરતાં કહ્યું. “તો શું આ પુસ્તકમાંથી મને રેશમા ને એ જિન દ્વારા મુક્ત કરવા માટેનો ઉપાય મળી જશે..?”હસન નાં સવાલમાં એક આશ હતી. “હા હસન..આ પુસ્તકમાં ચોક્કસ બતાવાયું હશે કે એક માસુમ જિન ની હત્યા પછી એની આત્મા ની મુક્તિ માટે શું કરવું જોઈએ..જો તું એમ કરવામાં સફળ થઈશ તો સુદુલા કબીલા નો ગુસ્સો ચોક્કસ શાંત થઈ જશે.”પ્રોફેસર ઈબ્રાહીમે કહ્યું. “શુક્રિયા ભાઈજાન..ખુદાની મરજી રહી તો હું ચોક્કસ રેશમા ને બચાવી લઈશ..”હસને આભારવશ સુરમાં કહ્યું.

image source

“ખુદાહાફિઝ..”આટલું કહી ઈબ્રાહીમે કોલ ડિસકનેક્ટ કરી દીધો. ફોન મુકતાં ની સાથે હસને નૂર ની તરફ જોઈને કહ્યું. “નૂર આ કોઈ મામુલી કિતાબ નથી..મારાં એક દોસ્ત ઈબ્રાહીમ કરીમ નો કોલ હતો એમને મને 7175 નંબર નું રહસ્ય જણાવ્યું સાથે આ પુસ્તક સાથે જોડાયેલી રોચક વાતો પણ જણાવી..” આટલું કહી હસને ઈબ્રાહીમ કરીમ સાથે જે કંઈપણ વાતચીત થઈ હતી એ વિશે અક્ષરશઃ જણાવી દીધું.

********

હસન દ્વારા એ પુસ્તક નું રહસ્ય અને પ્રોફેસર ઈબ્રાહિમે જણાવેલી વાતો વિશે કહેતાં ની સાથે નૂર ખુશ થઈને બોલી. “તો પછી જલ્દી આ પુસ્તક ખોલીને અંદરથી શિરીન ની મુક્તિ નો માર્ગ શોધી કાઢ..જો શિરીન ની આત્મા મુક્ત થઈ જશે તો સુદુલા કબીલાનાં જિન નો ગુસ્સો શાંત થઈ જશે અને એ રેશમા ને છોડી દેશે.” “હા તો તું ડ્રાઈવિંગ સીટ પર આવી જા..હું પુસ્તકમાં શિરીન ની આત્માની મુક્તિનો માર્ગ શોધું..”હસને નૂર ની વાત સાંભળી કહ્યું..અને પછી કાર ને બ્રેક મારી થોભાવી દીધી. હસન અને નૂર પોતપોતાની સીટમાંથી હેઠે ઉતર્યા..નૂરે ડ્રાઈવિંગ સીટ માં સ્થાન લીધું અને હસને ડ્રાઈવર ની બાજુની સીટમાં.ત્યારબાદ નૂરે કાર ને પેલાં સોનગઢની તરફ ભગાવી મુકી.. કાર ની અંદર ની લાઈટ નો પ્રકાશ ઓછો પડતાં હસન પોતાની મોબાઈલની ફ્લેશ લાઈટ ઓન કરી પોતાની જોડે રહેલ પુસ્તકનાં પાનાં ફંફોસી રહ્યો હતો.

પુસ્તકમાં જિન સમુદાય જોડે જોડાયેલાં ઘણાં રહસ્યો હસને વાંચ્યા પણ ક્યાંક કોઈ જિન ને દફનાવ્યાં પછી એની આત્મા ની મુક્તિ માટે શું કરવું જોઈએ એની માહિતી નહોતી મળી રહી..હસન નાં ચહેરા પર આવેલી તંગ રેખાઓ એનાં મનોમંથન ને દર્શાવી રહી હતી. અચાનક હસન ની નજરે કંઈક આવ્યું જે વાંચી હસન નો ચહેરો ખીલી ઉઠ્યો અને એ હરખભેર બોલ્યો. “નૂર,મળી ગયો શિરીન ની મુક્તિનો માર્ગ..” હસન ની વાત સાંભળી નૂરે એની તરફ જોયું અને પૂછ્યું. “શું કહ્યું..પુસ્તકમાં લખેલું છે કે શિરીન ની મુક્તિ માટે શું કરવું?”

