એક ઉધાર સાંજ – આજે તેઓ અંતિમ વાર મળવાના હતા, કેટલા સપના જોયા હતા તેમણે પણ…

તમને બધાં ને આ સ્ટોરીનું ટાઈટલ અજુગતું જરૂર લાગશે પણ સાચેમાં મેં આવું કરેલું છે.. મેં કોઈની જોડે ક્યારેક એક સાંજ ઉધાર માંગેલી છે.સાચું કહું તો એ મારી જીંદગી ની સૌથી વધુ દુઃખ આપતી સાંજ હતી..છતાં જો એ સાંજ રૂપી પાનું મારી જીંદગીની કિતાબમાં ના હોત તો આ જીંદગીની કિતાબ બોરિંગ બની જાત..જાણે એવી વાનગી બની જાત જેમાં બધું હોય પણ નમક ની કમી હોય.

“સૂરજ જ્યારે સંતાકુકડી રમતો ત્યારે એ આવીને મને મળતી.. એ પણ હતો જમાનો જ્યારે દિવસ અને રાતની વચ્ચે સાંજ પડતી..” દરેક વ્યક્તિની જીંદગી ત્યારે જ ખુશીમાં વીતે જ્યારે એની સાંજનો સમય સુખરૂપ વીતતો હોય..બાળપણમાં સ્કૂલેથી આવી મિત્રો જોડે ક્રિકેટ,ગિલ્લી દંડા, પિત્તા વગેરે ના રમ્યા હોય તો બાળપણ નકામું છે.એજ રીતે જો ઘરડાં ઘડપણમાં મંદિરે જઈ ભગવાનને ભજવાની સાથે આખાં ગામનું પુરાણ એકબીજા જોડે જાહેર કરવાનું ના થાય તો એ બુઢાપાની પણ મજા નથી રહેતી.

બાળપણ અને ઘડપણ ની જેમ જો જવાનીમાં કામ કે કોલેજ પૂર્ણ કરી પોતાનાં પ્રિય પાત્ર જોડે લોકોની નજરોથી ડરતાં ડરતાં એનાં હાથમાં હાથ નાંખી જૂઠી તો જૂઠી પણ સાથે જીવવા-મરવાની કસમો ના ખાધી હોય તો જવાની પર થું છે.

image source

હવે વાત કરું એ વ્યક્તિની જેની જોડે મેં એક સાંજ ઉધાર માંગી હતી.એનું નામ ખુશી હતું..મારી જીંદગી ને ખુશીઓથી ભરવા માટે જ શાયદ એનો જન્મ થયો હતો.હું એ વખતે કોલેજનાં ત્રીજા વર્ષમાં એન્જીનીયરીંગ કરતો હતો અને મેં પ્રથમ વખત એને જોઈ હતી.એ ડિપ્લોમાંથી ડિગ્રીમાં આવી હતી એટલે એ એન્જીનીયરીંગનાં બીજાં વર્ષમાં હતી.મને જોતાં જ ખુશી ગમી ગઈ.એ સુરમયી આંખો અને એને વધુ કાતીલ બનાવતું કાજલ.એ હસે ત્યારે ફૂલો ઝરતાં હોય એમ લાગતું અને સાથે સાથે હસવાની સાથે ગાલ માં પડતાં ખંજન.માફકસરનું શરીર અને ઘાયલ કરી દેતી અદાઓ જાણે એવું પ્રતીત કરાવતી હતી કે ભગવાને જ્યારે ખુશી નામની બેનમૂન કલાકૃતિ બનાવી હશે ત્યારે એ વેકેશન પર હશે.

