જોઇએ છે.. એક સહ્રદય મિત્ર – દોસ્તી એટલે બે અજાણ્યા વ્યકિતઓ વચ્ચે એક જાણીતો સંબંઘ.

જોઇએ છે.. એક સહ્રદય મિત્ર.. જે કોઇપણ શરત વગર મારી સાથે દોસ્તી કરી શકે.. જે હું જેવી છુ તેવી અપનાવી શકે.. જે મને દરેક વખતે સાથ આપી શકે.. જે મારી સાથે હસી શકે.. જે મને રડતી જોઇને પોતાનો ખભો આપી શકે.. જે મારી ગાંડીઘેલી વાતોને પણ ધ્યાનથી સાંભળે.. જે મારી દરેક ખૂબી.. દરેક નબળાય સાથે મને દિલથી અપનાવે.. જે કોઇ પણ અપેક્ષા વગર સાથ આપી શકે.. જેની દોસ્તીમાં સ્વાર્થ ન હોય.. જેની સાથે વાત કરતા પહેલા મારે વિચારવું ન પડે.. જે પાસે ન હોય તો પણ તેના સાથનો મને અહેસાસ થાય… જે પોતાની દરેક વાત મને કહી શકે.. જે દોસ્તીને તમાસો ન બનાવે.. જે મુસીબતમાં ઢાલ બનીને ઊભો રહે.. જે મારી સાથે મારા દરેક સંબંઘને પણ અપનાવે… જેના મનમાં કયારેય ઈર્ષા કે જલન ન થાય..

છાપામાં ‘જોઇએ છે’ આ શિર્ષક નીચે કારીગર, મજુર, શિક્ષક, મેનેજર, સેલ્સમેન, રિસેપ્સનિસ્ટ, નર્સ, ડોકટર, આયાની શોઘ કરવામાં આવે છે. લગ્ન વિષયક જાહેરાત આપીને જીવનસાથીની શોધ પણ કરવામાં આવે છે પણ કયારેય ‘જોઇએ છે એક મિત્ર’ એવી જાહેરાત વાંચી ? મિત્ર તો મળી જાય છે. શોધવા નથી પડતા મેં ‘જોઇએ છે એક મિત્ર’ એમ કહીને મિત્રની દર્શાવેલી લાક્ષણિકતા તો મિત્રતાનો અંશ માત્ર છે. સાચા મિત્રને તો કયારેય વ્યાખ્યામાં બાંધી ન શકાય. દોસ્તી શબ્દોનો.. લખવાનો.. કે વાંચવાનો વિષય નથી દોસ્તી એ તો અનુભવનો વિષય છે દોસ્તી જીવવાનો વિષય છે. દોસ્તીને કોઇ બંધન નડતા નથી દોસ્તીની કોઇ સીમા નથી દોસ્તીમાં લોભ કે ક્ષોભ હોતા નથી દોસ્તી સજાતીય કે વિજાતીય પણ હોઇ શકે.

દોસ્તી જેટલી સરળ છે, એટલી જ ગાઢ છે. દોસ્તીના કારણો નથી હોતા દોસ્ત એટલે એ વ્યકિત જે કોઇપણ કારણ વગર આપણને ગમતો રહે તેનામાં ગમવા જેવું શું છે? એ સવાલનો જવાબ જ ન હોય… બસ ગમે છે એટલે ગમે છે…બીજા બધા સંબંધો બગીચા જેવા હોય છે કુંપળથી માંડીને ફુલ આવે ત્યાં સુઘી સીંચવા પડે .. સાચવવા પડે… જયારે દોસ્તી કશું જ નથી માંગતી. દોસ્તી જંગલ જેવી છે. જંગલને ખીલવવા નથી પડતા. તેમ દોસ્તીને પણ ખીલવવી નથી પડતી. દોસ્તી જંગલ જેવી છે… એકદમ ગાઢ…