“હા નૂર..અહીં લખ્યું છે કે કોઈ માસુમ જિન ને મારીને દફનાવી દેવામાં આવે તો એની આત્મા ભટકતી રહે છે..એની મુક્તિ માટે એની લાશ ને જ્યાં દફનાવવામાં ત્યાંથી બહાર નીકાળી એને પુનઃ વ્યવસ્થિત રીતે દફનાવી દેવામાં આવે તો એની આત્મા ને મુક્તિ મળી જાય છે અને એનું શરીર એનાં કબીલાનાં જિન આવીને અંતિમવિધિ માટે લઈ જાય છે..”હસને પુસ્તકમાં લખેલી વાત શબ્દશઃ વાંચી સંભળાવી.

“ઈલિયાસ મોમીન નાં કહ્યા મુજબ મારાં અબ્બુ અને મામા એ શિરીન ની લાશ ને ખંડેરની પાછળ આવેલાં evil tree નીચે દફનાવી દીધી હતી..હા એટલે જ ત્યાં એ રહસ્યમયી આક્રંદ સંભળાતું હતું.”નૂર કંઈક યાદ આવતાં બોલી. “હા મેં પણ ત્યાં રેશમા ને બચાવવા ગયો ત્યારે એક સ્ત્રી નું આક્રંદ સાંભળ્યું હતું..શાયદ એ શિરીન નો જ અવાજ હતો..”નૂર ની વાત સાથે પોતાની સહમતિ દર્શાવતાં હસન બોલ્યો. “તો હવે આગળ શું કરીશું..?”નૂરે પૂછ્યું. “શું કરવાનું હોય યા અલ્લાહ કરીને નીકળી પડીએ એ ખંડેરની તરફ..”હસન જુસ્સા સાથે બોલ્યો.

image source

હસન ની વાત સાંભળી નૂર નાં ચહેરા પર સ્મિત ફરી વળ્યું અને મક્કમ ઈરાદાનાં ભાવ સાથે નૂર એ કાર ને યુટર્ન લઈને ખંડેર તરફ જતાં રસ્તા તરફ ભગાવી મુકી..!! હસન નાં કહેવાથી નૂર કાર ને ખંડેર ની તરફ ભગાવી મૂકે છે..ફૂલ સ્પીડ ઉપર ચાલતી કાર જાણે પવન સાથે વાતો કરી રહી હોય એવું લાગે છે.ખંડેર ની બિલકુલ નજીક એનાં દરવાજાની લગોલગ આવીને નૂર કારની બ્રેક પર પગ રાખી એને થોભાવી દે છે..શાંત વિરાન વિસ્તારમાં ગાડીની બ્રેકથી ઉત્તપન્ન થયેલો અવાજ પણ અસામાન્ય રીતે ભયાવહ લાગી રહ્યો હતો.

“ચલ નૂર હવે આગળ વધીએ..તું કાર ની હેડલાઈટ ચાલુ જ રાખ જેથી આટલા વિસ્તારમાં તો થોડી ઘણી અજવાશ પથરાયેલી રહે.”હસને નૂર ને ઉદ્દેશીને કહ્યું. નૂરે હસન નાં કહ્યા મુજબ જ કર્યું અને કારમાંથી નીચે ઉતર્યો..નૂર પણ એની સાથે જ નીચે આવી.અંદર જઈને ખોદવાનું છે એ વાત નક્કી હતી એટલે હસન ખોદકામ માટેનાં કોઈ ઓજાર મળી જાય એ આશા એ કાર ની પાછળની તરફ જાય છે..કાર ની બેકસાઈડ નાં કાચ પર લખેલું લખાણ જોઈ હસન નાં હોંશ કોશ ઉડી જાય છે..ત્યાં અરેબિક માં લોહીથી લખેલું હોય છે.