એનો નિખાલસ સ્વભાવ અને મારું એની તરફનું ખેંચાણ અમારી બંને વચ્ચેની મિત્રતાનું કારણ બન્યું.મને ખુશી ની કંપની પસંદ આવવાં લાગી..એ મારી ખાસ મિત્રની લિસ્ટમાં બહુ જલ્દી આવી ગઈ હતી પણ હું એટલામાં ખુશ થવાનાં બદલે એને મારી જીંદગી નો એક ભાગ બનાવવા ઈચ્છતો હતો.ઘણી બધી હિંમત ભેગી કરીને મેં એને લવશીપ માટે પ્રપોઝ કરી દીધું..અને એને પણ મારું એ પ્રપોઝલ સ્વીકારી લીધું.

image source

હું અને ખુશી એકબીજાની સાથે ખૂબ જ ખુશ હતાં. અમે એ દરેક સપનાં પૂરાં કર્યાં જેની ઈચ્છા એક યુગલ ને હોય. મુવી જોવું,વોટરપાર્ક જવું, રેસ્ટોરેન્ટમાં માં જમવું, પાણી પુરી જોડે ખાવી વગેરે જેવી નાની-નાની પણ આનંદની સુંદર પળો અમે એકબીજાની સાથે માણી.

આમપણ સુખનો સમય જેટ પ્લેનની ગતિએ દોડે એટલે બે વર્ષ ખુશીનાં સાથમાં ક્યાં વીતી ગયાં એનો ખ્યાલ જ ના રહ્યો.મારી કોલેજ પૂર્ણ થઈ ચૂકી હતી પણ ખુશી ને હજુ એક વર્ષ બાકી હતું.હું જોબ માટે અમદાવાદ આવી ગયો પણ અમારી વાતચીત અને પ્રેમ ઓછો થવાનાં બદલે વધી રહ્યો હતો.હું જ્યારે પણ ઘરે જતો ત્યારે અચુક ખુશીને મળતો.

image source

ખુશી સાથે આમ જ પ્રેમસંબંધ ને હું અંતઃકરણ થી નિભાવી રહ્યો હતો.એની પણ લાગણી મારી તરફ એવી જ હતી જેવી મારી એની તરફ.આમ ને આમ બીજું એક વર્ષ પૂર્ણ થઈ ગયું અને ખુશીની કોલેજ પણ.ખુશી નોકરી કરવા માંગતી હતી પણ એનાં ઘરેથી એને નજીકમાં નોકરી મળે તો જ કરવાની એવું કહેવામાં આવ્યું એટલે એ પોતાનાં ગામથી અપડાઉન કરી શકે એવી નોકરીની તલાશમાં હતી.

એક દિવસ અચાનક ખુશીનો મારી ઉપર કોલ આવ્યો..એ રડતાં રડતાં કોલમાં બોલી. “શિવ,આપણે બધું અહીં જ પૂરું કરવું પડશે..?” એની વાત સાંભળી પહેલાં તો મને આંચકો લાગ્યો પણ છતાં થોડી સ્વસ્થતા મેળવી હું બોલ્યો. “શું થયું..એ તો બોલ..અને આમ રડવાનું બંધ કર..”

image source

“શિવ,મારી સગાઈ નક્કી થઈ ગઈ છે.બે દિવસ પછી સારું મુરત જોઈ લગ્નની તારીખ પણ નક્કી કરી દેવામાં આવશે જે લગભગ આવતાં મહિનાની જ હશે એવું લાગે છે.છોકરા નું નામ મનન છે અને એ કેનેડા P.R છે.ઘણાં સમયથી હું સગાઈની વાતો ને ટાળી રહી હતી પણ મનન ની અંદર કોઈ કમી હતી જ નહીં એટલે ના પાડવાનો સવાલ જ નહોતો. ઉપરથી પપ્પા મારી વધુ સમય આનાકાની પણ ચલાવવાનાં નહોતાં.”ખુશીનાં ડૂસકાં આ સાથે ચાલુ હતાં.

