નિર્દોષતા – માતા પિતાને તેમની નાનકડી દિકરીએ સમજાવી બહુ ઊંડી વાત, દિકરીઓ ખરેખર કેટલી સમજદાર હોય છે…

ઘણીવાર નાનકડી એવી વાત પણ આપણને ઘણું શીખવી જતી હોય છે…એવી જ એક ઘટના ની વાત કરું તો કાલે એક બઉ જ સામાન્ય ઘટના બની પણ એ ઘટના એ મને વિચારતી કરી મૂકી…કાલે મારી 2 વર્ષ ની નાની બેબી અનિકા મને બઉ જ હેરાન કરતી હતી. વેકેશન ના દિવસો માં ઘર મહેમાન થી ભરેલું હતું અને અચાનક બધા જતા રહ્યા એટલે એ આજે રોજ કરતા વધારે જ હેરાન કરી રહી હતી.


એક બાજુ ઘર નું કામ..અને એક બાજુ અનિકા ની મને ઉચકી ઉચકી ને ફર એ જીદ…જરાક વાર માટે હું ચિડાઈ ગયી..મને ગુસ્સો આવી ગયો…મેં મારી નાનકડી બેબી સાથે થોડી સખતાઈ દાખવી. હજી એ આમ તો નાની છે પણ સમજવા માં ખૂબ જ શાણી છે..હું એને લડી રહી છું એનો એને ખ્યાલ આવી ગયો એટલે થોડી જ વાર માં એ જોર જોર થી રડવા લાગી..મેં એને થોડી વાર રડવા દીધી. થોડી વાર રડી ને એ રમવા લાગી..બીજી જ મિનિટે એ માઁ માઁ કરતી મારી પાસે દોડી આવી અને મને વળગી પડી..મારી સાથે મસ્તી કરવા લાગી. ખિલખિલાટ હસવા લાગી….


એનું આ નિર્દોષ હાસ્ય જોઈ મને મેં દાખવેલી સખ્તાઇ પર અફસોસ થયો..મારી આંખ માં આંસુ આવી ગયા…હું એકીટશે એની સામે જોઈ રડી પડી.. મને રડતા જોઈ રહેલી મારી બેબી પણ રડમસ થઈ ગઈ…અચાનક જ એના કાન પકડી ને “મમ્મા સોરી…હું હવે હેરાન નહિ કરું” એવું કહેવા લાગી..હું તો એને આ રીતે જોઈ આશ્ચર્યચકિત જ થઈ ગઇ…આવડી અમથી છોકરી માં આટલી બધી સમજદારી મને સ્પર્શી ગઈ..ક્યાંક પોતાના ઉછેર પર ગર્વ પણ થઈ ઉઠ્યો..પણ આ ઘટના એ મને આખો દિવસ વિચારવા પર મજબૂર કરી દીધી.


2 દિવસ પહેલા હું અને મારા પતિ એક નાની અમથી વાત માં લડી પડ્યા હતા..અને એ ઘર્ષણ હજી પણ અમારા વચ્ચે અબોલા સ્વરૂપે હતું જ..મારી નાનકડી અનિકા એ આજે મને એ નાહક ના અબોલા દૂર કરવાની ઘણી મોટી શીખ આપી હતી..


કેટલી નિર્દોષતા હોય ને નાના બાળકો માં..મારુ એના પર આટલું ગુસ્સે થવું એ ભૂલી બીજી જ મિનિટે એટલી જ લાગણી થી મને વળગી પડી….એનો વાંક હતો કે નહીં એની જાણ એને નહતી છતાં કાન પકડી ને સોરી કહેવા લાગી…કદાચ આ વાતો એને સમજદારી મારા કરતાં મોટી બતાવતી હતી… કારણ હું અને મારા પતિ 2 દિવસ થી પોતપોતાના અહમ ને પોષતા રહી એકબીજા સાથે બોલવાનું ટાળતા હતા…..શું આપણે આપણા સંબંધોમાં નાના બાળકો જેવું મોટપ ના રાખી શકીએ?


બે નાનકડા બાળકો કોઈ વાતે જગડયા હોય તો આપણે જ કહેતા હોઈએ છે “એ તો થોડીવાર માટે જગડે પછી હતા એવા ને એવા જ થઈ જશે” ખરું કે નહીં?.


તો પછી આપણે હતા એવા ને એવા કેમ નથી થઈ શકતા.આપણે તો કોઈક જરા સરખું બોલી જાય તો એને આખી જિંદગી યાદ રાખી ને બેસી રહીએ છે..જો એ વ્યક્તિ સામે મળે તો મોઢું ફેરવી લઈએ છે..જૂની વાતો યાદ કરી ને સામે વાળાનું અને પોતાના મન ને દુભવ્યા કરીયે છે…બાળકો આમ તો આપણું જ પ્રતિબિંબ છે….બસ ફરક એટલો જ કે બાળકો પોતાના અહમ ને પોતાના પર કાબુ નથી મેળવવા દેતા…અને જ્યારે આપણે તો સદાય આપણા અહમ ને પોષતા રહીએ છે…


એક સવાલ તમને સૌને પૂછવાનું મન થાય છે…..નાના બાળકો આમ તો મોટા નું જ અનુકરણ કરતા હોય છે. પણ તમને એવું નથી લાગતું કે આપણે નાના બાળકો ની આ નિર્દોષતાનું અનુકરણ કરવા જેવું છે


લેખક : કોમલ રાઠોડ

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