“لا ناجون على قيد الحياة” જેનો અર્થ હતો કોઈ જીવતું નહીં રહે..નૂર ને આ વાત જણાવી હસન એને વધુ ચિંતિત નહોતો કરવા માંગતો એટલે એને પોતાની જાત પર થોડો કાબુ રાખી કારની ડેકી ખોલી..અંદર જોતાં જ હસન નાં નજરે એક કોદાળી હાથ લાગી.એનાં સિવાય અન્ય કોઈ હથિયાર નહોતો.જેનો મતલબ હતો કે માટી હાથ વડે જ દૂર કરવાની હતી.હસન કોદાળી પોતાનાં હાથમાં લઈ નૂર ની જોડે આવ્યો અને બોલ્યો. “નૂર આ કોદાળી હાથ લાગી છે..આનાંથી ખોદીને હાથ વડે માટી દૂર કરવી પડશે..”

“વાંધો નહીં એતો હવે જોયું જશે..”નૂર બોલી. નૂર નો જુસ્સો જોઈ હસન ને મનોમન ખુશી થઈ કે નૂર માટે અલૌકિક શક્તિઓનો સામનો કરવો સરળ નહોતું રહેવાનું..કેમકે વિદેશમાં ભણતી એક ભણેલી ગણેલી છોકરી માટે આ બધું ડરાવી મુકવા કાફી હતું છતાં જે રીતે નૂર એની પડખે ઉભી હતી એ એનાં મક્કમ મનોબળ ની નિશાની હતું. “સારું તો યા અલ્લાહ કરીને તૂટી પડીએ.. ફતેહ આપણાં કદમ ચુમશે..” મક્કમ હોંસલા સાથે હસન બોલ્યો. ત્યારબાદ હસન અને નૂર ખંડેરની અંદર પ્રવેશ્યાં..જ્યાં ભવિષ્યમાં શું થવાનું હતું એ વાતથી એ બંને બિકકુલ અજાણ હતાં..એ લોકો સફળ થયાં તો ઠીક પણ જો નિષ્ફળ ગયાં તો જાન થી હાથ ધોઈ બેસવાનું જોખમ પૂરું હતું.!!

************

કાર ની હેડલાઈટનો પ્રકાશ તો વધુ આગળ નહોતો આવી શકવાનો એ જાણતી હોવાથી નૂરે એક ટોર્ચ પણ સાથે લઈ રાખી હતી.ખંડેરનાં બીજા દરવાજેથી એ લોકો બહાર નીકળ્યા એટલે કાર ની હેડલાઈટનો પ્રકાશ લગભગ બંધ થઈ ગયો. બહાર નો વિસ્તાર વિરાન જરૂર હતો પણ અહીં તો ભૂતાવળ જેવો અહેસાસ હસન અને નૂર ને થઈ રહ્યો હતો..બંને અહીં પહેલાં પણ આવી ગયાં હોવાથી આવાં ભયાવહ સન્નાટા માટે પોતાની જાતને મક્કમ કરીને આવ્યાં હતાં.નૂર જ્યારે પહેલી વખત આવી એ વખતે જેવો કાગડો એની પર હુમલો કરી ગયો હતો એવો જ કાગડો અત્યારે એમની તરફ તાકી રહ્યો હતો..પણ આ વખતે એ હુમલો કરવાનાં બદલે ત્યાંથી ઉડીને રવાના થઈ ગયો.એ કાગડો સુદુલા કબીલાનાં જિન સુધી હસન અને નૂર ત્યાં પહોંચી ગયાં છે એવો સંદેશો પહોંચાડવા ગયો હતો.