“ખુશી,તું તારી જગ્યાએ બિલકુલ સાચી છે.જો કોઈ સારું જીવનસાથી મળતું હોય તો તું તારી જીંદગી માં આગળ વધ..પણ લગ્ન પહેલાં એકવાર તું મને મળી શકીશ..મારે તારી એક સાંજ ઉધાર જોઈએ છે.”હું લગભગ રડી પડ્યો હતો છતાં પોતાની જાતને સંભાળી રહ્યો હતો. “આ જીંદગી તારાં નામે કરવાનું વિચારતી હતી તો એક સાંજ શું ચીઝ છે..અને કેમ એવું કહે છે કે એક સાંજ ઉધાર જોઈએ છે..?તું ખાલી બોલ ક્યાં મળવાનું છે..?હું આવી જઈશ.”ખુશી બોલી.

image source

“ઉધાર માંગવાનું કારણ એટલું જ છે કે તું મારો પ્રેમ ખરો પણ હવે કોઈ પ્રેમનો વ્યવહાર નથી. હક તો છે તારી ઉપર પણ હવે કોઈ અધિકાર નથી.. આ રવિવારે હું ઘરે આવું છું તો રવિવારે સાંજે આપણે મળીએ એજ ગાર્ડનમાં જ્યાં આપણે રોજ મળતાં હતાં..તું આવીશ ને..?”મારાં શબ્દો હવે આંસુમાં ડુબીને નીકળી રહ્યાં હતાં. “હા આવીશ..”આટલું કહી ખુશી એ કોલ ડિસ્કનેક્ટ કરી દીધો.ફોન કટ થતાં ની સાથે જ હું ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો..સામા પક્ષે ખુશીની પણ એજ હાલત થઈ હશે એમાં કોઈ શંકા ને સ્થાન નહોતું.

************

આખરે એ સાંજ આવી ગઈ જ્યારે હું ખુશી ને મળવાનો હતો.શાયદ છેલ્લી વખત.એવું તો નહોતું કે એ એ પોતાનાં લગ્નની કંકોતરી મને નહીં લખે પણ ક્યાંક એવું બને કે એ મારાં નામ ની કંકોતરી લખીને મને મોકલાવી ના શકે.અને આમ પણ હું આજ પછી એની જોડે કોઈપણ જાતનો સંપર્ક નહોતો જ રાખવાનો એવું મન બનાવી ચુક્યો હતો.

image source

સાંજે પાંચ વાગે મળવાનું નક્કી થયું હતું ગાર્ડનનાં એ ગુલમહોર નાં વૃક્ષની નીચે જ્યાં અમે ઘણો સમય એકબીજાનાં હાથમાં હાથ નાંખીને વિતાવ્યો હતો.ક્યારેક એનું માથું મારાં ખભે હોતું અને મારાં હાથ એનાં ઝુલ્ફોનાં વાદળમાં..તો ક્યારેક હું એનાં ખોળામાં માથું મુકતો અને એ પોતાની મુલાયમ આંગળીઓને હળવેકથી મારાં માથામાં ફેરવતી.

હું ટાઈમનો પાબંધ હતો એટલે પાંચ વાગવામાં હજુ તો અડધો કલાક વાર હતી ત્યાં તો નક્કી કરેલી જગ્યાએ પહોંચી ગયો હતો.ત્યાં જઈને ખુશી સાથે વિતાવેલી પળો ને એકપછી એક યાદ કરી રહ્યો હતો ત્યાં ખુશી ને મેં ગાર્ડનનાં ગેટથી અંદર આવતાં જોઈ..મને એ જોઈ આશ્ચર્ય થયું કે આજે પ્રથમ વખત ખુશી નક્કી સમય કરતાં વહેલી આવી હતી.શાયદ એને પણ ખ્યાલ હતો કે આ અમારી છેલ્લી સાંજ ની આખરી મુલાકાત છે.

image source

ખુશી હંમેશા ની માફક ખુબસુરત લાગતી હતી પણ મેં આજે એની ખૂબસૂરતી તરફ નજર સુધ્ધાં ના ફેંકી કેમકે મારુ ધ્યાન ફક્ત એની આંખો પર હતું..હા એની નશીલી આંખો આજે લાલાશ પડતી દેખાઈ રહી હતી.વરસાદ બાદ જેમ જમીન પણ ભીની થઈ ઉઠે એમ ખુશીની આંખો એ વાતની નિશાની હતી કે આંખો પણ બહુ વરસી હતી. “શિવ,કેમ છો..?”સ્મિત સાથે ખુશી મારી નજીક આવીને બોલી.આ સ્મિત ની પાછળ રહેલું દુઃખ હું સરળતાથી ઓળખી ગયો.કેમકે મારી હાલત પણ એનાંથી અલગ તો નહોતી જ.

