દિકરી મારી, અભિમાન મારું – અને આખરે એ પિતાને પોતાની ભૂલ સમજાઈ ગઈ અને તરત દિકરીને મળવા પરત ફર્યો…

“માર્વલ્સ… અમેઝિંગ… અદ્ભુત.. શાનદાર.. લાજવાબ… મેજિકલ..!!! ગુજરાતી અને ઈંગ્લીશની ડીક્ષનરીના શબ્દો ખૂટી પડે ને તો પણ તારા ડાન્સ માટેની પ્રશંશાને ન્યાય નહિ મળે દીકરી..!! ખરેખર તું અત્યંત સુંદર નૃત્યાંગના છે.. તું એક કોમળ કળીની જેમ ખીલીને તારા નૃત્યની શરૂઆત કરે છે ને ઘડીકમાં તો જાણે રૌદ્ર સ્વરૂપની દુર્ગા બની જાય છે.. કથક કરતા કરતા જેઝ કરવા લાગે છે ને વળી ઘૂમર કરીને સાલસામાં રંગ જમાવી દે છે.આટલા બધા ડાંસ ફોર્મ્સ તને આવડે છે..તારા પરિવારને તો અત્યંત ગર્વ હશે ને તારા પર..!!” ને પોતાના નવા આવેલા ડાન્સ ફેકલ્ટીનો આ પ્રશ્ન સાંભળતા જ સુગંધીના મુસ્કુરાતા અધરો અચાનક જડ થઇ ગયા.. પરિવારમાં આમ તો પપ્પા મમી ને મોટો ભાઈ હતા બીજા કાકા ને ને અદા ને એ બધા તો ખરા જ પણ એના ઘરમાં તો આ ત્રણ જ હતા ને… પરંતુ શું ખરેખર કોઈને પોતાના પર ગર્વ હતો ખરો?? નાની હતી ત્યારથી જ તેના તાલ અને લય જાણે ત્તેના જીવનના ધબકારા બની ગયેલા.. તેને યાદ પણ નથી કે નૃત્યનો રંગ ક્યારથી ચઢ્યો હતો તેને.. બસ બીજા ધોરણમાં હતી ત્યારે મમી પાસે કથક અને વેસ્ટર્ન ડાન્સ સીખવાની જીદ કરેલી.. ઘરે બેસીને ટીવી જોવે એ કરતા દીકરી બહાર કંઇક શીખે એમાં તેના મમીને વાંધો નહોતો.. જ્યારે પપ્પાને વાત કરી ત્યારે તેના પપ્પાને થોડો વાંધો પડ્યો.. એમનું કહેવું એમ હું કે અલોહા કે એવા કોઈ ક્લાસમાં જઈને સુગંધીએ કંઇક શીખવું જોઈએ. પણ પછી ધીમે ધીમે સમય જતા તેઓ પણ ટેવાઈ ગયા.. બેશક તેઓ ખુશ તો નહોતા જ..!!આર્ટસ સાથે બારમું ધોરણ પાસ કર્યા પછી તેણે તેના પપ્પા પાસે ડાન્સિંગમાં આગળ વધવાની ઈચ્છા વ્યક્ત કરી.. ને શહેરની પ્રખ્યાત પરફોર્મિંગ આર્ટસ કોલેજમાં તેનું એડમીશન થયું.. નાનપણથી દીકરીને એન્જીનીયર બનાવવા ઈચ્છતા તેના પપ્પાને સુગંધી જે દિશામાં આગળ વધી રહી તે જરા પણ નહોતી પસંદ.. પરંતુ તેઓ ક્યારેય ખુલીને કઈ બોલતા નહિ.. રોજ અલગ અલગ કોમ્પીટીશનમાં ભાગ લેતી સુગંધી ધીરે ધીરે બધા ડાંસ ફોર્મ્સમાં માહિર બનવા લાગી હતી.. નૃત્યથી હવે તે નૃત્ય નાટિકા તરફ વળી હતી..ઇતિહાસના અમર સ્ત્રીપાત્રોના તે અવર્ણનીય રીતે પરફોર્મન્સ આપતી.