સાપ નાં ફુસફુસાવથી લઈને કૂતરાં નાં ઘુરકવાનો અને નિશાચર પક્ષીઓનો અવાજ પણ હસન અને નૂર સાંભળી શકતાં હતાં. બંને અત્યારે ટોર્ચ નાં પ્રકાશમાં evil tree તરફ આગળ વધી રહ્યાં હતાં.આજુબાજુ બધે ચો તરફ માનવ હાડકાં વેરાયેલાં પડ્યાં હતાં જે જોઈ કોઈપણ ડરથી થથરી જાય એ નક્કી હતું. ધીરે ધીરે હસન અને નૂર evil tree ની નજીક પહોંચી ગયાં.નૂર અને હસન ને ખબર હતી કે એમને પહેલાં આવ્યાં ત્યારે એ આક્રંદ સાંભળ્યું હતું એ હવે સાંભળવા નહીં મળે કેમકે એ આક્રંદ શિરીન નું હતું અને એ અત્યારે રેશમાનાં શરીર પર કબજો જમાવીને બેઠી હતી.

image source

“નૂર ક્યાંથી ખોદવાનું શરૂ કરું..કેમકે આપણી જોડે સમય ઓછો છે એટલે એ માટે વધુ સમય બગાડવો ઉચિત નહીં ગણાય..”હસને નૂર ની તરફ જોઈ ધીરેથી કહ્યું. “હસન મારાં અંદાજ મુજબ આ evil tree નીચે હાડકાઓનું આ જે ગોળાકાર વર્તુળ બનાવવામાં આવ્યું છે એની નીચે જ શિરીન ની લાશ દફન હોવી જોઈએ..કેમકે મને પણ અહીં આ જ જગ્યાએ અલૌકિક તાકાતોનો અહેસાસ થયો હતો.”હસન નાં સવાલનાં જવાબમાં નૂર બોલી. નૂર ની વાત સાંભળી થોડું વિચાર્યા બાદ હસન બોલ્યો.

“નૂર તારી વાત માં વજન લાગે છે..કેમકે મેં રેશમા ને બચાવી ત્યારે પણ એ આ જ હાડકાંથી બનેલાં વર્તુળની અંદર હતી..” “હા તો પછી ચાલુ કર ખોદકામ..હું ટોર્ચ પકડીને ઉભી રહું છું..”નૂર બોલી. નૂર ની વાત સાંભળી હસને કોદાળી નો ઘા ત્યાં જમીન પર કર્યો.. હસન નાં આમ કરતાં ની સાથે જાણે કોઈ ચીસ પાડતું હોય એવો અવાજ ત્યાં પડઘાયો. હસન અને નૂર જાણતાં હતાં કે આવું બધું તો થતું રહેવાનું એટલે એ લોકો આ વાત ને મન ઉપર નહોતાં લઈ રહ્યાં.. હસને એ અવાજો ઉપર ધ્યાન આપવાનાં બદલે ખોદવાનું ચાલુ રાખ્યું.

હસન કોદાળી વડે ત્યાં ખોદતો અને હાથ વડે માટી દૂર કરે જતો હતો.. હસન ને થાક પણ લાગ્યો હતો અને સાથે એનું ગળું પણ સુકાઈ રહ્યું હતું છતાંપણ અત્યારે રોકાવું શક્ય નહોતું એટલે પરસેવેથી રેબઝેબ થયા હોવાં છતાં હસન અત્યારે એકધાર્યું ખોદી રહ્યો હતો..નૂર અત્યારે ઠંડક ભર્યા વાતાવરણમાં હાફ બાંય ની ટીશર્ટ માં ટોર્ચ પકડીને ઉભી હતી તો પણ એનાં કપાળ પર પણ વારેઘડીએ પ્રસ્વેદ બિંદુઓ ઉપસી આવતાં જેને એ હાથ વડે જ સાફ કરી રહી હતી.

