દિકરી મારી લાડકવાયી – એકલા હાથે એ પિતાએ પોતાની દિકરીને મોટી કરી હતી, તેનું આવું વર્તન…

“તર્જવી, રાતના 9 વાગ્યા સુધી આવી જજે. અને કોઈ અજાણ્યા પુરુષો જોડે વાત ના કરતી. બહાર 12-12 વાગ્યા સુધી રહેવાની જરૂર નથી આપણે સમજાયું ને..!”


રાકેશભાઈ તેમની દીકરી તર્જવીને જયારે પણ એ ઘર ની બહાર જાય ત્યારે આ સલાહ અચૂક આપતા. તર્જવી 20 વરસની હતી અને કોલેજના બીજા વરસમાં અભ્યાસ કરતી હતી. ભણવામાં હોશિયાર તેવી તર્જવીને કોલેજમાં આવ્યા બાદ યુવાનીનો રંગ લાગ્યો હતો. તેના બધા મિત્રો રોજ રાતના પાર્ટી કરતા પરંતુ તેને એ રીતે ઘરમાંથી રોજ બહાર નીકળવાની છૂટ નહોતી. તર્જવીને હંમેશા તેના પાપા પર ગુસ્સો આવતો પરંતુ માઁ વિનાની એકની એક દીકરીને બહુ જ વહાલથી રાકેશભાઈએ ઉછેરી હતી તે યાદ કરીને એ ચૂપ બેસી રહેતી.

હમણાં અઠવાડિયા પહેલા પણ કંઈક આવું જ થયું ને. તર્જવી તેના પાપા પાસે પિક્નિકની પરમિશન માગી રહી હતી.


“પ્લીઝ, પાપા જવા દ્યો ને. બધા જ આવે છે, અને હવે હું મોટી થઇ ગઈ છું. એમ કઈ ના થઇ જાય મને.. હંમેશા એ રીતે ના કહેતા હોય છો કે જાણે દુનિયામાં તમારે એકને જ દીકરી હોય..! આ મારી બધી ફ્રેન્ડ્ઝ રાતના બે-બે વાગ્યા સુધી રખડે છે. કોઈને કઈ નથી થતું..!” રાકેશભાઈ દીકરીની દલીલો સાંભળીને દંગ રહી ગયા. તેમને લાગ્યું દીકરી હવે ખરેખર મોટી થઇ ગઈ છે. શર્ટમાં લપાઈને દુનિયાથી ડરતી મારી એ લાડકી હવે એ દુનિયાના રંગે રંગાઈ ગઈ છે.

રાકેશભાઈએ એક નાની મુસ્કાન સાથે તર્જવીને હા કહી દીધી. બસ પછી તો વરસો વીતતા ચાલ્યા. તર્જવી તેના ભણતરમાં ને વધારે પડતું તો રખડવામાં જ વ્યસ્ત રહેતી. હા એ રખડપટ્ટીના કારણે તર્જવીને ક્યારેય માર્ક્સ ઓછા નથી આવ્યા એ ખરું છે પરંતુ બાપ દીકરીનો એ સ્નેહ હવે ક્યાંય ઉડી ગયો હતો.


રાકેશભાઈ રોજ સાંજે જમવામાં તર્જવીની રાહ જોતા. પહેલા તો તર્જવી જે પહેલો કોળિયો હોય તે રાકેશભાઈના હાથેથી જ જમતી પરંતુ હવે તો તર્જવી રાતના બાર બાર વાગ્યા સુધી ઘરમાં જ ના આવતી. આવે તો પણ કઈ ખાઈને આવી હોય. સીધી પોતાના ઓરડામાં ચાલી જાય ને સવાર જાગીને ઘરની બહાર. હવે એ ઘરમાં બાપ દીકરી નહિ જાણે અજાણ્યા મુસાફિર વસતા હોય તેવું થઇ ગયું હતું..