એનો સવાલ કેમ છો..?..સાંભળી શું જવાબ આપું એ વિચારવું પડે એમ હતું.કોઈ વ્યક્તિ ની શ્વાસ એનો સાથ છોડી રહી હોય ત્યારે એની જે પરિસ્થિતિ હોય એવી મારી હાલત હતી છતાં હું મનને મક્કમ કરીને બોલ્યો. “બસ સારું છે..” ત્યારબાદ મેં ખુશી ને એ નગરપાલિકાનાં બોકડા ઉપર બેસવા કહ્યું જ્યાં અમે ત્રણ વર્ષમાં ઓછામાં ઓછું બસો વખત બેઠાં હતાં.ખુશી મારી સામે બેસી ગઈ અને બોલી.

image source

“શિવ..” આટલું બોલીને એ અટકી ગઈ..એનાં શબ્દો જાણે એનાં ગળામાં અટકી ગયાં.. એ ઘણું બધું કહેવા માંગતી હતી પણ શબ્દો એ જાણે નીકળવાનો માર્ગ જ ના મળ્યો અને એ ચૂપ થઈ ગઈ.આ સાથે જ મરીઝ સાહેબની પંક્તિઓ યાદ આવી કે. “એ સૌથી વધુ ઉચ્ચ તબક્કો છે મિલનનો, કહેવાનું ઘણું હો ને કશું યાદ ન આવે.

રડવાની જરૂરત પડે ત્યાં સૂકાં નયન હોય, ને હસતો રહું ત્યાં જ જ્યાં હસવું નહીં આવે…” “બોલ ને..શું કહેવું છે..?”હું પણ થૂંક ની સાથે આંસુ ને અંદર પાછાં મોકલી બોલ્યો. મારાં આ સવાલનાં જવાબમાં ખુશી વધુ તો કંઈપણ ના બોલી પણ sorry કહીને મને વળગી પડી..સાથે ચાલુ થઈ ગયું એનું રૂદન..મેં પ્રથમવાર ખુશી ને મારી હાજરીમાં રડતી જોઈ હતી.એનાં આંસુ મારો ખભો ભીંજવી રહ્યાં હતાં અને હું ફક્ત એને આશ્વાસન આપી ચૂપ કરાવવાની નાકામ કોશિશ કરી રહ્યો હતો.હકીકતમાં હવે હું પોતે ના રડી પડું એની મને ચિંતા સતાવી રહી હતી.

image source

આખરે એનું રડવાનું બંધ થયું.મેં એનાં આંસુ લૂછયાં અને પ્રેમથી એનું કપાળ ચુમતા કહ્યું. “ખુશી તારે sorry બોલવાની કોઈ જરૂર નથી.આપણે જ્યારે એકબીજાને દિલ દીધું હતું ત્યારે કોઈ દસ્તાવેજ તો નહોતાં કર્યાં જેની ઉપર આખી જીંદગી સાથ નિભાવવાની શરત હોય.હું તો તારી સાથે વિતાવેલી દરેક પળને આખી જીંદગી યાદ કરીને જીવવા માટેની પ્રેરણા મેળવી લઈશ.અને યાર તું પણ એવું જ કરજે.આપણું ભવિષ્ય સુંદર છે એમાં કોઈ બેમત નથી પણ આપણો ભૂતકાળ પણ સારો હતો એમાં એ કોઈ શંકા ને સ્થાન નથી.”