હસન જેમ જેમ વધુ ઊંડે ખોદી રહ્યો હતો એમ આજુબાજુથી આવતાં ગેબી અવાજો વધુ તીવ્ર વેગે સંભળાઈ રહ્યાં હતાં..હસને સુરક્ષા ખાતર કોરલ સ્ટોનનો ઉપયોગ કરી પોતાની અને નૂર ની ફરતે એક સુરક્ષા કવચ બનાવી દીધું હતું જેથી કોઈ એમની પર હુમલો ના કરી શકે. હસન થાકીને લોથપોથ થઈ ગયો હોવાં છતાં ખોદી રહ્યો હતો કેમકે સવાર પડી જાય તો સૂરજ ની રોશનીમાં જિન શિરીન નો મૃતદેહ સ્વીકારવા નહીં આવે એ હસન જાણતો હતો અને બીજાં દિવસે રેશમા ની ઉંમર શિરીન ને દફનાવવામાં આવી એ દિવસની ઉંમર જેટલી થઈ જવાની હતી એટલે આવતી કાલ રેશમા ની જીંદગીનો આખરી દિવસ બની જવાનો હતો એ નક્કી હતું.

અચાનક હસન ને કંઈક વસ્તુ અથડાવવાનો અવાજ કાને આવ્યો..હસને હાથ વડે માટી દૂર કરીને જોયું તો એ એક તાબુત હતો અને શક્યતઃ શિરીનને એની અંદર જ દફન કરવામાં આવી હતી..હસને બમણી ગતિથી બીજી માટી દૂર કરી અને નૂર ને પોતાની મદદ માટે આવવા કહ્યું…નૂર નાં સહયોગથી હસને એ તાબુત ને ખાડામાંથી બહાર કાઢ્યું. એ તાબુતની દશા જોઈ લાગી રહ્યું હતું કે એ 25 વર્ષ થી ત્યાં દફન હતું..હસને નૂર ની તરફ જોયું અને કહ્યું.

“નૂર નક્કી આ એજ કોફીન છે જેની અંદર શિરીનને તારાં અબ્બુ અને મામા એ દફન કરી હતી..તું મારી થોડી મદદ કર તો આ કોફીન ને ખોલી શિરીનનો મૃતદેહ આપણે બહાર કાઢી શકીએ..” હસનની વાત સાંભળી શિરીને પોતાનું ડોકું ધુણાવ્યું અને ટોર્ચ ને પોતાની ગરદન અને છાતી વચ્ચે દબાવીને હસન ની મદદે આવી..થોડું જોર કરતાં જ કોફીન ખુલી ગયું.કોફીન ખુલતાં ની સાથે જ અંદર થી આવતી તીવ્ર વાસ ને લીધે હસન અને નૂરે મોઢું ફેરવી લીધું..હસન ને ધ્યાનમાં આવ્યું કે અંદર મૃતદેહ ની સાથે બીજું કંઈપણ હતું એટલે એને ખાતરી કરવા નૂર ને કોફીન ની અંદર ટોર્ચ વડે પ્રકાશ ફેંકવા કહ્યો.

અંદર પ્રકાશ પડતાં એમને જોયું કે એક વિશાળકાય અજગર અત્યારે લાશ ની ઉપર રેંગતો હતો..આ કોઈ જિન હતો જે અત્યારે શિરીનનાં મૃતદેહની રક્ષા કરી રહ્યો હતો એ હસન સમજી ગયો હતો.હસને પોતાનાં કુર્તા નાં ખિસ્સામાંથી અત્તરની શીશી કાઢી અને થોડું અત્તર પોતાનાં હાથ પર લગાવી દીધું ત્યારબાદ ખુદાની ઇબાદતમાં કંઈક બોલ્યો અને પોતાનો હાથ કોફીનની અંદર નાંખી અજગર ને પકડીને દૂર ફેંકી દીધો.

આ બધું જોઈ રહેલી નૂર અત્યારે ખુદા ની રહેમત અને એની બંદગી ની શક્તિ પર સંપૂર્ણપણે વિશ્વાસ કરવા લાગી હતી..આદિલ ને જે વાત નો ડર હતો કે પોતાની ફિયાન્સે નૂર ખુદા પર યકીન નથી રાખતી એ હવે ખુદા પર યકીન કરવા લાગી હતી પણ આ જોવા અત્યારે આદિલ મોજુદ નહોતો. ત્યારબાદ હસને કોફીન ને પુનઃ બંધ કરી દીધું અને ફટાફટ એ લાશ જ્યાંથી નીકળી હતી ત્યાંથી થોડે દુર ખાડો ખોદવાનું શરૂ કર્યું..એ જગ્યા થોડી ભીની હોવાથી સહેજ પોચી હતી એટલે વીસેક મિનિટમાં તો કોફીન દફનાવાય એવો ખાડો હસને ખોદી કાઢ્યો.એનાં પછી હસન અને નૂરે મળી એ કોફીન ને એ ખાડામાં લાવી રાખી દીધું.