એક દિવસ તર્જવીએ તેના પાપાને કહ્યું કે તે ત્રિયાંશને પ્રેમ કરે છે. પૈસે ટકે સુખી અને ખાનદાન કુટુંબ ધરાવતા ત્રિયાંશને જોઈને રાકેશ્ભાઈને લાગ્યું કે દીકરી હંમેશા સુખી રહેશે. પછી તો શું હોય..!! ધામધૂમથી તર્જવીના લગ્ન ત્રિયાંશ સાથે થઇ ગયા. ને ત્યારે તર્જવીને ભેટીને રાકેશભાઈ કેટલા ધ્રુસકે ધ્રુસકે રડ્યા હતા. શરૂઆતના બે-ચાર મહિના તો બધું સરસ ચાલ્યું…પરંતુ પછી ધીમે ધીમે નાના નાના બદલાવ આવતા ગયા.

એક વખત તર્જવી રાતના તેની ફ્રેન્ડ્ઝ જોડે કીટી પાર્ટીમાં ગઈ હતી. ગેમ્સ રમવામાં ક્યાં મોડું થઇ ગયું તે તર્જવીને ખબર જ ના રહી. તે દિવસે તર્જવીને એકટાણું હોવાથી તેને ફરાળ કરવાનું હતું પણ પાર્ટીમાં તો વળી કેવું ફરાળ ને કેવું એકટાણું..!! તેથી તર્જવીએ વિચાર્યું ઘરે જઈને આરામથી ફરાળ કરશે.


જેવી તર્જવી ઘરે પહોંચી તો તેણે જોયું કે ઘરમાં બધી લાઇટ્સ બંધ હતી. બધા જ સુઈ ગયા હતા. તેને એમ કે સાસુમાએ તેના માટે ફરાળ બનાવ્યું હશે તેથી તે રસોડામાં ગઈ ને જોયું તો બધા વાસણ ખાલી..! કંઇ જ ફરાળ પણ નહોતું..!!

તર્જવીને ખુબ લાગી આવ્યું. તેને તેના પાપાની યાદ આવવા લાગી. પહેલા તો તર્જવી રાતના મોડેથી ઘરે આવતી તો પણ તેના પાપા જાગતા બેઠા હોય, પોતે તેમને જોયા ના જોયા કરી ઓરડામાં જતી રહેતી ત્યારે પાપા સામે ચાલીને ઓરડામાં આવતા જમવાની થાળી લઈને કે કદાચ દીકરીએ જમ્યું ના હોય તો હાથેથી જમાડે. પણ ત્યારે પોતે બહાર ખાઈને આવી છે તેવું કહીને તર્જવી તેના પાપાને હડધૂત કરી દેતી. તો પણ તેના ઉપવાસ-એકટાણા રાકેશભાઈ ખાસ યાદ રાખતા અને રસોડામાં તેની થાળી ઢાંકીને જ રાખતા.


પરંતુ અહીં તો એવું કઈ જ નહોતું. તર્જવી ચુપચાપ પોતાના ઓરડામાં જઈ સુઇ ગઈ. ત્રિયાંશ તો પહેલેથી જ સૂતો હતો. પાપા તો તેને મોડું થયું હોય તો કેવા ફોન પર ફોન કરતા ને અહીં તો એવું કઈ જ નહોતું ત્રિયાંશ એકદમ બેફિકર થઈને સૂતો હતો. પાપાના ફોન આવતા ત્યારે પોતે કેટલી ઇરિટેટ થઈને તેમને જવાબ આપતી તે તર્જવીને યાદ આવ્યું ને તેની આંખમાંથી આંસુ સરી પડ્યા. પછી તો આવું નાનું મોટું કંઈક ને કંઈક થતું જ રહેતું. એક વખત તેના સસરાએ પોતે શોર્ટ સ્કર્ટ પહેર્યું હતું ત્યારે કહ્યું હતું કે, “વહુ, જરા માનમાં રહેતા શીખો!!”

ત્યારે પણ તેને પોતાના પાપા બહુ જ યાદ આવ્યા. તેના પાપા હંમેશા તેને માટે તેને પસંદ પડે તેવા કપડાં જ લાવતા. માસી ને મામી ને કાકી બધાએ કહ્યું હતું, છોકરીને બહુ ના ચડાવો નહીતો તકલીફ થશે. તો પણ તેના પાપા કપડાંની બાબતમાં તેને કઈ ના કહેતા…!! બસ આટલી શિખામણ આપતા કે તેમનું માથું નીચું થાય તેવું ક્યારેય ના બનવું જોઈએ. ત્યારે પોતે કેવી તેમને વેદિયા ને લપીયા કહેતી..!! આ બધી જ વાતો યાદ આવતા તર્જવીને બહુ જ રડવું આવી રહ્યું હતું. ઉપરથી સવાર સવારમાં સાસુ સાથે માથાકૂટ થઇ એટલે તો ખાસ…!