દોસ્તી એટલે અલગ અલગ પ્રકૃતિ ધરાવતા બે માણસોનું મળવુ. … અને એક થઇ જવુ… દોસ્તી એટલે બે અજાણ્યા વ્યકિતઓ વચ્ચે એક જાણીતો સંબંઘ.. દોસ્તી એટલે એકના હૈયામાં ઉછળતા ઉમંગનું બીજાના રૂંવાડા પર લહેરાઇને નાચી પડવુ. દોસ્તી એટલે એકના હૈયામાં ભરાયેલા વેદનાના ડુમાનું બીજાની આંખમાંથી ખાબકી પડવુ.. દોસ્તી એટલે ધોઘધખતા તાપમાં છાંયડો આપતું વૃક્ષ.. દોસ્તી એટલે કડકડતી ઠંડીમાં હુંફાળુ આલિંગન.. દોસ્તી એટલે અનરાધાર વરસાદમાં માથે ઓઢાઇ જતી રંગબેરંગી છત્રી… દોસ્તી એટલે કડકડતી ઠંડીમાં હુંફાળું આલિંગન.. દોસ્ત એટલે આખી દુનિયાના કરોડો.. અબજો માણસોમાંથી મીઠો લાગતો એક માણસ.

દુનિયામાં બઘી વસ્તુના વિકલ્પ હોય છે.. માત્ર દોસ્તનો વિકલ્પ નથી હોતો કોઇપણ સ્વાર્થ વગર દોસ્ત સાથે પસાર કરેલા સમયનો આનંદ અવર્ણનીય હોય છે. સમય ભલેને પછી રસ્તે ચાલતા દસ મિનિટનો હોય કે પછી અડઘા કલાકનો ડ્રાઇવનો હોય કે પછી નિંરાતના બે-ત્રણ કલાકનો હોય, પણ દોસ્ત સાથે વિતાવેલો સમય હમેંશા સુખદ જ હોય છે.

દોસ્ત.. આમ તો એક વ્યકિત છે.. પણ માનો તો આખી દુનિયા છે. વિચારો તો સાગર જેવો વિશાળ છે… જીવનભરનો સાથ છે.. દુનિયામાં બધું જ બદલાઇ જાય છે.. એક નથી બદલાતો દોસ્ત.. સુખમાં.. દુ:ખમાં સગાસંબધી બદલાઇ જતા હોય છે, પણ દોસ્ત હમેંશા સાથે જ રહે છે. સુખમાં આપણી સાથે ઉછળતો અને દુ:ખમાં આપણી સાથે રડતો … જયારે આખી દુનિયા નમક લઇને જખ્મો પર છાંટવા ઉભી હોય છે ત્યારે મલમપટ્ટી બનીને આવે એ દોસ્ત.. દોસ્ત કયારેય બદલાતો નથી.. આ સંબંઘ લોહીનો ન હોવા છતાં લોહીના સંબંઘ કરતા ધટ્ટ છે.

નસીબદાર છે એ લોકો જેની પાસે દોસ્ત છે.. રડવા માટે ખભો છે. દુ:ખમાં આલિંગન આપવા અને ખુશીમાં તાળી આપવા એક દોસ્ત છે.. જેની પાસે દોસ્ત નથી એ ધનના ઢગલા પર બેસવા છતાં ગરીબ છે. દિવસની વ્યસ્તતા વચ્ચે પણ સમય ચોરી લઇને મોબાઇલ હાથમાં લેતા જેનો નંબર લાગી જાય તે દોસ્ત.. નવરાશની પળોમાં જે સૌથી પહેલા યાદ આવે તે દોસ્ત..

દોસ્તીનો અર્થ જ જીવન છે .. દુનિયાભરના સર્વે કહે છે કે દોસ્ત છે તો જીવન છે. ભલેને આસપાસ હજારો માણસો હોય, જે દોસ્ત હોવાનો દાવો કરતા હોય.. પણ ખરેખર તો બે-ચાર વ્યકિત જ સાચા દોસ્ત હોય, જે આપણને પ્રાથમિકતા આપે, સમય હોય અને આવે એ દોસ્ત નહી, પણ જરૂર પડે ત્યારે સમય કાઢીને આવે એ દોસ્ત… બધા પ્રસંગમાં હાજરી જરુરી નથી.. બસ તેનો સાથ છે એ વિશ્ર્વાસ જરૂરી છે. હું નસીબદાર છું કે મને આવે દોસ્ત મળ્યા છે.. દોસ્તીની વ્યાખ્યા તેને જોઇને પૂરી થાય છે.. દોસ્તનો અર્થ તેને મળીને સમજાયો. તમારે આવા દોસ્ત છે…? ન હોય તો ઊઠો… કાલે ફ્રેન્ડશિપ ડે છે … અને “જોઇએ છે”ની જાહેરાત તો તૈયાર જ છે….

*HAPPY FRIENDSHIP DAY*

લેખક : દિપા સોની “સોનુ”

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