એ કોફીન ને ખાડામાં રાખ્યાં બાદ હવે એને વિધિવત દફનાવાનું કામ કરવાનું હતું..હસને કુરાન ની આયાતો બોલતાં બોલતાં ખુદાની પાક ઈબાદત કરી અને શિરીન ની આત્મા ને યોગ્ય જગ્યાએ જન્નતમાં સ્થાન મળે એની દુવા કરી..એ કર્યા બાદ નૂર અને હસને માટી હાથમાં લઈ કોફીન પર નાંખી અને દફનાવવાની વિધિ પૂર્ણ કરી.. હસને ત્યારબાદ એ ખાડો પુરી દીધો. આ વિધિ દરમિયાન ત્યાં આવતાં ગેબી અવાજો વધી રહ્યાં હતાં જેનો મતલબ હતો કે સુદુલા કબીલાનાં જિન હસનની આ વિધિ થી નાખુશ હતાં.. એમનો ગુસ્સો અત્યારે એમનાં ચિત્ર વિચિત્ર અવાજ રૂપે એ વેરાન પ્રદેશમાં તીવ્ર વેગે ગુંજી રહ્યો હતો..એમનો ગુસ્સો શાંત કરવો જરૂરી હતો એટલે હસન બોલ્યો.

“એ સુદુલા કબીલાનાં શક્તિશાળી જિન..હું હસન ઓમર તમારી દીકરી ની દફન વિધિ ને યોગ્ય રીતે પૂર્ણ કરીને એની આત્મા ની મુક્તિની પાક કોશિશ કરી રહ્યો હતો..તમે મારી આ કોશિશ ને સ્વીકારો એવી અભિલાષા..સાથે સાથે રેશમા ને પણ તમારી કેદમાંથી મુક્ત કરો એવી અરજ છે..” હસન ની વાત સાંભળી જાણે હિંસક પશુઓ ત્રાડ નાંખતા હોય એવો અવાજ સંભળાવવા લાગ્યો..પોતાની આજુબાજુ કોઈ અદ્રશ્ય તાકાતો હોવાનો અહેસાસ નૂર અને હસન કરી રહ્યાં હતાં..એ જિન મળીને કંઈક ચર્ચા કરી રહ્યાં હતાં એ હસન સમજી શકતો હતો પણ શું ચર્ચા કરી રહ્યાં હતાં એ સમજ બહારનું હતું હસન માટે પણ.

એકાએક બધાં અવાજ શાંત થઈ ગયાં.. અને બધું પહેલાંની માફક એક દમ ખામોશ થઈ ગયું..એનો મતલબ હતો કે જિન હવે ગુસ્સે નહોતાં. હસન ની વાત એમને માન્ય રાખી હતી.એ જોઈ નૂર અને હસન બેહદ આનંદિત હતાં.બધું પોતાની મરજી મુજબ થતાં હસન અને નૂર ત્યાંથી બહાર નીકળી કારમાં બેઠાં અને કારને પાછી સોનગઢ તરફ ભગાવી મુકી.

image source

એ લોકો જે મકસદ માટે આવ્યાં હતાં એ બધો મકસદ આજે સંપૂર્ણ થઈ ગયો હોવાની ખુશી એમનાં ચહેરા પર સાફસાફ ઝલકતી હતી..રહમત ગામનું રહસ્ય પણ હસન માટે ઉજાગર થઈ ગયું હતું અને સાથે સાથે એની જોડે હતું જહુરિયત એ આપેલું પુસ્તક ફિતરત-એ-જિન..જેની મદદથી એ ભવિષ્યમાં હજારો લોકોની સેવા કરી શકવાનો હતો.