એવું હતું કે તે સમયે તેને માથું દુખતું હોવાથી તે સૂતી હતી..! ઘરમાં મહેમાન આવવાના હતા તેથી જમવાનું બધું બનાવાનું બાકી હતું. સાસુમાએ જરાક તર્જવીને છણકો કર્યો કે ખોટા નાટક કેમ કરે છે..! તો તર્જવીને લાગી આવ્યું. તેના પાપા આ રીતે પોતે બીમાર હોય અને કોઈ આવવાનું હોય ત્યારે કેવા જાતે રસોડામાં જઈને જમવાનું બનાવતા. ને પછી જયારે તર્જવી ઠીક થઇ જાય ત્યારે તેના પાપાને મીઠાશભર્યો ઠપકો આપીને કહેતી કે તમે મારુ રસોડું બગાડી નાખ્યું…!!!”

તર્જવીને આ બધું બહુ જ પજવી રહ્યું હતું. છેલ્લા અમુક દિવસોથી જે તેની સાથે બની રહી હતું તેના કારણે તેને પોતાના પિતાજીની વધારે યાદ આવતી હતી. પરંતુ તેના પાપા પણ બહારગામ ગયા હોય તેથી તેમને ફોન કરીને તે ડિસ્ટર્બ નહોતી કરવા માગતી..!! “તર્જવી, હવે જમવાનું ના બનાવ્યું પણ મહેમાનની ખાતિરદારી તો કર..! ક્યાં સુધી સૂતી રહીશ…!! કંઈક કામ તો કર..!” નીચેથી સાસુમાની બૂમ સાંભળીને તર્જવી મહાપ્રયત્ને પથારીમાંથી ઉભી થઇ.. તેને લાગ્યું હવે નીચે ગયા સિવાય છૂટકો જ નથી..!


જેવી તે દાદરા ઉતરીને જોયું તો સામે તેના પાપા ઉભા હતા.. વહાલભરી તે જ મુસ્કાન અને સદાય આશિષ વરસાવતી તે આંખો…!!!!! દોડીને તર્જવી તેના પાપાને વળગી પડી… આ દ્રશ્ય જોઈ તેના સાસુ સસરાની આંખમાંથી પણ પાણી વહેવા લાગ્યા. ત્રિયાંશ પણ આ બ્યુટીફૂલ મુમેન્ટસને પોતાના કેમેરામાં કેપ્ચર કરી રહ્યો હતો…!!

“દીકરી મારી..!! પ્રભુનો પાડ માન કે તને આવો પરિવાર મળ્યો.. તારા સાસુ સસરા ને વર સદાય તારી ખુશી જ ઇચ્છતા હોય છે. આ જો ને અેમને પહેલા 2-3 મહિનામાં લાગ્યું કે તારામાં વહુ બન્યા પછી પણ એ જ અલ્લડપણું છે તેથી તેઓએ મને બધી વાત કરી. મેં પણ સામે તેમને બધી વાત કરી કે મારા પ્રત્યેનો તારો વ્યવહાર પણ કેવો બદલાઈ ગયો હતો તે બધું જ કહ્યું. એ પછી અમે સાથે મળીને આ સઘળું નક્કી કર્યું.. કે જેથી તને સમજાય અને તારું સ્વામાન પણ ના ઘવાય. જો તારા સાસુ કે વર તને ટોકતા રહેત તો તું તે ઊંધું સમજીને તારું મગજ બગાડત..!


મારી દીકરી તું તો મારા ઘરનું માન હતી, અને આ તારા સાસરિયાનું પણ તું અભિમાન બને તેવા હેતુંથી અમે આ કર્યું.! બાકી અમે બધા જ તને અનહદ પ્રેમ કરીએ છીએ.”

લેખક : આયુષી સેલાણી

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