મારી વાતો જાણે મલમનું કામ કરી અને ખુશીનાં નૂર વગરનાં ચહેરા પર થોડું ઘણું નૂર આવી ગયું.ત્યારબાદ લગભગ અમે દોઢ કલાક જેટલું જૂની યાદો ને વાગોળતાં ત્યાં જ બેસી રહ્યાં. મેં મારાં મોબાઈલમાંથી અમારાં બંનેનાં જોડે હોય એવાં બધાં ફોટો ડીલીટ કરી દીધાં અને એનાં મોબાઈલમાંથી પણ એવું જ કરાવ્યું. જેથી ભવિષ્યમાં કોઈને પણ કોઈ પ્રોબ્લેમ ના થાય.

image source

અમારી પ્રથમ ઓફિશિયલ ડેટનું પણ એજ ગુલમહોર નું વૃક્ષ સાક્ષી બન્યું હતું જે અમારી આ છેલ્લી વખતની મુલાકાતનું સાક્ષી બન્યું.અમે આજ પછી વગર કારણે કે કોઈ મોટી વાત ના હોય ત્યાં સુધી એકબીજાનો સંપર્ક નહીં કરીએ એવું પણ નક્કી કર્યું.હું એવું નહોતો ઈચ્છતો કે હવે ખુશીની જીંદગીમાં શિવ નું ચેપ્ટર પુનઃ ખુલે.

ક્ષિતિજ પર ઢળતો સૂરજ પણ જાણે કહી રહ્યો હતો કે મારે પણ સમય આવે ચંદ્ર માટે જગ્યા ખાલી કરવી પડે છે તો તમે તો સામાન્ય માણસ છો તો તમારે પણ કુદરતની આ ગતિ ને સ્વીકારવી જ રહી.આખરે ખુશીનાં ઘરેથી એની મમ્મી નો કોલ આવ્યો એટલે એ મારી તરફ જોઈને બોલી. “શિવ,હવે હું નીકળું..”

image source

મારું ચાલત તો હું એની આ વાત ને ક્યારેય સ્વીકારત જ નહીં અને હંમેશા એને મારી બાહોમાં સમાવી લેત..પણ હકીકત એ હતી કે એ મારાં હાથની લકીરોમાં નહોતી.હું કંઈક વધુ બોલવા જાત તો રડી પડવાની શક્યતા હતી એટલે મેં ખાલી ગરદન હલાવી એને ઘરે જવાની સહમતી આપી દીધી. “શિવ તારો ખ્યાલ રાખજે..”આટલું કહી એને પોતાનાં અધરો ને મારાં અધર પર મુકી દીધાં.

ત્યારબાદ ફટાફટ એ ત્યાંથી ઉભી થઈ અને ઉતાવળાં ડગલે ગાર્ડનનાં ગેટ તરફ આગળ વધી..ગેટ જોડે પહોંચીને એને ફરી મારી તરફ જોયું અને એ બહાર નીકળી ગઈ.એની એ નજર જાણે કહી રહી હતી કે શિવ હું ભલે ગમે ત્યાં લગ્ન કરું પણ મારો પ્રથમ અને આખરી પ્રેમ તું જ છે. “મિલનમાંથી નથી મળતાં મોહબ્બતનાં પુરાવાઓ, બધો આધાર છે એની જતી વેળાનાં જોવાં ઉપર.”

image source

ખુશી એ એક સાંજ ઉધાર આપી હતી પણ એની સાથે એ પોતાનાં અધરો નો સ્વાદ અને એની છેલ્લી નજર ને મારાં જોડે જમા મુકતી ગઈ.ચાર વર્ષ વીતી ગયાં અને ખુશી ની મારાં જોડે જમા પડેલી વસ્તુઓ વ્યાજ સાથે બમણી થવાની જગ્યાએ સો ગણી થઈ ગઈ છે.

દોસ્તો આ હતી મને મળેલી એ હસીન ઉધાર સાંજની કહાની.. મને ખબર છે કે તમારાં દરેકની જીંદગીમાં એવી તો કોઈ ખાસ પળ જરૂર આવી હોય જે યાદ આવે ત્યારે હસવું કે રડવું એ નક્કી કરવું મગજ કે હૃદય ની સમજમાં જ નથી આવતું. જતાં જતાં એ ઉધાર સાંજ અને ખુશીનાં નામે બે પંક્તિઓ..

“तुम जब साथ थे तब खुशनुमा सांझ हुआ करती थी

अब तो बस थकान भरा दिन है,और है सिसकती राते।”

લેખક : જતીન.આર.પટેલ

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