************

હસન અને નૂર જ્યારે સોનગઢ બિલાલ અહમદ નાં ઘરે પહોંચ્યા ત્યારે સવાર પડી ગઈ હતી..આખી રાત નો થાક અને જિન સાથે થયેલી મુલાકાતથી હસન અને નૂર રીતસરનાં થાકી ગયાં હતાં. ઘરે આવ્યાં એટલે એમને રાત દરમિયાન જે કંઈપણ બન્યું એ બધું ફાતિમા,નતાશા અને રેશમા ને કહી સંભળાવ્યું..પોતાની દીકરી હવે સહી સલામત છે એ વિચારી ફાતિમા નો હરખ માતો નહોતો..નતાશા પણ હસન ઓમર નાં હેમખેમ પાછા આવતાં ખૂબ ખુશ જણાતી હતી.આ બધાં થી વિપરીત કાસમા એ લોકો તરફ હજુપણ એજ રીતે જોઈ રહી હતી જેમ એ લોકો ત્યાં આવ્યાં ત્યારે એ જોઈ રહી હતી..એ લોકો તરફ જોઈને એ મનોમન બબડી.

“બધું નાટક છે..કોઈ નહીં બચે..” ફાતિમા અને નતાશા નાં ઘણા સવાલો હતાં જેમકે રહમત ગામ હવે કેવું છે..??જિન દેખાવે કેવાં હતાં..?? વગેરે..વગેરે..જેનાં જવાબ આપતાં આપતાં બપોર પડી ગઈ..ફાતિમા એ સરસ મજાનું જમવાનું બનાવ્યું જે આરોગીને હસન અને નૂર પોતપોતાનાં ઓરડામાં જઈને સુઈ ગયાં.. આખી રાત કરેલી મુસાફરી અને તીવ્ર ભય નાં માહોલમાં પસાર કરેલાં સમયનાં લીધે બંને થોડીવારમાં જ ગાઢ નિંદ્રા માં સુઈ ગયાં.

નૂર તો અત્યારે પોતાનાં ફિયોન્સે આદિલ ને મળવાના સપના જોઈ રહી હતી..જ્યારે હસન ને આજે પોતાની આવડત અને ખુદાની બંદગી ની તાકાત નો અહેસાસ પૂર્ણ ઊંઘ નો અહેસાસ કરાવી રહ્યો હતો..રાત નાં લગભગ આઠ વાગવા આવ્યાં હતાં પણ હજુ હસન ઊંઘ લઈ રહ્યો હતો..અચાનક એનાં કાને ફાતિમા બેગમનો અવાજ સંભળાયો. “હસન ભાઈ..હસન ભાઈ જાગો..ઈલિયાસ મોમીન નો ફોન હતો..” ઈલિયાસ મોમીન નું નામ સાંભળી હસન સફાળો બેઠો થઈ ગયો..અને ફાતિમા બેગમ તરફ જોઈને બોલ્યો.

“શું કહેતાં હતાં ઈલિયાસ ભાઈ..બધું ખેરીયત તો છે ને..?” “ઈલિયાસે કહ્યું કે એની અને એની પત્ની પર સુદુલા કબીલાવાળા જિન દ્વારા હુમલો થયો છે…”ફાતિમા એ કહ્યું. “સુદુલા કબીલાનાં જિન..મારે ઈલિયાસ ભાઈ ની મદદે જરૂર જવું પડશે..”આટલું કહીને હસન પોતાનાં પલંગમાંથી ઉભો થયો…!! ઈલિયાસ મોમીન અને એમની પત્ની જહુરિયતે પોતાની જાન ની પરવાહ કર્યા વગર જે રીતે પોતાની મદદ કરી હતી એ મુજબ પોતે પણ એ બંને ની મદદ માટે જરૂર જશે એવું મન હસને બનાવી લીધું હતું..!

ક્રમશઃ

લેખક : જતીન.આર.પટેલ

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