હવે તે તેના દિવસનો મોટાભાગનો સમય કોલેજમાં અને બાકીનો સમય ડાંસ શીખવામાં વિતાવતી.. પેશનને પામવા મથતી સુગંધી કદાચ પરિવારને ઘણો પાછળ છોડી રહી હતી.. ઘણી વખત તો એવું બનતું કે તે અને તેના પપ્પા દિવસો સુધી એકબીજાને ના મળે.. રાત્રે તેઓ નવ વાગ્યે આવે ત્યારે સુગંધી સુઈ ગઈ હોય.. સવારમાં પાંચ વાગ્યામાં તેને પ્રેક્ટીસ હોય તેથી વહેલી સુઈ જાય.. અને સવારે નીકળી જાય..!! જો કે રાકેશભાઈનું પણ એવું જ હતું.. ઘરે આવે ત્યારે પણ તે ઓફીસના કામમાં જ વ્યસ્ત હોય.. તેઓ પણ સામે પક્ષે ક્વોલીટી સમય પરિવારને આપી નાં શકતા..!!“સુગંધી અઠવાડિયા માટે હવે ક્લાસમાં નાં જતી.. આપણે બધા સાથે ટ્રીપ પર જઈ રહ્યા છીએ.. કોલેજે ના કહી દેજે..!! એક દિવસ સવાર સવારમાં સુગંધીના મમીએ તેને કહ્યું.. “પણ મમી.. બે દિવસ પછી મારું ફાઈનલ પરફોર્મન્સ છે.. તને વાત તો કરેલી યાર.. હું સ્ટેટ લેવલે પરફોર્મ કરવાની છું. અને ખબર છે જો હું આમાં જીતીશ તો મને નેશનલ લેવલે આગળ મોકલવામાં આવશે.. આ સૌથી મોટી તક છે મારા જીવનની.. પ્લીઝ પપ્પાને સમજાવ ને..!! અને યાર તમને પણ હું ત્યાં જ જોવા ઈચ્છું છું. તારી દીકરીનું આટલું મોટું પરફોર્મન્સ તમે મિસ કરી દેશો? મને ચીયર કરવા નહિ આવો?”
“ના સુગંધી.. તું તારા આ બધા નખરામાં બીજું બધું તો ભૂલી જ ગઈ છે.. ઘણા સમય પછી આપણે બધા આ રીતે સાથે બહાર જઈ રહ્યા છીએ.. મને કોઈ જ પ્રકારના નાટક નહિ જોઈએ.. હું તારા પપ્પાને પૂછવાની પણ નથી અને કઈ કહેવાની પણ નથી..” ને સુગંધી ગુસ્સામાં પગ પછાડતી ત્યાંથી જતી રહી.. તે આખી રાત તે વિચારતી રહી કે તે શું કરે…!! બીજા દિવસની સવાર જરા અલગ હતી.. “સાંભળો તો.. તમને કહું છું.. આ સુગંધી ક્યાય નથી દેખાતી..!! આખા ઘરમાં જોઈ લીધું મેં… ક્યાય નથી..!! જરા તપાસ કરોને એના ફ્રેન્ડસને ત્યાં ગઈ હશે..!!” રાકેશભાઈનો મગજ છટક્યો.
“મેં તને કહ્યું હતું કે એને આવા બધા ચાય્ગલાવેળાથી દુર રાખજે.. અંતે એણે પોતાના મનનું ધાર્યું જ કર્યું ને.. રીના.. મારી ઈચ્છા હતી કે એ ડોક્ટર બને.. મોટાભાઈની ત્રણેય દીકરીઓ ડોક્ટર છે.. નાનકાને એક જ દીકરી છે પણ એ આઇઆઇટીમાં ભણે છે મુંબઈ.. અને મારી દીકરી શું કરે છે?? મને નીચું દેખાડવાના કામ.. આ રીતે નાચીને.. યુ નો વોટ. હવે એ ગઈ છે ને.. તો એને પાછી પણ નાં આવવા દઈશ આ ઘરમાં.. છોડીને ગઈ છે ને એના બાપનું ઘર.. ભોગવશે હવે..!!”ને ગુસ્સામાં પગ પછાડતા રાકેશભાઈ ત્યાંથી ચાલ્યા ગયા.. રીનાબહેન શું કરવું તેની અસમંજસમાં પડી ગયેલા.. કદાચ છેલ્લા દસ-બાર વર્ષનો ગુસ્સો એકસામટો રાકેશભાઈએ આજે પોતાની દીકરી માટે જતાવી દીધો હતો.. બીજા દિવસે સવારે નક્કી થયા અનુસાર બધા ટ્રીપ પર જવા નીકળ્યા.. રીનાબહેનને સુગન્ધીની બહુ ચિંતા થઇ રહી હતી.. પણ તેનો ફોન નહોતો લાગતો.. સ્વર, સુગંધીના ભાઈએ પણ બધે તપાસ કરી. તે ક્યાય નહોતી.. તેના ડાન્સ ક્લાસમાં પણ નહિ.. રાકેશભાઈના મોટા ભાઈ અને ભાભી, તેમની ત્રણ દીકરી ને એક દીકરો, નાનો ભાઈ અને એની પત્ની અને તેમની દીકરી તથા રાકેશભાઈનો પરિવાર ટ્રીપ પર જવા નીકળ્યા.. ફક્ત સુગંધી તેમની સાથે નહોતી.
તે દિવસે આખો દિવસ તેઓ હિલ સ્ટેશન અને તેની આસપાસ ફર્યા.. ત્યાં નેટવર્કની કમી હતી એટલે બધાના ફોન બંધ હતા.. પરંતુ જેવા તેઓ નેટવર્ક વાળા એરિયામાં આવ્યા કે રાકેશભાઈના મોટા ભાઈના ફોનની રીંગ વાગી. “હેલો.. રાજેશ.. બે આ તારી ભત્રીજીનું નામ જ સુગંધી ને?? ગજબની ડાન્સર છે યાર.. શું ડાન્સ કર્યો.. પણ એને અને એના પપ્પાને કઈ વાંધો છે?? કંઇક એની સ્પીચમાં એવું જ બોલી હતી.. અમે લોકો એ કોમ્પીટીશનમાં ગયેલા.. એક્ચ્યુલી ત્યાં સરોજ ખાન, હેમા માલિની અને બીજા ઘણા મોટા ડાન્સર્સ આવવાના હતા અને મારી દીકરીને ડાન્સિંગમાં અત્યંત રસ છે.. એટલે જોવા ગયેલા.. બહુ મોંઘી ટીકીટ હતી હો લ્યા..કમાલ છે પણ તારી ભત્રીજી..!!”
ને આ તરફ રાજેશભાઈ.. રાકેશભાઈના મોટાભાઈ ચુપચાપ સાંભળી રહ્યા હતા.. હજુ તો પાંચ મિનીટ થઇ ત્યાં કોઈ બીજાનો ફોન વાગ્યો.. ને બસ આ જ વાત.. એક પછી એક બધાના ફોન આવવા લાગ્યા.. જેઓ સુગંધી અને તેના પરિવારના કોઈ પણ સદસ્યને ઓળખતા હતા એ બધા જ ફોન કરવા લાગ્યા.. ને અંતે રાકેશભાઈનો પણ ફોન વાગ્યો.. “હેલો..” “રાકેશ..” “હા સર..” “ભાઈ તારી દીકરી તો છવાઈ ગઈ હો.. લાગે છે આપણા શહેરનું નામ રોશન કરશે.. હવે તો સુપરસ્ટાર બની ગઈ.. ખરેખર અમને તો જણાવતા ગર્વ થશે કે એ સુગંધી કામદારના પપ્પા અમારી કંપનીમાં છે.. ખરેખર માની ગયા તારી દીકરીને અને તેના પેશનને.. પણ ભાઈ, તારે ને એને કઈ વાંધો છે?? એ કેમ આવું બોલતી હતી..?? ને હા તને રજા જોઈએ એટલી મળશે હો..” રાકેશભાઈને કઈ સમજાય નહોતું રહ્યું..
રીનાબહેન ત્યાં આવ્યા અને જેવો રાકેશભાઈએ ફોન મુક્યો કે બોલ્યા. “તમારી દીકરી તમારા જેવી જ જીદ્દી છે હો.. ખરેખર.. મારી બહેનપણીએ ટીવીમાં જોયું હતું.. “પપ્પા, આઈ એમ સોરી.. હું જાણું છું કે મારું કરિયર બનાવવામાં અને આગળ વધવામાં હું મારા પરિવારને અને સંબંધોને ભૂલી ગઈ છું. પણ પપ્પા એનો મતલબ એવો નથી કે મને તમારી જરૂર નથી.. પપ્પા નૃત્ય મારા માટે સાધના છે.. અને તમે મારા ભગવાન છો.કોને પસંદ કરત હું કહો?? મેં તમારું તમારા કામ પ્રત્યે ડેડીકેશન જોયું છે ને એટલે જ આ હું તમારી પાસેથી જ શીખી છું હું… પ્લીઝ મને માફ કરી દો પપ્પા.. અને હા આવતો આખો મહિનો નો ડાન્સ.. ઓન્લી ડેડી એન્ડ ડોટર સ્પેશિયલ ક્લાસ..!! આપણે બધા સાથે રહીશું.ને તમે પણ એના માટે રજા લઇ લેજો હો ઓફિસથી.. પ્લીઝ પપ્પા ગર્વ કરો ને મારા પર.. કરશો?” આવું બોલી એ કોમ્પીટીશનમાં જીતી ને ત્યારે ફાઈનલ સ્પીચમાં..!! ને આ સાંભળીને રાકેશભાઈની આંખોમાં આંસુ વહેવા લાગ્યા.. તેઓ તરત જ ત્યાંથી પાછા ઘરે જવા નીકળ્યા. જેવા ઘરે પહોચ્યા અને જોયું તો સુગંધી બહાર જ બેઠી હતી.. રાકેશભાઈ દોડીને તેમની દીકરીને વળગી પડ્યા..!! “સોરી દીકરા.. ક્યારેક ભૂલ માં-બાપથી પણ થઇ જતી હોય છે.. તને બેઝીક રૂટીન લાઈફ કરતા કંઇક અલગ કરતી જોઈ ને એટલે ડર લાગતો હતો.. સમાજનો અને મારો પણ.. આજે જ્યારે જોયું કે તું તો એકલી તારી જાતે લડી લે છે ત્યારે હું ખોટો છું એનું ભાન થયું.. ને હા દીકરા “તારા પર ગર્વ પણ થયો..” અત્યંત..!!!!!
લેખક : આયુષી સેલાણી

વાર્તા વિષે અભિપ્રાય કોમેન્ટમાં આપો, દરરોજ આવી અનેક વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર.